સ્વતંત્રતા દિવસ (ભારત)
ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે જેમાં ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે, જેનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. આ સંદેશામાં તેઓ સરકારની પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, મહત્ત્વનાં મુદ્દાઓ જણાવે છે અને વધુ પ્રગતિ તથા વિકાસ માટે દેશને પડકાર કરે છે. વડા પ્રધાન આઝાદીની ચળવળનાં નેતાઓને શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્ય સેનાનિઓને યાદ કરે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વિગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે.
ઉજવણી
ફેરફાર કરોસ્વતંત્રતા દિવસ એ ભારતના ત્રણ રાષ્ટ્રીય તહેવારોમાંથી એક છે (અન્ય બે છે ૨૬ જાન્યુઆરી- પ્રજાસત્તાક દિવસ અને ૨ ઓક્ટોબર - ગાંધીજયંતિ). ભારતનાં બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એ મનાવવામાં આવે છે. સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ "રાષ્ટ્ર જોગ સંદેશ" આપે છે, તેમજ ૧૫મી ઓગસ્ટના રોજ વડા પ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પર ભારતીય ધ્વજ ફરકાવે છે. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતાઓને શ્રદ્ધાંજલિ આપે છે. ભારતનું રાષ્ટ્રગીત "જન ગણ મન" ગવાય છે. ભાષણ પછી ભારતીય સશસ્ત્ર દળ અને અર્ધ સૈન્ય દળોના વિભાગોના કદમતાલ (માર્ચ પાસ્ટ) આવે છે. કવાયત અને પ્રદર્શની સ્વતંત્રતા સંગ્રામ અને ભારતની વિવિધ સાંસ્કૃતિક પરંપરાના દ્રશ્યો દર્શાવે છે. આવી જ ઘટનાઓ રાજ્યની રાજધાનીઓમાં થાય છે જ્યાં વ્યક્તિગત રાજ્યોના મુખ્યમંત્રીઓ રાષ્ટ્રધ્વજ લહેરાવે છે, ત્યારબાદ કવાયત અને અનુક્રમણિકા અનુસાર કાર્યક્રમ થાય છે. ૧૯૭૩ સુધી રાજ્યપાલો રાજ્યની રાજધાનીઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવતા હતા ફેબ્રુઆરી ૧૯૭૪માં તમિળનાડુના મુખ્યમંત્રી એમ. કરુણાનિધિએ તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પાસે આ મુદ્દો ઉઠાવ્યો કે મુખ્યમંત્રીઓને સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છૂટ આપવામાં આવે. બાદમાં સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રીઓને ૧૯૭૪થી સ્વતંત્રતા દિવસની ઉજવણી પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની છૂટ આપવામાં આવી છે.[૧]દેશભરની સરકારી અને બિન-સરકારી સંસ્થાઓમાં ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. શાળાઓ અને કોલેજોમાં ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. મુખ્ય સરકારી ઇમારતો મોટેભાગે રોશનીથી શણગારવામાં આવે છે. દેશ પ્રત્યેની નિષ્ઠાના પ્રતીક માટે વિવિધ કદના રાષ્ટ્રધ્વજનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે.
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |