પૂજાલાલ દલવાડી

ગુજરાતી કવિ

દલવાડી પૂજાલાલ રણછોડદાસ (૧૭-૬-૧૯૦૧, ૨૭-૧૨-૧૯૮૫) : કવિ. જન્મ: ગોધરા, પંચમહાલ જિલ્લો. વતન: નાપા, ખેડા જિલ્લો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરા અને નડિયાદ ખાતે. ૧૯૧૮માં મૅટ્રિક. ઈન્ટર સુધી જઈ અભ્યાસ છોડી દીધો. શાળાના અભ્યાસ દરમિયાન નડિયાદમાં અંબાલાલ પુરાણીના સંપર્કથી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ અને શ્રી અરવિંદના આધ્યાત્મિક જીવન પ્રત્યે આકર્ષણ અને દેશભક્તિ તથા ચારિત્ર્યશુદ્ધિના સંસ્કાર. ૧૯૨૩માં એકાદ વર્ષ કોસિન્દ્રાની ગ્રામશાળામાં વ્યાયામ શિક્ષક. ૧૯૨૬ થી પોંડિચેરીમાં સ્થાયી વસવાટ.

આધ્યાત્મિક પ્રકૃતિને લીધે સ્વદેશપ્રેમ અને કવચિત્ કુટુંબપ્રેમને બાદ કરતાં વિષય પરત્વે ગાંધીયુગના અન્ય કવિઓની કવિતાને અનુસરવાનું વલણ પહેલેથી એમની કવિતામાં નથી, પરંતુ અભિવ્યક્તિ પરત્વે તે બ. ક. ઠાકોરની કવિતાનો પ્રભાવ ઝીલે છે; એટલે એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘પારિજાત’ (૧૯૩૮)માં અધ્યાત્મભાવ સૉનેટના સ્વરૂપમાં સંસ્કૃતાઢય શૈલીમાં ઝિલાયો છે. પોંડિચેરીનિવાસ દરમિયાન એમની કવિતા ગીતો અને દુહા-સોરઠા તરફ વિશેષ વળે છે તથા અક્ષરમેળ છંદોને છોડી માત્રામેળ છંદો અને સરળ ભાષાનો વધુ આશ્રય લે છે તોપણ પ્રારંભકાળની કવિતાની દીપ્તિ ફરી એમની કવિતા બતાવી શકી નહીં. ‘પ્રભાતગીત’ (૧૯૪૭), ‘શ્રી અરવિંદ વંદના’ (૧૯૫૧), ‘શ્રી અરવિંદ મહાપ્રભુ’ (૧૯૭૨) અને ‘સાવિત્રી પ્રશસ્તિ’ (૧૯૭૬)માં અરવિંદપ્રશસ્તિનાં કાવ્યો છે. ‘જપમાળા’ (૧૯૪૫), ‘ઊર્મિમાળા’ (૧૯૪૫), ‘ગીતિકા’ (૧૯૪૫), ‘શુભાક્ષરી’ (૧૯૪૬), ‘આરાધિકા’ (૧૯૪૮) અને ‘મા ભગવતી’ (૧૯૭૪) નાં કાવ્યોને એકત્ર કરી પ્રગટ થયેલા ‘મહાભગવતી’ (૧૯૭૭) સંગ્રહમાં શ્રી માતાજીની પ્રશસ્તિનાં મુક્તકો અને ગીતો છે.


‘બાલગુંજાર’ (૧૯૪૫), ‘કાવ્યકિશોરી’ (૧૯૪૬), ‘ગીતગુંજરી’ (૧૯૫૨), ‘બાલબંસરી’ (૧૯૬૦) અને એ ચારેને એકત્ર કરી પ્રગટ કરેલ ‘બાલગુર્જરી’ (૧૯૮૦)માં તેમ જ ‘કિશોરકાવ્યો’ (૧૯૭૯), ‘કિશોરકુંજ’ (૧૯૭૯), ‘કિશોરકાનન’ (૧૯૭૯) અને ‘કિશોરકેસરી’ (૧૯૭૯)માં બાળકો અને કિશોરો માટેનાં ગીતો છે. ‘પાંચજન્ય’ (૧૯૫૭)માં વીરસનાં ગીતો છે. ‘મુક્તાવલી’ (૧૯૭૮), ‘શુક્તિકા’ (૧૯૭૯) અને ‘દુહરાવલી’ (૧૯૮૦)માં અધ્યાત્મ અને વીરભાવનાં મુક્તકો છે. ‘ગુર્જરી’ (૧૯૫૯), મરજીવિયાં એ સૉનેટસંગ્રહ છે. ‘વૈજ્યન્તિ’ (૧૯૬૨), ‘અપરાજિતા’ (૧૯૭૯), ‘કાવ્યકેતુ’ (૧૯૭૯), ‘સોપાનિકા’ (૧૯૮૦), ‘શતાવરી’ (૧૯૮૦), ‘દુઃખગાથા’ (૧૯૮૩) વગેરેમાં અધ્યાત્મભાવ, પ્રાંતપ્રેમ અને રાષ્ટ્રપ્રેમનાં છંદોબદ્ધ કાવ્યો અને ગીતો છે. ‘ધ્રુવપદી’ (૧૯૭૮) અને ‘શબરી’ (૧૯૭૮) એ તે તે ભક્તના મહાત્મ્યને આલેખતાં કથાલક્ષી કાવ્યો છે. ‘મીરાંબાઈ’ (૧૯૮૦) એ બાળકો માટે રચાયેલી ગીતનાટિકા છે.

‘છંદપ્રવેશ’ (૧૯૭૯), ‘શ્રી અરવિંદ : જીવનદર્શન અને કાર્ય’ (૧૯૭૯), ‘સાવિત્રી સારસંહિતા’ (૧૯૭૬) વગેરે એમના ગદ્યગ્રંથો છે. એ સિવાય એમણે સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ કેટલાક ગ્રંથો લખ્યા છે.

‘સાવિત્રી’-ભા.૧-૬, ‘મેઘદૂત’ (૧૯૮૦) વગેરે એમના પદ્યાનુવાદના તથા ‘પરમ શોધ’ (૧૯૪૫), ‘શ્રી અરવિંદનાં નાટકો’ (૧૯૭૦), ‘માતાજીની શબ્દસુધા’ (૧૯૭૨) વગેરે એમના ગદ્યાનુવાદના ગ્રંથો છે.

પારિજાત (૧૯૩૮) : પૂજાલાલ રણછોડદાસ દલવાડીનો કાવ્યસંગ્રહ. સૉનેટ, મુક્તક, ગીત, લાંબાં વૃત્તાંતાત્મક અને ઉદબોધન કાવ્યો મળીને કુલ ૧૨૧ રચનાઓનો અહીં સમાવેશ થયો છે. પ્રારંભમાં બ. ક. ઠાકોરે પ્રવેશક લખ્યો છે. સંગ્રહમાંનાં સંખ્યાબંધ સુઘડ સૉનેટો ધ્યાન ખેંચે છે. ગાંધીયુગીન પરંપરામાં રહીને અરવિંદના સાધક હોવા છતાં સાંપ્રદાયિકતાથી મુક્ત એવો ભક્તિભાવ અને શ્રદ્ધાનો અવાજ એમની રચનાઓમાં પ્રગટ્યો છે. અલબત્ત, ગીતો કવિને હસ્તગત થયાં લાગતાં નથી. ‘પ્રિયા કવિતાને’ અને ‘સદગત પિતાજીને શ્રદ્ધાંજલિ’ એમની નોંધપાત્ર રચનાઓ છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય