નાયક નીરજ કુમાર સિંઘ, એસી એ ભારતીય ભૂમિસેનાના સૈનિક હતા અને તેમને ૫૭મી રાષ્ટ્રિય રાઇફલ્સમાં ફરજ બજાવાતાં મૃત્યુપર્યંત ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ રાષ્ટ્રિય વીરતા પુરસ્કાર અશોક ચક્ર એનાયત કરાયો હતો.

ઓગષ્ટ ૨૪, ૨૦૧૪ના રોજ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા ખાતે એક શોધ અભિયાન દરમિયાન આતંકવાદીઓએ શોધક સૈન્ય ટુકડી પર મોટા પ્રમાણમાં ગોળીબાર કર્યો. તે દરમિયાન સિંઘે એક અન્ય ઘાયલ સૈનિકને બચાવ્યો અને બે આતંકવાદીઓને ઠાર માર્યા. 

આ કાર્યવાહીમાં તેઓ ઈજાગ્રસ્ત થયા અને પાછળથી તેઓ શહીદ થયા. તેને ધ્યાનમાં લેતાં ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને ૨૬ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ મેજર મુકુંદ વરદરાજન સાથે અશોક ચક્ર વડે સન્માનિત કર્યા.

અશોક ચક્રનો તેમનો પ્રશસ્તિ પત્ર નીચે મુજબ લખાણ ધરાવે છે:[૧]

૨૪ ઓગષ્ટ ૨૦૧૪ ના રોજ ચોક્કસ અને સચોટ સૂચનાના આધાર પર જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લોના ગુર્દાજી ખાતે બ્રિગેડ ઘાતક પ્લાટુને શોધ અને નાશની કાર્યવાહીનો આરંભ કર્યો. આશરે ૧૦:૨૫ વાગ્યે એક ઢોક પાસે શોધક ટુકડીને હરકત નજરે પડી અને તે જ સ્થળે તેમના પર ગોળીબાર થવા લાગ્યો. ત્યારબાદ થયેલી મુઠભેડ દરમિયાન નાયક નીરજના એક સાથીને ગોળી વાગી. પોતાની સલામતીની પરવા કર્યા વિના નાયક નીરજ આગળ વધ્યા અને તેમના ઘાયલ સાથીને બચાવીને પાછો લાવ્યા. તે દરમિયાન આતંકવાદીઓએ નાયક નીરજ પર મોટાપ્રમાણમાં ગોળીબાર અને હાથગોળા વડે હુમલા કર્યા. પરંતુ વીરતા પ્રદર્શિત કરતા નીરજ એક આતંકવાદીની નજીક ગયા અને તેને ઠાર માર્યો. તે જ સમયે અન્ય એક આતંકવાદીએ તેમના પર હુમલો કર્યો જેને પરિણામે તેમની રાઇફલ હાથમાંથી પડી ગઈ અને તેમની છાતીમાં ગોળી વાગી. પ્રાણઘાતક ઇજા હોવા છતાં અપ્રતીમ સાહસ દર્શાવતાં તેઓ આતંકવાદી પર છલાંગ લગાવી અને તેનું હથિયાર છીનવી અને હાથોહાથની લડાઈમાં આતંકવાદીને મારી નાખ્યો. તેઓ બેહોશ થયા ત્યાં સુધી મુઠભેડ સ્થળથી હટવા માટે ન માન્યા. બાદમાં તેમને ૯૨ બેઝ હોસ્પિટલ ખાતે હેલિકોપ્ટર દ્વારા લઈ જવાયા પરંતુ તેઓ શહીદ થયા.

સંદર્ભ ફેરફાર કરો