વ્યાજનો વારસ

ચુનીલાલ મડિયા લિખિત ગુજરાતી નવલકથા

વ્યાજનો વારસગુજરાતી લેખક ચુનીલાલ મડિયા લિખિત નવલકથા છે જે ૧૯૪૬માં પ્રકાશિત થઈ હતી.

વ્યાજનો વારસ
લેખકચુનીલાલ મડિયા
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારનવલકથા
પ્રકાશન તારીખ
૧૯૪૬
OCLC55230714
દશાંશ વર્ગીકરણ
891.473
મૂળ પુસ્તકવ્યાજનો વારસ વિકિસ્રોત પર

પાર્શ્વભૂમિ

ફેરફાર કરો

મડિયાની અન્ય નવલકથાઓથી વિપરીત આ નવલકથા છાપામાં કદી હપતાવાર પ્રગટ થઈ નહોતી. મડિયાએ આ નવલકથા પોતાનાં માતા કસુંબાને અર્પણ કરી છે. મડિયાની આ આરંભની માત્ર ચોવીસ વર્ષની ઉંમરે લખેલી બીજી નવલકથા છે.[૧]

ઓગણીસમી સદીના અંતનું સૌરાષ્ટ્ર એ આ નવલકથાનો પરિવેશ છે. નવલકથાના શીર્ષક અનુસાર નાણું આ કથામાં કેન્દ્રસ્થાને છે. એ સમયની શરાફી અને નાણાવટ અંગેની આધારભૂત માહિતી માટે મડિયાએ ડી. આર. દેસાઈ લિખિત એમ.કોમ. ડિગ્રી માટેની થીસિસ ઇન્ડિજિનસ બૅન્કિંગ ઇન ગુજરાતનો તથા ડો. એલ. સી. જૈનના પુસ્તક ઇન્ડિજિનસ બેન્કિંગ ઇન ઇન્ડિયાનો આધાર લીધો છે. નવલકથામાં ચિત્રિત સમાજ પર અંગ્રેજોનું રાજકીય આધિપત્ય દર્શાવાયું છે પણ એ સમાજનાં મૂલ્યોમાં પશ્ચિમી સંસ્કૃતિ અને શિક્ષણનો ખાસ પ્રભાવ પડેલો જણાતો નથી. અમિતાભ મડિયા નોંધે છે કે આ નવલકથા દ્વારા ભારતીય જીવનમૂલ્યો અને સંસ્કૃતિને શુદ્ધ રૂપે નિરૂપિત કરવાનો મડિયાનો આશય હતો એમ જણાય છે.[૧]

કથાવસ્તુ

ફેરફાર કરો

વ્યાજવટાવના ધંધામાંથી આભાશા ખૂબ ધન કમાયા છે. પણ મોટી ઉંમર સુધી તેઓ નિ:સંતાન રહે છે. આખરે પુત્ર રિખવ જન્મે છે, પણ રિખવ યુવાનીમાં પ્રવેશતાં જ લાડપ્યારથી બગડીને વંઠી જાય છે. સિંધી બાઈ એમીના ગામેથી પાછા ફરતાં રિખવનું ખૂન થાય છે. એમીને રિખવથી ગુલુ નામનો દીકરો જન્મે છે. વારસ માટે થઈને આભાશાને એમની પત્ની માનવંતી પોતાની બહેન નંદન પરણાવી દે છે, પણ આભાશાની બહેન અમરત પોતાના દીકરાને આભાશાનો વારસો મળે એ વેતરણમાં ભાઈને અફીણ આપી મારી નાખે છે.[૧]

આભાશાની સંપત્તિ પર પોતાનો કબજો સ્થાપવા માટે અમરત નંદનને પેટે 'ત્રણ તાંસળી' બાંધીને ગર્ભવતી જાહેર કરીને પછાત વસવાયા લોકો પાસેથી તાજું જન્મેલું બાળક ખરીદી લાવી એને વારસ જાહેર કરે છે. પણ એ વારસનું પણ પાંચ વરસની ઉંમરે દુશ્મનો દ્વારા ખૂન થઈ જાય છે. તેથી અમરત ગાંડી થઈ જાય છે. સાથે-સાથે એની કુટિલ કારવાઈઓમાં સાથ આપનાર આભાશાનો મુનીમ ચતરભજ પણ ભીખ માગતો થઈ જાય છે. હવે આખો વારસો રિખવની કાયદેસરની પત્ની સુલેખાના હાથમાં આવી પડે છે, પણ લગ્નની મધુર મિલનની પહેલી રાતે જ પતિના મદ્યશોખને સુલેખા વશ થયેલી નહિ તેથી નારાજ રિખવે તેને તરછોડી દીધી હતી. એ આજીવન સાત્ત્વિક કાર્યો અને કલામાં રમમાણ રહી. નિરાશ્રિત એમી અને તેના બાપ લાખિયારને સુલેખાએ પનાહ આપેલી. એમીનો ખોવાઈ ગયેલો દીકરો ગુલુ મોટો થતાં મહંત બનીને ત્યાં જ આવીને રહે છે. સદગત પતિના વારસાના ધનમાંથી ઊભા કરેલા અન્નક્ષેત્રનો ભાર સુલેખા એ ગુલુ(મહંત)ને સોંપે છે. સાચા અધિકારી પ્રજાજનોના ચરણે આ સઘળી સંપત્તિ પહોંચતાં સુલેખા પરમ કૃતાર્થતા અનુભવે છે. આ જનકલ્યાણ જોઈ પ્રસન્ન થયેલા જૈન સાધુ વિમલસૂરિજી આશીર્વાદ આપે છે, ત્યાં નવલકથા અટકે છે. સુલેખા એક કેળવાયેલી ચિત્રકાર છે અને આજીવન આદર્શ અને સૌન્દર્યમંડિત પુરુષની કલ્પનાને પોતાની કલા દ્વારા તાદશ કરવા મથતી રહે છે.[૧]

વિષયવસ્તુ

ફેરફાર કરો

પૈસામાંથી જન્મતો પૈસો, પરસેવો પાડ્યા વિના કમાયેલું વ્યાજનું નાણું – આ નવલકથાનો સાચો નાયક છે. ઉમાશંકર જોશીએ આ નવલકથાને 'નાયક વિનાની નવલકથા' કહી છે. કારણ કે નવલકથાનો સ્થૂળ નાયક રિખવ તો સત્તરમાં પ્રકરણે અવસાન પામ્યો હોય છે અને સુલેખા, ગુલ તથા વિમલસૂરિજી સિવાય બીજાં બધાં જ પાત્રો એ પૈસો પ્રાપ્ત કરવાના પ્રપંચોમાં જે ડૂબેલા રહે છે. પ્રપંચોમાં સંડોવાયા વિના સાત્ત્વિક વૃત્તિથી સુકાયોંમાં રચ્યાંપચ્યાં રહેનાર સુલેખા અને ગુલુ દ્વારા આ પૈસો એના સાચા માલિકો – પ્રજાજનોના હાથમાં આવી પડે છે ત્યાં મડિયાએ અંત મૂક્યો છે. લક્ષ્મીનો સાચો ઉપયોગ માત્ર સમગ્ર સમાજ જ કરી શકે એવી પરંપરાગત પ્રાચીન ભારતીય ભાવનાને મડિયાએ મૂર્ત કરવાનો પ્રયત્ન કર્યો છે.[૧]

ચુનીલાલ મડિયાની તેમજ ગુજરાતી સાહિત્યની કેટલીક મહત્ત્વની નવલકથાઓમાં આ નવલકથાનો ઉલ્લેખ અનિવાર્ય મનાય છે.[૧]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ મડિયા, અમિતાભ (૨૦૦૬). "વ્યાજનો વારસ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ 21 (વૉ - ષ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૪–૭૫. OCLC 162213102.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો