સાવિત્રીબાઈ ફુલે

ભારતીય સમાજ સુધારક

સાવિત્રીબાઈ ફુલે (૩ જાન્યુઆરી ૧૮૩૧ – ૧૦ માર્ચ ૧૮૯૭) ભારતીય સમાજ સુધારક, શિક્ષણવિદ્ અને કવયિત્રી હતા. તેમને ભારતના પ્રથમ મહિલા શિક્ષક માનવામાં આવે છે. તેમણે પતિ જ્યોતિરાવ ફુલે સાથે મળીને સ્ત્રી અધિકારો અને શિક્ષણના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કર્યું હતું. ફુલે દંપતીએ ૧૮૪૮માં પુણેના ભીડેવાડામાં પહેલી ભારતીય કન્યા શાળાની સ્થાપના કરી હતી. તેમણે જાતિ અને લિંગના આધાર પર લોકો સાથે થતા અનુચિત વ્યવહાર અને ભેદભાવને સમાપ્ત કરવાનું કાર્ય કર્યું હતું. મહારાષ્ટ્રમાં સમાજ સુધાર આંદોલનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. સમાજસેવી અને શિક્ષણવિદ્‌ ફુલે મરાઠી સાહિત્યના અગ્રગણ્ય લેખિકા તરીકે પણ જાણીતા છે.

સાવિત્રીબાઈ ફુલે
ભારતીય ટપાલ ટિકિટ પર સાવિત્રીબાઈ ફુલે
જન્મની વિગત(1831-01-03)3 January 1831
મૃત્યુ10 March 1897(1897-03-10) (ઉંમર 66)
મૃત્યુનું કારણપ્લેગ
રાષ્ટ્રીયતાભારતીય
જીવનસાથીજ્યોતિરાવ ફુલે

પ્રારંભિક જીવન ફેરફાર કરો

સાવિત્રીબાઈનો જન્મ મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના નાયગાવ ખાતે ૩ જાન્યુઆરી ૧૮૩૧ના રોજ થયો હતો.[૧] તેઓ લક્ષ્મી અને ખાંડોજી નેવેશે પાટિલના સૌથી મોટા પુત્રી હતા. તેમના માતાપિતા માળી સમુદાયના હતા.[૨] ૧૦ વર્ષની ઉંમરે તેમના લગ્ન જ્યોતિરાવ ફુલે સાથે થયા.[૧] ફુલે દંપતી નિ:સંતાન હતું[૩] પરંતુ તેમણે બ્રાહ્મણ વિધવાના પુત્ર યશવંત રાવને દત્તક લીધો હતો.[૪]

શિક્ષણ ફેરફાર કરો

લગ્ન સમયે સાવિત્રીબાઈ શિક્ષિત નહોતા કારણ કે બ્રાહ્મણ સમુદાયે નિમ્ન જાતિના લોકો અને સ્ત્રીઓ માટે શિક્ષિણની મનાઈ ફરમાવી હતી. જ્યોતિરાવ પણ પોતાની નિમ્ન જાતિના કારણે અસ્થાયી રૂપથી શિક્ષણ છોડવા બાધ્ય થયા હતા પરંતુ આખરે તેઓ સ્કોટલેન્ડની એક મિશિનરી શાળામાં પ્રવેશ મેળવવામાં સફળ થયા હતા જ્યાં તેમણે સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો.[૨][૫]

સરકારી દફતર પ્રમાણે જ્યોતિરાવે સવિત્રીબાઈને ઘરે જ ભણાવ્યા હતા. તેમના જ્યોતિરાવ સાથેના પ્રાથમિક શિક્ષણ બાદ આગળની જવાબદારી તેમના મિત્રો સખારામ યશવંત પરાંજપે અને કેશવ શિવરામ ભાવલકરની હતી. તેમણે બે શિક્ષક પ્રશિક્ષણ અભ્યાસક્રમોમાં પણ પ્રવેશ મેળવ્યો. પ્રથમ તેમણે અહમદનગર સ્થિત અમેરિકી મિશિનરી સિંથિયા ફર્રાર દ્વારા સંચાલિત સંસ્થામાં પ્રવેશ મેળવ્યો. ઉપરાંત પુણેની નોર્મલ સ્કૂલમાં પણ તાલીમ મેળવી.[૧][૨][૬] આ તાલીમના આધારે તેમને ભારતના પ્રથમ મહિલા શિક્ષક અને પ્રધાન અધ્યાપિકા માનવામાં આવે છે.[૧]

કારકિર્દી ફેરફાર કરો

શિક્ષકની તાલીમ પૂરી કર્યા બાદ સવિત્રીબાઈએ પુણેના મહારવાડામાં કન્યાઓને ભણાવવાનું શરૂ કર્યું. તેમણે જ્યોતિરાવના માર્ગદર્શક અને સલાહકાર સગુણાબાઈની સાથે મળીને આ કાર્યની શરૂઆત કરી. બાદમાં ફુલે દંપતી અને સગુણબાઈએ મળીને ભીડેવાડામાં એક કન્યાશાળાની સ્થાપના કરી. શાળામાં વિજ્ઞાન, ગણિત અને સમાજવિદ્યાના વિષયો સામેલ હતા. ૧૮૫૧ના અંત સુધીમાં જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ત્રણ અલગ અલગ કન્યાશાળાઓ ચલાવી રહ્યા હતા. સંયુક્ત રીતે ત્રણે શાળામાં કુલ મળીને ૧૫૦થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. આ શાળાઓનો અભ્યાસક્રમ અને શિક્ષણપદ્ધતિ સરકારી શાળાથી અલગ હતી. લેખિકા દિવ્યા કંડુકુરીના મત અનુસાર સરકારી શાળાઓ કરતાં ફુલે દંપતિની શિક્ષણપદ્ધતિ વધુ સારી હતી. એ જ પ્રમાણે સરકારી શાળામાંથી શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ફુલેની શાળામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીનીઓની સંખ્યા પણ વધુ હતી.[૨]

ફુલે દંપતીના આ સેવાકાર્યને રૂઢીવાદી સ્થાનિક સમુદાયના પ્રતિરોધનો સામનો કરવો પડ્યો. ૧૮૪૯ સુધી ફુલે દંપતી જ્યોતિરાવના પૈતૃક ઘરમાં રહેતુ હતું પરંતુ ૧૮૪૯માં જ્યોતિરાવના પિતાએ તેમને ઘર છોડી દેવા માટે જણાવ્યું કારણ કે બ્રાહ્મણ ગ્રંથો પ્રમાણે તેમનું શિક્ષણ કાર્ય પાપ ગણાતું હતું.[૨] ૧૮૫૦ના દશકમાં સાવિત્રીબાઈ અને જ્યોતિરાવે બે શૈક્ષણિક ટ્રસ્ટની સ્થાપના કરી. જ્યોતિરાવના સહયોગથી તેમણે અલગ અલગ જાતિ સમુદાયના બાળકોના અભ્યાસ માટે ૧૮ જેટલી શાળાઓ શરૂ કરી..[૭] દંપતીએ ગર્ભવતી બળાત્કાર પીડિત મહિલાઓ માટે બાળહત્યા પ્રતિબંધક ગૃહ નામના આશ્રય કેન્દ્રો પણ શરૂ કર્યા.[૮]

નિધન ફેરફાર કરો

૧૮૯૭માં નાલાસોપારા ક્ષેત્રની આસપાસના વિસ્તારોમાં પ્લેગની મહામારી ફેલાતાં સાવિત્રીબાઈ અને તેમના દત્તકપુત્ર યશવંતરાવે અસરગ્રસ્તોની સારવાર માટે એક દવાખાનું શરૂ કર્યું.[૯] આ દવાખાનું પુણેથી દૂર સંક્રમણ મુક્ત વિસ્તારમાં આવેલું હતું. પ્લેગની આ મહામારીથી સંક્રમિત એક બાળકની સારવાર કરતાં સાવિત્રીબાઈને આ રોગ લાગુ પડી ગયો અને ૧૦ માર્ચ ૧૮૯૭ના રોજ તેમનું નિધન થઈ ગયું.[૧]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Sundararaman, T. (2009). Savitribai Phule first memorial lecture, [2008]. National Council of Educational Research and Training. ISBN 9788174509499. OCLC 693108733.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ Kandukuri, Divya (2019-01-11). "The life and times of Savitribai Phule". Mint (અંગ્રેજીમાં). મેળવેલ 2019-04-19.
  3. Rege, Sharmila (2009). Savitribai Phule Second Memorial Lecture, [2009]. National Council of Educational Research and Training. ISBN 978-8-17450-931-4.
  4. O'Hanlon, Rosalind (2002). Caste, Conflict and Ideology: Mahatma Jotirao Phule and Low Caste Protest in Nineteenth-Century Western India (Revised આવૃત્તિ). Cambridge University Press. પૃષ્ઠ 135. ISBN 978-0-521-52308-0.
  5. O'Hanlon, Rosalind (2002). Caste, Conflict and Ideology: Mahatma Jotirao Phule and Low Caste Protest in Nineteenth-Century Western India (Revised આવૃત્તિ). Cambridge University Press. પૃષ્ઠ 118. ISBN 978-0-521-52308-0.
  6. O'Hanlon, Rosalind (2002). Caste, Conflict and Ideology: Mahatma Jotirao Phule and Low Caste Protest in Nineteenth-Century Western India (Revised આવૃત્તિ). Cambridge University Press. પૃષ્ઠ 118. ISBN 978-0-521-52308-0.
  7. "Who was Savitribai Phule? Remembering India's first woman teacher". The Financial Express. 3 January 2018. મેળવેલ 8 March 2018.
  8. Agnihotri, Sanjana (3 January 2017). "Who is Savitribai Phule? What did she do for womens rights in India?". India Today. મેળવેલ 7 May 2017.
  9. "Savitribai Phule – Google Arts & Culture". Google Cultural Institute. મેળવેલ 2 January 2018.