બનારસ કે કાશી તરિકે પણ જાણીતું વારાણસી (સંસ્કૃતઃ वाराणसी) શહેર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી જિલ્લાનું મુખ્ય મથક છે. વારાણસી ગંગા નદીને તીરે વસેલું શહેર છે અને તેની ગણના વિશ્વનાં સૌથી જુના વસેલા અને સતત વસવાટ ધરાવતા શહેરોમાં થાય છે.[૧]

વારાણસીનાં ગંગા કિનારાનું દ્રશ્ય

વારણસીમાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક - વિશ્વેશ્વર - મંદિર આવેલું છે. આદિ કાળથી જ વિદ્યા માટે પ્રસિદ્ધ આ શહેરમાં આજનાં આધુનિક યુગમાં પણ વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયને કારણે ઉચ્ચ કોટિની વિદ્યા પ્રાપ્ય છે. કાશીના ધાર્મિક મહત્વને કારણે જ ગુજરાતીમાં કહેવત છે કે "સુરતનું જમણ અને કાશીનું મરણ."

કાશી વિશ્વનાથ મંદિર

કાશી આ સંસારની સૌથી પુરાણી નગરી કહેવાય છે. આ નગરી વર્તમાન વારાણસી શહેરમાં સ્થિત છે. વિશ્વના સર્વાધિક પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કાશી નગરીનો ઉલ્લેખ જોવા મળે છે.-કાશિરિત્તે.. આપ ઇવકાશિનાસંગૃભીતા: પુરાણોમાં વર્ણવ્યા આ નગરી આદ્ય વૈષ્ણવ સ્થાન છે. પહેલાં આ નગરી ભગવાન વિષ્ણુ (માધવ) પુરી હતી. જે સ્થળે શ્રીહરિકના આનંદાશ્રુ પડ્યાં હતાં, ત્યાં બિંદુસરોવર બની ગયું અને પ્રભુ અહીંયાં બિંધુમાધવના નામથી પ્રતિષ્ઠિત થયા હતા. આ ઉપરાંત એવી પણ એક કથા છે કે જે વખતે ભગવાન શંકરજીએ કુ્રદ્ધ થઇને બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી નાખ્યું, તો આ મસ્તક એમના કરતલ સાથે ચોંટી ગયું. બાર વર્ષો સુધી અનેક તીર્થોમાં ભ્રમણ કરવા છતાં પણ તેઓના હાથથી મસ્તક અલગ થયું નહીં. પરંતુ જે સમયે એમણે કાશી નગરીની સીમામાં પ્રવેશ કર્યો, ત્યાં જ બ્રહ્મહત્યામાંથી એમને મુક્તિ મળી અને એમના હાથથી મસ્તક પણ અલગ થઇ ગયું. જે સ્થળ પર આ ઘટના ઘટી, તે સ્થાન કપાલમોચન-તીર્થ કહેવાયું. મહાદેવજીને કાશી નગરી એટલી સારી લાગી કે એમણે આ પાવન પુરીને વિષ્ણુજી પાસે પોતાના નિત્ય આવાસ માટે માંગી લીધી, ત્યારથી કાશી નગરી મહાદેવજીનું નિવાસ-સ્થાન બની ગઈ.

માન્યતા ફેરફાર કરો

એક અન્ય કથા અનુસાર મહારાજ સુદેવના પુત્ર રાજા દિવોદાસે ગંગા નદીના તટ પર વારાણસી નગર વસાવ્યું હતું. એક વાર ભગવાન શંકરે જોયું કે પાર્વતીજીને પોતાના પિયર (હિમાલય - ક્ષેત્ર)માં રહેવામાં સંકોચ થાય છે, તો એમણે કોઇ અન્ય સિદ્ધક્ષેત્રમાં રહેવાનો વિચાર કર્યો. આ માટે એમને કાશી નગરી અત્યંત પ્રિય લાગી. તેઓ અહિંયા આવી ગયા. ભગવાન શિવના સાન્નિધ્યમાં રહેવાની ઇચ્છાને કારણે દેવતાઓ પણ કાશી નગરીમાં આવીને રહેવા લાગ્યા. રાજા દિવોદાસ પોતાની રાજધાની કાશીનું આધિપત્ય ખોવાવા લાગ્યું તેથી ઘણા દુ:ખી થયા. એમણે કઠોર તપસ્યા કરી બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું કે- દેવતાઓ દેવલોક માં જ રહે, ભૂલોક (પૃથ્વી) મનુષ્યો માટે જ રહે. સૃષ્ટિકર્તાએ તથાસ્તુ કહી દિધું. આ વાતના ફળસ્વરૂપે ભગવાન શંકર અને દેવગણોને કાશી છોડવાને માટે વિવશ થવું પડ્યું. શિવજી મન્દરાચલપર્વત પર ચાલ્યા તો ગયા, પરંતુ કાશી નગરી સાથે એમનો મોહ ભંગ નહીં થઇ શક્યો. મહાદેવજીને એમની પ્રિય કાશી નગરીમાં પુન: વસાવવાના ઉદ્દેશ્યથી ચૌસઠ યોગિનીઓ, સૂર્યદેવ, બ્રહ્માજી અને નારાયણજીએ ખુબ પ્રયાસ કર્યો. ગણેશજીના સહયોગથી અન્તે આ અભિયાન સફળ થયું. જ્ઞાનોપદેશ મેળવીને રાજા દિવોદાસ વિરક્ત થઇ ગયા. એમણે સ્વયં એક શિવલિંગની સ્થાપના કરી અને એની અર્ચના કરી, પછીથી તેઓ દિવ્ય વિમાનમાં બેસીને શિવલોક ચાલ્યા ગયા અને મહાદેવજી કાશી પાછા પરત આવી ગયા.

મહાત્મ્ય ફેરફાર કરો

કાશીનું માહાત્મ્ય એટલું છે કે સહુથી મોટા પુરાણ સ્કન્દ મહાપુરાણમાં કાશીખંડ નામથી એક વિસ્તૃત પૃથક વિભાગ આલેખવામાં આવેલ છે. આ નગરીના બાર પ્રસિદ્ધ નામ- કાશી, વારાણસી, અવિમુક્ત ક્ષેત્ર, આનન્દકાનન, મહાશ્મશાન, રુદ્રાવાસ, કાશિકા, તપ:સ્થલી, મુક્તિભૂમિ, શિવપુરી, ત્રિપુરારિરાજનગરી અને વિશ્વનાથનગરી છે.

સ્કન્દપુરાણમાં કાશી નગરીના મહિમાના ગુણ-ગાન કરતાં કરતાં કહેવામાં આવ્યું છે કે,

ભૂમિષ્ઠાપિન યાત્ર ભૂસ્ત્રિદિવતોઽપ્યુચ્ચૈરધ:સ્થાપિયા

યા બદ્ધાભુવિમુક્તિદાસ્યુરમૃતંયસ્યાંમૃતાજન્તવ:૤

યા નિત્યંત્રિજગત્પવિત્રતટિનીતીરેસુરૈ:સેવ્યતે

સા કાશી ત્રિપુરારિરાજનગરીપાયાદપાયાજ્જગત્૥

જેને ભૂતળ પર હોવા છતાં પણ પૃથ્વી સાથે સંબદ્ધ નથી, જેને જગતની સીમાઓ સાથે બંધાયેલ હોવા છતાં પણ સૌનું બંધન કાપવાવાળી (મોક્ષદાયિની) છે, જે મહાત્રિલોકપાવની ગંગા નદીના તટ પર સુશોભિત તથા દેવતાઓ વડે સુસેવિત છે, ત્રિપુરારિ ભગવાન વિશ્વનાથની રાજધાની એવી કાશી સંપૂર્ણ જગતની રક્ષા કરે છે.

વારાણસીનાં મંદિરો ફેરફાર કરો

  1. વિશ્વનાથ મંદિર
  2. અન્નપુર્ણા મંદિર
  3. કાલ ભૈરવ મંદિર
  4. તુલસી માનસ મંદિર
  5. સંકટ મોચન મંદિર
  6. દુર્ગા મંદિર, દુર્ગાકુણ્ડ
  7. ભારત માતા મંદિરસંદર્ભ ફેરફાર કરો

  1. "વારાણસી". એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા ઑનલાઇન. મેળવેલ 2008-03-06.