માણસાઈના દીવા

ઝવેરચંદ મેઘાણી લિખિત પુસ્તક

માણસાઈના દીવાઝવેરચંદ મેઘાણી લિખિત, ૧૯૪૫ માં પ્રકશિત થયેલો, ગુજરાતી નવલિકા સંગ્રહ છે.[૨] આ પુસ્તક સરદાર વલ્લભભાઈ પટેલને અર્પણ કરવામાં આવ્યું હતું.[૩] પુસ્તકની પ્રસ્વાવનામાં કાકા સાહેબ કાલેલકરે આ પુસ્તકને સંસ્કૃતિ સુધારનો કીમતી દસ્તાવેજ ગણાવ્યો છે.[૨]

માણસાઈના દીવા
લેખકઝવેરચંદ મેઘાણી
અનુવાદકવિનોદ મેઘાણી[૧]
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારનવલિકા સંગ્રહ
પ્રકાશન તારીખ
૧૯૪૫
અંગ્રેજીમાં પ્રકાશન તારીખ
૨૦૦૪
માધ્યમ પ્રકારમુદ્રિત
પુરસ્કારોમહીડા પારિતોષિક
દશાંશ વર્ગીકરણ
9788184805871, 818480587X
મૂળ પુસ્તકમાણસાઈના દીવા વિકિસ્રોત પર

ઇતિહાસ ફેરફાર કરો

ઈ. સ. ૧૯૪૪માં પંડિત રવિશંકર મહારાજ અમદાવાદની સાબરમતી જેલમાં હતા ત્યારે નાદુરસ્સ્ત તબિયતને કારણે તેમને સિવિલ ઈસ્પિતાલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજને મળવા જતા અને તેમના અનુભવોની રસપ્રદ કથાને પોતાની ટાંચણપોથીમાં નોંધી લેતા. આ રસપ્રદ વાતો અને પાત્રોનો પ્રત્યક્ષ અનુભવ લેવાની ઇચ્છા થતા તેમણે રાવિશંકર મહારાજને મહીકાંઠાનો વિસ્તારની મુલાકાત કરાવી આપવા વિનંતી કરી. ૨૩ માર્ચ ૧૯૪૫ના દિવસે તેઓ ચાર દિવસ અને પાંચ રાતોમાં મહીકાંઠાના ક્ષેત્રના પ્રવાસે ઉપડ્યા અને બોચાસણ, ઝારોળા, રાસ, કણભા, ચાંપોલ, બદલપુર, દહેવાણ, ગોળવા જેવાં ગામડાઓમાં ફરી વળ્યા. આ અનુભવોને તેમને પુસ્તકના એક અલગ વિભાગમાં નોંધી જેને તેમણે પાંચ દિવસની ઝંગમ વિદ્યાપીઢ એવું નામ આપ્યું.[૩]

પૃષ્ઠભૂમિ અને વિષય વસ્તુ ફેરફાર કરો

આ નવલકથા ગુજરાતના લોકસેવક રવિશંકર વ્યાસના કાર્યો અને તેમને મુખે સાંભળાયેલ વાતોનો સંચય છે. દસ્તાવેજી મુલ્ય જાળવવા વાર્તાની ભાષા રવિશંકર મહારાજના લઢણવાળી જ રાખવામાં આવી છે. ખેડા જિલ્લાના બારૈયા-પાટણવાડિયા કોમના બહારવટિયા લૂંટારુઓના જીવન પર આધારિત નવલિકાઓ આ પુસ્તકનો મુખ્ય વિષય છે.[૨]

આ પુસ્તક નવલિકા સ્વરૂપે કુલ ૧૭ વાર્તાઓ ધરાવે છે. મહીકાંઠા વિસ્તારના ધારાળા, બારૈયા, પાટણવાડિયા વગેરે ગુનેગાર ગણાતી કોમોના જીવનમાં રહેલી માણસાઈની મહત્તાને આ વાર્તાઓમાં દર્શાવવામાં આવી છે. અમુક વાર્તાઓ આ પ્રમાણે છે "હું આવ્યો છું બહાવટું શીખવવા" - નામની કથામાં રવિશંકર મહારાજ આ લોકો વચ્ચે રહી તેમને ચોરી અને દારૂની લત છોડાવતા અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગાંધીજીની ઢબે બહારવટું શીખવવા મથે છે. "હાજરી" નામના પ્રકરણમાં અંગ્રેજ સરકારના શાસન હેઠળ આ લોકોને થાણામાં "હાજરી" નોંધાવી પડતી. રવિશંકર મહારાજ આ ધારો કઢાવવા મથે છે અને કઢાવીને જ જંપે છે. "મારાં સ્વજનો" નામની વાતમાં રવિશંકર એક નિર્દોષ માણસને ફાંસીએ ચઢતો બચાવે છે.[૨]

"પાંચ દીવસની જંગમ વિદ્યાપીઠ" એ શીર્ષક હેઠળ, લેખકે રવિશંકર મહારાજ સાથે રહી ૫ દિવસ સુધી કરેલા પ્રવાસ અને પાત્રોની મુલાકાતોનું વર્ણન આ પુસ્તકમાં જુદા ખંડમાં કર્યું છે.[૨]

આ પુસ્તકમાં આઝાદીના સમયના ચરોતર ક્ષેત્રના ગ્રામજીવનનું દર્શન થાય છે.[૨]

સન્માન ફેરફાર કરો

આ પુસ્તકને ૨૯ ડીસેમ્બર ૧૯૪૬ના દિવસે મહીડા પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. વડોદરાના ડાંડિયા બજારમાં આવેલા વિઠ્ઠલ ક્રીડા ભવનમાં આ સમારંભ યોજયો હતો. આ કાર્યક્રમમાં રમણલાલ દેસાઈ અને માંડવા-ચાણોદ રજવાડાના કુમાર નરેન્દ્રસિંહ મહીડા ઉપસ્થિત હતા. ઝવેરચંદ મેઘાણીએ પારિતોષિકની ઈનામનો અસ્વીકાર કરતા ક્હ્યું હતું કે તેના પર રવિશંકર મહારાજનો અધિકાર છે અને તેમને તે રકમ અર્પણ કરી હતી. તેના જવાબમાં રવિશંકર મહારાજે રકમનો સવિનય અસ્વીકાર કરતા જણાવ્યું હતું કે,

"ઔષધિની કિંમત નથી, વૈદ્યની કિંમત છે. વનવગડામાં પડેલી ઔષધિને વૈદ્ય ખોળી કાઢે અને તેનો ઉપયોગ કરી જાણે છે. ખેડે એની ચીજ કહેવાય. કોઠીમાં દાણો હોય પણ દાટો મારેલો હોય તો તે શા કામનો? કોઈ પરોપકારી માણસ આવે રાંધે અને ખવડાવે એને જ તો ખરી કિંમત કહેવાય."[૪][૩]

આ મહીડા પારિતોષિક એ ઝવેરચંદ મેઘાણીનું છેવટનું સન્માન બન્યું.[૩]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Jhaverchand Meghani's son passes away". The Times of India. 16 February 2009. મેળવેલ 22 February 2021.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ઠક્કર, ધીરુભાઈ (2002). ગુજરાતી વિશ્વકોશ (ખંડ ૧૫). ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ 657–658.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "૭૦વર્ષ પહેલા ઝવેરચંદ મેઘાણીને". www.akilanews.com. મેળવેલ 2021-01-26.
  4. માણસાઈના દીવા ( Mansai Na Deeva ) | Pothi.com (અંગ્રેજીમાં).