વઝીર ખાન મસ્જિદ
વઝીર ખાન મસ્જિદ (પંજાબી/ઉર્દૂ: مسجد وزیر خان) એ પાકિસ્તાનના લાહોરમાં આવેલી મસ્જિદ છે જે તેની સુશોભિત ટાઈલ્સના લાદીકામ માટે જાણીતી છે. તેને 'લાહોરના ગાલ પરના તલ' તરીકે ઓળખવામાં આવી છે. મુઘલ શહેનશાહ શાહજહાંના સમયમાં ઈસ્વીસન ૧૬૩૪-૧૬૩૫માં આ મસ્જિદનું કામ શરુ થયું જેને પૂર્ણ થતા સાત વરસ લાગ્યા હતા. ચીનીયોતના વતની શેખ અલીમુદ્દીન અન્સારીએ આ મસ્જિદ બાંધી હતી. તેઓ શાહજહાંના દરબારમાં તબીબ હતા જેઓ બાદમાં લાહોરના સુબા બન્યા હતા. તેઓ સામાન્યતઃ વઝીર ખાન તરીકે જાણીતા છે કારણકે તેમણે વઝીર ખાનનું બિરુદ આપવામાં આવ્યું હતું.[૧] આ મસ્જિદ લાહોરના જુના શહેરમાં આવેલી છે અને દિલ્હી દરવાજાથી સરળતાથી પહોંચી શકાય છે. આ મસ્જિદ મુઘલ સમયના કાશાની પદ્ધતિથી કરેલા ટાઈલ્સની કારીગરી માટે જાણીતી છે. કાશાની એ નાના ચમકાવેલા ટાઈલ્સના ટુકડાઓ વડે વિવિધ ચિત્રો, ફૂલો અને આકૃતિઓ બનાવવાની ફારસી પદ્ધતિ છે. આ મસ્જિદને વિશ્વ ધરોહર સ્થળના સંભવિતોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.

સ્થળ
ફેરફાર કરોપાકિસ્તાનના પંજાબના લાહોરના કિલ્લાથી દિલ્હી દરવાજા જવાના માર્ગ પર વઝીર ખાન દ્વારા આ મઝાર અને મસ્જિદ બાંધવામાં આવેલ છે.[૨]
ઈતિહાસ
ફેરફાર કરોવઝીર ખાન મુઘલ શહેનશાહ શાહજહાંના સમયમાં તેમના દરબારી તબીબ અને બાદમાં પંજાબના સુબા હતા.[૩] તેમણે લાહોરમાં ઘણા બાંધકામ કર્યા.[૩] તે પૈકીની આ મસ્જિદ ૧૬૩૫માં સુફી મીરાન બાદશાહની કબરની નજીક બાંધવામાં આવી, જેથી હવે કબર મસ્જિદના ચોગાનમાં છે.[૩] આ મસ્જિદ બંધાતા મરિયમ ઝમાની બેગમની મસ્જિદના સ્થાને તે શહેરની મુખ્ય જામા મસ્જિદ (શુક્રવારની નમાજ પઢવાની મસ્જિદ) બની ગઈ.[૪]
મસ્જિદના નિભાવ (વક્ફ) માટે વઝીર ખાને આ મસ્જિદની આસપાસ કેટલાક ઘરો અને દુકાનો લોકોને આપી. આ ઉપરાંત નજીકના સરાઈ (મુસાફરોને રહેવાની સગવડ) અને સ્નાનગૃહોથી થતી આવકનો ઉપયોગ મસ્જિદના નિભાવ માટે થતો.[૫] ઇતિહાસકાર સ્ટીફન અલ્ટર લખે છે કે , "મસ્જિદને બહારથી જોવી અશક્ય હતી" કારણકે તે ચોતરફથી મકાનોથી ઘેરાયેલી છે.[૬]
આ મસ્જિદમાં પાકિસ્તાની ફિલ્મ ખુદા કે લિયેનું શુટિંગ કરવામાં આવ્યું હતું.[૭]
રચના
ફેરફાર કરોઆ મસ્જિદ 279 feet (85 m) x 159 feet (48 m) વિસ્તારમાં ફેલાયેલી છે.[૮] તેને એક મધ્યદ્વાર અને પાંચ અટારીઓ છે.[૩] મસ્જિદ ઊંચી સમથળ જગ્યા પર ઊભી કરેલી છે જેનો પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે. આ દ્વાર અંદરથી અષ્ટકોણીય ઓરડો છે.[૩] નમાજનો ઓરડો શહેરમાં જ આવેલી મરિયમ ઝમાની બેગમની મસ્જિદ મુજબ જ બનાવ્યો છે.[૩] મધ્યમાં આવેલા ખુલ્લા અને ઇંટથી જડેલી ફરસવાળા ચોગાન ચારે બાજુથી ઊંચી કમાનવાળી ઓસરી વડે ઘેરાયેલ છે.[૩] તેની ચારે બાજુ ૩૨ હિજ્ર અર્થાત મુલાકાતી ખંડો આવેલા છે.[૮] મસ્જિદને ચારે ખૂણે એક એમ ચાર મિનારા છે.[૩]
મસ્જિદ ઈંટ-ચુના વડે બાંધવામાં આવેલી છે.[૮] કાશાકારી અથવા કાશાની પદ્ધતિ વડે અહિયાં ચિત્રો અને કલાકૃતિઓનો દીવાલો પર અને છતો પર કારીગરી કરવામાં આવી છે. નાના ટાઈલ્સના ટુકડાઓને વિવિધ રીતે ગોઠવી જડી લેવામાં આવે એટલે વિવિધ ફૂલબુટ્ટા અને ચિત્રો રચાય જેને કાશાકારી કહેવાય છે. તે માટેની ટાઈલ્સ પર્શિયાના કાશા નગરથી મંગાવવામાં આવતી હતી તેથી તેનું આ નામ પડ્યું છે. આ સ્થાનિક રીતે અને ફારસી મસ્જિદોમાં જોવા મળતી કારીગરી છે જે મુઘલ સમયમાં પ્રખ્યાત થઇ. મુઘલ સમયની આગ્રા અને દિલ્હીની મસ્જિદોમાં આ કારીગરી જોવા મળતી નથી.[૨][૪] છત પરની કેટલીક કારીગરી સ્પેનના અલ્હામ્બ્રાની મસ્જિદોની છતની કારીગરીને મળતી આવે છે.[૯] લાહોરની આ પ્રથમ મસ્જિદ હતી જેના મિનારા બાંધવામાં આવ્યા હતા.[૪] વાદળી, ફિરોઝી, લીલા, પીળા, નારંગી, જાંબલી જેવા વિવિધ રંગોની ટાઈલ્સના ટુકડાઓનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે.[૧૦]
મસ્જિદના ઘુમ્મટો લોદી પદ્ધતિથી બાંધવામાં આવ્યા છે.[૧૧] દિવાલોને વિવિધ ભાગમાં વહેંચવામાં આવેલી છે જેથી કાશાકારી થઇ શકે.[૧૧] આ દીવાલો પર અરબી અને ફારસી ભાષામાં કલાત્મક લખાણો કરવામાં આવ્યા છે અને સાથે સાથે તેને શણગારવામાં પણ આવી છે.[૯] ટેરાકોટા (પકવેલી માટીમાંથી મૂર્તિ કે આકારો બનાવવા)ની જાળીઓ મસ્જિદમાં આવેલી છે.[૧૨] મસ્જિદના ઈંટની ફરસવાળા મુખ્ય રસ્તાની બંને બાજુએ ૨૨ દુકાનો પણ બાંધવામાં આવેલી જે હજુ પણ છે.[૧૩]
પશ્ચિમે આવેલી નમાજનો મુખ્ય ખંડ ચાર ઊંચા સ્તંભો વડે પાંચ ભાગમાં વહેંચાયેલો છે. આ સ્તંભો ચાર વિશાળ કમાનો દ્વારા જોડાયેલા છે અને દરેક વિભાગ પર એક એમ પાંચ ઘુમ્મટ છે.[૮] આ ખંડની ઉત્તર અને દક્ષિણે નાના ઓરડા છે. પૂર્વ છેડે છત પર જવા માટેની સર્પાકાર દાદરા આવેલા છે.[૮]
છબીઓ
ફેરફાર કરો-
વિલિયમ કાર્પેન્ટર દ્વારા દોરાયેલ ૧૮૬૬નુ જળરંગચિત્ર
-
વિલિયમ હેન્રી જેક્સનનું ૧૮૯૫માં દોરાયેલ ચિત્ર
-
૧૮૮૯ની આસપાસનું મસ્જિદ નજીકની દુકાનોનું ચિત્ર
-
મુખ્ય દરવાજો
-
મિનારો
-
મસ્જીદમાં આવેલી કબર
-
હિજ્રના દરવાજા
-
હિજ્ર
-
મેહરાબ
-
બહાર આવેલી દુકાનો
-
અરબી લખાણો જેને કાશાકારી વડે તૈયાર કરવામાં આવેલ છે.
-
અરબી લખાણો
-
અરબી લખાણો: "અલ્લાહ એક જ છે.".
-
નમાજખાનામાં કાશાકારી
-
નમાજખાનામાં કાશાકારી
-
મસ્જિદની તકતી
નોંધ
ફેરફાર કરો- ↑ Shelomo Dov Goitein.
- ↑ ૨.૦ ૨.૧ Westcoat, p.160
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ ૩.૭ Asher, p.225
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ Gharipour, p.87
- ↑ A. H. Qasmi. International encyclopaedia of Islam. Gyan Publishing House. પૃષ્ઠ 269. ISBN 9788182053205.
- ↑ Stephen Alter. Amritsar to Lahore: A Journey Across the India-Pakistan Border. University of Pennsylvania Press. પૃષ્ઠ 93. ISBN 9780812217438.
- ↑ "Wazir Khan Mosque". Multescatola. મેળવેલ 6 May 2015.
- ↑ ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ ૮.૪ "Wazir Khan's Mosque, Lahore". UNESCO. મેળવેલ 4 May 2015.
- ↑ ૯.૦ ૯.૧ Iftikhar Haider Malik. Culture and Customs of Pakistan. Greenwood Publishing Group. પૃષ્ઠ 90. ISBN 9780313331268.
- ↑ W.J. Furnival. Leadless decorative tiles, faience, and mosaic. Рипол Классик. પૃષ્ઠ 838. ISBN 9781176325630.
- ↑ ૧૧.૦ ૧૧.૧ Haig, p.561
- ↑ "Historical mosques of Lahore". Pakistan Today. મેળવેલ 4 May 2015.
- ↑ "Lahore's treasures – IV". Pakistan Today. મેળવેલ 4 May 2015.
સંદર્ભ
ફેરફાર કરો- Catherine Blanshard Asher. Architecture of Mughal India. Cambridge University Press. ISBN 9780521267281.
- Mohammad Gharipour. The City in the Muslim World: Depictions by Western Travel Writers. Routledge. ISBN 9781317548225.
- James L. Wescoat. Mughal Gardens: Sources, Places, Representations, and Prospects. Dumbarton Oaks. ISBN 9780884022350.
- Sir Wolseley Haig. The Cambridge History of India. CUP Archive.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- લાહોરના ચિત્રો અને ઈતિહાસ - અંગ્રેજીમાં સંગ્રહિત ૨૦૧૧-૦૫-૨૧ ના રોજ વેબેક મશિન
- મસ્જિદ વઝીર ખાન - કામિલ ખાન મુમતાઝ સંગ્રહિત ૨૦૧૬-૦૬-૨૨ ના રોજ વેબેક મશિન