પાળિયા

ભારતમાં જોવા મળતાં સ્મારકોનો એક પ્રકાર

પાળિયા, પાળિયો અથવા ખાંભી પશ્ચિમ ભારત અને ખાસ કરીને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળતા સ્મારકનો એક પ્રકાર છે. પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં પણ પાળિયા જોવા મળે છે. તે મોટે ભાગે કોઈના રક્ષણ માટે લડતાંલડતાં મૃત્યુ પામેલી વ્યક્તિઓની યાદમાં હોય છે. પથ્થરનાં આ સ્મારકો પર પ્રતીકો અને લેખો હોય છે.[૧] આ સ્મારકો યોદ્ધાઓ, ખલાસીઓ, સતીઓ, પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલી લોકકથાઓ અંગે હોય છે. પાળિયા લોકજીવન અને શિલાલેખોના અભ્યાસ માટે મહત્ત્વના છે.

છતરડી, ભુજ, કચ્છમાં આવેલા ચાર પાળિયાઓ, જેમાંના એક પુરુષને અને ત્રણ સ્ત્રીઓને સમર્પિત છે.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો

પાળિયો શબ્દ કદાચ મૂળ સંસ્કૃત શબ્દ પાલ, "રક્ષણ કરવું"માંથી ઉદ્‌ભવ્યો છે. ગુજરાતી ભાષામાં પાલનો અર્થ "લડતા સૈનિકોનું એક જૂથ" અથવા "લશ્કર" થાય છે. આ શબ્દના અન્ય સ્વરૂપો પાલિયા, પાવળિયો, પારિયો, પાળા અને પાળિયું પણ ઉપયોગમાં લેવાય છે.[૨]

વૈદિક કાળ દરમિયાન ઉદ્‌ભવેલી પરંપરા મુજબ મૃત શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નહોતા, પરંતુ તેમને દફનાવવામાં આવતા અથવા નદીમાં પધરાવવામાં આવતાં હતાં. પુરાતત્ત્વિય ખોદકામ દરમિયાન આવા દફન સ્થળ પર નિશાનીરૂપે શરૂઆતમાં એક પથ્થર મૂકાયેલો મળે છે અને પછીથી થયેલા દફનમાં ગોળાકારે મૂકેલા પથ્થરોના સમૂહ જોવા મળે છે. પાછળથી આ પ્રથા વિકસીને યષ્ટિ અથવા એક પથ્થરના સમૂહો જેમાં વ્યક્તિના નામ, સ્થળ અને તારીખો સાથેના શિલાલેખોમાં વિકસી. સમગ્ર ભારતમાં આ પ્રથા વિકસીને વિવિધ સ્મારકો જેવા કે સ્તૂપ, સ્મારક મંદિરો, વગેરેમાં પરિવર્તિત થઈ. આ પ્રકારના સ્મારકો સમગ્ર ભારતમાં જોવા મળે છે. દક્ષિણ ભારતમાં તેને વીરગલ્લુ (કન્નડ) અથવા નડુગલ (તમિળ) કહે છે. તેમાં મોટાભાગે વિવિધ શિલાલેખો, આકૃતિઓ પથ્થર પર કોતરવામાં આવે છે.[૩] પશ્ચિમ ભારતમાં તે પાળિયા અને ખાંભી તરીકે જોવા મળે છે. આવા હજારો સ્મારક સમગ્ર ગુજરાતમાં, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના ગામોમાં જોવા મળે છે. સૌથી જૂનાં સ્મારકો ખાવડાનાં ઔંધ ગામમાં જોવા મળ્યાં છે જે બીજી સદીના છે. આ પ્રથા ૧૫મી સદીમાં લોકપ્રિય બની અને મોટી સંખ્યામાં પાળિયાઓ બનાવવામાં આવ્યા. કેટલાક આદિવાસી સમાજ હજુ પણ તેમની પરંપરા પ્રમાણે આવા પથ્થરના સ્મારકો બનાવે છે.[૪]

સ્થળ અને પ્રતીકો

ફેરફાર કરો
 
ત્રણ ભાગ; ટોચ પર સૂર્ય અને ચંદ્ર, મધ્યમાં ઘોડા પર બેઠેલો યોદ્ધા, તળિયે શિલાલેખ સમય, સ્થળ અને નામ. છતરડી, ભુજમાં આવેલો આ પાળિયો યુદ્ધમાં મૃત્યુ પામેલા યોદ્ધાને સમર્પિત છે.
 
૧૮૭૪માં જેમ્સ બર્ગીસ દ્વારા થાનગઢ ખાતે લેવાયેલી છત્રી અને પાળિયાની છબી
 
છત્રી સાથેનું સ્મારક

પાળિયા મોટાભાગે ગામ અને નગરના પાદરે બનાવવામાં આવે છે.[૧] તે યુદ્ધભૂમિ અથવા યોદ્ધાઓના મૃત્યુ સ્થળ નજીક પણ મૂકવામાં આવે છે અને કેટલીક વખત મંદિરો અથવા પૂજાસ્થળોની નજીક સ્થાપવામાં આવે છે.[૨] પાળિયા સમગ્ર ભારતમાં વિવિધ સ્વરૂપે જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે તે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં જોવા મળે છે. પાકિસ્તાનના નગરપારકર અને થરપારકર વિસ્તારોમાં પણ પાળિયા જોવા મળે છે.[૫][૬]

પાળિયાના પથ્થરોનો દૃશ્યમાન ભાગ લગભગ બે ફૂટ પહોળાઇ અને ત્રણ ફૂટ ઊંચાઈ ધરાવે છે. નીચેનો ભાગ જમીનમાં લગભગ દસ ફૂટ ઊંડે સુધી મૂકવામાં આવે છે. શરૂઆતના પાળિયાઓમાં ટોચની કિનારી અર્ધવર્તુળાકાર હતી અને પછીના પાળિયાઓમાં તે ત્રિકોણ હોય છે. કોતરવામાં સરળતા પડતી હોવાથી તે મોટાભાગે રેતીયા પથ્થરોના બનેલા હોય છે.[૪] ક્યારેક તેમની પર છત્રી અને જવલ્લે મંદિર બાંધવામાં આવે છે. જ્યારે પાળિયાઓ રાજવીકુળ સાથે સંબંધિત હોય છે ત્યારે તેના પર છત્ર બાંધવામાં આવે છે.

આ સ્મારકના ત્રણ ભાગ હોય છે; ટોચનો ભાગ વિવિધ પ્રકારના પ્રતિકો, મધ્યમાં પાળિયો જેના માટે બંધાયો છે તે વ્યક્તિ અને તળિયે લખાણમાં નામ, સ્થળ, ઘટના અને સમય સાથે કેટલીક વધુ માહિતી ધરાવે છે. ટોચ પરના પ્રતીકોમાં હંમેશા શાશ્વત કીર્તિના પ્રતીક રૂપે સૂર્ય અને ચંદ્ર હોય છે. ૧૭મી સદી પછી બાંધવામાં આવેલા પાળિયાઓમાં સ્વસ્તિક અને દીપક અને અન્ય નાના શણગાર પશ્ચાદ્‌ભૂમાં કરેલ હોય છે. મધ્ય ભાગમાં માનવ આકૃતિ સાથે વિવિધ શસ્ત્રો, બેઠક, ઘોડા જેવા વાહનો, કપડાં અને વસ્તુઓ દર્શાવેલી હોય છે. સૌથી નીચેના ભાગમાં જે તે સમયની ભાષા અને શૈલીમાં લખાણ હોય છે જેમાં જે તે વ્યક્તિ, તેના મરણના સ્થળ, સમય અને સંજોગ વગેરેની માહિતી હોય છે.[૪]

પાળિયા સાથે સંબંધિત સમુદાય અથવા મૃત્યુ પામેલ વ્યક્તિના વંશજો ખાસ દિવસો જેવા કે વ્યકિતના મૃત્ય કે જન્મ દિવસ, ઘટનાની વર્ષગાંઠો, તહેવારો, કારતક, શ્રાવણ અથવા ભાદરવા મહિનાઓના શુભ દિવસોએ પાળીયાની પૂજા કરે છે. આ સ્મારકોને દૂધ અને પાણી વડે આ દિવસોમાં ધોવામાં આવે છે અને તેના પર સિંદુર અથવા કંકુ લગાવવામાં આવે છે અને ફૂલો ચડાવવામાં આવે છે. તેની બાજુમાં તલના તેલના દીવા મૂકવામાં આવે છે. ઘણી વખત તેના પર ધજા પણ ચડાવવામાં આવે છે.[૨]

પાળિયાના પ્રકારો

ફેરફાર કરો

પાળિયાને પારંપરિક રીતે પાળિયા (સપાટ પથ્થરના સ્મારક), ખાંભી (કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક), થેસા (પાળિયા નજીકના નાનાં પથ્થરો), ચાગીયો (પત્થરોના ઢગલા), સુરાપુરા (અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ) અને સુરધન (આકસ્મિક મૃત્યુ, જેમ કે હત્યા, આત્મહત્યા, અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા) તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.[૬][૨][૭][૮][૯] તેમાંના કેટલાકને સતીમાતા અથવા ઝુઝાર (મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ) કહે છે.[૫]

યોદ્ધાઓના પાળિયા

ફેરફાર કરો

આ પ્રકારના સ્મારકો સૌથી સામાન્ય હોય છે જે મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે. તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણ ખાંભી તરીકે ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યો હોય ત્યાં બાંધવામાં આવે છે. શરૂઆતમાં આ પાળિયા, સમુદાય, સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા બાંધવામાં આવતા હતા અને પછીથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ.[૪]

આ સ્મારકો મોટે ભાગે યોદ્ધાને હથિયારો જેવા કે તલવાર, ગદા, ધનુષ્ય અને તીર અને પછીના પાળિયાઓમાં બંદૂકો સાથે પણ દર્શાવે છે. આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હાથી અને રથ પર હોય છે. ક્યારેક તે પાયદળ સાથે હોય છે. કેટલીક વખત રાજકિય ચિહ્નો લઈ જતા અથવા યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે.[૪]

આ સ્મારકોનાં ઉદાહરણો ભુચર મોરીના પાળિયા અને સોમનાથ મંદિર નજીકના હમીરજી ગોહિલ અને અન્યોના પાળિયાઓ છે.[૪]

સતીના પાળિયા

ફેરફાર કરો

આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે જે સતી થઈ હોય અથવા જૌહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે. તે લોકસાહિત્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે અને તેમની દેવી તરીકે પૂજા થાય છે.[૪]

આ સ્મારકો મોટે ભાગે જમણી બાજુ ૪૫ કે ૯૦ અંશના ખૂણે વળેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવે છે. ક્યારેક આ પાળિયા પર હાથ અને અન્ય પ્રતીકો જેમ કે મોર અને કમળ હોય છે. કેટલાક પાળિયામાં આશીર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ હોય છે. કેટલાક સ્મારકોમાં એક હાથમાં કમંડળ અને બીજામાં જાપમાળા હોય એવા સ્ત્રીના આકારો હોય છે. કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ દર્શાવવામાં આવે છે.[૪][૫]

આ સ્મારકોનાં ઉદાહરણમાં ભુચર મોરીના સુરજકુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે.[૪] આ પ્રકારના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને ભારતના રાજસ્થાન રાજ્યમાં પણ જોવા મળે છે.[૫]

ખલાસીઓના પાળિયા

ફેરફાર કરો

ગુજરાત લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે. આ સ્મારકો તેમની સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીઓની યાદ અપાવે છે. તેમના સ્મારકો પર ક્યારેક જહાજ દર્શાવવામાં આવે છે.[૪][૨]

લોકસાહિત્યના પાળિયા

ફેરફાર કરો

અનેક સ્મારકો લોકસાહિત્ય સાથે સંકળાયેલ ધાર્મિક સંતો-ભક્તો, પ્રેમ કથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ વગેરે માટે કરેલો દેહત્યાગ દર્શાવે છે.[૪] આ સ્મારકનું ઉદાહરણ ભાણવડ નજીક ભુતવડ પર આવેલો વીર માંગડાવાળાનો પાળિયો છે.

પ્રાણીઓના પાળિયા

ફેરફાર કરો

પ્રાણીઓ જેવા કે ઘોડા, કૂતરાં અને ઊંટ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવ્યા હતા.[૪]

ક્ષેત્રપાળના પાળિયા

ફેરફાર કરો

આ પાળિયા ક્ષેત્રપાળ (ક્ષેત્રનું રક્ષણ કરતાં)ને સમર્પિત હોય છે, જે જમીનના દેવ છે. તે સ્મારક નથી પરંતુ લગભગ સરખો અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થાય છે. તે જમીન અને પાકનું રક્ષણ કરે છે તેમ માનવામાં આવે છે. આ પાળિયા પર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો રક્ષણના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે.[૪][૧૦][૧૧][૧૨][૧૩]

મહત્ત્વ

ફેરફાર કરો

આ સ્મારકો લોકજીવન અને શિલાલેખોની માહિતી પૂરી પાડે છે. તેઓ સામાજિક માળખું છે જે સમાજના નાયકોની યાદ અપાવે છે. તેઓ મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક દસ્તાવેજો ધરાવતી પ્રતિમાઓ છે, જે સદીઓથી સચવાયેલી છે. તે ભૂતપૂર્વ સમાજના રીત-રીવાજો, સંસ્કૃતિ અને માન્યતાઓની માહિતી પૂરી પાડે છે.[૪] આ સ્મારકો પૂર્વજોની પૂજા સાથે સંકળાયેલા છે જેથી તેની સાથે સંકળાયેલાં સ્થાનિક લોકસાહિત્યને ઓળખી શકાય છે અને તેનું દસ્તાવેજીકરણ થઇ શકે છે. તે સતીપ્રથા જેવી સાંસ્કૃતિક પરંપરાઓ વિશે પણ માહિતી આપે છે. જે તે સમયગાળાના વસ્ત્રો, શસ્ત્રો અને વાહનો અંગે પણ માહિતી આપે છે. આ સ્મારકો સ્થળ અને વર્ષ જેવી માહિતી ધરાવતા હોવાથી ભાષાની ઉત્ક્રાંતિ અને સમય દર્શાવવાની પદ્ધતિ અંગેના સંશોધનમાં મદદરૂપ છે. કેટલીકવાર તેઓ ધાર્મિક મહત્વ ધરાવતા હોવાથી તેને કોઈ નુકસાન ન કરતા હોવાથી ખજાનો છુપાવેલી જગ્યાને અંકિત કરવા માટે પણ વપરાયા છે.[૪]

 1. ૧.૦ ૧.૧ THAKURIA, T. (2008). MEMORIAL STONES FROM GUJARAT: STUDY OF PĀLIYAS AT KANMER. Bulletin of the Deccan College Research Institute, 68/69, 179-190. Retrieved from JSTOR
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ Adalbert J. Gail; Gerd J. R. Mevissen; Richard Salomon (૨૦૦૬). Script and Image: Papers on Art and Epigraphy. Motilal Banarsidass Publisher. પૃષ્ઠ ૧૮૭–૧૯૦. ISBN 978-81-208-2944-2.
 3. "Hero-stone Memorials of India". Kamat Potpourri. મેળવેલ ૧૫ માર્ચ ૨૦૦૭.
 4. ૪.૦૦ ૪.૦૧ ૪.૦૨ ૪.૦૩ ૪.૦૪ ૪.૦૫ ૪.૦૬ ૪.૦૭ ૪.૦૮ ૪.૦૯ ૪.૧૦ ૪.૧૧ ૪.૧૨ ૪.૧૩ ૪.૧૪ Shastri, Parth (૧૦ ફેબ્રુઆરી ૨૦૧૪). "History etched in stones". The Times of India. મેળવેલ ૫ જૂન ૨૦૧૬.
 5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ Kalhoro, Zulfiqar Ali (૮ જુલાઇ ૨૦૧૧). "The stone people". The Friday Times. મેળવેલ ૫ જૂન ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
 6. ૬.૦ ૬.૧ "Memorial Stones of Sindh, Pakistan: Typology and Iconography". Academia.edu. ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૬. મેળવેલ ૫ જૂન ૨૦૧૬.
 7. Hasu Yājñika (૨૦૦૪). A Study in Tribal Literature of Gujarat. Nayan Suryanand Loka-Pratishthan. પૃષ્ઠ ૧૪૪–૧૪૫.
 8. S. Settar; Günther-Dietz Sontheimer (૧૯૮૨). Memorial stones: a study of their origin, significance, and variety. Institute of Indian Art History, Karnataka University. પૃષ્ઠ ૧૭૦.
 9. Gujarat (India) (૧૯૭૧). Gujarat State Gazetteers: Dangs. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. પૃષ્ઠ ૧૮૭.
 10. William Sturman Sax (૨૦૦૨). Dancing the Self: Personhood and Performance in the Pāṇḍava Līlā of Garhwal. Oxford University Press. પૃષ્ઠ ૮૬. ISBN 978-0-19-513915-0.
 11. Narayan Singh Rao (૧ જાન્યુઆરી ૨૦૦૬). Tribal Culture, Faith, History And Literature: Tangsas Of Arunachal Pradesh. Mittal Publications. પૃષ્ઠ ૩૦૯. ISBN 978-81-8324-104-5.
 12. K. S. Dilipsinh (૧ જાન્યુઆરી ૨૦૦૪). Kutch in Festival and Custom. Har-Anand Publications. પૃષ્ઠ ૧૦૯–. ISBN 978-81-241-0998-4.
 13. Encyclopaedia of Indian Folk Literature: Folk lore of Gujarat. Cosmo Publications. ૨૦૦૦. પૃષ્ઠ ૧૩૮, ૧૪૩. ISBN 978-81-7755-062-7.