ભોળાભાઈ પટેલ

ગુજરાતી લેખક

ભોળાભાઈ પટેલ ગુજરાતી લેખક હતા. તેમણે ગુજરાત યુનિવર્સિટી ખાતે ઘણી ભાષાઓનું અધ્યાપન કર્યું હતું તેમજ વિવિધ ભાષાઓનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો. તેમણે મોટી માત્રામાં અનુવાદો કર્યા હતા તેમજ નિબંધો અને પ્રવાસવર્ણનો લખ્યા હતા. ઇ.સ. ૨૦૦૮માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો.[૧]

ભોળાભાઈ પટેલ
ગુજરાતી વિશ્વકોશના છઠ્ઠા ગ્રંથના વિમોચન પ્રસંગે ભોળાભાઈ પટેલ, નરહરિ અમીન, સ્વામી સચ્ચિદાનંદ, મનુભાઈ પંચોળી અને શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, ૮ ઓક્ટોબર ૧૯૯૪
ગુજરાતી વિશ્વકોશના છઠ્ઠા ગ્રંથના વિમોચન પ્રસંગે ભોળાભાઈ પટેલ, નરહરિ અમીન, સ્વામી સચ્ચિદાનંદ, મનુભાઈ પંચોળી અને શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, ૮ ઓક્ટોબર ૧૯૯૪
જન્મ(1934-08-07)7 August 1934
સોજા, મહેસાણા જિલ્લો, ગુજરાત, ભારત
મૃત્યુ20 May 2012(2012-05-20) (ઉંમર 77)
અમદાવાદ, ગુજરાત
વ્યવસાયલેખક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોપદ્મશ્રી (૨૦૦૮)
સહી
ભોળાભાઈ પટેલ
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધઅજ્ઞેય: એક અધ્યયન અધુનિકતા એવમ પાશ્ચાત્ય પ્રભાવો કે વિશેષ સંદર્ભ મેં
માર્ગદર્શકઅંબાશંકર નાગર
શૈક્ષણિક કાર્ય
શોધનિબંધ વિદ્યાર્થીઓબિંદુ ભટ્ટ

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ૭ ઓગસ્ટ, ૧૯૩૪ના રોજ ગાંધીનગર નજીક આવેલા મહેસાણા જિલ્લાના સોજા ગામમાં થયો હતો.[૨] ૧૯૫૨માં એસ.એસ.સી. કર્યા પછી તેમણે ૧૯૫૭માંથી બનારસ યુનિ.માંથી દ્વિતીય વર્ગ સાથે બી.એ.ની ડીગ્રી હિન્દી, સંસ્કૃત અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષયો સાથે મેળવી. તેમણે ૧૯૬૦માં ગુજરાત યુનિ.માંથી હિન્દી વિષયમાં એમ.એ.ની પદવી, ૧૯૬૮માં અંગ્રેજી વિષય સાથે ફરીથી બી.એ.ની પદવી, ૧૯૭૦માં ગુજરાત યુનિ.માંથી અંગ્રેજી અને ભાષાવિજ્ઞાન સાથે ફરીથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે ૧૯૭૧માં ડિપ્લોમા ઈન જર્મન લૅંગ્વેજનો અને ૧૯૭૪માં ગુજરાત યુનિ.માંથી ડિપ્લોમા ઈન લિંગ્વિસ્ટિક્સનો અભ્યાસ કર્યો હતો.[૩] ૧૯૭૭માં ગુજરાત યુનિ.માંથી ”અજ્ઞેય: એક અધ્યયન” એ વિષે ઉપર હિન્દી વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે વિશ્વ ભારતી યુનિવર્સિટીમાંથી ભારતીય સાહિત્યના તુલનાત્મક અભ્યાસ પર ફેલોશીપ મેળવી હતી.[૨][૪][૪][૫]

તેમણે ૧૯૫૨માં રા.બ.લ.દા. સાર્વજનિક હાઈસ્કૂલ, માણસામાં શિક્ષક તરીકે નોકરી શરૂ કરી. ત્યારબાદ ૧૯૫૮માં અમદાવાદની નૂતન ફેલોશિપ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી. તેઓ ૧૯૬૦ થી ૧૯૬૯ સુધી એસ.વી. આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કોલેજ, અમદાવાદમાં હિન્દીના વ્યાખ્યાતા રહ્યાં. તેઓએ ૧૯૬૯ થી ૧૯૮૦ સુધી ગુજરાત યુનિ.ના ભાષા સાહિત્ય ભવનમાં હિન્દીના વ્યાખ્યાતા તરીકે, ૧૯૮૦ થી ૧૯૮૬ સુધી હિન્દીના રીડર પદે તેમજ ૧૯૮૬ થી હિન્દી વિભાગના અધ્યક્ષ તરીકે અને ૧૯૮૭થી હિન્દી વિભાગમાં પ્રોફેસર પદેથી ૧૯૯૪માં વય નિવૃત્ત થયાં ત્યાં સુધી કામગીરી કરી. આ ઉપરાંત એમણે વિવેચક તરીકે પણ ઘણું વિશિષ્ઠ પ્રદાન કર્યું છે. પરબ નાં તંત્રી-સંપાદક તરીકે પચીસ વર્ષ સુધી સેવા આપી. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી. ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વપ્રમુખ. ૨૦૧૨-૨૦૧૩ના વર્ષો માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે વરણી થઈ. આ કાર્યકાળ દરમ્યાન જ ૨૦ મે ૨૦૧૨ના દિવસે અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું.[૨][૪][૫][૬]

પરિવાર ફેરફાર કરો

ભોળાભાઈના માતાનું નામ રેવાબેન અને પિતાજીનું નામ શંકરદાસ હતું. તેમનાં ધર્મપત્નીનું નામ શકુબેન છે. તેમને એક પુત્રી અને ચાર પુત્રો અનુક્રમે મંજુ, મધુ, આનંદ, વસંત, અને બકુલ છે.

સર્જન ફેરફાર કરો

તેમણે ૫૨ કરતાં વધુ પુસ્તકો લખ્યા છે. તેઓ ગુજરાતી, હિંદી, બંગાળી, આસામી, ઑડિયા, જર્મન, ફ્રેંચ, મરાઠી, પુરિયા, અને સંસ્કૃત ભાષાઓના જાણકાર હતા. તેમણે આ ભાષાઓમાંથી ગુજરાતીમાં અને ગુજરાતીમાંથી આ ભાષાઓમાં ઘણાં પુસ્તકો અનુવાદિત કર્યા છે. તેમણે તેમના યુરોપ અને અમેરિકાના પ્રવાસવર્ણનો લખ્યા છે. તેઓ કવિ કાલિદાસ અને નૉબેલ પુરસ્કર્તા રવિન્દ્રનાથ ટાગોરના વિષયોમાં નિષ્ણાત ગણાતા હતા.[૨][૪][૬]

પ્રવાસનિબંધના લલિત નિરૂપણમાં એમણે પોતાની આગવી મુદ્રા ઉપસાવી છે. એમાં સ્થળકાળનાં સંવેદનોએ અંગત સંવેદનાની અર્થછાયાઓ સુપેરે ઝીલી છે; આથી જ ‘વિદિશા’ (૧૯૮૦) નિબંધસંગ્રહની અગિયાર રચનાઓમાં લેખકનું પરિભ્રમણ નહીં, પણ સૌંદર્યભ્રમણ વિશેષ ધ્યાનાકર્ષક બને છે. પ્રવાસ, પ્રસંગ, સ્થળ વગેરે તો નિમિત્ત બન્યાં છે; સર્જકની રસિકતા જ સંગ્રહની મોટા ભાગની રચનાઓનું ચાલકબળ બની છે. સંગ્રહની ‘વિદિશા’ અને ‘માંડુ’ ઉત્તમ કૃતિઓ છે. સંગ્રહની અંતિમ રચના ‘તેષાં દિક્ષુ’ અન્ય દશેય પ્રવાસ-લલિતનિબંધોને લાક્ષણિક રીતે જોડી આપતા તંતુ સમાન છે. ‘પૂર્વોત્તર’ (૧૯૮૧)માં ઈશાન ભારતનું પ્રવાસ આલેખન છે. એમાં એ પ્રદેશની પ્રાકૃતિક સુષમાને, રમણીયતાને તેમના વૃત્તમાં ઉચિત રીતે ઉપસાવાઈ છે. ‘રાધે તારા ડુંગરિયા પર’ (૧૯૮૭), ‘દેવોની ઘાટી’ (૧૯૮૯) ‘દેવતાત્મા હિમાલય’ (૧૯૯૦), ‘દશ્યાવલી’ (૨૦૦૦), ‘ચિત્રકૂટના ઘાટ પર’ (૨૦૦૧), ‘યુરોપ અનુભવ’ (૨૦૦૪) એમના અન્ય પ્રવાસનિબંધસંગ્રહો છે. એમની ગદ્યશૈલી રોજનીશીના ગદ્યને અનુરૂપ અને એકંદરે પ્રવાહી-પ્રાસાદિક છે. એમના લલિત નિબંધો ‘બોલે ઝીણા મોર’ (૧૯૯૨), ‘શાલભંજિકા’ (૧૯૯૨), ‘ચૈતર ચમકે ચાંદની’ (૧૯૯૬) માં તેમના સૌંદર્યપ્રણિત, સંવેદનશીલ વ્યક્તિત્વનો સ્પર્શ અનુભવાય છે.

એમના પ્રથમ પુસ્તક ‘સુરદાસની કવિતા’ (૧૯૭૨) પછી ‘અધુના’ (૧૯૭૩), ‘ભારતીય ટૂંકીવાર્તા’ (૧૯૭૩), ‘પૂર્વાપર’ (૧૯૭૬), ‘કાલપુરુષ’ (૧૯૭૯), ‘આધુનિકતા અને ગુજરાતી કવિતા’ (૧૯૮૭) ‘સાહિત્યિક પરંપરાનો વિસ્તાર’ (૧૯૯૬), ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ (૧૯૯૭), ‘આવ ગિરા ગુજરાતી’ (૨૦૦૩) વગેરે વિવેચનગ્રંથો પ્રગટ થયા છે. ‘અધુના’ના પંદર લેખો પૈકી મોટા ભાગના લેખો સાહિત્યકૃતિ, કર્તા કે સાહિત્ય સ્વરૂપવિષયક છે; ‘પૂર્વાપર’ના ચોવીસ લેખોમાંના કેટલાક પરદેશી સાહિત્યકારોની સાહિત્યસૃષ્ટિમાં ડોકિયું કરાવે છે; કેટલાક ઓડિયા - બંગાળી ભાષાના અગ્રણી સાહિત્યકારોની સાહિત્યસૃષ્ટિનો પરિચય કરાવે છે; તો કેટલાક ગુજરાતી સાહિત્યની કેટલીક નોંધપાત્ર કૃતિઓ વિષેનો અભ્યાસ નિરૂપે છે. સંગ્રહના પ્રથમલેખ ‘ગીત એ અસ્તિત્વ’ માં જર્મન કવિ રાઈનેર મારિયા રિલ્કેની મહત્વપૂર્ણ કૃતિ (ઓર્ફિયસ પ્રતિ-સૉનેટ)ના એકાદ-બે મહત્વના પહેલુઓને વણી લેવાનો લેખકનો પ્રયત્ન છે. ‘ભારતીય ટૂંકીવાર્તા’ એમનું વિશિષ્ટ વિવેચનાત્મક પુસ્તક છે. ભારતની ચૌદ વિવિધ ભાષાઓમાં લખાયેલી ટૂંકીવાર્તાઓનો અહીં એમણે રસાસ્વાદ કરાવ્યો છે. એમનું વલણ અહીં પણ, અલબત્ત, તુલનાત્મક છે. ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ અને ‘આવ, ગિરા ગુજરાતી’માં ‘પરબ’ નિમિત્તે લખાયેલા સંપાદકીય-તંત્રીલેખોના ચયનો છે.

એમણે કરેલાં સંપાદનોમાં મુખ્યત્વે ‘અસમિયા-ગુજરાતી કવિતા’ (૧૯૮૧) તથા ‘ગુજરાતી સાહિત્યનો આઠમો દાયકો’ (૧૯૮૨) ‘તુલનાત્મક કાવ્યશાસ્ત્ર કેટલાંક પરિમાણ’ (૧૯૯૪, સંયુ.), ‘રવીન્દ્રસંચય’ (સંયુ.), ‘વૃંદાવન મોરલી વાગે છે’ (૨૦૦૫, સંયુ.) ઉલ્લેખનીય છે.

એમણે વિનાયક આઠવલેકૃત ‘વિષ્ણુ દિગમ્બર’ (૧૯૬૭), ગોપાલસિંગકૃત ‘ગુરુનાનક’ (૧૯૬૯), મહેશ્વર નેઓગકૃત ‘શંકરદેવ’ (૧૯૭૦), જીવનાનંદકૃત કાવ્યસંગ્રહ ‘વનલતાસેન’ (૧૯૭૬) અને ‘નગ્ન નિર્જન હાથ’ (૨૦૦૫), સુનીલ ગંગોપાધ્યાયકૃત નવલકથા ‘સ્વર્ગની નીચે મનુષ્ય’ (૧૯૭૭), બુદ્ધદેવ બસુકૃત નાટક ‘તપસ્વી અને તરંગિણી’ (૧૯૮૨), સુકુમાર સેન લિખિત ‘બંગાળી સાહિત્યના ઇતિહાસની રૂપરેખા’ (૧૯૮૨) રવીન્દ્રનાથા ઠાકુર કૃત નવલકથા ‘ચાર અધ્યાય’ (૧૯૮૮), સૈયદ અબ્દુલ મલિકની નવલકથા ‘સૂરજમુખીનું સ્વપ્ન’ (૧૯૯૪), ‘આધુનિક બંગાળી કવિતા’ (૨૦૦૪) વગેરે અનુવાદો આપ્યાં છે. આ ઉપરાંત એમણે રઘુવીર ચૌધરીના સહયોગમાં ઉમાશંકર જોષીના કાવ્યસંગ્રહો ‘પ્રાચીના’ (૧૯૬૮) અને ‘નિશીથ’ (૧૯૬૮) ના હિન્દી અનુવાદો કર્યાં છે; તો હિંદી કવિ સુમિત્રાનંદન પંતના કાવ્યસંગ્રહ ‘ચિદમ્બરા’ (૧૯૬૯) નો ગુજરાતીમાં અનુવાદ આપ્યો છે. નગીનદાસ પારેખ તથા અન્ય અનુવાદકોના સહયોગથી એમણે રવીન્દ્રનાથ ઠાકુરકૃત ‘ગીત પંચશતી’ (૧૯૭૮) ને ગુજરાતીમાં ઉતારી છે. એમના મોટા ભાગના અનુવાદો એકંદરે પ્રવાહી, સુરેખ અને આસ્વાદ્ય છે.

વિદિશા (૧૯૮૦) ભોળાભાઈ પટેલનો પ્રવાસનિબંધોનો સંગ્રહ. આ નિબંધોમાં લેખકના જણાવ્યા પ્રમાણે મુખ્ય સંવેદના ભ્રમણની છે. આ ભ્રમણ ક્યારેક એકાકી, ક્યારેક સમૂહમાં થયું છે. ‘વિદિશા’, ‘ભૂવનેશ્વર’, ‘માંડું’, ‘ઈમ્ફાલ’, ‘જેસલમેર’, ‘ચિલિકા’, ‘બ્રહ્મા’, ‘ખજુરાહો’, ‘કાશી’, ‘રામેશ્વરમ્’- એમ કુલ દશ સ્થાનોના પ્રવાસો ઉપરાંત લેખકે પોતાના ગામનું ભ્રમણ પણ અહીં દાખલ કર્યું છે. ગામથી વિદિશા અને વિદિશાથી ગામનું જે ચક્ર પૂરું થયું છે તેમાં લેખનની ભાવવ્યંજક્તા, સૂક્ષ્મતા અને રસિકતા ઊપસી આવે છે. એકંદરે પ્રવાસનાં સંવેદનોને લાલિત્યપૂર્ણ એકાત્મકતા આપવાનો પ્રયાસ છે.

સન્માન ફેરફાર કરો

 
પદ્મશ્રી ભોળાભાઈ પટેલ ચોક, યુનિવર્સિટી રોડ, અમદાવાદ

ભોળાભાઈને ઇ.સ. ૨૦૦૮માં ભારત સરકાર તરફથી દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત થયો હતો. તેમને કે. કે. બિરલા ફાઉન્ડેશન ફેલોશીપ મળી હતી. ૧૯૯૫માં તેમને ગુજરાત સાહિત્યસભા તરફથી ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૯૨માં તેમના પુસ્તક દેવોની ઘાટી ને સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી પારિતોષિક મળ્યું હતું.[૨][૪][૫][૬] ગુજરાત યુનિવર્સિટી રોડ પરના એક ચાર રસ્તાને તેમનું નામ આપવામાં આવ્યું છે.[૭] તેમને તેમની રચના વિદિશા માટે ગુજરાત સરકાર તરફથી બે, ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ત્રણ પારિતોષિકો અને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી એક પારિતોષિક પ્રાપ્ત થયાં હતાં. ઉત્તરપ્રદેશ હિન્દી સંસ્થાન લખનઉ દ્વારા સૌહાર્દ પુરસ્કાર (૧૯૮૮), હિન્દી સાહિત્યસેવી સન્માન, ગાંધીનગર ૨૦૦૦; શ્રી સ્વામી સચ્ચિદાનંદ સન્માન, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૦૦૫; સાહિત્ય ગૌરવ પુરસ્કાર ૨૦૦૫ અને સાહિત્ય અકાદેમી દિલ્હી તરફથી તેનું સર્વોચ્ચ સન્માન ‘મહત્તર સદસ્યતા’ ‘Fellowship’ થી ૨૦૧૦માં બહુમાન કરવામાં આવ્યું છે. તેમ જ શ્રી અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ, ૧૯૯૬; ‘ભારતીય ઉપન્યાસ પરંપરા ઔર ગ્રામ કેન્દ્રી ઉપન્યાસ’, હિન્દી ગ્રંથને રાષ્ટ્રીય પુરસ્કાર, કેન્દ્રીય હિન્દી નિદેશાલય, દિલ્હી ૨૦૦૨-૨૦૦૩; સારસ્વત ગૌરવ એવોર્ડ અમદાવાદ, ૨૦૦૩. મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશનનો સાહિત્ય એવોર્ડ ૨૦૦૭ વગેરે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. ૨૦૧૫. મૂળ (PDF) માંથી ૧૫ નવેમ્બર ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૧ જુલાઇ ૨૦૧૫.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "Gujarati litterateur Bholabhai Patel dies". Daily News and Analysis. Ahmedabad. ૨૧ મે ૨૦૧૨. મેળવેલ ૧૬ જૂન ૨૦૧૪.
  3. Adhyaru Majithia, Priya (૨૧ મે ૨૦૧૨). "Famous literary figure Bholabhai Patel passes away, his wisdom survives". The Times of India. મેળવેલ ૧૬ જૂન ૨૦૧૪.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ Brahmabhatt, Prasad (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ (History of Modern Gujarati Literature – Modern and Postmodern Era). Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ ૨૬૩–૨૬૭. ISBN 978-93-5108-247-7.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ "ભોળાભાઈ પટેલ". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૨૩ જૂન ૨૦૧૪.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ "President of Gujarati Sahitya Parishad Bholabhai Patel dies". DeshGujarat. ૨૦ મે ૨૦૧૨. મેળવેલ ૧૬ જૂન ૨૦૧૪.
  7. Majithia, Priya Adhyaru (૮ ઓગસ્ટ ૨૦૧૨). "Welcome to Bholabhai Chowk!". The Times of India. મેળવેલ ૨૩ જૂન ૨૦૧૪.

બાહ્ય કડીઓ ફેરફાર કરો