બળવંતરાય ઠાકોર

ભારતીય કવિ અને લેખક
(બ. ક. ઠાકોર થી અહીં વાળેલું)

પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર બળવંતરાય કલ્યાણરાય ઠાકોર અથવા સેહની કે બ.ક.ઠા.ના ઉપનામથી ઓળખાતા હતા. તેમની મુખ્ય રચનાઓમાં ભણકાર અને નિરુત્તમા નામે કવિતા, કવિતા શિક્ષણ, લિરિક, નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, પ્રવેશકો નામે સંશોધન/ વિવેચન, દર્શનિયું નામે વાર્તા, ઊગતી જુવાની, લગ્નમાં બ્રહ્મચર્ય નામે નાટક, આપણી કવિતા, અંબડવિદ્યાધરરસ, વિક્રમચરિતરાસ, કાન્તમાળા નામે સંપાદન, અંબાલાલભાઈ ના નામે જીવન ચરિત્ર, પંચોતેરમે નામક આત્મકથા, દિન્કી નામક ડાયરી, અને અભિજ્ઞાનશાકુન્તલ, માલવિકાગ્નિમિત્ર, ગોપીહૃદય, વિક્રમોર્વશીયમ્, સોવિયેટ નવજુવાની જેવા અનુવાદો તેમણે ગુજરાતી ભાષાને આપ્યા. તેમને અંગ્રેજ સરકાર તરફથી ‘દીવાન બહાદુર’નો ખિતાબ મળ્યો હતો.

બળવંતરાય ઠાકોર
જન્મનું નામ
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
જન્મબળવંતરાય કલ્યાણરાય ઠાકોર
૨૩મી ઓક્ટોબર, ૧૮૬૯
ભરુચ, ગુજરાત
મૃત્યુ ૨જી જાન્યુઆરી , ૧૯૫૨
મુંબઇ
ઉપનામસેહની, બ.ક.ઠા., વલ્કલ
વ્યવસાયકવિ, વિવેચક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ.
માતૃ શિક્ષણ સંસ્થાડેક્કન કોલેજ ઓફ પોસ્ટ-ગ્રેજ્યુએટ & રીસર્ચ, પુને
સમયગાળોપંડિત યુગ
લેખન પ્રકારોસોનેટ
નોંધપાત્ર સર્જનો
  • ભણકાર (1918; ધારા પહેલી)
  • ભણકાર (૧૯૨૮; ધારા બીજી)
  • મ્હારા સોનેટ (૧૯૩૫)
સક્રિય વર્ષો૧૮૮૬ - ૧૯૫૨
જીવનસાથીઓચંદ્રમણિ

જન્મ અને શિક્ષણ અને કાર્ય

ફેરફાર કરો

તેઓનો જન્મ ૨૩ ઓક્ટોબર ૧૮૬૯નાં રોજ ગુજરાત રાજ્યનાં ભરૂચ શહેરમાં થયેલો. તેઓએ ૧૮૮૩ માં મૅટ્રિક પાસ કરી, ૧૮૮૯ માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે સ્નાતકની પદવી મેળવી અને ૧૮૯૧માં પુના ડેક્કન કૉલેજમાં એમ.એ. ના અભ્યાસ માટે જોડાયા અને ૧૮૯૨ માં ત્યાં ફેલો નિમાયા. ૧૮૯૩ માં એમ.એ. થયા વગર જ કૉલેજ છોડી. ૧૮૯૫ માં કરાચીની ડી.જે. સિંધ આર્ટસ કૉલેજમાં ઇતિહાસ, તર્કશાસ્ત્ર અને નૈતિક તત્વજ્ઞાન (મોરલ ફિલોસોફી)ના કામચલાઉ અધ્યાપક તરીકે કાર્યભાર સંભાળ્યો. ૧૮૯૬ માં બરોડા કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય, તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાનના કામચલાઉ અધ્યાપક તરીકે કાર્ય કર્યું. એ જ વર્ષે અજમેરની સરકારી કૉલેજમાં ઇતિહાસ અને તત્વજ્ઞાનનાં અધ્યાપક રહ્યા. ૧૮૯૯માં પૂનાની ડેક્કન કૉલેજમાં કામચલાઉ પ્રાધ્યાપકપદે નિયુક્તિ થઈ. ૧૯૦૨માં પુનઃ અજમેરમાં અધ્યાપક અને ઉપાચાર્ય બન્યા. ૧૯૧૪માં પૂનાની ડેક્કન કૉલેજમાં કાયમી અધ્યાપક તરીકે નિયુક્ત થયા. ૧૯૨૪માં નિવૃત્ત થયા, પણ ૧૯૨૭ સુધી પૂના રહ્યા. ૧૯૨૮ થી ૧૯૩૭ સુધી વડોદરા અને ૧૯૩૭ થી આયુષ્યના અંત સુધી મુંબઈ રહ્યા. ૨ જાન્યુઆરી ૧૯૫૨ના રોજ તેમનું અવસાન થયું. નજીકના મિત્રવર્તુળમાં તેઓ ‘બલુકાકા’ નામથી ઓળખાતા હતા.

સાહિત્ય કૃતિઓ

ફેરફાર કરો

‘ભણકાર’ ધારા પહેલી (૧૯૧૮), ‘ભણકાર’ ધારા બીજી (૧૯૨૮), ‘મ્હારાં સૉનેટ’ (૧૯૩૫)- આ ત્રણે કાવ્યસંગ્રહો ને એ પછી લખાયેલી બધી કાવ્યરચનાઓને સમાવતા એમના ‘ભણકાર’ (૧૯૪૨) નામક કાવ્યગ્રંથમાં એમનાં કાવ્યોને વસ્તુ વિષયના સંદર્ભમાં સાત ગુચ્છમાં વિભાજિત કર્યાં છે. એમાં આત્મલક્ષી અને પરલક્ષી બન્ને પ્રકારનાં કાવ્યો છે. અંગત સ્વાનુભવનાં કાવ્યોમાં મુખ્યત્વે પ્રેમ, મૈત્રી, વાર્ધક્ય અને મૃત્યુ વિષયક કાવ્યો છે; તો પરલક્ષી સર્વાનુભવનાં કાવ્યોમાં મુખ્યત્વે સમાજ, રાજ્ય, ઇતિહાસ, પ્રકૃતિ અને પરમેશ્વર વિષેનાં કાવ્યો છે. એમનાં ઊર્મિકાવ્યો મુખ્યત્વે ચિંતનોર્મિકાવ્યો હોઈ આત્મલક્ષી છતાં અંતે તો પરલક્ષી હોય છે.

‘પ્રેમનો દિવસ’ ૧૮૮૯ માં આરંભાયું અને ૧૯૧૩માં કુલ અઢાર મણકામાં પૂર્ણ થયું. પછી એક વધુ મણકો ઉમેરાયો. કાવ્યમાં ‘એક કલ્પિત યુગ્મનાં હૃદયજીવનમાંની કેટલીક ક્ષણોનાં ચિત્રો’ છે. કલ્પિત દંપતીના જીવનમાંથી પ્રકીર્ણ ક્ષણોના માધ્યમે કવિએ પોતાની પ્રેમસમુત્ક્રાંતિનું છાયાચિત્ર આપ્યું છે. કાવ્યમાં કલ્પિત નાયક-નાયિકાની સતત સ્વગતોક્તિઓ અને ક્યારેક સંવાદ છે, એ દ્રષ્ટિએ તેને નાટ્યાત્મક ઊર્મિકાવ્ય કહી શકાય. આ કાવ્યમાળાની રચનાઓ પૈકી ‘પ્રેમની ઉષા’, ‘અદ્રષ્ટિદર્શન’, ‘મોગરો’, ‘વધામણી’, ‘જૂનું પિયેર ઘર’ તથા ‘વર્ષાની એક સુંદર સાંઝ’ અનવદ્ય સુંદરતાવાળી સૉનેટકૃતિઓ છે. કવિ ૧૯૧૩માં ‘પ્રેમ નો દિવસ’ પૂરું કરે છે અને બીજે જ વરસે મૃત્યુનું કાવ્ય ‘વિરહ’ નો આરંભ કરે છે એ સૂચક છે. પ્રેમ અને મૃત્યુ ભિન્નભિન્ન અનુભવ નથી, એક જ અનુભવ છે એવું એમાંથી સૂચવાય છે. ‘વિરહ’ માં કુલ ઓગણીસ મણકા છે. કવિ સ્વયં નાયક છે, કવિપત્ની ચંદ્રમણિ નાયિકા છે. મૃત્યુની ગાઢ છાયામાં કાવ્યનો પ્રારંભ થાય છે. છઠ્ઠા મણકામાં પત્નીનું મૃત્યુ થયા પછી સાતમા મણકાથી નાયકના વિરહશૂળનો આરંભ થાય છે. એનામાં વિરહને સહેવાની, વિશ્વયોજનાને સમજવાની શક્તિ નથી. કાવ્યમાં નાયકના વિરહદુઃખના ભાવની ઉત્કટતા અને કરુણ રસની ઉગ્રતા છે. એમણે ‘કાન્ત’ વિષયક કુલ તેર મૈત્રીકાવ્યો પણ રચ્યાં છે. આ કાવ્યોમાં કાન્તના જીવનના ગુણદોષનું, વ્યક્તિત્વના વિકાસહાસનું દર્શન છે.

એમણે વાર્ધક્યની વ્યથા ‘વૃદ્ધોની દશા’, ‘જર્જરિત દેહને’, ‘સુખદુઃખ-૧’ જેવાં કાવ્યોમાં બલિષ્ઠ રીતે પ્રગટાવી છે. ૧૯૨૩માં પૂનાની ડેક્કન કૉલેજને અંતિમ અભિવાદન રૂપે લખાયેલું કાવ્ય ‘વડલાને છેલ્લી સલામ’માં કવિએ યૌવન અને વાર્ધક્ય વચ્ચેનું અંતર દર્શાવ્યું છે. એમની વાર્ધક્યની કવિતામાં બે પેઢી વચ્ચેની સોહરાબ-રુસ્તમી નથી, પણ બે પેઢી વચ્ચે સહાનુભૂતિનો સેતુ છે.

એમનાં સમાજ, રાજ્ય અને ઇતિહાસવિષયક પરલક્ષી કાવ્યોમાં ઇતિહાસકાર અને કવિ ઠાકોરનું એકરૂપ દર્શન થાય છે. ‘યુગ મુબારક’, ‘માજીનું સ્તોત્ર’, ‘ગાંડી ગુજરાત’ માં કવિની રાષ્ટ્રભાવના પ્રગટ થઈ છે. ‘ખેતી’ માં કવિએ આપણા દેશની પ્રાચીન કૃષિસંસ્કૃતિનું ગૌરવ કર્યું છે અને સાથે જ અર્વાચીન યંત્રસંસ્કૃતિનું સ્વાગત કર્યું છે. પ્રસિદ્ધ કાવ્યત્રયી ‘આરોહણ’, ‘રાજ્યાભિષેકની રાત’ તથા ‘ચોપાટીને બાંકડે’ માં એમણે ભૂત, વર્તમાન અને ભાવિના સંદર્ભમાં સમગ્રપણે ભારતીય સંસ્કૃતિનું ચિંતન-દર્શન કર્યું છે.

તેઓ, ૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધ વખતે, માનવજાતની મહાઆઝાદી વિશે ચિંતન કરતાં સોળ-‘વિરહકાવ્યો’ ની રચના કરે છે. માનવસંસ્કૃતિના સંહાર અર્થે ઉદ્યુક્તહિટલર પ્રત્યેનો કવિનો પુણ્યપ્રકોપ ‘હિટલરા બ્લિટઝરા’ માં પ્રગટ થાય છે. સમગ્ર માનવજાતિ અને તેની સંસ્કૃતિના અસ્તિત્વ માટે અનિવાર્ય એવી ‘આઝાદી વધશે જ’ એવી આશામાં કવિ દારુણ વેદનામાં ભીષણ વર્ષો પસાર કરે છે. ‘આઝાદી વધશે જ’ સૉનેટમાળાની જેમ જ એના અનુસંધાનમાં રચાયેલી ‘સુખદુઃખ’ સૉનેટમાળા પણ અપૂર્ણ રહી. એમાં સમગ્ર માનવજાતિનાં અનુભવો અને સ્મરણોનું પશ્વાદર્શન છે અને સુખ એટલે શું એ પ્રશ્નનનો માનવજાતિના ભૂતકાળના સંદર્ભે ઉત્તર પામવાનો પ્રયાસ છે.

‘વર્ષાની એક સુંદર સાંઝ’ કે ‘પરિષ્વજન’ જેવાં કાવ્યો કવિનાં પ્રકૃતિકાવ્યોમાં વિરલ અપવાદરૂપે છે. એમાં મનુષ્ય-નિરપેક્ષ પ્રકૃતિસૌંદર્યનાં વર્ણનો-ચિત્રણો છે. કવિના અન્ય પ્રકૃતિકાવ્યોમાં મનુષ્ય વિશેનું મનન-ચિંતન ભળી ગયું છે. કવિએ પ્રકૃતિનું મુખ્યત્વે માતૃસ્વરૂપ કલ્પ્યું છે. ‘ભણકાર’માં કવિને પ્રકૃતિ પાસેથી દિવ્યવાણીનું અને ‘આરોહણ’ માં દિવ્યશાંતિનું વરદાન પ્રાપ્ત થાય છે. એમણે ‘દુષ્કાળ’, ‘દામુ વકીલનો કિસ્સો’, ‘ભમતારામ’, ‘બુદ્ધ’, ‘નિરુત્તમા’ આદિ કથાકાવ્યો રચ્યાં છે. ‘એક તોડેલી ડાળ’ અધૂરા મૂકેલા મહાકાવ્યનો આકર્ષક કલાસ્વરૂપવાળો ટુકડો છે. ‘બંદાની લવરી’ એમનું અપવાદરૂપ હાસ્યકાવ્ય છે. એમણે મુક્તકો, બોધકાવ્યો, અર્પણકાવ્યો, પ્રાસંગિક કાવ્યો પણ રચ્યાં છે. તેઓ વિચારપ્રધાન કવિતાને દ્વિજોત્તમ જાતિની કવિતા પણ ગણે છે, પણ કવિતા વિશેની એમની સમગ્ર વિવેચનાના સંદર્ભમાં વિચારનો અર્થ કલ્પના, પ્રસાદ, દર્શન, પ્રતિભા સુધી વિસ્તરે છે. એમની કાવ્યશૈલી બરછટ, ખરબચડી, વિગતપ્રધાન, ચિંતનપૂર્ણ અને અગેય પદ્યરચનામાં રાચતી હોઈ તે વિદ્વદ ભોગ્ય બની છે તેટલી લોકપ્રિય બની શકી નથી. યતિભંગ અને શ્વલોકભંગ સાથે શુદ્ધ અગેય પ્રવાહી પદ્ય ઠાકોરનું ઉલ્લેખનીય પ્રદાન ગણી શકાય.

એમણે ગદ્યનાં અનેક સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે. વિવેચનક્ષેત્રે એમણે કરેલું ખેડાણ સવિશેષ નોંધપાત્ર છે. સિદ્ધાંતવિચાર અને કૃતિપરીક્ષણ રૂપે પ્રાપ્ત થતું એમનું વિવેચન મુખ્યત્વે વ્યાખ્યાનો, પ્રવેશકો, ટિપ્પણો સ્વરૂપે થયું છે. એમનું વિવેચન ‘કવિતા શિક્ષણ’ (૧૯૨૪), ‘લિરિક’ (૧૯૨૮), ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’ (૧૯૪૩), ‘વિવિધ વ્યાખ્યાનો’ : ગુચ્છ પહેલો (૧૯૪૫), ગુચ્છ બીજો (૧૯૪૮), ગુચ્છ ત્રીજો (૧૯૫૬), ‘ભણકારઃપદ વિવરણ’ (૧૯૫૧), ‘પ્રવેશકો’ : ગુચ્છ પહેલો (૧૯૫૯), ગુચ્છ બીજો (૧૯૬૧) વગેરે સંગ્રહોમાં છે. વિવેચનક્ષેત્રે એમનું મુખ્ય પ્રદાન અર્થપ્રધાનતાવાદ યા વિચારપ્રધાનતાવાદને ગણી શકાય. કાવ્યમાં નિરૂપ્પ વિચાર કે અર્થમાં તેઓ સર્જકતા, નવીનતાનો આગ્રહ કાવ્યમાં રાખે છે અને તેને ‘પ્રતિભા’ સાથે સાંકળે છે. વિચારપ્રધાન કવિતા માટે સળંગ અગેય પ્રવાહી પદ્યરચનાને તેઓ આવશ્યક માને છે. કવિતાવિચાર અને એનાં મુખ્ય ઘટકતત્વોની પર્યેષણા એમની વિવેચનામાં મુખ્ય ભાગ રોકે છે.

એમણે લખેલાં બે નાટકો પૈકી પ્રથમ ‘ઊગતી જુવાની’ (૧૯૨૩) નાટ્યગુણરહિત, વિચારપ્રધાન સંવાદોવાળું, રંગભૂમિ પર ભાગ્યે જ ટકે એવું છતાં મૌલિક વસ્તુવાળું નાટક છે. કુલ બાર સળંગ પ્રવેશોમાં લખાયેલા આ નાટકમાં સંવાદોનું પ્રાચુર્ય છે, પણ નાટ્ય-નિર્માણ માટે અપેક્ષિત સૂત્રબદ્ધતા નથી. બીજા નાટક ‘લગ્નમાં બ્રહ્મચર્ય અથવા સંયોગે વિયોગ’ (૧૯૨૮) માં પાત્રોચિત ભાષા યોજવાનો પ્રયત્ન છે, પણ કેટલીક ઉક્તિઓમાં કોઠારી ગદ્યની છાયા આવી ગઈ છે. નાટકનો ઉપક્રમ પાત્રવ્યક્તિત્વપ્રકાશક સાહસોને નાટ્યાત્મક રૂપમાં આલેખવાનો લાગે છે, જોકે પાત્રો ચરિત્રરૂપમાં પરિણત થઈ શક્યાં નથી.

‘દર્શનિયું’ (૧૯૨૪) એમનો મૌલિક અને અનૂદિત વાર્તાઓનો સંગ્રહ છે. પાત્રો અને પ્રસંગોના આલેખનમાં અપ્રસ્તુત વિગતોનો ખડકલો, અનાવશ્યક લંબાણ, કથયિતવ્ય તરફનો વધુ પડતો ઝોક, હાનોપાદાનના વિવેકનો અભાવ-એ સર્વ એમની વાર્તાઓને પ્રભાવહીન બનાવી દે છે, ‘રમણી પ્રફુલ્લ’ નામે નવલકથા એક પ્રકરણથી આગળ લખાઈ નથી.

અંબાલાલ સાકરલાલ દેસાઈથી પ્રભાવિત થયેલા આ લેખકે ‘અંબાલાલભાઈનાં ભાષણો અને લેખો’ ના પ્રવેશક રૂપે લખેલો લેખ પછીથી ‘અંબાલાલભાઈ’ (૧૯૨૮) નામક સ્વતંત્ર પુસ્તક તરીકે છપાયો છે. એમાં એમણે આવશ્યકતાનુસાર ચરિત્રનાયકના સમયનાં તેમ જ તેમના જીવનનાં પરિબળોનો પશ્વાદભૂમાં મૂકી આપ્યાં છે. ‘પંચોતેરમે’ (૧૯૪૬) ના ‘મિતાક્ષર નોંધ’ નામક વિભાગમાં એમણે પોતાનાં વડીલોની, જીવનની, કારકિર્દીની કેટલીક ‘ત્રુટક સ્થૂલ હકીકતો’નું મહદંશે આત્મસભાન કહી શકાય તેવું કથન કર્યું છે.

‘ઇતિહાસ દિગ્દર્શન’ (૧૯૨૮) અને ‘યુનાઈટેડ સ્ટેટ્સ’ (૧૯૨૮) એમની ઇતિહાસવિષયક કૃતિઓ છે. ‘વિધવાવિવાહ’ (૧૮૮૬), ‘કુન્તી’ (૧૯૦૭), ‘સંક્રાન્તિ સમયમાં સ્ત્રીઓ’ (૧૯૨૮) અને ‘શરીર સ્વાસ્થ્ય’ (૧૯૩૬) એમની અન્ય કૃતિઓ છે. એમની ડાયરી ‘બ. ક. ઠાકોરની દીન્કી’-ભા.૧ : વર્ષ ૧૮૮૮ (૧૯૬૯) અને ભા.૨ : વર્ષ ૧૮૮૯ થી ૧૯૦૦ (૧૯૭૬) ગુજરાતના અલ્પ ડાયરીસાહિત્યમાં ધ્યાનપાત્ર છે. એમણે ચાર અંગ્રેજી કૃતિઓ પ્રકાશિત કરી છે; અપ્રકાશિત કૃતિઓની સંખ્યા પણ મોટી છે.

કાન્તના સ્મારકગ્રંથરૂપે પ્રગટ થયેલ ‘કાન્તમાળા’ (૧૯૨૪)ના આઠ સંપાદકો પૈકી ઠાકોર એક હતા. એમણે મોહનલાલ દેસાઈ તથા મધુસૂદન મોદી સાથે ‘ગુર્જર રાસાવલી’ (૧૯૫૬)નું સંપાદન કરેલું. મંગલમાણિક્યકૃત ‘અંબડ વિદ્યાધર રાસ’ (૧૯૫૩), ઉદયભાનુકૃત ‘વિક્રમ ચરિત્ર રાસ’ (૧૯૫૭) એ એમનાં મધ્યકાલીન સાહિત્યનાં બીજા બે સંપાદનો છે. બંનેની સંપાદિત વાચનાઓમાં સંખ્યાબંધ અશુદ્ધિઓ રહી ગઈ છે. આ ઉપરાંત ગોવર્ધનરામ ત્રિપાઠી-રચિત ‘સાક્ષર-જીવન’ (૧૯૧૯) નું સંપાદન અને નવલરામ પંડ્યાકૃત ‘ઈંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (ત્રી.આ.૧૯૨૨)નું પ્રવેશયુક્ત સંપાદન એમણે આપ્યાં છે. માસિક ‘પ્રસ્થાન’માં પ્રગટ થયેલી અર્વાચીન કાવ્યો અને એનાં વિવરણોની લેખમાળા ‘આપણી કવિતાસમૃદ્ધિ’ (૧૯૩૧) રૂપે પ્રાપ્ત થઈ છે. ૧૯૩૯માં થયેલ બીજી આવૃત્તિમાં કાવ્યોને વિષયવાર નવ વિભાગોમાં વહેંચીને છાપ્યાં હતા. કાવ્યવિષયક ચર્ચા કરી, કવિતા વિશે સૂઝ ફેલાવવાના આશયથી થયેલું આ સંકલન સારું એવું લોકપ્રિય થયું હતું.

‘શાકુન્તલ’ના અનુવાદ ‘અભિજ્ઞાન શકુન્તલા નાટક’ (૧૯૦૬)માં અને ‘માલવિકાગ્નિમિત્ર’ (૧૯૩૩)માં મૂળ કૃતિ પ્રત્યેની ભારોભાર વફાદારી છતાં ઠાકોરીય લાક્ષણિકતાઓએ મૂળનાં પ્રસાદ અને રુચિરતાને અહીં અનુવાદમાં હાનિ પહોંચાડી છે. ‘વિક્રમોર્વશી’ (૧૯૫૮)માં ગદ્યોક્તિઓને પાત્રોચિત ભાષાવાળી, ભાવોચિત છટાઓવાળી તથા બોલચાલના લહેકાવાળી બનાવવા પ્રયત્ન કર્યો છે. એમણે ‘ભગવદ્ ગીતા’ અને ‘મેઘદૂત’ના અનુવાદો આરંભેલા, પણ તે પૂર્ણ થઈ શકેલા નહીં. એમણે શંકરનના ‘સંસ્કૃત લિટરરી ક્રિટિસિઝમનો પૂરો અને ‘એબરક્રોમ્બીના પ્રિન્સિપલ્સ ઑવ લિટરરી ક્રિટિસિઝમ’ નો અધૂરો ‘સારગ્રાહી વિવરણાત્મક’ અનુવાદ કર્યો છે. અનુવાદ નહિ પણ અનુસર્જન કરવાનું એમનું વલણ મુક્ત પૃથ્વીમાં લખાયેલ ‘ગોપીહૃદય’ (૧૯૪૩)માં દ્રષ્ટિગોચર થાય છે. એમણે રશિયન નાટકકાર વેલેટાઈન કેટેયેવના રશિયા, યુરોપ અને અમેરિકાની રંગભૂમિ પર સફળ નીવડેલા પ્રહસન ‘સ્ક્વેરિંગ ધ સર્કલ’ નો અનુવાદ ‘સોવિયેટ નવજુવાની’ (૧૯૩૫) નામે કરેલો છે. પર્લબકની એક નાટ્યકૃતિનો અનુવાદ ‘દેશભક્તિનો વ્યોમ કળશ’ નામે તથા રુમાનિયન લેખક મોંસિયે સેણ્ડોર માર્ટિનેસ્કુની એક નાટ્યતત્વસમૃદ્ધ નાટ્યકૃતિનો ‘રાહેલનો ગૃહત્યાગ’ નામે અનુવાદ પણ એમણે કર્યો છે. હરિલાલ માધવજી ભટ્ટ સાથે તેમણે ‘પ્લૂટાર્કનાં જીવનચરિત્રો’ (૧૯૦૬)નો અનુવાદ પણ કર્યો છે.

ગુજરાતી સાહિત્યના અગ્રણ્ય ગદ્યકારોમાં આ લેખકનું સ્થાન છે. કાવ્યની જેમ ગદ્યમાં પણ એમણે અર્થાનુસારિતા કે વિચારાનુરૂપતાને પ્રાધાન્ય આપ્યું છે. એમના લખાણમાં વાક્યો એક પછી એક ખડકાયેલાં હોય છે. ગહન વિષયને સાંગોપાંગ સળંગ અર્થઘન મહાવાક્યમાં ગોઠવતી એમની ગદ્યશૈલી કવિચિત્ કલેશકર, કિલષ્ટ અને દીર્ઘસૂત્રી બની રહે છે. એમણે ગુજરાતીના પોતને અનુકૂળ ફારસી-અરબી, સંસ્કૃત-પ્રાકૃત, શિષ્ટ બોલચાલિયા શબ્દો, રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરી પોતાના ઈષ્ટઅર્થને ચોકસાઈપૂર્વક અશેષ રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.

ભણકાર (૧૯૧૮, બી.આ. ૧૯૪૨, ત્રી.આ. ૧૯૫૧) : બળવંતરાય ક. ઠાકોરનો કાવ્યસંગ્રહ. એમણે ૧૯૪૧ સુધીની કવિતા ૧૯૪૨ ની આવૃત્તિમાં તથા ૧૯૫૦ સુધીની લઘુ અને મધ્યમ કદની કૃતિઓ ૧૯૫૧ ની આવૃત્તિમાં સમાવી લીધી છે. આ ત્રીજી આવૃત્તિ ‘કવિ અને કવિતા’, ‘વતન’, ‘અંગત’, ‘પ્રેમનો દિવસ’, ‘ખંડકાવ્યો’, ‘બાલોદ્યાન’, ‘બોધક’ અને ‘વધારો’ એમ નવેસરથી સાત ગુચ્છમાં ગુંફિત છે. આ સંગ્રહનું પ્રથમ પ્રકાશન કાવ્યક્ષેત્રે ઐતિહાસિક બનાવ છે. પંડિતયુગ અને ગાંધીયુગની કડીરૂપ આ સંગ્રહમાં નરી ઊર્મિલતા, પોચટતા અને ભાવનાપ્રધાન અપદ્યાગદ્યની સામે અર્થપ્રધાન પરલક્ષી કવિતાની ‘દ્વિજોત્તમ જાતિ’ નાં તેમ જ પ્રવાહી પદ્યનાં કલામય બુદ્ધિધન કાવ્ય-સર્જનો છે. એમાં બંધોનું નાવીન્ય છે, પ્રયોગશીલ માનસ છે, શ્વલોકભંગ-શ્રુતિભંગ-યતિભંગ સાથેના વિલક્ષણ પદ્યપ્રયોગો છે, ગુલબંકી-પરંપરિત-ત્રોટક-ઝૂલણાનું નવી રીતે પંકિત-સમાયોજન છે. ‘પૃથ્વીતિલક’ જેવો પૃથ્વીનો નવતર પ્રયોગ છે, શબ્દસૌંદર્યને ગૌણ કરી અર્થાનુસારી લયના પ્રાસહીન શુદ્ધ અગેય પદ્યનો આદર્શ છે. કવિને હાથે પ્રસિદ્ધ થયેલાં ને સૌથી વધુ સફળ નીવડેલાં પ્રણય, મૈત્રી, શ્રદ્ધા, સુખદુઃખ પરનાં સૉનેટો અત્યંત સમૃદ્ધ છે. ‘પ્રેમનો દિવસ’નાં સૉનેટોમાં કલ્પિત નાયક-નાયિકાના જીવનનું, અન્યોન્ય પ્રેમની સમુત્ક્રાંતિ દર્શાવતા પ્રસંગો દ્વારા, નિરૂપણ થયું છે. ‘જૂનું પિયર ઘર’ અને ‘વધામણી’ એમાં સૌથી જાણીતાં છે. વૃદ્ધાવસ્થાને લગતી સૉનેટ-કૃતિઓ વિષયનાવીન્યની રીતે ધ્યાન ખેંચે તેવી છે. ‘આરોહણ’ પ્રતિખંડકાવ્ય છે. આ સર્વમાં કવિનો વૈજ્ઞાનિક, બુદ્ધિવાદી, અજ્ઞેયવાદી અને વાસ્તવવાદી અભિગમ ખુદવફાઈ સાથે અને શૈલીની ઓજસ્વિતા સાથે વ્યક્ત થયો છે. ‘ભણકાર’ માં સાચી અને ઊંચી કવિતાને પામવાનો કાવ્યપુરુષાર્થ છે.

મ્હારાં સૉનેટ (૧૯૫૩) : બ. ક. ઠાકોરે ૧૯૩૫માં ‘મ્હારાં સૉનેટ’ નામે એક ચોપડી બહાર પાડેલી તેમાં તે તારીખ લગી સર્જાયેલાં સૉનેટ સમાવેલાં, પરંતુ છ-એક વર્ષમાં એ ખપી જતાં ઘણા વધારા સાથે નવી આવૃત્તિ અંગે કવિએ આયોજન કરેલું; એ સામગ્રી અને બીજી વધુ સામગ્રીનો ઉપયોગી કરી કુલ ૧૬૪ સૉનેટનો આ સંપૂર્ણ સંગ્રહ ઉમાશંકર જોશીએ સંપાદિત કર્યો છે. ‘મ્હારાં સૉનેટ’ સંગ્રહ છ વિભાગમાં વહેંચાયેલો જોઈ શકાય છે : કવિતા; પ્રેમ; મિત્રતા, બુર્ઝગી, મૃત્યુ, શ્રદ્ધા; ઇતિહાસદ્રષ્ટિ; સમાજદર્શન; સંસારની સુખદુઃખ;મયતા. વિષયો જોતાં લાગે છે કે આ કવિએ પોચટ અને ભાવુક બનેલી અંગતતાની સામે બિનઅંગત વિચારપ્રધાન કવિતા ધરી છે; અને સૉનેટ જેવા કાવ્યપ્રકારને વિવિધ રીતે ખેડીને એને કલાત્મક રીતે ફલિત કર્યો છે. સૂક્ષ્મ આકારસૂઝ અને ભાષાકસબની સભાનતાથી કવિએ લાક્ષણિક રીતે કવિધર્મ બજાવ્યો છે. કવિતાવિષયક સૉનેટોમાં રસકોટિએ પહોંચતી અંગત વિભાવના; પ્રેમવિષયક સૉનેટોમાં કલ્પિત પાત્રો દ્વારા વિવિધ પરિસ્થિતિઓનું નિર્માણ અને એથી પ્રગટ થતા ચિત્રાત્મક તેમ જ નાટ્યાત્મક કાવ્યોન્મેષો; મૃત્યુ અને ખાસ તો વૃદ્ધાવસ્થાની સંવેદનાઓને ઉપસાવતાં સૉનેટોના અપૂર્વ ભાષાવિષ્કારો ઉલ્લેખપાત્ર છે. સમાજ અને સંસારનું નિરૂપણ કરતાં સૉનેટોમાં ઇતિહાસવિદ કવિનું વ્યવહારવાદી, બુનિયાદી, બુદ્ધિવાદી, યથાર્થવાદી ને વિશિષ્ટ રીતે અજ્ઞેયવાદી વલણ અછતું નથી રહેતું. પ્રત્યેક ભાષાપ્રયોગની સાભિપ્રાયતા અંગેની સજગતા આ કવિની શક્તિ અને મર્યાદા છે. ‘જૂનું પિયરઘર’, ‘વધામણી’, ‘પ્રેમની ઉષા’, ‘યમને નિમંત્રણ’ વગેરે સૉનેટો ગુજરાતી સાહિત્યની માર્મિક અને સીમાચિહ્નરૂપ કૃતિઓ છે.

કવિતાશિક્ષણ (૧૯૨૪) : વિવેચનાના વ્યવહારુ શિક્ષણ માટે સભાનતાથી કેડી પાડતું બ. ક. ઠાકોરનું પુસ્તક. કાવ્યનું કાવ્યત્વ કારીગરીથી પર રહી જતાં પાંચ-પંદર વસામાં બિરાજે છે અને એમાં પંચાશી- નેવુ-પંચાણું ટકા કૌશલ-કારીગરીનો આવિષ્કાર હોય છે. લેખકનો મત છે કે કારીગરી શીખી-શીખાડી શકાય છે. જન્મજાત અસાધારણ શક્તિવાળા કવિઓની સાથે સાથે આપશિક્ષણે પણ કવિ-કલાસર્જક બની શકાય છે; ઉપરાંત ભાવકની ઉપભોગાસ્વાદનની શક્તિયે જન્મસિદ્ધ નથી હોતી, એને પણ કેળવવી પડતી હોય છે. આમ, સર્જક અને ભાવક બંનેના શિક્ષણને તાકતું આ લખાણ ઊછરતા કવિઓને સલાહ આપતાં આપતાં કવિતાત્વનું વિશ્લેષણ કરે છે અને અનુવાદ તેમ જ અનુકૃતિઓનાં મૂલ્યને પણ તપાસે છે.

લિરિક (૧૯૨૮) : મૂળે, ‘કૌમુદી’ ત્રિમાસિક, વર્ષ-૧ અને વર્ષ-૨માં છપાયેલા, બળવંતરાય ક. ઠાકોરના નિબંધનું નજીવા ફેરફારવાળું પુસ્તકરૂપ, સ્વિન્બર્ન પછીની અંગ્રેજી કવિતામાંથી ઉદાહરણો લઈ ઊર્મિકવિતાની પાશ્ચાત્ય વિભાવનાને સ્પષ્ટ કરવાનો અને ઊર્મિ કવિતાની પેટાજાતિઓ અનેક છે એમાંથી મુખ્યને દર્શાવવાનો એમાં પ્રયત્ન કર્યો છે. વિરહ-શોક, ખટક અને શાંતિ, આનંદ અને પ્રેમ, ઉત્સાહ-ભક્તિ-પ્રજ્ઞા-અગમનિગમ-એમ ચાર વિભાગમાં ઊર્મિકાવિતાનું દિગ્દર્શન કર્યું છે.

નવીન કવિતા વિશે વ્યાખ્યાનો (૧૯૪૩) : સર્જાતા અર્વાચીન કાવ્યસાહિત્ય પરનાં વ્યાખ્યાનોને સમાવતો બ. ક. ઠાકોરનો વિવેચનગ્રંથ. નવીન કવિતા પરના પ્રેમથી, દ્રષ્ટાંતો સહિત, અહીં કાવ્ય- પ્રકારોની વીગતે ચર્ચા કરવામાં આવી છે. કુલ ચાર ‘દર્શન’ માં વહેંચાયેલા આ ગ્રંથના ‘દર્શન ૧’ માં કાવ્યભાવના અને વિષયદર્શન અંગે, ‘દર્શન ૨’માં નવીન કવિતામાં લિરિક અંગે, ‘દર્શન ૩’ માં વિરહકાવ્યો/વિષાદકાવ્યો અંગે અને ‘દર્શન ૪’ માં મહાકાવ્ય, આખ્યાનકાવ્ય, વર્ણનકાવ્ય, ખંડકાવ્ય અને કવિતાને લગતા કેટલાક પ્રશ્નો અંગે ચર્ચા છે. વેરણછેરણ પડેલા પોતાના સિદ્ધાંતો, અભિપ્રાયો આદિનું સમગ્ર ભાવનાદર્શને એકીકરણ થાય અને કાવ્ય વિશેના પોતાના ધ્યર્થોને વાચકો પાયાથી શિખર લગી એક દ્રષ્ટિપાતે જોઈ શકે એવો અહીં લેખકનો આશય છે.

વિવિધ વ્યાખ્યાનો-ગુચ્છ ૧,૨,૩ (૧૯૪૫, ૧૯૪૮, ૧૯૫૬) : બળવંતરાય ક. ઠાકોરનાં વ્યાખ્યાનોને સમાવતા ગ્રંથો. પહેલા ગુચ્છમાં ગોવર્ધનરામનું પ્રબોધમૂર્તિ તરીકે મૂલ્યાંકન ઉપરાંત સરસ્વતીચંદ્રનાં વિષયવસ્તુ અને સ્ત્રીપાત્રોનું પરીક્ષણ થયું છે. ‘લીલાવતી જીવનકલા’ ની તપાસ પણ એમાં છે. બીજા ગુચ્છમાં પ્રેમાનંદ, નર્મદ, નવલરામ પંડ્યા, મણિલાલ નભુભાઈ, રમણભાઈ નીલકંઠ, મણિશંકર અને ન્હાનાલાલ-એમ સાત સાહિત્યકારોનો સમાવેશ છે. ત્રીજા ગુચ્છમાં કેળવણી, સાહિત્ય અને ઇતિહાસના વિવિધ વિષયો પર વિચારણા છે. સિદ્ધાંતોના વ્યાપક ફલક પર મુકાયેલો લેખકનો સાહિત્ય અને ઇતિહાસ-કેળવણી વિષયક દ્રષ્ટિસંપન્ન અભિગમ, વિલક્ષણ ગદ્યની છટાઓ સાથે આ વ્યાખ્યાનોમાં મોજુદ છે.