રામસિંહજી રાઠોડ

ગુજરાતી લેખક

રામસિંહજી રાઠોડ (૮ ડિસેમ્બર ૧૯૧૭ – ૨૫ જૂન ૧૯૯૭) એ ભારતીય વનસેવામાં વન-અધિકારી હતા. તેઓ કચ્છનાં ઇતિહાસ, ભૂગોળ, પુરાતત્વ, લોકસાહિત્ય, કલા અને ભૂસ્તરના અભ્યાસી હતા.[૧] તેમને ૧૯૬૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.

રામસિંહજી રાઠોડ
જન્મરામસિંહજી રાઠોડ
૮ ડિસેમ્બર ૧૯૧૭
ભુવડ, કચ્છ
મૃત્યુ૨૫ જૂન ૧૯૯૭
ભુજ, કચ્છ
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર સર્જનોકચ્છી સંસ્કૃતિ વિશેનું સંશોધન, ભારતીય સંસ્કૃતિ દર્શન - કચ્છ નામે મ્યુઝીયમની સ્થાપના
નોંધપાત્ર પુરસ્કારોસાહિત્ય અકાદમી પુરસ્કાર,
રણજિતરામ સુવર્ણચંદ્રક

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ૮ ડિસેમ્બર ૧૯૧૭ ના દિવસે કચ્છના ભુવડ ગામમાં કાનજીભાઈ તથા તેજબાઈને ઘેર થયો હતો. તેમણે ભુજમાં રહી ૧૯૩૩માં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. કુમાર માસિકના વાંચનથી તેઓ સાહિત્ય, કલા, ફોટોગ્રાફી વગેરે વિષયો તરફ આકર્ષાયા.[૨]

કચ્છ રાજ્ય તરફથી ૧૯૩૫માં તેઓ દેહરાદૂન ગયા, ત્યાં ઇમ્પીરિયલ ફૉરેસ્ટ કૉલેજમાં વનવિદ્યાનો અભ્યાસ કરી ૧૯૩૭માં તેમણે ડિપ્લોમા મેળવ્યો. તે પછી તેઓ કચ્છ રાજ્યના જંગલ ખાતામાં રેન્જ ફૉરેસ્ટ ઑફિસર તરીકે નિયુક્ત થયા. તેની કારકિર્દી દરમિયાન તેમણે ઘણો પ્રવાસ કર્યો અને તે દરમ્યાન તેમણે કચ્છની લોકકલાઓ, લોકસાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, ભૂસ્તર, પુરાતત્વ વગેરેનો અભ્યાસ કર્યો. બનારસ હિંદુ યુનિવર્સિટીના ભૂસ્તર-વિભાગના વડા ડૉ. રાજનાથ કચ્છના ભૂસ્તરનો પ્રત્યક્ષ અભ્યાસ કરવા આવ્યા ત્યારે રામસિંહનું એ વિષયમાં ઊંડું જ્ઞાન જોઈ તેઓ પ્રભાવિત થયા હતા. ડૉ. રાજનાથની ભલામણથી તેમને રાજ્ય દ્વારા ભૂસ્તરવિદ્યાના વધુ અભ્યાસ માટે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાં ૧૯૪૯માં તેમણે એમ.એસ.સી.ની પદવી મેળવી. પાછા ફર્યા બાદ તેઓ કચ્છ રાજ્યના ફૉરેસ્ટ સુપરિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક પામ્યા. પછીના સમયમાં તેમણે વનવિભાગના વડા, સ્પેશ્યલ ફૉરેસ્ટ ઑફિસર, ગુજરાત રાજ્યમાં વિભાગીય વન-અધિકારી અને છેલ્લે ભારતીય વનસેવામાં વન-અધિકારી જેવા વિવિધ પદોએ સેવા આપી.[૨] તેમણે ૧૯૮૦માં ભુજમાં ‘ભારતીય સંસ્કૃતિ દર્શન - કચ્છ’ નામના એક સંગ્રહાલય સ્થાપ્યું હતું તેમાં તેમના દ્વારા સંશોધિત માહિતીના નમૂના સંગ્રહવામાં આવ્યા છે.[૩]૨૫ જૂન ૧૯૯૭ ના દિવસે કચ્છમાં ભુજ ખાતે તેઓ અવસાન પામ્યા.[૨]

સંશોધન ફેરફાર કરો

તેમણે કચ્છમાં પ્રવાસ કરીને પૌરાણિક ખંડેરો, દટાઈ ગયેલાં બંદરો, પ્રાચીન મંદિરો, દેરીઓ, પાળિયા, મસ્જિદો, મૂર્તિઓ વગેરેનો અભ્યાસ કરી કથા-દંતકથા, ઇતિહાસ, ભૂગોળ વગેરે અંગેની ઘણી માહિતીઓ ભેગી કરી હતી.[૨]

લેખન ફેરફાર કરો

એક મિત્ર સાથે મળીને તેમણે ‘બંસરી’ નામે હસ્તલિખિત માસિક કાઢ્યું હતું. તેઓ તેને ચિત્રોથી પણ સજાવતા હતા. તેમણે ૧૯૪૯માં કુમાર સામાયિકમાં ગુજરાતમાં પેટ્રોલિયમ વિષય પર લેખ લખી ભારતના પશ્ચિમ કાંઠે પેટ્રોલિયમ ઉત્ખનનની શક્યતા પહેલ વહેલી વ્યક્ત કરી હતી. તેમણે કચ્છ સાંસ્કૃતિ, સ્થાપત્યને લાગતાં નકશા, ચિત્રો, ફોટા ઇત્યાદિ મેળવી ‘કુમાર’ માસિકમાં એક લેખમાળા લખી હતી. આ લેખમાળા ‘કચ્છનું સંસ્કૃતિદર્શન’ નામના ગ્રંથ સ્વરૂપે ઈ. સ. ૧૯૫૯માં પ્રકાશિત થઈ હતી. તેમનું બીજું પુસ્તક ‘ગુજરાતી ભાષામાં ભણતર તથા ગુજરાતી સાહિત્ય’ નામે પ્રગટ થયું હતું જેમાં કચ્છી બોલી વિષે માહિતી આપવામાં આવી હતી. ‘કચ્છ ઍન્ડ રામરાંધ’ [રામરાંધ(કચ્છી) = રામલીલા] નામના એમના પુસ્તકમાં કચ્છી રામલીલા ઉપરાંત ચિત્રકલા, મૂર્તિઓ, ભૂગોળ, લોકસંસ્કૃતિ, ઇતિહાસ વગેરેની માહિતી સંકલિત કરવામાં આવી છે.[૨]

સન્માન ફેરફાર કરો

તેમણે રચેલા ‘કચ્છનું સંસ્કૃતિદર્શન’ ગ્રંથની કદરરૂપે તેમને ગુજરાત સરકાર દ્વારા ૧૯૬૧માં સાહિત્ય અકાદમી પુરસ્કાર (રૂ.૨,૦૦૦/-) એનાયત કરવામાં આવ્યો હતો તેમજ કેન્દ્ર સરકારની સાહિત્ય અકાદમીનું રૂ. ૫,૦૦૦/-નું પારિતોષિક પણ તેમને મળ્યું હતું.[૪] આ જ ગ્રંથ માટે તેમને ગુજરાત સાહિત્ય સભા (અમદાવાદ) તરફથી ૧૯૬૨ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો હતો.[૨][૫]

સંદર્ભ ફેરફાર કરો

  1. "ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી - લોકકલા" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-10-10 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-03.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "રાઠોડ, રામસિંહજી – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-03.
  3. "કચ્છ- ભુજ : ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમની એક ઝલક". www.gujaratimidday.com. મેળવેલ 2021-10-03.
  4. "રણજિતરામ સુવર્ણચંદ્રક – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-03.
  5. "રણજિતરામ સુવર્ણચંદ્રક – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-03.