રત્નમણિરાવ જોટે
રત્નમણિરાવ જોટે ગુજરાતના લેખક તેમ જ ઈતિહાસવિદ્ હતા.
રત્નમણિરાવ જોટે | |
---|---|
જન્મ | ૧૭ ઓક્ટોબર, ૧૮૯૫ ભુજ |
મૃત્યુ | ૨૪ સપ્ટેમ્બર, ૧૯૫૫ |
વ્યવસાય | લેખક, ઇતિહાસ સંશોધક |
શિક્ષણ | સ્નાતક (બી.એ. સંસ્કૃત અને અંગ્રેજી) |
નોંધપાત્ર પુરસ્કારો | રણજિતરામ સુવર્ણ ચંદ્રક (૧૯૩૩) |
સંબંધીઓ | દીવાન મોતીલાલ લાલભાઈ (પિતા) |
તેમનો જન્મ સત્તરમી ઓક્ટોબર , ૧૮૯૫ના દિવસે ભુજ શહેરમાં થયો હતો. એમણે ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસનું વિહંગાવલોકન નામે એક અભ્યાસપૂર્ણ લેખ લખ્યો ત્યારથી એમની તરફ સૌનું ધ્યાન ખેંચાયું હતું. એમણે કુમાર નામના જાણીતા સામાયિકમાં અનેક શોધ નિબંધો લખવાનું કામ નિરંતર કર્યું હતું. ગંભીર વિષયોના જાણકાર હોવા છતાં તેઓ સ્વભાવથી વિનોદવૃત્તિ ધરાવતા હતા. ગુજરાતની અસ્મિતાની અલગ ઓળખ અને જાળવણી અર્થે એમણે સોમનાથ મંદિરના પુનરુદ્વાર વખતે આધારભૂત સંશોધનકાર્ય કરી સરદાર વલ્લભભાઈ પટેલના અભિયાનને નૈતિક સમર્થન પૂરું પાડવાનું મહત્વનું કાર્ય સંપન્ન કર્યું હતું. ગુજરાતના સાહિત્ય, ઈતિહાસ અને સંસ્કૃતિના સંવર્ધન માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેઓ લાંબી બીમારી ભોગવી ઈ.સ. ૧૯૫૫માં અવસાન પામ્યા હતા.[૧]
જીવન
ફેરફાર કરોરત્નમણિરાવનું જીવન અંત્યંત સાદું હતું. તદન સાદા વસ્ત્રો. લાંબો કોટ, કાળી કે કથાઈ ટોપી, ધોતિયું અને પગમાં સ્લીપર. અંગ્રેજ શાસનમા ઉછર્યા હોવા છતાં પ્રશ્ચિમ સંસ્કૃતિની તેમના પર બિલકુલ અસર ન હતી. દેખાવમાં સાદા અને સ્વભાવમા સરળ ભાણાભાઈ ભોજનના રસિયા હતા. એમને જુદી જુદી વાનગીઓ અને તેના સ્વાદની ઊંડી સમજ હતી. એમને દાળ-ઢોકળી, લાડુ-દાળ, મુઠીયા પ્રિય વાનગીઓ હતી.[સંદર્ભ આપો]
નાનપણમાં તેઓ એક હસ્તલિખિત કૌટુંબિક સાપ્તાહીક "ઘર સમાચાર" કાઢતા.ત્રણ ચાર પાનાના આ સાપ્તાહિકમાં એક નાનો અગ્રલેખ, પરિવારના લોકોની ટેવો, લાક્ષણિકતાઓ, રીતો વગેરે પર કઈને કઈ ટકોર-ટીકા હોય. એ સાપ્તાહિકનું બીજું આકર્ષણ તેની જાહેરાતો હતી. "જોઈએ છે", "ખોવાયું છે", "વેચવાનું છે" એવી ઘણી જાતની જાહેરાતો સાપ્તાહિકમાં એવી કુનેહથી એ મુકવામાં આવતી કે વાંચનાર ચકિત થઇ જતા. સાથો સાથ ચાલુ વાર્તા રૂપે એકાદ અંગ્રેજી નવલકથાનો ગુજરાતી અનુવાદ દર હપ્તે તેમાં આવતો. રત્નમણિરાવની અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ કરવાની ટેવને કારણે ગુજરાતી સાહિત્યને જેમ્સ બેરીના "The Admirable Crichton" હાસ્ય નાટકનું "સંભવિત સુંદરલાલ" નામક ગુજરાતી નાટક મળ્યું હતું. આ નાટકના બેત્રણ શો પણ થયા હતા.
સૌ પ્રથમ એમણે "ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસનું વિહંગાવલોકન" નામે એક અભ્યાસપૂર્ણ લેખ લખ્યો. ત્યારથી એમની તરફ સૌનું ધ્યાન ખેંચાયું. પ્રારંભમાં રત્નમણિરાવે "કુમાર" નામના જાણીતા સામાયિકમાં શોધ નિબંધો લખવાનું શરુ કર્યું. ગુજરાતની અસ્મિતાની અલગ ઓળખ અને જાળવણી અર્થે એમણે સોમનાથ મંદિરના પુનરુદ્વાર વખતે આધારભૂત સંશોધન કાર્ય કરી સરદાર વલ્લભભાઈ પટેલના અભિયાનને નૈતિક સમર્થન પણ પૂરું પાડ્યું હતું. ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને વિદ્વાન સર ચીનુભાઈ બેરોનેટ સાથે રત્નમણિરાવના પારિવારિક નીકટના સંબધો હતા. રત્નમણિરાવ અવારનવાર ચીનુભાઈના સંપર્કમાં આવતા રહ્યા. સર ચીનુભાઈ બેરોનેટને જ્યારે રાજા જ્યોર્જ છઠ્ઠાને હાથે "બેરોનેટ" નો ઈલ્કાબ મળ્યો, ત્યારે ચીનુભાઈ સાથે રત્નમણિરાવ પણ દિલ્હી ગયા હતા. જાણ્યે અજાણ્યે રત્નમણિરાવ પર સર ચીનુભાઈ બેરોનેટની ઘાટી અસર હતી. એ જ રીતે આચાર્ય આનંદશંકરધ્રુવ સાથે પણ તેમના સંબંધો નીકટના અને પૂજનીય હતા.
અભ્યાસ
ફેરફાર કરોરત્નમણિરાવનું મોસાળ અમદાવાદમાં આવેલ ખાડીયાની સાંકળી શેરીમાં હતું. તેમના પ્રાથમિક શિક્ષણની શરૂઆત ભદ્રમાં આવેલ મિડલ સ્કુલમાં અંગ્રેજી માધ્યમમાં થઇ હતી. ત્યાં થોડો વખત અભ્યાસ કરી તેઓ આર.સી. હાઇસ્કુલમાં જોડાયા હતા. અને ઈ.સ. ૧૯૧૪મા તેમણે મેટ્રિકની પરીક્ષા ત્યાંથી જ પાસ કરી. ઈ.સ ૧૯૧૯મા ચોવીસ વર્ષની વયે સંસ્કૃત અને અગ્રેજી સાથે ગુજરાત કોલેજમાંથી બી.એ. થયેલા.[૨]
અટક વિશે
ફેરફાર કરોરત્નમણિરાવ જોટે પોતાની અટક "જોટે" અંગે રસપ્રદ માહિતી આપતા લખે છે,[સંદર્ભ આપો]
અમારી અટક જોટ છે. કેટલાકે એમાંથી જોધ - યોધ ઉપજાવી કાઢી છે. પણ ખરો અર્થ એ નથી. અમારા પૂર્વજો કચ્છ-કાઠીયાવાડ તરફથી આવેલા ત્યારે અહિયાના શહેરી લોકોનો એ જોટ જેવા જોટડા જેવા લગતા. કેમ કે એમના ડીલ ઉપર વાળ હતા. આથી તેમને જોટ એવું ઉપનામ મળ્યું. આમાંના "ઓ"નો સાંકળો ઉચ્ચાર દર્શાવવા મેં શાળામાં એની અંગ્રેજી જોડણી "jhote" કરેલી. એ પરથી કેટલીક જોડણી "જોટ" ને બદલે "જોટે" સમજી બેઠા.
ગ્રંથ સર્જન
ફેરફાર કરો- અમદાવાદનો પરિચય,
- ખંભાતનો ઇતિહાસ,
- ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ,
- ગુજરાતનું વહાણવટું,
- અમદાવાદ ગુજરાતનું પાટનગર,
- ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ ઇસ્લામ યુગ (૧થી૪ ભાગ)
સન્માન
ફેરફાર કરો- રણજિતરામ સુવર્ણ ચંદ્રક (૧૯૩૩)
અવસાન
ફેરફાર કરો૨૪ સપ્ટેમ્બર, ૧૯૫૫ના રોજ શનિવારે બપોર પછી સાડા ત્રણ વાગ્યે પોતાના પરિવાર પત્ની, પુત્ર, પુત્રીઓ, જમાઈઓ સૌની હાજરીમાં તેઓનું અવસાન થયેલું.[સંદર્ભ આપો]