માનસીગુજરાતી લેખક વિજયરાય વૈદ્ય દ્વારા સંપાદિત સામયિક હતું. આ સામયિક ૧૯૩૫થી ૧૯૬૦ સુધી ચાલ્યું હતું.

વિવેચક, નિબંધકાર અને સાહિત્યિક પત્રકાર વિજયરાય વૈદ્યે ૧૯૩૫માં ડેમી કદમાં માનસી ત્રૈમાસિકનો પ્રારંભ કર્યો. તેમણે આ સામયિકને 'સર્જન અને ચિંતનની ગ્રંથશ્રેણી' તરીકે ઓળખાવ્યું હતું અને કહ્યું હતું કે 'માનસી' એટલે 'સકલ મનોવ્યાપારનો આવિર્ભાવ'. આ પૂર્વે તેમણે ૧૯૨૪થી ૧૯૩૫ સુધી 'કૌમુદી' માસિકનું સંપાદન કરી પ્રગટ કર્યું હતું. ૧૯૬૦ના ડિસેમ્બરમાં ભાવનગરથી કોંગ્રેસ સ્મરણિકા અંક પ્રકાશિત કરીને વિજયરાય વૈદ્યે 'માનસી' બંધ કર્યું હતું. ત્યારબાદ એમણે 'રોહિણી' નામનું સામયિક પ્રગટ કર્યું હતું.[][]

પ્રકાશિત સામગ્રી

ફેરફાર કરો

માનસીમાં કાવ્યો, નાટક, વાર્તા, ચરિત્ર, નિબંધ, હળવા નિબંધ, પ્રવાસ અને વિવેચન જેવાં સાહિત્યસ્વરૂપોના લેખો પ્રગટ થયેલા છે. 'નિસ્કર્ષ', 'બસો પાંચસો શબ્દોમાં', 'હજારેક શબ્દોમાં' શીર્ષક હેઠળ પુસ્તક સમીક્ષા પ્રગટ કરવામાં આવતી હતી. 'મનન' વિભાગમાં ચિંતનાત્મક અને પ્રેરણાત્મક લખાણો તથા 'મંજૂષા' વિભાગમાં હિન્દી અને સંસ્કૃત સાહિત્ય વિશે લેખો પ્રગટ થતાં હતાં. ૧૯૫૦થી 'માનસી'માં અંગ્રેજી વિભાગ પ્રગટ થવાનું શરૂ થયું હતું. 'વાસરિકા' વિભાગમાં સાંપ્રત સાહિત્યિક ઘટનાઓની ચર્ચા કરવામાં આવતી અને તેમાંથી ક્યારેક સાહિત્યિક વિવાદ પણ જાગતો હતો. સર્જકોનાં સ્મરણો અન્ય વ્યક્તિ દ્વારા કે સર્જક પાસે લખાવીને પ્રકાશિત કરવામાં આવતાં. દેશ-પરદેશના સાહિત્યકારો, શતાબ્દીઓ, જયંતીઓ અને અવસાનનોંધ આપવામાં આવતી. વિજયરાય અભ્યાસીઓને પુસ્તક મોકલતા અને તેમની પાસેથી ચીવટપૂર્વક સમીક્ષાઓ તૈયાર કરાવતા. વિશ્વનાથ ભટ્ટ, ડોલરરાય માંકડ, અંબાલાલ પુરાણી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, દુર્ગાશંકર શાસ્ત્રી, ધનસુખલાલ મહેતા, કે. કા. શાસ્ત્રી વગેરેના લેખો 'માનસી'માં પ્રગટ થયેલાં છે. 'માનસી'ને આર્થિક રીતે સધ્ધર સ્થિતિમાં પહોંચાડવા માટે વિજયરાય વૈદ્ય ઘણો સંઘર્ષ કર્યો હતો.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ જોશી, રમણલાલ (૨૦૦૨). "માનસી". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૫ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૮૦૭. OCLC 248968453.
  2. મહેતા, હસિત (મે ૨૦૧૨). "પંડિતયુગનાં સાહિત્યિક સામયિકો". માં મહેતા, હસિત (સંપાદક). સાહિત્યિક સામયિકો: પરંપરા અને પ્રભાવ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: રન્નાદે પ્રકાશન. પૃષ્ઠ ૮૧–૮૨. ISBN 978-93-82456-01-8. OCLC 824686453.