પ્રબન્ધ એ ઐતિહાસિક, ચરિત્રાત્મક વસ્તુવાળું, આખ્યાન પદ્ધતિનું કથનાત્મક અને વર્ણનાત્મક પદ્યસ્વરૂપ છે. પ્રબન્ધનું કથાવસ્તુ અને એની નિરૂપણશૈલી કોઈ ચોક્કસ નિયમોને અનુસરતા નથી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત પ્રબન્ધોમાં પદ્મનાભ કૃત 'કાન્હડદે પ્રબંધ' અને લાવણ્યસમયસૂરિ કૃત 'વિમલપ્રબંધ' વગેરેનો સમાવેષ થાય છે. અમુક અંશે કવિકલ્પના અને દંતકથાઓ ઉપર આધારિત હોવા છતાં, પ્રબન્ધગ્રંથો મધ્યકાલીન સામાજિક અને સાંસ્કૃતિક સ્થિતિના અભ્યાસ માટેની ઉપયોગી દસ્તાવેજી સામગ્રી પૂરી પાડે છે.

પ્રબન્ધમાં સામાન્ય રીતે ઐતિહાસિક અથવા ધાર્મિક વીર પુરુષના ચરિત્રની આસપાસ પાત્રો, પ્રસંગો પ્રયોજીને તેના ચરિત્રને ઉપસાવવામાં આવે છે. મોટાભાગે એમાં માત્રામેળ છંદોનો ઉપયોગ થાય છે. એમાં નગર, પ્રકૃતિ, રીતરિવાજો, યુદ્ધવર્ણનો, ચમત્કારો વગેરેના આલેખન વડે પ્રબન્ધના વિષયવસ્તુને વિકસાવવામાં આવે છે. નાયકઓના ચરિત્રાત્મક નિરૂપણ દ્વારા એમની ધર્મવીરતા અને શૌર્યનું દર્શન કરાવવામાં આવે છે. આથી પ્રબન્ધનો પ્રમુખ રસ વીર હોય છે, તેમજ વીરરસની સાથે અન્ય ગૌણ રસોની ગૂંથણી થયેલી હોય છે. રાસા અને આખ્યાન એમ બંને સાહિત્યસ્વરૂપોના તત્ત્વોની ગૂંથણી પ્રબન્ધમાં જોવા મળે છે.[][]

પ્રબન્ધમાં ઐતિહાસિક વીરપુરુષના ચરિત્રનું આલેખન હોવા છતાં એમા કવિની કલ્પના તેમજ દંતકથાના તત્ત્વો પણ ભળે છે, આથી એમાં પ્રમાણિત ઇતિહાસ જોવા મળતો નથી. એમ છતા પ્રબન્ધમાં સમકાલીન સામાજિક પરિસ્થિતિનું પ્રતિબિંબ પડતુ હોવાથી એમાંથી મધ્યકાળના સાંસ્કૃતિક ઇતિહાસ માટેની ઉપયોગી સામગ્રી પ્રાપ્ત થાય છે.[]

મધ્યકાળમાં પંદરમા શતક પૂર્વે જૈન કવિઓ દ્વારા ધર્મબોધ ઉદ્દેશથી પ્રબન્ધ કાવ્યસ્વરૂપ સારા એવા પ્રમાણમાં ખેડાયું હતું. જૈન કવિઓએ કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ અને વિમલ મંત્રી જેવા ઐતિહાસિક ધર્મપુરુષોના ચરિત્રોને કેન્દ્રમાં રાખી પ્રબન્ધો રચ્યા છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ભામ્ભી, પ્રાગજીભાઈ (1999). "પ્રબન્ધ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૫૮. OCLC 163447137.
  2. બ્રહ્મભટ્ટ, પ્રસાદ (2016). સત્તર સાહિત્યસ્વરૂપો (સ્વરૂપ અને વિકાસ) (6th આવૃત્તિ). અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ ૨૦૦–૨૦૪. ISBN 978-93-5108-022-0.