વેણીભાઈ જમનાદાસ પુરોહિત, (૧ ફેબ્રુઆરી ૧૯૧૬ - ૩ જાન્યુઆરી ૧૯૮૦) (ઉપનામ: સંત ખુરશીદાસ) ગુજરાતી કવિ અને વાર્તાકાર હતા.

વેણીભાઈ પુરોહિત
જન્મવેણીભાઈ જમનાદાસ પુરોહિત
ફેબ્રુઆરી ૧, ૧૯૧૬
જામખંભાળીયા, ગુજરાત, ભારત
મૃત્યુ3 January 1980(1980-01-03) (ઉંમર 63)
મુંબઇ
ઉપનામઅખા ભગત, સંત ખુરશીદાસ
વ્યવસાયપત્રકાર
રાષ્ટ્રીયતાભારતીય

જીવનફેરફાર કરો

તેમનો જન્મ જામખંભાળિયામાં થયો હતો અને પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં થયું. વ્યવસાયાર્થે મુંબઈમાં બે ઘડી મોજમાં જોડાયા. ૧૯૩૯ થી ૧૯૪૨ સુધી અમદાવાદમાં પ્રભાત દૈનિક, ભારતી સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્યમાં પ્રુફફરીડિંગ. ૧૯૪૨ની લડતમાં દશ માસ જેલવાસ. ૧૯૪૪ થી ૧૯૪૯ સુધી પ્રજાબંધુ અને ગુજરાત સમાચારમાં પત્રકાર. ૧૯૪૯થી જીવનના અંત સુધી મુંબઈમાં જન્મભૂમિ દૈનિકમાં. મુંબઈમાં અવસાન.

સર્જનફેરફાર કરો

એમણે સિંજારવ (૧૯૫૫), ગુલઝારે શાયરી (૧૯૬૨), દીપ્તિ (૧૯૬૬) અને આચમન (૧૯૭૫) કાવ્યસંગ્રહોની રચનાઓમાં ગીત, ભજન, ગઝલ, સૉનેટ, મુક્તક તેમ જ લાંબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્યપ્રકારો અજમાવ્યા છે. માત્રા મેળ દેશીઓ, સંસ્કૃતવૃત્તો ને અછાંદસમાં પણ એમણે રચનાઓ કરી છે. એમની કવિતાનું ઉત્તમાંગ ગીતો અને ભજનો છે. બાળવયે વતનમાં મળેલા સંગીતના સંસ્કારો એમનાં ગીતોમાં શબ્દસંગીતથી સૂક્ષ્મ સૂઝ સાથે પ્રગટ થયા છે. નાનકડી નારનો મેળો, ઝરમર, અમારા મનમાં, પરોઢિયાની પદમણી વગેરે નોંધપાત્ર ગીતો છે. ભજનોમાં તળપદી વાણીની બુલંદતા, પ્રાચીન લયઢાળોની સહજ હથોટી અને ભક્તિ તથા ભાવનાભર્યું સંવેદનતંત્ર એમને સિદ્ધિ અપાવે છે.

નયણાં, અમલકટોરી, હેલી, વિસામો, સુખડ અને બાવળ વગેરે ઉત્તમ ભજનો છે. મસ્તી, માધુર્ય, ચિત્રાત્મકતા, પ્રવાહિતા અને મોકળાશ એ એમની અભિવ્યક્તિની લાક્ષણિકતાઓ છે. પ્રણય, પ્રભુ, દેશભક્તિ, પ્રકૃતિ અને તત્કાલીન ઘટનાઓનું નિરૂપણ એમણે રંગદર્શી દ્રષ્ટિથી કર્યું છે.

એમની કેટલીક ગઝલો સ્મરણીય છે; અખા ભગત ના ઉપનામથી એમણે જન્મભૂમિમાં "ગોફણ ગીતા" નામે કટાક્ષ-કટાર ચલાવી હતી, તેમાં તત્કાલીનતા વધુ અને કવિતા ઓછી છે. કાવ્યપ્રયાગ (૧૯૭૮)માં પ્રાચીન-અદ્યતન કાવ્યોનો અરૂઢ ભાષામાં ભાવલક્ષી આસ્વાદ કરાવેલો છે.[૧] એમણે અત્તરના દીવા (૧૯૫૨), વાંસનું વન, સેતુ નામના વાર્તાસંગ્રહો પણ આપ્યાં છે.[૨]

ઉમાશંકર જોષી તેમને બંદો બદામી કહેતા હતા. કવિ બાલમુકુંદ દવે તેમના ખાસ મિત્ર હતા. ગુજરાતી ચલચિત્ર કંકુ ના બધા ગીતો તેમના લખેલા છે. આ ઉપરાંત "ડાકુરાણી ગંગા", "ગુણ સુંદરીનો ઘરસંસાર", "બહુરૂપી", "ગજરા મારુ", "ધરતીના છોરું", "ઘરસંસાર" વગેરે ચલચિત્ર માં પણ તેઓએ ગીતો લખ્યાં હતાં. તેમણે લખેલું તારી આંખનો અફીણી ગીત અત્યંત લોકપ્રિય બન્યું હતું.[૩]

મુખ્ય રચનાઓફેરફાર કરો

 • કવિતા:
 1. સિંજારવ,
 2. ગુલઝારે શાયરી,
 3. દીપ્તિ,
 4. આચમન,
 5. સહવાસ - બાલમુકુંદ દવે સાથેનો સંયુક્ત કાવ્ય સંગ્રહ
 • વાર્તાસંગ્રહ:
 1. અત્તરના દીવા,
 2. વાંસનું વન,
 3. સેતુ
 • સંપાદન:
 1. કાવ્યપ્રયાગ

સંદર્ભફેરફાર કરો

 1. Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra (2007). Gujarat. Gujarat Vishvakosh Trust. પૃષ્ઠ 388, 528.
 2. "સવિશેષ પરિચય: વેણીભાઈ પુરોહિત, ગુજરાતી સાહિત્ય પરિષદ - Venibhai Purohit, Gujarati Sahitya Parishad". gujaratisahityaparishad.com. મેળવેલ 2020-06-15.
 3. "'આંખનો અફીણી'ના સ્વરકાર અજિત મર્ચન્ટની અલવિદા". divyabhaskar. 2011-03-19. મેળવેલ 2020-06-15.

બાહ્ય કડીઓફેરફાર કરો