રાસબિહારી બોઝ

ભારતીય ક્રાંતિકારી

રાસબિહારી બોઝ (audio speaker iconઉચ્ચાર ; બંગાળી: রাসবিহারী বসু) (૨૫ મે ૧૮૮૬ — ૨૧ જાન્યુઆરી ૧૯૪૫) એક ભારતીય ક્રાંતિકારી હતા. તેઓ ગદર વિદ્રોહના મુખ્ય આયોજકો પૈકી એક હતા. તેમણે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી બાદમાં તેને સુભાષચંદ્ર બોઝને સોંપી દીધી હતી.

રાસબિહારી બોઝ
જન્મની વિગત૨૫ મે ૧૮૬
મૃત્યુ૨૧ જાન્યુઆરી ૧૯૪૫
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાબ્રિટીશ ભારત (૧૮૮૬–૧૯૧૫)
કોઈ દેશની નાગરિકતા નહી (૧૯૧૫–૨૩)
જાપાન (૧૯૨૩–૪૫)
સંસ્થાયુગાંતર, ભારતીય સ્વતંત્રતા લીગ, આઝાદ હિંદ ફોજ
ચળવળભારતીય સ્વાધીનતા સંગ્રામ, ગદર વિદ્રોહ, આઝાદ હિંદ ફોજ
જીવનસાથીતોશિકો બોઝ (૧૯૧૬–૧૯૨૪)
સંતાનો

પ્રારંભિક જીવન

ફેરફાર કરો

રાસબિહારી બોઝનો જન્મ બંગાળના વર્ધમાન જિલ્લાના સુબલદહ ગામમાં થયો હતો. તેમના પિતા વિનોદ બિહારી બોઝ અને માતા ભૂવનેશ્વરી દેવી હતા. તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના વતન સુબલદહની પ્રાથમિક શાળામાં જ તેમના દાદા કાલીચરણ બોઝની દેખરેખ હેઠળ થયું હતું. તેમનો આગળનો અભ્યાસ ડુપ્લીક્સ કોલેજમાં થયો હતો. શાળાના આચાર્ય ચારુચંદ્ર રોયે તેમને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે પ્રેરીત કર્યા. ત્યારબાદ તેમણે કલકત્તાની મોર્ટન સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. બોઝે ચિકિત્સા વિજ્ઞાન અને ઇજનેરી શાખામાં ફ્રાંસ અને જર્મનીથી પદવી મેળવી હતી.

ક્રાંતિકારી પ્રવૃત્તિઓ

ફેરફાર કરો

તેઓ શરૂઆતથી જ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં રુચિ ધરાવતા હતા. અલીપુર બોમ્બ ધડાકાના મુકદ્દમાથી દૂર રહેવાના ઇરાદાથી તેમણે ૧૯૦૮માં બંગાળ છોડી દીધું હતું. તેઓ દહેરાદૂન વન અનુસંધાન સંસ્થામાં ક્લાર્ક તરીકેની નોકરી દરમિયાન અમરેન્દ્ર ચેટરજીના માધ્યમથી જતીન્દ્રનાથ મુખર્જીના (જતીન બાઘા) સંપર્કમાં આવ્યા. અહીં તેઓ બંગાળી ક્રાંતિકારીઓના જૂથમાં સામેલ થઈ ગયા અને પંજાબ તેમજ સંયુક્ત પ્રાંતના (હાલ ઉત્તરપ્રદેશ) આર્ય સમાજના પ્રખર ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા.[]

દિલ્હી ષડયંત્ર

ફેરફાર કરો
 
લોર્ડ હેસ્ટીંગની હત્યાનો પ્રયાસ (૧૯૧૨)

તત્કાલીન વાઇસરોય લોર્ડ હેસ્ટીગ્સની હત્યાના પ્રયાસ બાદ તેઓ ભાગતા ફરી રહ્યા હતા. હત્યાનો આ પ્રયાસ ૨૩ ડિસેમ્બર ૧૯૧૨ના રોજ દિલ્હીમાં કરવામાં આવ્યો હતો જ્યારે વાઇસરોય લોર્ડ હેસ્ટીગ્સ રાજધાની કલકત્તાથી નવી દિલ્હી સ્થળાંતરીત કરવાના એક ઔપચારિક સરઘસમાં ભાગ લઈ રહ્યા હતા. હેસ્ટીગ્સનું સરઘસ જ્યારે લાલ કિલ્લા પાસેથી પસાર થઈ રહ્યું હતુ ત્યારે અમરેન્દ્ર ચેટરજીના સહયોગી વસંત કુમાર વિશ્વાસે તેમના પર બોમ્બ ફેંક્યો હતો. પરંતુ તેઓ લક્ષ ચૂકી ગયા હતા અને હત્યાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. બોમ્બ બનાવવાનું કામ મનિન્દ્રનાથ નાયકે કર્યું હતું. ગવર્નર જનરલ અને વાઇસરોયની હત્યાના નિષ્ફળ પ્રયાસમાં સક્રીય ભૂમિકાને કારણે બ્રિટીશ પોલીસ બોઝને શોધી રહી હતી. તેઓ રાતની ટ્રેન મારફતે જ દહેરાદૂન પાછા ફર્યા અને કશું જ બન્યું નથી એ રીતે બીજા દિવસે ઓફિસમાં હાજર થઈ ગયા. બાદમાં તેઓએ વાઇસરોયની હત્યાના કાયરતાપૂર્ણ પ્રયાસની નિંદા કરવા દહેરાદૂનના નિષ્ઠાવાન લોકોની એક સભાનું આયોજન કર્યું હતું.

આઝાદ હિંદ ફોજ

ફેરફાર કરો

બોઝ ૧૯૧૫માં રવિન્દ્રનાથ ટાગોરના સંબંધી પ્રિયનાથ ટાગોરનું નામ ધારણ કરી જાપાન ભાગી ગયા.[] બોઝને અહીં કેટલાંક અખિલ એશિયાઇ સમૂહો દ્વારા આશ્રય મળ્યો. તેમના પ્રત્યાર્પણ માટે બ્રિટીશ સરકાર દ્વારા જાપાન પર કરવામાં આવતા રાજનૈતિક દબાણને કારણે ૧૯૧૫—૧૯૧૮ સમય દરમિયાન તેઓ વારંવાર પોતાની ઓળખ અને રહેઠાણ બદલતા રહ્યા. તેઓ નાકામુર્યા બેકરીના માલિકની પુત્રી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. ૧૯૨૩માં જાપાની નાગરિકતા પ્રાપ્ત કરી લેખક અને પત્રકાર તરીકે રહેવા લાગ્યા.

બોઝે એ. એમ. નાયર સાથે મળીને જાપાની અધિકારીઓને ભારતીય દેશભક્તોના સમર્થન માટે રાજી કર્યા અને વિદેશમાં ભારતીય સ્વાતંત્ર્ય સંઘર્ષને અધિકારીક રીતે સક્રીયરૂપે સમર્થન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તેમણે ૨૮–૩૦ માર્ચ ૧૯૪૨માં ટોકયો ખાતે એક સંમેલનનું આયોજન કર્યું જેમાં તેમણે ઇન્ડિયન ઇન્ડીપેન્ડેન્ટ લીગની (ભારતીય સ્વતંત્રતા લીગ) સ્થાપના કરવાનું જાહેર કર્યું. સંમેલનમાં તેમણે ભારતની સ્વતંત્રતા માટે સૈન્ય ગઠનનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે ૨૨ જૂન ૧૯૪૨ના રોજ બેંગકોક ખાતે દ્વીતીય સંમેલનનું આયોજન કર્યું. આ સંમેલનમાં સુભાષચંદ્ર બોઝને ભારતીય સ્વતંત્રતા લીગમાં સામેલ કરવા તથા લીગનું સુકાન સંભાળવા જાપાન આમંત્રિત કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો.

મલાયા, ઉત્તર બોર્નિયો અને જાપાન આધીન સારવાકમાંથી પકડાયેલા દ્વિતીય વિશ્વયુદ્ધના ભારતીય યુદ્ધકેદીઓને ભારતીય સ્વતંત્રતા લીગમાં સામેલ થવા અને ભારતીય સ્વતંત્રતા લીગની સૈન્ય પાંખ તરીકે ૧ સપ્ટેમ્બર ૧૯૪૨થી કાર્યરત ભારતીય રાષ્ટ્રીય સેના (INA)ના સૈનિક બનવા પ્રોત્સાહિત કરાયાં. તેમણે આઝાદ હિંદ આંદોલન માટે ધ્વજ પસંદ કરી સુભાષચંદ્ર બોઝને સોંપ્યો. ક્ષય રોગના કારણે તેમના અવસાન પહેલાં જાપાન સરકારે તેમને ઓર્ડર ઓફ ધ રાઇસિંગ સન તરીકેનું રાષ્ટ્રીય સન્માન આપ્યું હતું.

ચિત્ર ઝરૂખો

ફેરફાર કરો
  1. Uma Mukherjee (1966). Two great Indian revolutionaries: Rash Behari Bose & Jyotindra Nath Mukherjee. Firma K. L. Mukhopadhyay. પૃષ્ઠ 101.
  2. বন্দ্যোপাধ্যায়, পারিজাত. "বাংলা থেকে রান্না-শাড়ি পরা, জাপানি বউকে শিখিয়েছিলেন রাসবিহারী বসু". anandabazar.com. મેળવેલ 27 July 2018.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો