લોટ
લોટ એ અનાજને પીસીને મેળવવામાં આવતો પાવડર છે. તેનો ઉપયોગ રોટલી બનાવવા માટે થાય છે, જે ઘણી સંસ્કૃતિઓમાં મુખ્ય ખોરાક છે. ઇતિહાસમાં વિવિધ સમયે લોટનો પૂરતો પુરવઠો મુખ્ય આર્થિક અને રાજકીય મુદ્દો રહ્યો છે. ઘઉંનો લોટ ઉત્તર ભારતીય, યુરોપિયન અને ઉત્તર અમેરિકન સંસ્કૃતિમાં સૌથી મહત્વપૂર્ણ ખોરાકમાંનો એક છે અને તે વિવિધ પ્રકારની રોટલી, બ્રેડ અને મોટાભાગની યુરોપિયન શૈલીની બ્રેડ અને પેસ્ટ્રીઝની તૈયારીમાં મુખ્ય ઘટક છે. મકાઈનો લોટ પ્રાચીન સમયથી લેટિન અમેરિકન ભોજન મુખ્ય ભાગ રહ્યો છે.
લોટમાં સ્ટાર્ચનું મોટું પ્રમાણ હોય છે જે એક જટિલ કાર્બોહાઇડ્રેટ છે જેને પોલિસેકરાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
લોટ મેળવવા માટે અનાજને ઘંટી(જેને ચક્કી પણ કહેવામાં આવે છે) માં પીસવામાં આવે છે. આ ઘંટી સામાન્ય ઘરેલું પથ્થરની ઘંટીથી લઈને પવનની ઘંટી, પાણીની ઘંટી અથવા તો ઇલેક્ટ્રિક ઘંટી પણ હોઈ શકે છે. લોટને ઉપયોગ કરતા પહેલા તેને ચાળણી દ્વારા ચાળવામાં આવે છે, જેથી તેમાં રહેલ કુશ્કી અથવા થૂલું તેનાથી અલગ થઈ જાય.