મંજુલાલ મજમુદાર
મંજુલાલ રણછોડલાલ મજમુદાર (૧૮ સપ્ટેમ્બર ૧૮૯૭ – ૧૧ નવેમ્બર ૧૯૮૪) એ ગુજરાતી સાહિત્યના વિદ્વાન અને લેખક હતા.
મંજુલાલ મજમુદાર | |
---|---|
જન્મ | મંજુલાલ રણછોડલાલ મજમુદાર ૧૮ સપ્ટેમ્બર ૧૮૯૭ પેટલાદ, ગુજરાત |
મૃત્યુ | ૧૧ નવેમ્બર ૧૯૮૪ વડોદરા, ગુજરાત |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નોંધપાત્ર સર્જનો | ગુજરાતી પદ્યસાહિત્યનાં સ્વરૂપો–મધ્યકાલીન તથા અર્વાચીન |
નોંધપાત્ર પુરસ્કારો | રણજિતરામ સુવર્ણચંદ્રક |
જીવન
ફેરફાર કરોતેમનો જન્મ ૧૮ સપ્ટેમ્બર ૧૮૯૭ના દિવસે પેટલાદમાં થયો હતો. તેમણે પોતાનું સમગ્ર શિક્ષણકાર્ય વડોદરા ખાતેથી મેળવ્યું હતું અને વડોદરાને જ પોતાની કર્મભૂમિ બનાવી હતી. વસન્તમાં અને નાનો વિહારી નામની તેમની બાળવાર્તાઓ (૧૯૧૪) અને નરસિંહ મહેતાની કવિતા (૧૯૧૫) વડોદરા કૉલેજ મિસેલેનીમાં પ્રકાશિત થયા હતા. ૧૯૧૮માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે તેમણે બી.એ.ની પદવી મેળવી હતી. ત્યાર બાદ ૧૯૨૧માં એલ.એલ.બી.નો અભ્યાસ પૂર્ણ કરી વડોદરાની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકે કારકીર્દીની શરૂઆત કરી હતી. અમુક સમય બાદ તેમણે વકીલાત શરૂ કરી પણ તેમનું મન સાહિત્ય તરફ વળેલું હોવાથી મે ૧૯૨૮માં તેઓ સયાજી સાહિત્યમાલાના સંપાદક તરીકે વડોદરાના કેળવણી ખાતામાં જોડાયા હતા. ૧૯૩૩માં વડોદરા ખાતે યોજાયેલ સાતમી ઑલ ઇન્ડિયા ઑરિયેન્ટલ કૉન્ફરન્સમાં તેમણે બાલગોપાલસ્તુતિ તથા ભાગવત દશમ સ્કંધમાંનાં વૈષ્ણવ ચિત્રોની નવી શોધ લોકો સમક્ષ મૂકી હતી. ૧૯૩૮માં વડોદરા કૉલેજમાં તેઓ અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૪૩માં કલ્ચરલ બૅકગ્રાઉન્ડ ઑફ ગુજરાત આર્ટ : એસ્પેશિયલી મિનિયેચર્સ એ વિષય પર મહાનિબંધ લખી તેમણે મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી પી.એચ.ડી.ની પદવી મેળવી હતી. ત્યાર બાદ ૧૯૪૭માં ગુજરાતનાં તળપદાં ચિત્ર, શિલ્પ તથા સ્થાપત્યના સંશોધન માટે મુંબઈ વિશ્વવિદ્યાલ તરફથી તેમને ત્રણ વર્ષ માટે સ્પ્રિન્ગર રિસર્ચ સ્કૉલરશિપ મળી હતી. ૧૯૫૨માં તેઓ સેવા નિવૃત્ત થયા હતા. ૧૯૫૩માં ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળામાં તેમણે વ્યાખ્યાનો આપ્યા હતા. ૧૧ નવેમ્બર ૧૯૮૪ના દિવસે વડોદરામાં તેઓ અવસાન પામ્યા હતા.[૧]
લેખન
ફેરફાર કરોતેમણે સંપાદનો, નિબંધો અને ગ્રંથો ઉપરાંત ભારતીય સંસ્કૃતિ તથા ગુજરાતી ભાષાસાહિત્ય વિષે ૪૦૦થી પણ વધુ લેખ, વિવિધ સામાયિકો અને પ્રકાશનો માટે લખ્યા છે.
સંપાદનો
ફેરફાર કરો- સુદામાચરિત્ર (૧૯૨૨)
- રણયજ્ઞ (૧૯૨૩)
- પ્રેમાનંદયુગની સાલવારી
- ગુજરાતી કાવ્યોની સૈકાવાર રચનાઓ
- અભિમન્યુ આખ્યાન
- જસમાના રાસડા - (રાસમાળાની ત્રીજી આવૃતિમાટે)
- માધવાનલકામ-કંદલાપ્રબંધ
- પંચદંડ ને બીજાં કાવ્યો[૨]
- રણજંગ[૨]
- લોકવાર્તાનું સાહિત્ય[૨]
- કાવ્યનવનીત ને નળાખ્યાન[૨]
પ્રકીર્ણ
ફેરફાર કરો- નરસિંહ અને મીરાંનાં પદોનો મારવાડમાં પ્રચાર - લેખ
- સમાજશાસ્ત્રની ર્દષ્ટિએ બ્રિટિશ યુગ અગાઉનો ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ
- રાસ, ગરબો અને ગરબીનું અંત:-સ્વરૂપ
- કલ્ચરલ બૅકગ્રાઉન્ડ ઑફ ગુજરાત આર્ટ : એસ્પેશિયલી મિનિયેચર્સ
- ક્રોનૉલોજી ઑફ ગુજરાત - પ્રાક્સોલંકી યુગ (૧૯૬૦)
- કલ્ચરલ હિસ્ટરી ઑફ ગુજરાત (૧૯૬૫)
- ગુજરાતી પદ્યસાહિત્યનાં સ્વરૂપો (૧૯૫૪)
- રેવાને તીરે તીરે (૧૯૫૬)
- મીરાંબાઈ : એક મનન
- વલ્લભ ભટ્ટની વાણી (૧૯૬૨)
- ભીમનો સદયવત્સ વીરપ્રબંધ (૧૯૬૩)
- બ્રેહેદેવની ભ્રમરગીતા (૧૯૬૩)
- ગનીમની લડાઈનો પવાડો (૧૯૬૪)
- સાહિત્યકાર પ્રેમાનંદ-નવું સંપાદન (૧૯૬૬)
- દસે આંગળીએ વેઢ (૧૯૬૭)
- ગુજરાતી પદ્યસાહિત્યનાં સ્વરૂપો–મધ્યકાલીન તથા અર્વાચીન
- રામાયણનું રહસ્ય[૨]
૧૯૨૨માં તેમણે સુદામાચરિત્ર નામના પુસ્તકનું સંકલન કર્યું જેમાં સુદામા પર લખાયેલી આઠ કવિતાઓ શામેલ હતી. ૧૯૨૩માં તેમણે પ્રેમાનંદની રચના રણયજ્ઞ સંપાદિત કરી હતી. પ્રેમાનંદયુગની સાલવારી, ગુજરાતી કાવ્યોની સૈકાવાર રચનાઓને ૧૯૨૪થી મેટ્રીકના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે પણ સામેલ કરવામાં આવી હતી. નરસિંહ અને મીરાંનાં પદોનો મારવાડમાં પ્રચાર આ લેખ તેમણે મુંબઈ વિશ્વવિદ્યાલય દ્વારા મળેલા અનુદાન થકી પૂર્ણ કર્યો હતો. ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસને ગુજરાત ઍન્ડ ઇટ્સ આર્ટ હેરિટેજ નામે અંગ્રેજીમાં અનુવાદ કરી ૧૯૬૫માં ૮૦ ચિત્રો સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. માધવાનલકામ-કંદલાપ્રબંધ નામે આમોદના કવિ શ્રી ગણપતે લખેલા ૨,૫૦૦ દોહાનું તેમનું સંપાદન ગાયકવાડ ઑરિયેન્ટલ સિરીઝમાં પ્રગટ થયું હતું. ૧૯૩૮માં ગુજરાત સાહિત્ય સભા વતી ગ્રંથસ્થ વાઙમયની સમીક્ષા તેમણે કરી હતી. લોકસત્તા નામના દૈનિકમાં તેમણે યશગાથા ગુજરાતની નામે એક લેખમાળા લખી જે ૩ વર્ષ ચાલી હતી.[૧]
સન્માન
ફેરફાર કરોનરસિંહ અને મીરાંનાં પદોનો મારવાડમાં પ્રચાર માટે તેમને ૧૯૪૧માં નારાયણ મહાદેવ પરમાનંદ પુરસ્કાર મળ્યો હતો. ૧૯૨૯માં ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ એ લેખ માટે મુંબઈ યુનિવર્સિટીએ તેમને એમ.એ.ની પદવી એનાયત કરી. વર્ષ ૧૯૬૮નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત કરવામાં આવ્યો હતો.[૧][૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "મજમુદાર, મંજુલાલ રણછોડલાલ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-04.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "મંજુલાલ મજુમદાર, Manjulal Majumdar". ગુજરાતી પ્રતિભા પરિચય. 2011-06-29. મેળવેલ 2021-10-04.
- ↑ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 1403. ISBN 978-93-5108-247-7.