હિંગલાજ ભવાની શક્તિપીઠ

હિંગળાજ માતા મંદિર, પાકિસ્તાનમાં આવેલા બલૂચિસ્તાન પ્રાંતની રાજધાનીના શહેર કરાચીથી ૧૨૦ કિ.મી. ઉત્તર-પશ્ચિમ દિશામાં હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકા (તહસીલ)માં આવેલા મકરાણાના તટીય ક્ષેત્ર હિંગળાજ ખાતે સ્થિત એક હિંદુ મંદિર છે. આ મંદિર હિંદુ ધર્મની ૫૧ શક્તિપીઠ પૈકીની એક માનવામાં આવે છે, અને કહેવાય છે કે અહીં સતી માતાના શરીરને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર વડે કપાઇ જવાને કારણે અહીં એમનું બ્રહ્મરંધ્ર (માથું) પડ્યું હતું.[]

હિંગળગઢ ખાતે હિંગળાજ માતા
હિંગલાજ માતા મંદિર, પાકિસ્તાન

માતાના આરાધક

ફેરફાર કરો

હિંગળાજ માતાનો આરાધક વર્ગ માત્ર ચારણ સમાજ જ નથી. માતામાં શ્રધ્ધા રાખનારાઓમાં કણબી, લોહાણા, ક્ષત્રિય, બ્રાહ્મણ જેવા અનેક સમાજના લોકો છે. વાવડી ગામનો બહારવટીયો "રામ વાળો" અને તેના સાગરીતો બહારવટુ શરૂ કરતાં પહેલાં આ હિંગળાજ માતાના દર્શનાર્થે ગયા હતા એવો ઉલ્લેખ્ છે.

એક લોકગાથા અનુસાર દેવીપુત્ર તરીકે જાણીતા ચારણોની પ્રથમ કુલદેવી હિંગળાજ માતા હતાં, જેમનું નિવાસ સ્થાન પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હતું. હિંગળાજ નામ ઉપરાંત હિંગળાજ દેવીનું ચરિત્ર અથવા એમના વિશેનો ઇતિહાસ અત્યાર સુધી અપ્રાપ્ય રહ્યો છે. હિંગળાજ દેવી સાથે સંબંધિત છંદ, ગીત, સ્તુતિ અવશ્ય મળી આવે છે. અનુયાયીઓ માં માન્યતા છે કે સાતેય દ્વીપોમાં સહુ શક્તિઓનો રાત્રીના સમયમાં રાસ રચાય છે અને પ્રાત:કાળે સૌ શક્તિઓ ભગવતી હિંગળાજના સાનિધ્યમાં માં આવી જાય છે.

સાતો દ્વીપ શક્તિ સબ રાત કો રચાત રાસ । પ્રાત:આપ તિહુ માત હિંગલાજ ગિર મેં ।

હિંગળાજ દેવી સૂર્યથી પણ અધિક તેજસ્વી છે, અને સ્વેચ્છાથી અવતાર ધારણ કરે છે. આ આદ્ય શક્તિએ ૮મી શતાબ્દીમાં સિંધ પ્રાન્તમાં મામડ (મમ્મટ)ના ઘરમાં આવડ દેવીના રૂપમાં દ્વિતીય અવતાર ધારણ કર્યો હતો. તેઓ સાત બહેનો હતી, જેમનાં નામો આવડ, ગુલો, હુલી, રેપ્યલી, આછો, ચંચિક અને લધ્વી હતાં. તેઓ સૌ પ્રથમ સુંદરીઓ હતી. કહેવાય છે કે એમની સુંદરતા પર સિંધ પ્રાંતનો યવન બાદશાહ હમીર સુમરા મુગ્ધ થયો હતો. આ કારણે બાદશાહે પોતાના વિવાહનો પ્રસ્તાવ મોકલ્યો, પણ એમના પિતાએ ના પાડી. આમ કરવાને કારણે બાદશાહે એમના પિતાને કેદ કરી દીધા. આ જોઇને છ દેવીઓ સિંધથી તેમડા પર્વત પર આવી ગઈ. એક બહેન કાઠિયાવાડના દક્ષિણ પર્વતીય પ્રદેશમાં 'તાંતણિયા ધરો' નામના નદીમાંના સ્થળ ઊપર પોતાનું સ્થાન બનાવી રહેવા લાગ્યા. આ માતાજીને ભાવનગર રાજ્યનાં કુળદેવી તરીકે માનવામાં આવે છે અને સમસ્ત કાઠિયાવાડ પ્રદેશમાં ભક્તિ ભાવપૂર્વક એમની પૂજા કરવામાં આવે છે.

જ્યારે આવડ દેવીએ તેમડા પર્વતને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું ત્યારે એમના દર્શનાર્થે અનેક ચારણોનું આવાગમન એમના સ્થાન તરફ નિરંતર થવા લાગ્યું અને એમના દર્શનના હેતુથી લોકો સમય જતાં અહીં રાજસ્થાન ખાતે જ વસવાટ કરવા લાગ્યા. આવડ માતાએ તેમડા નામના રાક્ષસને માર્યો હતો, અત: એમને તેમડેજી તરીકે પણ સંબોધવામાં આવે છે. આવડ માતાનું મુખ્ય સ્થાન જેસલમેરથી વીસ માઇલ દૂર એક પહાડી પર આવેલું છે. ૧૫મી શતાબ્દીના સમયમાં રાજસ્થાન અનેક નાના-નાના રાજ્યોમાં વહેંચાયેલું હતું. જાગીરદારોમાં પરસ્પર ખુબ જ ખેંચતાણ રહેતી હતી અને એક બીજાની રિયાસતોમાં લૂંટફાટ કરતા હતા. આને કારણે જનતામાં ત્રાહિમામ ત્રાહિમામ મચી ગયો હતો. આ કષ્ટના નિવારણ અર્થે જ મહાશક્તિ હિંગલાજ માતાએ સુઆપ ગામના ચારણ મેહાજીના ધર્મપત્ની દેવલદેવીના ગર્ભમાંથી શ્રી કરણીજીના રૂપમાં અવતાર ગ્રહણ કર્યો.

આસોજ માસ ઉજ્જવલ પક્ષ સાતમ શુક્રવાર । ચૌદહ સૌ ચમ્માલવે કરણી લિયો અવતાર। ।

  1. "હિંગલાજ માતા મંદિર, પાકિસ્તાન". મૂળ માંથી 2010-06-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-11.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો