મદન મોહન માલવીય
કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના પ્રણેતા એવા મહામના પંડિત મદન મોહન માલવીયાનો જન્મ ૨૫મી ડિસેમ્બર ૧૮૬૧ ના દિવસે ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા અલ્હાબાદ શહેરમાં પિતા બ્રિજનાથ અને માતા મૂનાદેવીના ઘરે થયો હતો. તેઓ તેમના માતાપિતાનાં સંતાનો (પાંચ છોકરાઓ અને બે છોકરીઓ)માં પાંચમા હતા. એમનાં લગ્ન ઇ. સ. ૧૮૭૮ના વર્ષમાં કુંદનદેવી સાથે થયા હતાં, તેમજ તેમને ત્યાં પાંચ પુત્રો અને પાંચ પુત્રીઓનો જન્મ થયો હતો.
મદન મોહન માલવીય | |
---|---|
જન્મ | ૨૫ ડિસેમ્બર ૧૮૬૧ |
મૃત્યુ | ૧૨ નવેમ્બર ૧૯૪૬ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | કવિ, ક્રાંતિકારી |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
મહામના તરીકે ઓળખાયેલા મદન મોહન માલવીયા આ યુગના આદર્શ પુરુષ હતા. પોતાના જીવન-કાળમાં પત્રકારત્વ, વકીલાત, સમાજ-સુધારણા, માતૃ-ભાષા તથા ભારતમાતાની સેવા કાજે પોતાનું જીવન અર્પણ કરનારા આ મહામાનવે જે વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી એમાં એમની પરિકલ્પના એવા વિદ્યાર્થીઓને શિક્ષિત કરીને દેશ સેવા કાજે તૈયાર કરવાની હતી, જે દેશનું મસ્તક ગૌરવથી ઊંચુ કરાવી શકે. એ જગજાહેર છે કે મહામના માલવીય સત્ય, બ્રહ્મચર્ય, વ્યાયામ, દેશભક્તિ તથા આત્મ-ત્યાગમાં આ દેશમાં અદ્વિતીય સ્થાન રાખતા હતા. ઉપર્યુક્ત સમસ્ત આચરણ પર મહામના સદૈવ ઉપદેશ જ ન આપતા, પરંતુ એનું સર્વથા પાલન પણ કરતા હતા. પોતાના વ્યવહારમાં મહામના સદૈવ મૃદુભાષી રહ્યા હતા.
કર્મ એ જ એમનું જીવન હતું. ઘણી બધી સંસ્થાઓના જનક તથા સફળ સંચાલકના રૂપમાં એમની વિધિ-વ્યવસ્થાનું સુચારૂ સંચાલન કરતાં કરતાં પણ રોષ અથવા કડક બોલીનો પ્રયોગ ક્યારેય પણ નહીં કર્યો.
તેમનું અવસાન ઇ.સ. ૧૯૪૬માં થયું હતું.