નર્મદ
નર્મદ, મૂળ નામ નર્મદાશંકર લાલશંકર દવે (૨૪ ઓગસ્ટ ૧૮૩૩[૧] - ૨૬ ફેબ્રુઆરી ૧૮૮૬) ગુજરાતી સાહિત્યના કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા.
નર્મદાશંકર લાલશંકર દવે | |
---|---|
નર્મદ, ૨૭ વર્ષની ઉંમરે. તૈલચિત્ર આધારિત કાષ્ઠછબી. | |
જન્મ | સુરત, ગુજરાત, ભારત | August 24, 1833
મૃત્યુ | February 26, 1886 મુંબઇ, ભારત | (ઉંમર 52)
ઉપનામ | નર્મદ |
વ્યવસાય | કવિ, નવલકથાકાર |
સહી |
જીવન
ફેરફાર કરોતેમનો જન્મ સુરતમાં થયો હતો.
અભ્યાસ
ફેરફાર કરોપાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ. સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ. ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરતી નિશાળમાં. પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે. ૧૮૪૫માં અંગ્રેજી શાળામાં દાખલ. ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ. કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો. ૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક. ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને. ૧૮૫૪માં મુંબઈ. મિત્ર ઝવેરીલાલ ઉમિયાશંકરના સૂચનથી ફરી કૉલેજ-પ્રવેશ. આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ. વર્ગમાં શીખવાતી વર્ડઝવર્થની વર્ણનથી કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો.
વ્યવસાય
ફેરફાર કરો૨૩મી વર્ષગાંઠથી કાવ્યલેખનનો પ્રારંભ. કવિતાવાચન, પિંગળજ્ઞાન વગેરેમાં તૈયારી. સાથે સાથે ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક. ૧૮૫૮માં ઇષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે ફારેગ. ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’ પખવાડિકનો આરંભ. પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમનું વિચારપરિવર્તન. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. ૧૮૮૨માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરીનો કમને સ્વીકાર કર્યો.
અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે.
સર્જન
ફેરફાર કરોનર્મદના ગદ્યલખાણોમાંના નિબંધોમાં ‘રસપ્રવેશ’ (૧૮૫૮), ‘પિંગળપ્રવેશ’ (૧૮૫૭), ‘અલંકારપ્રવેશ’ (૧૮૫૮), ‘નર્મવ્યાકરણ’ ભા.૧-૨ (૧૮૬૫), ‘વર્ણવિચાર’ (૧૮૬૫), ‘નાયિકા વિષયપ્રવેશ’ (૧૮૬૬) જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધગ્રંથોનું ઐતિહાસિક મહત્વ છે. એમના તરફથી આ વિષયનું પાયાનું ને પ્રાથમિક જ્ઞાન ઉચિત પરિભાષામાં આપણને પ્રાપ્ત થયું છે. ‘ઋતુવર્ણન’ (૧૮૬૧), ‘હિંદુઓની પડતી’ (૧૮૬૪), ‘કવિચરિત’ (૧૮૬૫), ‘સુરતની મુખ્તેસર હકીકત’ (૧૮૬૫), ‘ઈલિયડનો સાર’ (૧૮૭૦), ‘મહિપતરામ રૂપરામ મહેતા’ (૧૮૭૦), ‘મહાપુરુષોનાં ચરિત્ર’ (૧૮૭૦), ‘મહાભારતનો સાર’ (૧૮૭૦), ‘રામાયણનો સાર’ (૧૮૭૦), ‘સાર શાકુંતલ’ (૧૮૮૧), ‘ભગવદગીતાનું ભાષાંતર’ (૧૮૮૨) ઉપરાંત ૧૮૫૦ થી ૧૮૬૫ સુધીનાં લખાણોના સંચયો ‘નર્મગદ્ય’ (૧૮૬૫) અને ‘નર્મગદ્ય’-૨ (૧૯૩૬) એમના ગદ્યગ્રંથો છે. ‘મારી હકીકત’ (૧૯૩૪) પશ્ચિમની ઢબે આત્મકથાનો નમૂનો પૂરું પાડતું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરી જીવનસામગ્રીને એમણે એમાં નિખાલસપણે નિરૂપી છે. આત્મચરિત્રની બાબતમાં તેઓ ગાંધીજીના સમર્થ પુરોગામી છે. ઉપરાંત ‘ઉત્તર નર્મદચરિત્ર’ (૧૯૩૯) પણ પ્રકાશિત થયેલું છે. સીધી ઉદબોધનશૈલીથી કાર્યક્ષમ બનતું, વિચારણાથી ચિંતનના સ્તરો વચ્ચે આંદોલિત રહેતું, કાવ્યાત્મકતા અને સૂત્રાત્મકતાથી કૌશલ સાધતું એમનું ગદ્ય અહીં વ્યક્તિત્વની પ્રબળ મુદ્રાથી અંકિત છે; અને વિષયને મુદ્દાસર રીતે વિકસાવતા જઈને ઉદાહરણોથી-સંદર્ભોથી-વિષયને સ્પષ્ટ કરતું જતું હકીકતલક્ષી પણ છે.
એમનાં નિબંધગ્રંથો ત્રણ ‘નર્મદગદ્ય’ સંપાદનોમાં સમાવિષ્ટ છે. આ સંપાદનોમાંનું એક, મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા સંપાદિત નર્મદગદ્ય અથવા કવિ નર્મદાશંકર લાલશંકરના ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ’ (૧૮૭૫), બીજું વિશ્વનાથ ભટ્ટ દ્વારા સંપાદિત ‘નર્મદનું મંદિર’- ગદ્યવિભાગ (૧૯૩૭) અને ત્રીજું, ગંભીરસિંહ ગોહિલ દ્વારા સંપાદિત ‘નર્મદગદ્ય’ (૧૯૭૫) છે. આ ઉપરાંત એમનાં પંદરેક ગદ્યલખાણોને સમાવતો ‘જૂનું નર્મદગદ્ય’- ભા.૧,૨ (૧૮૬૫, ૧૮૭૪) સંચયગ્રંથ પણ નોંધપાત્ર છે.
એમનાં સંશોધન-સંપાદનોમાંથી નવપ્રસ્થાનોનો અને એમની શાસ્ત્રીય દ્રષ્ટિનો, પદ્ધતિનો પૂરો પરિચય મળે છે. મનોહર સ્વામીકૃત ‘મનહર પદ’ (૧૮૬૦), ‘નર્મકોશ’: અંક ૧ (૧૮૬૧), ‘નર્મકોશ’: અંક ૨ (૧૮૬૨), ‘નર્મકોશ’: અંક ૩ (૧૮૬૪), ‘નર્મકોશ’: અંક ૪ (૧૮૬૫), ‘નર્મકથાકોશ’ (૧૮૭૦), ‘દયારામકૃત કાવ્યસંગ્રહ’ (૧૮૬૫), નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો ‘સ્ત્રી ગીત સંગ્રહ’ (૧૮૭૦), પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૮૭૨) અને ‘નર્મકોશ’ ની બૃહદ્ સંપૂર્ણ આવૃત્તિ (૧૮૭૩)- એમના સંશોધન-સંપાદનગ્રંથો છે. પૂરી શાસ્ત્રીય પદ્ધતિનો પરિચય કરાવતા આ કોશગ્રંથો અને સંશોધન-સંપાદનગ્રંથોનું ઐતિહાસિક રીતે પણ મહત્વ છે. ગુજરાતી ભાષા અને પ્રજા પરત્વેની એમની આસ્થા અને અસ્મિતાનું એ રૂડું પરિણામ છે.
‘તુલસી વૈધવ્યચિત્ર’-સંવાદરૂપે (૧૮૫૯), ‘રામજાનકી દર્શન’ (૧૮૭૬), ‘દ્રોપદીદર્શન’ (૧૮૭૮), ‘બાળકૃષ્ણવિજય’ (૧૮૮૬), ‘કૃષ્ણકુમારી’- એ એમના નાટકો-સંવાદોના ગ્રંથો છે. ‘સીતાહરણ’ (૧૮૭૮) સંવાદ અપ્રસિદ્ધ છે. ‘રાજ્યરંગ’-ભા.૧,૨ (૧૮૭૪, ૧૮૭૬)માં જગતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ આલેખાયેલો છે. ‘ધર્મવિચાર’ (૧૮૮૫)માં તત્વચર્ચાવિષયક પક્વ અને પરિણત બુદ્ધિની પર્યેષણા છે; તો ‘ગુજરાત સર્વસંગ્રહ’ (૧૮૮૭) તથા ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ (૧૮૮૭) એમના ઐતિહાસિક દ્રષ્ટિબિંદુથી લખાયેલા ગ્રંથો છે.
નર્મકવિતા
ફેરફાર કરોનર્મકવિતા: ૧-૩ (૧૮૫૮), નર્મકવિતા: ૪-૮ (૧૮૫૯) ને નર્મકવિતા: ૯-૧૦ (૧૮૬૦) ની બધી કવિતાઓનો સંચય નર્મકવિતા - પુસ્તક-૧ (૧૮૬૨)માં કરેલો છે. ઉપરાંત નર્મકવિતા - પુસ્તક-૨ (૧૮૬૩) અને અંતે નર્મકવિતા (૧૮૬૪)માં એમની તમામ પદ્યરચનાઓ સંગૃહીત થઈ છે. એમની કવિતાઓ ભાવ, ભાષા અને અભિવ્યક્તિ એમ ત્રિવિધ દ્રષ્ટિએ મહત્વની છે. પશ્ચિમની અંગ્રેજી કવિતાના પરિશીલનથી એમની કવિતામાં નકરી શબ્દાર્થની ચમત્કૃતિને સ્થાને રસની સ્થાપના કરવાનો ઉત્સાહ છે, પરંતુ રસ વિશેની સૂઝ પ્રાકૃત અને પ્રારંભિક છે. છતાં જુસ્સાથી સધાતો અર્વાચીન આત્મલક્ષી ઊર્મિકાવ્યોનો આદ્યવેગ એમની રચનાઓમાં ધ્યાન ખેંચે છે. પ્રકૃતિ અને પ્રણયના નવા વિષય-આવિષ્કારો, સંસારસુધારાના સીધા ઉદગારો અને દેશાભિમાનનાં ગીતોથી નર્મકવિતા વિશિષ્ટ બની છે.
નર્મદનો કાવ્યસંગ્રહ. ઈશ્વરસંબંધી, નીતિસંબંધી, દેશાભિમાનસંબંધી, સ્ત્રીશિક્ષણસંબંધી, ઘરસંસારસંબંધી, પ્રીતિસંબંધી, ગ્રામ તથા સૃષ્ટિસૌન્દર્યસંબંધી વગેરે કુલ દશ ખંડોમાં રચનાઓ વર્ગીકૃત છે. ઉપરાંત, કાવ્યશાસ્ત્રસંબંધી ગ્રંથો તેમ જ ‘પૂરવણી’ વિભાગનો સમાવેશ છે. આ રચનાઓ માત્રામેળ, અક્ષરમેળ અને દેશીમાં રચાયેલી છે. લલિત છંદનો અને ઓવી તેમ જ મરાઠી સાખીનો સર્વપ્રથમ પ્રયોગ અહીં થયો છે. નર્મદે પહેલીવાર મધ્યકાલીન વિષયોને છોડીને સુધારો, સ્વતંત્રતા, પ્રકૃતિ અને પ્રણય જેવા અર્વાચીન વિષયો દાખલ કર્યા છે. વાસ્તવાભિમુખતા અને જીવનાભિમુખતાને કારણે નવાં ક્ષેત્રો ઊઘડ્યાં છે; નવી નિરૂપણરીતિ પ્રગટી છે; તત્કાલીન સમયનું સર્વાંગ ચિત્ર ઝિલાયું છે. અંગ્રેજી રોમેન્ટિક કવિતાની અસર હેઠળ આ રચનાઓમાં ‘જોસ્સો’ અને વધુ પડતો ‘કૃત્રિમ જોસ્સો’ ભળેલો છે. આત્મલક્ષિતાનું તત્વ પ્રમુખ બન્યું છે. શૈલી મસ્ત રહી છે. ખાસ તો અંગ્રેજી કવિતાના સંપર્કને કારણે ઓડ અને બેલડ પ્રકારની રચનાઓ પણ અહીં છે. સર્વ રચનાઓ પૈકી ‘કબીરવડ’, ‘સહુ ચલો જીવતા જંગ’, ‘જય જય ગરવી ગુજરાત’, ‘નવ કરશો કોઈ શોક’ જેવી ઊર્મિરચનાઓ અત્યંત જાણીતી છે. પરંતુ, સાથે સાથે પરલક્ષી કવિતા અને એમાંય ‘વીરસિંહ’ અને ‘રુદનરસિક’ એ મહાકાવ્યના અધૂરા નમૂનાઓ તેમ જ વીરવૃત્તનો પ્રયોગ પણ અહીં છે. છતાં એકંદરે અભિવ્યક્તિની પરિષ્કૃતતા ઘણી ઓછી હોવાથી તથા સર્ગશક્તિ ઉત્તમ પ્રકારની ન હોવાથી ઊંચી કવિતા સિદ્ધ થયેલી જોવાતી નથી.
મારી હકીકત (૧૯૩૩)
ફેરફાર કરોમૂળે નર્મદે ‘નર્મગદ્ય’- પુસ્તક ૨ ના બીજા અંક તરીકે પોતાના આ આત્મચરિત્રની બે-પાંચ નકલો જ છપાવેલી અને પોતાના મરણ બાદ પ્રગટ કરવાની વિનંતી કરેલી. કવિના છેક જન્મશતાબ્દીવર્ષમાં પુસ્તકાકારે આ ચરિત્ર પછી બહાર આવ્યું. એમાં ૩ જી સપ્ટેમ્બર ૧૮૩૩થી ૧૮મી સપ્ટેમ્બર ૧૮૬૬ સુધીનું સ્વાત્મચરિત્ર છે. દુર્ગારામ મહેતાના રોજનીશી રૂપે લખાયેલા આત્મચરિત્ર પછીનું વ્યવસ્થિત રૂપનું આ પહેલું આત્મવૃત્તાંત છે. એમાં જન્મથી શરૂ કરી ઘરડાં વડીલો અને માબાપની ઓળખથી માંડી શિક્ષણ, ઊંચુ શિક્ષણ, મંથનકાળ, પ્રયત્નકાળ, સુધારાનો પવન અને કવિનો યશઃકાળ તથા મધ્યકાળ નિરૂપાયેલાં છે. અહીં નિખાલસ કબૂલાત, રુચિને ભોગે પણ પ્રામાણિક કથનની ખેવના અને આત્મનિરીક્ષણનો સજગ પ્રયત્ન-આ ત્રણે વાનાં આત્મકથાકારની સભાન લખાવટ સાથે ગૂંથાયેલાં માલૂમ પડે છે. ઘડાતા આવતા ગદ્યમાં ઊતરેલી ભાષાની કેટલીક જીવંત લઢણો આ આત્મકથાની નિજી પૂંજી છે.
નર્મકોશ (૧૮૭૩)
ફેરફાર કરોકવિ નર્મદાશંકરનો, એક ખંતીલા વિદ્વાનને શાસ્ત્રકાર તરીકે સ્થાપી આપતો શબ્દકોશ. ‘નર્મકવિતા’ ના શબ્દાર્થ તૈયાર કરવાની પ્રવૃત્તિ કોશરચનામાં પરિણમી અને કેટલીક સામગ્રી ૧૮૬૧થી છૂટા અંકો રૂપે પ્રગટ થયા પછી આ સંપૂર્ણ ને સુધારેલી આવૃત્તિ નર્મદાશંકરે પોતાને ખર્ચે પ્રગટ કરી. ગુજરાતી ભાષાના શબ્દોનો ગુજરાતી ભાષામાં જ અર્થો આપતો અંગ્રેજી પદ્ધતિનો સળંગ વર્ણાનુક્રમિક કોશ આ પહેલો જ છે[૨] અને તે એકલે હાથે સંઘરાયેલા ૨૫,૦૦૦ ઉપરાંત શબ્દોને સમાવે છે. અન્ય કોશગ્રંથો, ગુજરાતી ભાષાના ગ્રંથો, પૂછપરછ અને પોતાનાં સ્મૃતિ તથા અનુભવ એમ વિવિધ સાધનોથી થયેલો શબ્દસંગ્રહ, ચકાસણીપૂર્વક શબ્દસંગ્રહ અને અર્થનિર્ણય કરી શાસ્ત્રશુદ્ધ કોશ આપવાની નેમ, તદભવ-તળપદા શબ્દો તરફનું વિશેષ લક્ષ, જોડાયેલા અનુનાસિક વ્યંજનો માટે અનુસ્વારને સ્થાને વ્યંજનવર્ણનો વિનિયોગ, ‘હ’-શ્રુતિનો બિંદીથી નિર્દેશ વગેરે આ શબ્દકોશની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે.
નર્મકથાકોશ (૧૮૭૦)
ફેરફાર કરોરામાયણ, મહાભારત અને ભાગવતમાંના કથાપ્રસંગોને લક્ષમાં રાખી પાત્રગત ચરિત્રોને કક્કાવારી પ્રમાણે, નર્મદાશંકર લાલશંકર દવેકૃત આ કોશમાં આવરી લેવાયાં છે. અંશુમાનથી શરૂ કરીને હેડંબા સુધીનાં પાત્રો અને પાત્રો સાથેનો એમનો કથાસંદર્ભ અહીં રજૂ થયાં છે. મૂળ સંસ્કૃત પરથી નહીં પણ ગુજરાતી, મરાઠી, હિન્દી પુસ્તકો પરથી આ કોશ તૈયાર થયો છે. ગ્રંથને અંતે સંખ્યાત શબ્દાવલીની તેમ જ પર્વોત્સવ તિથ્યાવલી પણ મૂકી છે.
અવસાન
ફેરફાર કરોઆઠ મહિનાની સંધિવાની માંદગી પછી તેમનું અવસાન ફેબ્રુઆરી ૨૬, ૧૮૮૬ના રોજ ૫૨ વર્ષની વયે મુંબઇ ખાતે થયું.[૩][૪][૫][૬]
છબીઓ
ફેરફાર કરો-
સૂરતના સંગ્રહાલયમાં નર્મદનું પૂતળું
-
સૂરતના સંગ્રહાલયમાં નર્મદનું પૂતળું
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Narmad remembered on birth anniversary". globalgujaratnews.com. ૧૩ ઓગસ્ટ ૨૦૧૫. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ ઓગસ્ટ ૨૦૧૫.
- ↑ સૌરભ શાહ. "'ડાંડિયા', 'નર્મકોશ' અને જય જય ગરવી ગુજરાત". મુંબઇ સમાચાર. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ ઓગસ્ટ ૨૦૧૫.
- ↑ "Biography of Narmadashankar Dave". poemhunter.com. મેળવેલ ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૪.
- ↑ "Poet Narmad". kamat.com. મેળવેલ ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૪.
- ↑ "Narmad, Gujarati Saraswats, Sangeet Bhavan". sangeetbhavantrust.com. મેળવેલ ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૪.
- ↑ "Gujarati Language, History of Gujarati Language". indianmirror.com. મેળવેલ ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૪.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- નર્મદ ગુજલિટ પર.
- ગુજરાતી સાહિત્ય પરિષદ પર માહિતી