રવેચી માતા મંદિર, રાપર
23°40′18″N 70°32′11″E / 23.67167°N 70.53639°E
રવેચી માતાજીનું મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં રવ ગામ પાસે આવેલ એક પૌરાણિક મંદિર છે. દેવીસર તળાવના કાંઠે, ઘટાદાર વૃક્ષો વચ્ચે આવેલ આ મંદિર પરિસર રમણીય છે[૧].
આ મંદિર ઈ. સ. ૧૮૨૧ (સંવત ૧૮૭૮)ના વર્ષમાં ૬૩૩ પાઉન્ડ (૨૪,૦૦૦ કચ્છ કોરી)ના ખર્ચે બાંધવામાં આવ્યું હતું. આ મંદિર ૩૦ ફીટ લાંબુ, ૧૭ ફીટ પહોળું અને ૫૪ ફીટ ઊંચાઇની સાથે બે ગુંબજો ધરાવે છે. જેમાં પ્રથમ ૭ ચોરસ ફીટ અને બીજો ૧૪x૭ ફીટનો છે. મંદિરનો મુખ્ય ભાગ ૧૪ ફીટ x ૧૩ ફીટ વિસ્તાર પર ૪૪ ફીટ ઊંચાઇ પર છે. મંદિરના મધ્ય ભાગમાં રવેચી માતાની વિશાળ મૂર્તિ આવેલી છે, જે વાગડ વિસ્તારમાં બહુ માન્યતા ધરાવે છે. આ ઉપરાંત ખોડિયાર માતા, આશાપુરા માતા, સામબાઈ માતા તેમ જ અંબા માતાની પ્રતિમાઓ છે. તે પહેલાના સમયનું મંદિર, જે ૯ ગુંબજ ધરાવતું હતું અને પાંડવો દ્વારા બાંધવામા આવ્યું હતું, તેનો બાબી સૈન્ય દ્વારા વિનાશ કરી દેવામાં આવ્યો હતો તેમ મનાય છે. મંદિરની દિવાલના ખૂણા પર પાળિયો આવેલો છે, જેના પર ઇ.સ. ૧૨૭૧ (સંવત ૧૩૨૮, શ્રાવણ વદ ૨, શુક્રવાર)ના સમયનો લેખ છે[૨][૩].
આ મંદિર પરિસર ખાતે શીતળા માતા, ગણપતિ, હનુમાનજી, વાસંગી ખેતરપાળની પ્રતિમાઓ અને પંચમુખા મહાદેવનું મંદિર, કામધેનુ ગાયની દેરી તેમ જ મહંતની દેરી આવેલ છે. પરિસર ખાતે ચબૂતરો, ધર્મશાળા, ભોજન શાળા તેમ જ ગૌશાળા પણ આવેલ છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "રાપર પાસે આવેલ રવેચી માતાના મંદિર વિશે વાંચવા જેવી માહિતી, મોજેમોજ ડોટકોમ, થોડું ધાર્મિક, તા. ૧૯ જુન, ૨૦૧૭". મૂળ માંથી 2017-10-01 પર સંગ્રહિત. મેળવેલ 2017-09-30.
- ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૪૯.
- ↑ "Ravechi Mata Temple". The Megalithic Portal. ૨૮ ઓક્ટોબર ૨૦૦૭. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭.
- Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૪૯. આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.