હાઈકુ
હાઈકુ અથવા સત્તરાક્ષરી એ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જાપાની કવિતાનો અતિટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર છે. સત્તર અક્ષરોનો બનેલો આ કાવ્યપ્રકાર કોઈ એક ભાવ, કલ્પન કે સંવેગ જગાડે છે. અંગ્રેજી સાહિત્યમાં પણ આ કાવ્યપ્રકાર ખેડાયો છે. ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ એના પ્રયોગો થયા છે. ગુજરાતી સાહિત્યમાં હાઈકુ કાવ્યપ્રકારને પ્રતિષ્ઠિત કરવામાં સ્નેહરશ્મિનો મહત્વનો ફાળો છે. સ્નેહરશ્મિનો હાઈકુ સંગ્રહ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ ૧૯૬૬માં પ્રગટ થયો હતો.[૧][૨]
રચના
ફેરફાર કરોહાઈકુનું નામકરણ ઓગણીસમી સદીમાં માશોકા શીકી દ્વારા કરવામાં આવ્યું હતું. સત્તર અક્ષરોનો બનેલા, હાઈકુની રચના સાદી, સંક્ષિપ્ત અને ધ્વનિપૂર્ણ હોય છે. તેની ત્રણ પંક્તિઓનું વિભાજન પાંચ, સાત, પાંચ - એ રીતે થયેલું હોય છે. અક્ષરોમાં અર્ધા વ્યંજનો કે માત્રાઓની ગણતરી થતી નથી. જાપાનમાં હાઈકુ એક જ પંક્તિમાં લખવાની પ્રથા છે. અંગ્રેજીમાં તેને ત્રણ પંક્તિમાં લખવાની શરુઆત થયેલી. તેનો એક એક શબ્દ અર્થસભર હોય તે આ કાવ્યપ્રકાર માટે ખૂબ જ જરૂરી છે. હાઈકુ સંપૂર્ણપણે વસ્તુલક્ષી હોય છે. કવિના અંગત ભાવ કે ચિંતનને તેમાં ભાગ્યે જ અવકાશ હોય છે. કવિ વસ્તુને જ બોલવા દે છે. તેમાંથી ઊપસતું ચિત્ર વાચકના ચિત્તમાં સંવેદન ઉત્પન્ન કરે તેના પર જ તેની સફળતાનો આધાર હોય છે. હાઈકુ વસ્તુત: ચિત્રણ જ છે અને તેનો પ્રત્યેક શબ્દ વાચકના ચિત્તમાં સૌન્દર્યચિત્ર ઉપસાવતો જઈને સત્તર અક્ષરના ગુચ્છ વડે એક અપૂર્વ અનુભવ ઊભો કરે છે. જાપાનના વતની અને અમેરિકામાં ઊછરેલા કવિ કેનેથ યેશુદાએ હાઈકુમાં ઊપસતા ચિત્રનિ સ્થિતિ-ગતિ અનુસાર હાઈકુને ત્રણ પ્રકાર પાડ્યા છે: પ્રલંબ (vertical), સમક્ષિતિજ (horizontal) અને તિર્યક (diagonical). કેનેથ યેશુદાએ આ ઉપરાંત હાઈકુને 'એક-શ્વાસી કાવ્ય' તરીકે ઓળખાવ્યું છે, કેમ કે હાઈકુ કાવ્યની લંબાઈ એટલાજ શબ્દોની હોય છે, કે જેથી આપણે તેને એકશ્વાસે બોલી શકીએ છીએ.[૨][૩][૪]
ખેડાણ
ફેરફાર કરોબાશો અને બુસોનની જાપાનના સૌથી વધુ સમર્થ હાઈકુ કવિઓમાં ગણના થાય છે. ટી. ઈ. હ્યુમ, એમિ લોઅલ, રોબર્ટ ફ્રૉસ્ટ, ડબલ્યૂ. બી. યેટ્સ આ કાવ્યપ્રકારથી પ્રભાવિત હતા. કેનેથ યેસુદાએ જાપાની કવિઓના હાઈકુનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલ છે. આ ઉપરાંત યેસુદાએ પોતે રચેલ અંગ્રેજી હાઈકુનો સંગ્રહ એ પેપર પૉંડ (૧૯૪૭) પણ પ્રગટ કરેલ છે.[૧]
ગુજરાતી સાહિત્યમાં હાઈકુનો પ્રથમ પ્રયોગ કરનારાઓમાં દિનેશ કોઠારી અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના નામ નિર્દેશાયા છે, પરંતુ આ કાવ્યપ્રકારને ગુજરાતીમાં પ્રતિષ્ઠિત કરવામાં સ્નેહરશ્મિનો ફાળો મહત્વનો છે. ગુજરાતીમાં એ રીતે હાઈકુની શરુઆત ૧૯૬૫માં થઈ એમ કહેવાય છે અને તેના પ્રથમ પ્રયોજક સ્નેહરશ્મિને ગણવામાં આવે છે. સ્નેહરશ્મિનો હાઈકુ સંગ્રહ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ ૧૯૬૬માં પ્રગટ થયો હતો. સ્નેહરશ્મિએ એકસાથે સંખ્યાબંધ હાઈકુ રચ્યા, તેની સાથે રાજેન્દ્ર શાહ, ઉશનસ્, પ્રિયકાંત મણિયાર, રાવજી પટેલ, ધીરુ પરીખ, ધનસુખલાલ પારેખ વગેરે અનેક કવિઓએ આ કાવ્યપ્રકારમાં ખેડાણ કર્યુ. વીસમી સદીના આઠમા દાયકા દરમિયાન આધુનિક ગુજરાતી કવિઓએ હાઇકુના ઘણા પ્રયોગો કર્યા.[૨] જેમ કે મનોજ ખંડેરિયાએ હાઇકુ કાવ્યપ્રકાર અને ગઝલ કાવ્યપ્રકારનું મિશ્રણ કરીને કાવ્યરચના કરી છે.[૫]
વધુ વાચન
ફેરફાર કરો- સીંઘ, બલવિન્દ્ર (૩૧ ડીસેમ્બર ૨૦૦૧). हिन्दी-हाइकु: संवेदना और शिल्प (Thesis) (હિન્દીમાં). ચંદીગઢ: પંજાબ યુનિવર્સિટી. Check date values in:
|date=
(મદદ)
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ટોપીવાળા, ચંદ્રકાન્ત (૧૯૯૬). ગુજરાતી સાહિત્યકોશ ભાગ. ખંડ ૩. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૬૨૬.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ઠાકર, ધીરુભાઈ (૨૦૦૯). ગુજરાતી વિશ્વકોષ (હ - હ્). ખંડ ૨૫. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૯૩-૧૯૪.
- ↑ ૩.૦ ૩.૧ "૧૪ હાઈકુઓ – સ્નેહરશ્મિ". Aksharnaad.com. ૨૧ જૂન ૨૦૧૦. મેળવેલ ૨૭ માર્ચ ૨૦૧૮.
- ↑ સીંઘ, બલવિન્દ્ર (૩૧ ડીસેમ્બર ૨૦૦૧). "પ્રકરણ ૧". हिन्दी-हाइकु: संवेदना और शिल्प (પી.એચ.ડી) (હિન્દીમાં). ચંદીગઢ: પંજાબ યુનિવર્સિટી. પૃષ્ઠ ૧૩. Check date values in:
|date=
(મદદ) - ↑ ટેલર, વિવેક (૭ સપ્ટેમ્બર ૨૦૧૧). "(ત્રિપદી હાઈકુ ગઝલ) - મનોજ ખંડેરિયા". લયસ્તરો. મેળવેલ ૨૭ માર્ચ ૨૦૧૮.