નૈષધીયચરિત

શ્રી હર્ષ દ્વારા રચાયેલું સંસ્કૃત મહાકાવ્ય

નૈષધીયચરિત અથવા નૈષધચરિતસંસ્કૃત ભાષામાં શ્રીહર્ષ દ્વારા રચાયેલું મહાકાવ્ય છે. શ્રીહર્ષ અગિયારમી કે બારમી સદીમાં થઈ ગયેલા કવિ હતા. સંસ્કૃતના પંચમહાકાવ્યોમાં ગણના પામેલ આ મહાકાવ્યનો પ્રધાનરસ શૃંગાર છે. આ કાવ્યમાં નિષધ દેશના રાજા નળ અને વિદર્ભ દેશની રાજકુમારી દમયંતી વચ્ચેના પ્રણયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કાવ્યનું વિષયવસ્તુ મહાભારતના નલોપાખ્યાન પર આધારિત છે.[]

નૈષધીયચરિત
નૈષધચરિત
Author(s)શ્રીહર્ષ
Languageસંસ્કૃત
Dateઅગિયારમી કે બારમી સદી
Subjectનળ અને દમયંતીનો પ્રણય

કથાવસ્તુ

ફેરફાર કરો

આ કાવ્યના કથાવસ્તુમાં નળ અને હંસનો મેળાપ, હંસનું દમયંતી પાસે જવું, દમયંતીના મનમાં નળ પ્રત્યે પ્રેમની ઉત્પત્તિ, દમયંતીનો સ્વયંવર, સ્વયંવરમાં દેવોનું આગમન, સરસ્વતી દ્વારા સ્વયંવરમાં પાંચ નળનો શ્લેષાત્મક પરિચય, સાચા નળની પસંદગી, દમયંતી અને નળનો વિવાહ, દમયંતી પ્રાપ્ત ન થવાથી કલિની નિરાશા, સુરત ક્રીડા, ચંદ્રવર્ણન વગેરે પ્રસંગોનો સમાવેશ છે.[]

વનવિહાર દરમિયાન પકડેલા હંસ પાસેથી નળ દમયંતીના સૌંદર્યની પ્રશંસા સાંભળે છે. ત્યારબાદ દમયંતી નળના સૌંદર્યની પ્રશંસા સાંભળી વિયોગનું દુઃખ અનુભવે છે. દમયંતીના પિતા ભિમક દમયંતીનો સ્વયંવર યોજે છે. આ સ્વયંવરમાં ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમ નળને પોતાના દૂત તરીકે દમયંતી પાસે મોકલે છે અને પોતાને પસંદ કરવાની વાત કહેવડાવે છે. આ સાંભળી દમયંતી રડે છે અને દૂત બનીને આવેલો નળ હંસની પ્રેરણાથી પોતાનો સાચો પરિચય આપે છે. દમયંતી નળને પરણે છે. લગ્નવિધિ પૂરો થતાં પાછા ફરી રહેલા દેવો સાથે કલિ વેદોની પ્રમાણભૂતતા અંગે વાદવિવાદ કરે છે. અંતે નળ અને દમયંતીના સુખી લગ્નજીવના વર્ણન સાથે આ મહાકાવ્ય સમાપ્ત થાય છે.[]

મૂળ રુપે આ મહાકાવ્ય સાઠ કે એકસોવીસ સર્ગો ધરાવતું હતું, પરંતુ અત્યારે આ કાવ્ય બાવીસ સર્ગો સુધીનું અધૂરું જ મળી આવે છે. સત્તરમા સર્ગમાં કલિ પ્રતિજ્ઞા કરે છે કે તે નળ અને દમયંતી વચ્ચે વિયોગ કરાવશે. પરંતુ અત્યારે પ્રાપ્ત થતા મહાકાવ્યમાં નળ અને દમયંતિના વિવાહ અને તેમના વૈવાહિક જીવનના આનંદ-પ્રમોદનું જ નિરૂપણ જોવા મળે છે. નીલકમલ ભટ્ટાચાર્યના મત અનુસાર આ મહાકાવ્યના બાવીસમા સર્ગના છેલ્લા ચાર શ્લોકો પ્રક્ષિપ્ત છે અને મહાકાવ્યનો બાકીનો ભાગ લુપ્ત થઈ ગયો છે.[]

ટીકાઓ અને અનુવાદો

ફેરફાર કરો

આ મહાકાવ્ય ઉપર પાંત્રીસથી વધુ ટીકાગ્રંથો લખાયા છે. તેમાં ધોળકાના નાગરબ્રાહ્મણ ચાંડુ પંડિતની ટીકા પ્રસિદ્ધ છે.[]

આ કાવ્યનો ગુજરાતીમાં અનુવાદ ચન્દ્રકાન્ત ટોપીવાળાએ કરેલો છે.[સંદર્ભ આપો]

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ કંસારા, નારાયણ (1998). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૦ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૭૭. OCLC 313334903. Missing or empty |title= (મદદ)
  2. માધવ, હર્ષદેવ (૧૯૯૬). "નૈષધીયચરિત". માં ટોપીવાળા, ચંદ્રકાન્ત; દવે, રમેશ ર. (સંપાદકો). ગુજરાતી સાહિત્યકોશ (સાહિત્યિક પ્રકીર્ણ). ખંડ ૩. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૩૫૮. OCLC 26636333.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો