અશોક કામ્ટે
અશોક કામ્ટે મુંબઈ પોલીસના પૂર્વ વિભાગ અધિક પોલીસ કમિશ્નર હતા. તેઓ ૨૦૦૮ મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદીઓ વિરોધી કાર્યવાહીમાં શહીદ થયા હતા.[૧] તેમને વીરતા માટે ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ પુરસ્કાર અશોક ચક્ર એનાયત કરાયો હતો.[૨]
અશોક કામ્ટે | |
---|---|
જન્મની વિગત | 23 February 1965 |
મૃત્યુ | 26 November 2008 | (ઉંમર 43)
પુરસ્કારો | અશોક ચક્ર |
પોલીસ કારકિર્દી | |
વિભાગ | ભારતીય પોલીસ સેવા |
સેવાના વર્ષો | ૧૯૮૯-૨૦૦૮ |
પદવી | અધિક પોલીસ કમિશ્નર (એડિશનલ કમિશ્નર ઑફ પોલીસ) |
ખાનગી જીવન
ફેરફાર કરોતેમનો જન્મ ૨૩ ફેબ્રુઆરી ૧૯૬૫ના રોજ પિતા નિવૃત્ત લેફ્ટ કર્નલ મારુતીરાવ નારાયણરાવ કામ્ટે અને માતા કલ્પનના ઘરમાં થયો હતો. તેમના પરિવારમાં પોલીસ સેવામાં જોડાવાનો લાંબો ઈતિહાસ હતો. તેમના પરદાદા રાવ બહાદુર મારુતીરાવ કામ્ટે કેપીએમ આઇપીએમ એ ૧૮૯૫ થી ૧૯૨૩ સુધી ભારતીય શાહી પોલીસમાં સેવા આપી હતી. તેમના દાદાએ ૧૯૨૩માં પોલીસ સેવામાં નિયુક્તિ મેળવી અને ૧૯૪૭ થી ૧૯૫૫ સુધી મહારાષ્ટ્ર પોલીસના પ્રથમ ઇન્સપેક્ટર જનરલ (હાલના ડાયરેક્ટર જનરલ/પોલીસ મહાનિર્દેશક) તરીકે સેવા આપી હતી.[૩][૪]
કામ્ટેનો શાળાકીય અભ્યાસ રાજકુમાર કૉલેજ, રાજકોટ ખાતે થયો હતો. તેમને આંતરરાષ્ટ્રિય શિષ્યવૃત્તિ મળતાં તેઓ કેમ્પ રાઇઝિંગ સન ખાતે અભ્યાસ માટે જોડાયા હતા અને ૧૯૮૨માં પદવી હાંસલ કરી હતી. તેમણે સ્નાતક તરીકેની પદવી સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ ખાતેથી ૧૯૮૫માં અને અનુસ્નાતકની પદવી સેંટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હી ખાતેથી ૧૯૮૭માં મેળવી હતી. તેમણે ૧૯૭૮માં પેરુ ખાતે પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
તેમના લજ્ઞ વિનિતા સાથે થયા હતાં અને બે પુત્રો રાહુલ તેમજ અર્જુન હતા.
પોલીસ કારકિર્દી
ફેરફાર કરોતેઓ શરુઆતમાં ભારતીય મહેસુલ સેવામાં પસંદગી પામ્યા હતા પરંતુ ગણવેશ પ્રત્યેના તેમના લગાવ અને પરિવારની પરંપરાને જાળવતાં પોલીસ સેવામાં જોડાયા હતા. તેઓ ભારતીય પોલીસ સેવાના ૧૯૮૯ ના બેચમાં મહારાષ્ટ્ર સંવર્ગમાં જોડાયા હતા.
સેવા ઇતિહાસ
ફેરફાર કરો- ૧૯૮૯: જોડાયા
- ૧૯૯૧: મદદનીશ પોલીસ અધીક્ષક, ભંડારા
- ૧૯૯૪: પોલીસ અધીક્ષક, સાતારા
- ૧૯૯૭ - ૧૯૯૯: પોલીસ અધીક્ષક, થાણા ગ્રામીણ
- ૧૯૯૯ - ૨૦૦૦: સંયુક્ત રાષ્ટ્ર મિશન, બોસ્નિયા અને હર્ઝેગોવિના
- ૨૦૦૦ - ૨૦૦૨: ડીસીપી, ઝોન-1 મુંબઇ
- ૨૦૦૨ - ૨૦૦૪: પોલીસ અધીક્ષક, સાંગલી
- ૨૦૦૪ - ૨૦૦૫: પોલીસ અધીક્ષક, કોલ્હાપૂર
- ૨૦૦૬ - ૨૦૦૮: પોલીસ કમિશનર, સોલાપૂર
- જૂન ૨૦૦૮ - નવેમ્બર ૨૦૦૮: અધિક પોલીસ કમિશનર, પૂર્વ ઝોન, મુંબઈ
પદકો
ફેરફાર કરો- ૧૯૯૫: વિશિષ્ટ સેવા મેડલ - નક્સલવાદ વિરોધી કામગીરી
- ૧૯૯૯: યુનાઇટેડ નેશન્સ મેડલ
- ૧૯૯૯: વિદેશ સેવા મેડલ યુએન સેવા
- ૨૦૦૪: પોલીસ મહાનિર્દેશક પ્રશસ્તિપત્ર
- ૨૦૦૫: નક્સલવાદ વિરોધી કામગીરી માટે આંતરિક સુરક્ષા પદક
- ૨૦૦૬: પોલીસ મેડલ
કામગીરી
ફેરફાર કરોકામ્ટે કટોકટીની પરિસ્થિતિમાં વિષ્ટિ કરવામાં માહેર હતા અને આ માટે જ તેમને ૨૬ નવેમ્બર ૨૦૦૮ની રાત્રિએ ફરજ પર નિયુક્ત કરાયા હતા. પોલીસ કારકિર્દી દરમિયાન તેમણે સામાન્ય નાગરિકોમાં પોતાની શાખ ઘણી વધારી હતી.[૫] તેઓ અપરાધીઓ અને આપરાધિક ઇતિહાસ ધરાવતા રાજકારણીઓ સાથે સખત હાથે કાર્યવાહી કરતા હતા. સાંગલી ખાતે નિયુક્તિ મેળવવાના થોડા જ સમયમાં તેમણે કુખ્યાત આરોપી રાજુ પુજારીને અથડામણમાં ઠાર માર્યો હતો.
કામ્ટે એ ઓગષ્ટ ૨૦૦૭માં સોલાપુર ખાતે ઇન્ડિ, કર્ણાટકના ત્રણ વખતના ધારાસભ્ય રવિકાન્ત પાટીલની ધરપકડ કરી હતી. પાટીલ તેમના ભાઈના ઘરે ફટાકડા ફોડી અને મોડી રાત્રિએ ઉજવણી કરી રહ્યા હતા. પોલીસ દ્વારા આમ કરવા મના કરાતાં પાટીલના ટેકેદારોએ પોલીસ પર હુમલો કર્યો હતો. તેમ થતાં પાટીલની ધરપકડ કરવામાં આવી હતી જેમાં કામ્ટે અને પાટીલ બંને ઇજાગ્રસ્ત થયા હતા.[૬] આ બનાવમાં રાજકીય વર્તુળોમાં ઉહાપોહ હતો પરંતુ લોકોએ કામ્ટેનો સાથ આપ્યો હતો.
તેમના કાર્યકાળમાં કોઈપણ સ્થળે કોમી દંગલ નહોતાં થયાં અને તેમને ધર્મનિરપેક્ષ અને તટસ્થ ગણવામાં આવતા.[૭]
સોલાપુર શહેરને સુધારવામાં તેમની મોટી ભૂમિકા માનવામાં આવે છે.[૭]
મૃત્યુ
ફેરફાર કરોઅશોક કામ્ટેનું મૃત્યુ સેંટ ઝેવિયર્સ કૉલેજ અને રંગ ભવન વચ્ચેની શેરીમાં આતંકવાદીઓ સાથે લડતાં થયું.
કામ્ટે તેમના શાંત સ્વભાવ અને વાટાઘાટની કળા માટે જાણીતા હતા અને તે કારણોસર તેમને ફરજ પર હાજર રહેવા વિનંતી કરવામાં આવી. તેઓ પૂર્વ વિસ્તારના અધિક કમિશ્નર હતા અને તેમના વિસ્તારમાં કોઈ હુમલો નહોતો થયો. તેઓ આઝાદ મેદાન પોલીસ ચોકી ખાતે હેમંત કરકરે અને અન્ય પોલીસ અધિકારીઓને મળ્યા. તેઓ એકે-૪૭ બંદૂક ધારણ કરી અને આતંકવાદીઓની પાછળ કાર્યવાહી કરવા ગાડી લઈ અને નીકળ્યા. તેઓ કામા હોસ્પિટલના પાછળના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યા ત્યારે કામ્ટે એ આતંકવાદીને જોઈ તેમના પર ગોળીબાર કર્યો જેના જવાબમાં આતંકવાદીઓએ પણ ગોળીબાર કર્યો અને હાથગોળા ફેંક્યા. પરિસ્થિતિનો તાગ મેળવતાં કામ્ટે એ સલાહ આપી કે આગળના દ્વારથી કાર્યવાહીનો આરંભ કરવો. પરંતુ આ દરમિયાન આતંકવાદીઓ આગળના દ્વારથી નાશી છૂટ્યા. કામ્ટે, કરકરે અને વિજય સાલસકર જ્યારે આગળના દ્વાર પાસે પહોંચ્યા ત્યારે ખબર મળ્યા કે આતંકવાદીઓ તે જ માર્ગ પર એક લાલ ગાડીની પાછળ છૂપાયા છે. તેઓ લાલ ગાડી શોધતા આગળ વધ્યા અને તે દરમિયાન આતંકવાદીઓએ ગાડી પર ગોળીબાર કર્યો. માત્ર કામ્ટે અને સાલસકર જ ગોળીબાર વડે જવાબ આપી શક્યા. જેમાં અજમલ કસાબ નામનો આતંકવાદી ઘાયલ થયો પણ કામ્ટે, કરકરે અને સાલસકર સહિત છ પોલીસકર્મી શહીદ થયા. એકમાત્ર મદદનીશ પોલીસ ઇન્સપેક્ટર અરુણ જાદવ જ ઘાયલ અવસ્થામાં જીવિત બચ્યા. કામ્ટેને માંથાના ભાગમાં ગોળી વાગતાં તેઓ શહીદ થયા હતા.
જાદવના નિવેદન અનુસાર ત્રણ અધિકારીઓ હેમંત કરકરે, અશોક કામ્ટે અને સાલસકર ઉપરાંત ચાર હવાલદારને માહિતી મળી હતી કે કામા હોસ્પિટલ ખાતે આતંકવાદીઓ સાથે મુઠભેડમાં પોલીસ અધિકારી સદાનંદ દાતે ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને મદદ કરવા આ ટુકડી ક્વાલીસ ગાડીમાં તે તરફ રવાના થઈ. સાલસકર ચલાવી રહ્યા હતા, કામ્ટે તેમની બાજુમાં હતા, કરકરે વચ્ચેની બેઠકમાં હતા અને ચાર અન્ય પોલીસકર્મી પાછળની હરોળમાં હતા. થોડા જ સમય બાદ આતંકવાદીઓએ ગોળીબાર કરી અને છ પોલીસ અધિકારીઓને મારી નાખ્યા. વળતા ગોળીબારમાં કસાબ નામનો આતંકવાદી ઘાયલ થયો હતો.[૮] જાદવ ઘાયલ થયા હતા અને તેમને કોઇ પગલાં લેવા મોકો જ નહોતો મળ્યો. આતંકવાદીઓ ત્યારબાદ ગાડી તરફ આગળ વધ્યા અને ત્રણ અધિકારીઓના મૃતદેહોને રસ્તા પર નાંખી દીધા. પાછળ રહેલ અન્ય પોલીસકર્મીઓના મૃતદેહો તેમણે ગાડીમાં જ રહેવા દીધા અને તેઓ ગાડી લઈ અને મેટ્રો સિનેમા તરફ આગળ વધ્યા. તે સ્થળે પોલીસ અને પત્રકારોના કાફલા પર તેમણે ગોળીબાર કર્યો અને વિધાન ભવન તરફ નાશી છૂટ્યા. તે સ્થળે પણ તેમણે ગોળીબાર કર્યો, પરંતુ ત્યાં ગાડીનું ટાયર ફાટી જતાં તેઓ ગાડીને છોડી આગળ વધ્યા. આ તબક્કે જાદવને મુખ્યાલયનો સંપર્ક કરવા તક મળી અને મૃતદેહોને સેંટ જ્યોર્જ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.[૯]
અશોક કામ્ટેના પાર્થિવ શરીરને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે વૈકુંઠ સ્મશાનઘાટ, પૂણે ખાતે પંચમહાભૂતમાં વિલિન કરાયું. તેમાં શ્રદ્ધાંજલિ પાઠવવા મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા.
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "Three top cops die on duty-Mumbai-Cities-The Times of India". indiatimes.com. ૨૭ નવેમ્બર ૨૦૦૮. મૂળ માંથી 2012-10-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ નવેમ્બર ૨૦૦૮.
- ↑ "11 security personnel to get Ashok Chakra". મૂળ માંથી 2009-02-03 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ જાન્યુઆરી ૨૦૦૯.
- ↑ Sakal Times: "Lt Col (retired) Marutirao Kamte passes away," Monday, 13 January 2014
- ↑ List of Inspector-Generals and Director-Generals since 1947
- ↑ Agarwal, Vineet (૨૯ નવેમ્બર ૨૦૦૮). "Kamte broke a hundred bones but was loved for it". The Times Of India. મૂળ માંથી 2012-10-22 પર સંગ્રહિત. મેળવેલ 2018-03-17.
- ↑ "Ashok Kamte, played tough with MLA as well". The Times Of India. ૨૯ નવેમ્બર ૨૦૦૮. મૂળ માંથી 2012-10-22 પર સંગ્રહિત. મેળવેલ 2018-03-17.
- ↑ ૭.૦ ૭.૧ "Ashok Kamte: A life in uniform : Latest Headlines, News - India Today". Indiatoday.intoday.in. ૨૯ નવેમ્બર ૨૦૦૮. મેળવેલ ૭ માર્ચ ૨૦૧૩.
- ↑ PTI Date: 2009-01-10 Place: Mumbai (૧૦ જાન્યુઆરી ૨૦૦૯). "Injured Ajmal killed Ombale: Maria". Mid-day.com. મેળવેલ ૭ માર્ચ ૨૦૧૩.
- ↑ "Witness Account of Karkare Kampte and Salaskars Death" India Express, 29 November 2008.