રણછોડદાસ ઝવેરી ૧૯મી સદીના ગુજરાતી ભાષાના નૂતન શિક્ષણનાં પ્રણેતા હતાં. તેઓનો જન્મ ઈ. સ. ૧૮૦૩ના વર્ષમાં થયો હતો. તેઓના પિતાશ્રીનું નામ ગિરધરભાઈ હતું. રણછોડદાસજીએ પોતાના અભ્યાસકાળ દરમિયાન સંસ્કૃત અને હિન્દી ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત તેની સાથે અંગ્રેજી ભાષાનાં પુસ્તકોનાં વાંચન અને લેખનથી પોતાનું જ્ઞાન સમૃધ્ધ કર્યુ હતું. તેઓ બુધ્ધિવર્ધક હિન્દુસભાના પ્રથમ પ્રમુખ બન્યા હતાં. સરકારી નોકરી દરમિયાન તેઓએ સર્વપ્રથમ ગુજરાતી વર્ણમાળા અને ત્યારબાદ સમયાંતરે વાંચનમાળા, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, ભૂમિતિ વગેરે પુસ્તકો તૈયાર કર્યા હતાં. તેમજ અંગ્રેજી ભાષા અને મરાઠી ભાષાનાં ઘણાબધાં પુસ્તકોનું ભાષાંતર ગુજરાતી ભાષામાં કર્યુ હતું. સુરતમાં પુસ્તકપ્રસારક મંડળીની સ્થાપના કરવામાં શ્રી રણછોડદાસ ઝવેરીનો અગત્યનો ફાળો હતો. રણછોડદાસજીની કર્તવ્યનિષ્ઠાને કારણે ઉપરી અંગ્રેજ અધિકારીઓમાં તેઓ પ્રીતિપાત્ર બન્યા હતા. તેઓના જીવનના નિવૃતિના દિવસો સુધી તેઓએ કેળવણીક્ષેત્રે સંગીન કામગીરી બજાવી હતી. પ્રખર ગુજરાતી સાહિત્યકાર નર્મદે પોતાનાં સાહિત્યમાં નોંધ્યું છે કે, " પ્રથમ ચોપડીઓ તૈયાર કરવામાં જેમણે શ્રમ લીધો છે તે રણછોડદાસને અમે આરંભકાળે ગુજરાતની પ્રસિધ્ધિનો પહેલો પુરુષ કહીશું " તેઓ તા.૨૩-૦૮-૧૮૭૩ના રોજ પોતાનું જીવનકાર્ય પુર્ણ કરી અવસાન પામ્યા હતા.