રમણલાલ જોષી

ગુજરાતી વિવેચક

રમણલાલ જેઠાલાલ જોશી (૨૨-૫-૧૯૨૬) વિવેચક, સંપાદક. જન્મ વિજાપુર તાલુકાના હિરપુરા ગામે. પ્રાથમિક શિક્ષણ વડનગરમાં. માધ્યમિક શિક્ષણ પિલવાઈમાં. ૧૯૫૦માં બી.એ. ૧૯૫૪માં એમ.એ. ૧૯૬૨માં પીએચ.ડી. ૧૯૫૪ થી ૧૯૫૯ સુધી ભાષાભવન, ગુજરાતી યુનિવર્સિટીમાં રિસર્ચ ફેલો. ૧૯૫૯ થી ૧૯૬૨ સુધી અમદાવાદની સર એચ.એ.આર્ટસ કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૨ થી ૧૯૬૮ સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યાપક, ૧૯૭૯માં રીડર, પછી ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને છેલ્લે ભાષાભવનના અધ્યક્ષપદેથી ૧૯૮૬માં નિવૃત્ત. તે પછી કૉલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત યુનિવર્સિટીમાં ડાયરેકટર તથા ૧૯૮૮માં યુ.જી.સી તરફથી એમિરિટસ પ્રોફેસર. ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ. ૧૯૮૪ નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક.

રમણલાલ જોશી
જન્મરમણલાલ જેઠાલાલ જોશી
(1926-05-22)22 May 1926
હીરપુરા, વિજાપુર, ગુજરાત
મૃત્યુ10 September 2006(2006-09-10) (ઉંમર 80)
અમદાવાદ
વ્યવસાયવિવેચક, સંપાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ
  • એમ. એ.
  • પી. એચડી.
નોંધપાત્ર સર્જનોવિવેચન પ્રક્રિયા (૧૯૮૧)
નોંધપાત્ર પુરસ્કારો
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધગોવર્ધનરામ એક અભ્યાસ
માર્ગદર્શકઉમાશંકર જોશી
શૈક્ષણિક કાર્ય
શોધનિબંધ વિદ્યાર્થીઓમફત ઓઝા
અમદાવાદમાં નવરંગપુરા ખાતે આવેલ રમણલાલ જેઠાલાલ જોશી માર્ગ

‘ગોવર્ધનરામ એક અધ્યયન’ (૧૯૬૩), ‘અભીપ્સા’ (૧૯૬૮), ‘પરિમાણ’ (૧૯૭૯), ‘શબ્દસેતુ’ (૧૯૭૦), ‘પ્રત્યય’ (૧૯૭૦), ‘ભારતીય નવલકથા’-૧ (૧૯૭૪), ‘સમાન્તર’ (૧૯૭૬), ‘વિનિયોગ’ (૧૯૭૭), ‘ગુજરાતી સાહિત્યની કાર્યવાહી-૧૯૬૩ નું ગ્રંથસ્થ વાઙમય’ (૧૯૭૭), ‘ગોવર્ધનરામ(અંગ્રેજીમાં) (૧૯૭૯)’, ‘વિવેચનની પ્રક્રિયા’ (૧૯૮૧), ‘પ્રજ્ઞામૂર્તિ ગોવર્ધનરામ’ (૧૯૮૬), ‘નિષ્પત્તિ’ (૧૯૮૮), ‘પરિવેશ’ (૧૯૮૮), ‘વિવેચનની આબોહવા’ (૧૯૮૯) એમના વિવેચનસંગ્રહો છે. એમના પાશ્ચાત્ય કાવ્યતત્વવિચારકો વિષયક સિદ્ધાંતલેખો અને ચોક્કસ અભિગમથી કૃતિની આલોચના કરતા વિવેચનલેખોમાં તુલનાત્મક દ્રષ્ટિકોણ જોવાય છે. પોતાને અભિમત વિચારને તેઓ પશ્ચિમના વિવેચકોનાં વિધાનોથી સમર્થિત કરે છે. ‘સ્વ.સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત અને કવિજીવન’ (૧૯૬૬) તથા ‘શબ્દલોકના યાત્રીઓ’-૧-૨ (૧૯૮૩) એ એમના ચરિત્રાત્મક ગ્રંથો છે.

‘અખેગીતા’ (અન્ય સાથે, ૧૯૬૭) સંશોધન-સંપાદનમાં એમના મધ્યકાલીન સાહિત્યના સ્વાધ્યાયનો પરિચય મળી રહે છે. ‘અખાની કવિતા’ (૧૯૮૫) એ એમનું અખાની કાવ્યતત્વની દ્રષ્ટિએ બળુકી રચનાઓનું સંપાદન છે. એ ઉપરાંત ‘કાવ્યસંચય’ (અન્ય સાથે, ૧૯૮૧), ‘ઉત્તમલાલની ગદ્યસિદ્ધિ’ (અન્ય સાથે, ૧૯૭૨), ‘ગોવર્ધન પ્રતિભા’ (અન્ય સાથે, ૧૯૮૩) સંપાદનો પણ એમણે આપ્યાં છે. ૧૯૭૬ થી ગુજરાતી સર્જકોનો લઘુપરિચય આપતી ગ્રંથશ્રેણીનું તેઓ સંપાદન કરે છે; તદનુસાર આજ સુધીમાં જુદા જુદા અભ્યાસીઓ દ્વારા લખાયેલા ૪૦ જેટલા ગ્રંથો પ્રકાશન પામ્યા છે.

ગોવર્ધનરામ-એક અધ્યયન (૧૯૬૩) : રમણલાલ જોશીનો મહાનિબંધ. એ પાંચ ખંડોમાં વહેંચાયેલો છે. એમાં ગોવર્ધનરામના જીવનનાં સમગ્ર પાસાં આવરી લેવાયાં છે. ખંડ ૧ ‘પ્રાક કથન’માં ગોવર્ધનરામના જન્મસમયની સાંસ્કૃતિક-ઐતિહાસિક પૃષ્ઠભૂમિનું નિરૂપણ થયું છે. ખંડ ૨ ‘સ્નેહજીવન’ બે પ્રકરણોમાં આલેખાયેલો છે અને એમાં ગોવર્ધનરામની ૧૮૫૫ થી ૧૮૮૩ સુધીની જીવનકથાનું વિગતે નિરૂપણ કરીને, એમની ‘વિધિકુણ્ઠિતમ્’, ‘હૃદયરુદિતશતકમ્’ અને ‘સ્નેહમુદ્રા’ જેવી સંસ્કૃત અને ગુજરાતી કૃતિઓની સર્જક-જીવનકથાના સંદર્ભમાં તપાસ કરવામાં આવી છે. ‘સાક્ષરજીવન’ નામના ત્રીજા અને ચોથા ખંડોમાં જીવનકથાનો બીજો અને ત્રીજો ભાગ રજૂ થયો છે અને ‘સરસ્વતીચંદ્ર’ જેવી મહત્વની કૃતિ અંગે વિસ્તારથી વાત થઈ છે. તદુપરાંત ‘સાક્ષરજીવન’ આદિ સુદીર્ઘ રચનાઓ, લેખો, વ્યાખ્યાન-નિબંધો વગેરે પ્રકીર્ણ કૃતિઓનું અવલોકનાત્મક નિરૂપણ છે. છેલ્લા, પાંચમા ખંડ ‘અધ્યાત્મજીવન’માં ગોવર્ધનરામના આધ્યાત્મિક ચિંતનનું એમના કૃતિગત તેમ જ જીવનગત સંદર્ભોને આધારે નિરૂપણ થયું છે. પુસ્તકનું મહત્વનું પ્રદાન એ છે કે ગોવર્ધનરામનાં અંગ્રેજી લખાણોનો અહીં પ્રવાહી શૈલીમાં સારગ્રાહી પરિચય કરાવ્યો છે. ગોવર્ધનરામ વિશેનાં પૂર્વે લખાયેલાં લખાણોમાં રહેલા વિગતદોષોની પણ અનેક સ્થળે શુદ્ધિ થઈ છે. ગોવર્ધનરામની ઇતિહાસ દ્રષ્ટિ, એમનો કલા તેમ જ જીવન પ્રત્યેનો અભિગમ, એમની તત્વવિચારણા વગેરેનું સર્વાંગી નિરૂપણ કરતો આ ગ્રંથ તદ્રિધ સાહિત્યમાં મહત્વનું પ્રદાન છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય