સાવિત્રી ખાનોલકર

ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્રની ડિઝાઇન માટે જાણીતા ડિઝાઇનર

સાવિત્રી ખાનોલકર (૨૦ જુલાઈ ૧૯૧૩ – ૨૬ નવેમ્બર ૧૯૯૦)[૧] એક ડિઝાઇનર હતા. તેઓ ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્રની ડિઝાઇન માટે જાણીતા છે, જે યુદ્ધ દરમિયાન પરાક્રમના વિશિષ્ટ કૃત્યો પ્રદર્શિત કરવા માટે એનાયત કરવામાં આવે છે. ખાનોલકરે અશોક ચક્ર (એસી), મહાવીર ચક્ર (એમવીસી), કીર્તિ ચક્ર (કેસી), વીર ચક્ર (વીઆરસી) અને શૌર્ય ચક્ર (એસસી) સહિત અન્ય કેટલાક મોટા વીરતા ચંદ્રકો પણ ડિઝાઇન કર્યા હતા. તેમણે જનરલ સર્વિસ મેડલ ૧૯૪૭ની ડિઝાઇન પણ તૈયાર કરી હતી, જેનો ઉપયોગ ૧૯૬૫ સુધી કરવામાં આવ્યો હતો.[૨] ખાનોલકર ચિત્રકાર અને કલાકાર પણ હતા.

સાવિત્રી ખાનોલકર
જન્મની વિગત
ઇવા વૉન લિન્ડા મેડે-ડી-મેરોસ (Eva Yuonne Linda Maday-de-Maros)

(1913-07-20)20 July 1913
ન્યૂશાતેલ, સ્વીટ્ઝર્લેન્ડ
મૃત્યુ26 November 1990(1990-11-26) (ઉંમર 77)
દિલ્હી, ભારત
નાગરિકતાભારતીય
જીવનસાથી
મેજર જનરલ વિક્રમ રામજી ખાનોલકર
(લ. 1932; અવસાન 1952)
માતા-પિતા
  • આંદ્રે ડે મેડે (પિતા)
  • માર્થે હેન્ટઝેલ્ટ (માતા)

પ્રારંભિક જીવન ફેરફાર કરો

સ્વિત્ઝરલૅન્ડના ન્યૂશાતેલ ખાતે જન્મેલા સાવિત્રી ખાનોલકરનું મૂળ નામ ઇવા વૉન લિન્ડા મેડે-ડી-મેરોસ હતું. તેમના પિતા હંગેરિયન હતા અને માતા રશિયન હતા. તેમના જન્મ પછી તરત જ માતાનું અવસાન થયું હતું. તે સમયે તેમના પિતા જીનીવામાં લીગ ઓફ નેશન્સમાં લાઇબ્રેરિયન હતા. પિતાએ તેમનો ઉછેર કર્યો અને તેમને રિવેરાની એક શાળામાં અભ્યાસ માટે મોકલ્યા. તેમના પિતાની લાઇબ્રેરીમાં નોકરીને કારણે તેમને રજાઓમાં પુસ્તકો વાંચવાની સુવિધા મળી રહેતી. પુસ્તકો વાંચીને તેમને ભારત પ્રત્યે પ્રેમ અને આકર્ષણ ઉત્પન્ન થયા હતા. ૧૯૨૯માં જ્યારે તેઓ કિશોર વયના હતા ત્યારે તેમની મુલાકાત વિક્રમ રામજી ખાનોલકર સાથે થઈ હતી. મરાઠી પરિવારમાંથી ખાનોલકર યુનાઇટેડ કિંગડમની રોયલ મિલિટરી એકેડેમી, સેન્ડહર્સ્ટમાં તાલીમ લઈ રહેલા ભારતીય આર્મીના એક યુવાન કેડેટ હતા અને ટર્મ બ્રેક દરમિયાન સ્વિત્ઝર્લેન્ડની મુલાકાતે હતા. પોતાનાથી વયમાં મોટા હોવા છતાં તેઓ વિક્રમના પ્રેમમાં પડ્યા. તેમના પિતા તેમને ભારત જેવા દૂરના દેશમાં જવા દેવા સંમત થયા ન હતા પરંતુ થોડાં વર્ષો બાદ તેઓ વિક્રમની પાછળ ભારત આવ્યા અને ૧૯૩૨માં તેણે લખનઉમાં તેમની સાથે લગ્ન કર્યા.[૩] ત્યારબાદ તેમણે પોતાનું નામ બદલીને સાવિત્રીબાઈ ખાનોલકર કરી દીધું. તેમણે હિન્દુ ધર્મ અપનાવી ભારતીય નાગરિકતા મેળવી હતી.

ભારતીય જોડાણ ફેરફાર કરો

સાવિત્રી ખાનોલકરે હિન્દુ પરંપરાઓ અને આદર્શો સાથે એટલી નજીકથી ઓળખ કરી હતી કે ભારતીય સમાજમાં તેમનું એકીકરણ સરળ અને સહજ હતું. તેઓ શાકાહારી હતા, અસ્ખલિત મરાઠી, સંસ્કૃત અને હિન્દી બોલતા શીખ્યા હતા અને ભારતીય સંગીત, નૃત્ય અને ચિત્રકામ પણ શીખ્યા હતા. તેઓ હંમેશાં દાવો કરતા કે તેઓ "ભૂલથી યુરોપમાં જન્મ્યા છે" કારણ કે તેમનો આત્મા ભારતીય હતો. તેઓ ભારતીય સંસ્કૃતિથી એટલા આકર્ષિત હતા કે તેમણે હિન્દુ ધર્મગ્રંથોનું વિસ્તૃત વાંચન કર્યું હતું અને ભારતના પ્રાચીન ઇતિહાસ અને દંતકથાઓનું ઊંડું જ્ઞાન મેળવ્યું હતું. આ જ્ઞાનને કારણે પરમ વીર ચક્રની ડીઝાઇન માટે મેજર જનરલ હીરા લાલ અટલે સાવિત્રી બાઈની મદદ માંગી હતી.

પરમ વીર ચક્રની ડિઝાઇન ફેરફાર કરો

ભારતની સ્વતંત્રતા બાદ જનરલ મેજર જનરલ હીરા લાલ અટલેને સ્વતંત્ર ભારતના નવા સૈન્ય સન્માન તૈયાર કરવાની અને નામ આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ખાનોલકરના ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત અને વેદોના ઊંડા અને ગહન જ્ઞાનને કારણે જનરલ હીરાલાલને આશા હતી કે તેઓ ડિઝાઇનને ખરેખર ભારતીય લોકાચાર આપશે. પરિણામે, યુદ્ધમાં બહાદુરી માટેના ભારતના સર્વોચ્ચ પુરસ્કાર પરમવીર ચક્ર ડિઝાઇન કરવા સાવિત્રી ખાનોલકરની પસંદગી કરવામાં આવી હતી.[૧][૪]

સાવિત્રીબાઈએ તૈયાર કરેલી પદકની ડિઝાઇન માટે તેમણે દધીચી ઋષિને પ્રેરણાસ્રોત માન્યા હતા. વૈદિક ઋષિ દધિચી, જેમણે દેવતાઓને અંતિમ બલિદાન આપ્યું. તેમણે પોતાનું શરીર ત્યજી દીધું જેથી દેવતાઓ તેમની કરોડરજ્જુમાંથી એક ઘાતક શસ્ત્ર, વજ્રનું નિર્માણ કરી શકે. આ ઉપરથી પ્રેરિત થઈને સાવિત્રીબાઈએ વજ્રની ડિઝાઇન મેજર જનરલ હીરા લાલ અટલને આપી. કહેવાય છે કે સાવિત્રી બાઈએ ભારતના ઇતિહાસનો અભ્યાસ કર્યા બાદ શિવાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે શિવાજીની તલવાર ભવાનીને ભારતના સર્વોચ્ચ યુદ્ધકાળના ચંદ્રકમાં મૂકવામાં આવી છે, તેમણે એવી ડિઝાઇન બનાવી હતી જેમાં ઇન્દ્રના વજ્રને શિવાજીની તલવાર ભવાનીએ બે બાજુથી ઘેરી લીધી હતી.[૫]

પરમ વીર ચક્ર ચંદ્રક કાંસાની ધાતુમાંથી ૩.૫ સેમી વ્યાસનો બનેલો છે અને ચારે બાજુ ચાર વજ્ર પ્રતીકો ધરાવે છે. મેડલનો મધ્ય ભાગ ઉપસેલો રાખવમાં આવ્યો છે અને તેના પર રાષ્ટ્રનું પ્રતીક કોતરવામાં આવ્યું છે. મેડલની બીજી બાજુ કમળનું નિશાન છે અને પરમ વીર ચક્ર હિન્દી અને અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે.

યોગાનુયોગ, પ્રથમ પરમવીર ચક્ર તેમની મોટી પુત્રી કુમુદિની શર્માના બનેવી મેજર સોમ નાથ શર્માને એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ ૧૯૪૭-૪૮ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે શ્રીનગર હવાઈ મથક પરથી દુશ્મન ઘૂસણખોરોને ખદેડતી વખતે તેઓ શહીદ થઈ ગયા હતા.

જીવન ઉત્તરાર્ધ ફેરફાર કરો

સાવિત્રી ખાનોલકર હંમેશાં સામાજિક કાર્યો સાથે સંકળાયેલા રહ્યા હતા. તેમણે સૈનિકો અને તેમના પરિવારો તથા ભાગલા દરમિયાન વિસ્થાપિત થયેલા શરણાર્થીઓ માટે કામ કર્યું હતું. ૧૯૫૨માં પતિના અવસાન બાદ તેઓ આધ્યાત્મિકતા તરફ વળ્યા હતા અને શેષ જીવન રામકૃષ્ણ મઠમાં ગાળ્યું હતું. તેમણે મહારાષ્ટ્રના સંતો પર એક પુસ્તક લખ્યું હતું જે આજે પણ લોકપ્રિય છે.

અવસાન ફેરફાર કરો

સાવિત્રી ખાનોલકરનું અવસાન ૨૬ નવેમ્બર ૧૯૯૦ના રોજ થયું હતું.[૨][૬]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Satyindra Singh (20 June 1999). "Honouring the Bravest of the Brave". The Tribune, Chandigarh. મેળવેલ 2014-08-13. CS1 maint: discouraged parameter (link)
  2. ૨.૦ ૨.૧ "Veer Gatha:Stories of Param Vir Chakra Awardees" (PDF). NCERT. મેળવેલ 18 February 2018. CS1 maint: discouraged parameter (link)
  3. Cardozo, Ian (2003), Param Vir, Lotus, ISBN 978-8174362629 
  4. Sumit Walia (Jan 23, 2009). "The first Param Vir Chakra". Sify.com. મૂળ માંથી October 27, 2010 પર સંગ્રહિત. મેળવેલ 2014-08-13. CS1 maint: discouraged parameter (link)
  5. "Param Vir Chakra: Story of India's Highest Gallantry Award". www.jammukashmirnow.com (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-10.
  6. Shukla, Ajai (20 July 2013). "The Swiss-born who crafted Param Vir Chakra". Business Standard India. મેળવેલ 11 February 2018. CS1 maint: discouraged parameter (link)