કાર્લ લેન્ડસ્ટેઇનર (અંગ્રેજી: Karl Landsteiner) (૧૪ જૂન ૧૮૬૮ – ૨૬ જૂન ૧૯૪૩) ઓસ્ટ્રિયન જીવવિજ્ઞાની, ચિકિત્સક અને ઇમ્યુનોલોજીસ્ટ હતા.[] તેમણે ૧૯૦૦માં મુખ્ય રક્ત જૂથોને અલગ તારવ્યા હતા, લોહીમાં એગ્લુટિનિન્સની હાજરીની ઓળખથી રક્ત જૂથોના વર્ગીકરણની આધુનિક પદ્ધતિ વિકસાવી હતી, અને ૧૯૩૭માં એલેક્ઝાન્ડર એસ. વીનર સાથે આરએચ ફેક્ટરની શોધ કરી હતી જેને પરિણામે ચિકિત્સકો દર્દીના જીવનને જોખમમાં મૂક્યા વિના લોહીનો સંચાર કરવા સક્ષમ બન્યા હતા. આ ઉપરાંત તેમણે ૧૯૯૦માં કોન્સ્ટાન્ટિન લોવેડિટી અને એર્વિન પોપરના સહયોગથી પોલિયો વાયરસ શોધી કાઢ્યો હતો. તેમને ૧૯૨૬માં એરોન્સન પુરસ્કાર મળ્યો હતો. ૧૯૩૦માં તેમને ચિકિત્સાવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. તેમને ૧૯૪૬માં મરણોપરાંત લાસ્કર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ટ્રાન્સફ્યુઝન મેડિસિન[upper-alpha ૧]ના પિતા તરીકે ઓળખાય છે.[]

કાર્લ લેન્ડસ્ટેઇનર
જન્મની વિગત(1868-06-14)14 June 1868
મૃત્યુ26 June 1943(1943-06-26) (ઉંમર 75)
નાગરિકતાઑસ્ટ્રિયા, નેધરલેંડ, યુ.એસ.
શિક્ષણ સંસ્થાવિયના વિશ્વવિદ્યાલય
પ્રખ્યાત કાર્યએબીઓ રક્તસમુહ પ્રણાલીનું સંશોધન, આરએચ ફેક્ટરની શોધ, પોલિયો વાયરસની શોધ
પુરસ્કારો
  • નોબૅલ પારિતોષિક – ચિકિત્સાવિજ્ઞાન(૧૯૩૦)
  • નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસ, યુએસએ (૧૯૩૨)
  • એડિનબર્ગ યુનિવર્સિટીનો ચિકિત્સાવિજ્ઞાન માટેનો કેમરૂન પુરસ્કાર (૧૯૩૮)
  • લાસ્કર-ડીબેકી ક્લિનિકલ મેડિકલ રિસર્ચ એવોર્ડ (૧૯૪૬. મરણોપરાંત)
  • ફેલો ઑફ રોયલ સોસાયટી (૧૯૪૧)[]
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રચિકિત્સા, વિષાણુવિજ્ઞાન
કાર્ય સંસ્થાઓવિયના વિશ્વવિદ્યાલય
રોકફેલર ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ રિસર્ચ

પ્રારંભિક જીવન અને શિક્ષણ

ફેરફાર કરો

એક યહૂદી પરિવારમાં જન્મેલા લેન્ડસ્ટેઇનરના પિતા લિયોપોલ્ડ (૧૮૧૮-૧૮૭૫) એક પ્રખ્યાત વિયેનીઝ પત્રકાર હતા, જે ડાય પ્રેસના એડિટર-ઇન-ચીફ હતા. જ્યારે કાર્લ માત્ર ૬ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું ૫૬ વર્ષની વયે અવસાન થયું હતું, આને કારણે તેમની અને તેમની માતા ફેની (૧૮૩૭-૧૯૦૮) વચ્ચે ગાઢ સંબંધ રહ્યો. વિયેનાની માધ્યમિક શાળામાંથી માતુરા પરીક્ષામાં સ્નાતક થયા પછી, તેમણે વિયેના યુનિવર્સિટીમાં દવાનો અભ્યાસ હાથ ધર્યો અને ૧૮૯૧માં તેમનો શોધનિબંધ રજૂ કર્યો. જ્યારે તેઓ વિદ્યાર્થી હતા ત્યારે તેમણે લોહીની રચના પર આહારના પ્રભાવ પર એક નિબંધ પ્રકાશિત કર્યો હતો.[]

વિયેનામાં સંશોધન કાર્ય; પોલિયો વાયરસની શોધ

ફેરફાર કરો

વિયેના પાછા ફર્યા પછી તેઓ હાઇજેનિક ઇન્સ્ટિટ્યૂટમાં મેક્સ વોન ગ્રુબરના સહાયક રહ્યા હતા. તેમના અભ્યાસમાં તેમણે રોગપ્રતિકારક શક્તિ અને એન્ટિબોડીઝની પ્રકૃતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. નવેમ્બર ૧૮૯૭ થી ૧૯૦૮ સુધી તેઓ એન્ટોન વેઇચસેલબમના માર્ગદર્શન હેઠળ વિયેના યુનિવર્સિટીની પેથોલોજિકલ-એથિયોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટમાં સહાયક હતા, જ્યાં તેમણે સેરોલોજી (રક્તસીરમ વિજ્ઞાન), બેક્ટેરિયોલોજી (જીવાણુવિજ્ઞાન), વાઈરોલોજી (વિષાણુવિજ્ઞાન) અને પેથોલોજીકલ એનાટોમી (શારિરીક વિકૃતિ) સંબંધિત ૭૫ સંશોધપત્રો પ્રકાશિત કર્યા હતા. આ ઉપરાંત તેણે તે દસ વર્ષમાં લગભગ ૩,૬૦૦ ઓટોપ્સી (મૃતદેહ પરિક્ષણ) કરી હતી.[]

૧૯૦૮ થી ૧૯૨૦ સુધી લેન્ડસ્ટેઇનર વિયેનાના વિલ્હેલ્મિનેન્સ્પિટલમાં પ્રોસેક્ટર હતા અને ૧૯૧૧માં તેઓ પેથોલોજિકલ એનાટોમીના એસોસિએટ પ્રોફેસર તરીકે જોડાયા હતા. તે સમય દરમિયાન તેમણે એર્વિન પોપરના સહયોગમાં પોલિયો માયલિટિસના સંક્રામક સ્વરૂપની ઓળખ કરી પોલિયો વાયરસને અલગ કર્યો હતો.[] પોલિયો સામેની લડાઈનો આધાર સાબિત થયેલી આ અદ્‌ભૂત શોધને ધ્યાનમાં રાખીને તેમને વોર્મ સ્પ્રિંગ્સ, જ્યોર્જિયા ખાતે જાન્યુઆરી ૧૯૫૮માં મરણોપરાંત પોલિયો હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

રક્ત જૂથોનું સંશોધન

ફેરફાર કરો
 
વોર્મ સ્પ્રિંગ ખાતે કાર્લ લેન્ડસ્ટેઇનરની કાંસાની અર્ધપ્રતિમા

૧૯૯૦માં કાર્લ લેન્ડસ્ટેઇનરે બે વ્યક્તિઓનું લોહી એકબીજાના સંપર્કમાં આવતાં લોહી ગંઠાવાની પ્રક્રિયા વિષયે અભ્યાસ કર્યો અને ૧૯૦૧માં તેઓ નિષ્કર્ષ પર આવ્યા કે આ અસર રક્તસીરમને કારણે જોવા મળે છે. પરિણામે તેમણે ત્રણ રક્ત જૂથો , બી અને આધારિત એબીઓ રક્તસમુહ પ્રણાલીની ઓળખ કરવામાં સફળતા મેળવી. લેન્ડસ્ટેઇનરને એ પણ જાણવા મળ્યું કે સમાન રક્ત જૂથ ધરાવતી વ્યક્તિઓ વચ્ચે લોહી ચડાવવાથી રક્તકોશિકાઓનો નાશ થયો નથી, જ્યારે આ અલગ અલગ રક્ત જૂથ ધરાવતી વ્યક્તિઓને એકબીજાનું લોહી ચડાવવામાં આવે તો અત્યંત ગંભીર મુશ્કેલીઓ થાય છે.[] તેમના તારણોના આધારે, પ્રથમ સફળ લોહી ચડાવવાનું કામ ૧૯૦૭માં ન્યૂયોર્કની માઉન્ટ સિનાઇ હોસ્પિટલમાં રુબેન ઓટેનબર્ગ દ્વારા કરવામાં આવ્યું હતું.

વર્તમાન ચિકિત્સા પદ્ધતિમાં લોહી ચડાવવાની પ્રક્રિયામાં માત્ર સીરમ વિનાની લાલ રક્ત કોશિકાઓ (RBC) શરીરમાં દાખલ કરવામાં આવે છે જે શસ્ત્રક્રિયામાં ખૂબ મહત્વ ધરાવે છે. ૧૯૩૦માં લેન્ડસ્ટેઇનરની આ સિદ્ધિઓને બહુમાન આપી ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમના અગ્રણી કાર્ય માટે, તેમને ટ્રાન્સફ્યુઝન મેડિસીનના પિતા તરીકે ઓળખવામાં આવે છે.[]

નેધરલેન્ડ અને અમેરિકામાં સંશોધન કાર્ય

ફેરફાર કરો

પ્રથમ વિશ્વયુદ્ધ પછી, વિયેના અને સમગ્ર ઓસ્ટ્રિયાનું નવું પ્રજાસત્તાક નબળી આર્થિક સ્થિતિમાં હતું, આ પરિસ્થિતિમાં લેન્ડસ્ટેઇનરને તેમના સંશોધન કાર્યને આગળ વધારવાની કોઈ સંભાવના દેખાતી ન હતી. તેમણે નેધરલેન્ડ જવાનું નક્કી કર્યું અને હેગની નાની કેથોલિક હોસ્પિટલમાં પ્રોસેક્ટર તરીકેનું પદ સ્વીકાર્યું.[] તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે એક ટ્યુબરક્યુલિનમ પ્રેસ્ટિનમનું ઉત્પાદન કરતી નાનકડી ફેક્ટરીમાં પણ નોકરી લીધી.[૧૦] તેમણે ઘણા સંશોધન પત્રો પણ પ્રકાશિત કર્યા હતા, જેમાંથી પાંચ રોયલ એકેડેમી ઓફ સાયન્સિસ દ્વારા ડચમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. તેમ છતાં યુદ્ધ પછીના વિયેના કરતાં કામ કરવાની સ્થિતિ વધુ સારી સાબિત થઈ ન હતી. તેથી લેન્ડસ્ટેઇનરે રોકફેલર ઇન્સ્ટિટ્યૂટ માટે કામ કરવા માટે ન્યૂયોર્કથી તેમના સુધી પહોંચેલા આમંત્રણને સ્વીકાર્યું. ૧૯૨૩ની વસંતઋતુમાં તેઓ તેમના પરિવાર સાથે ત્યાં પહોંચ્યા હતા.[] ૧૯૨૦ના દશકમાં લેન્ડસ્ટેઇનરે રોગપ્રતિકારક શક્તિ અને એલર્જીની સમસ્યાઓ પર કામ કર્યું હતું. ૧૯૨૭માં તેમણે એમ, એન અને પી નામના નવા રક્ત જૂથો શોધી કાઢ્યા અને પોતાના ૨૦ વર્ષ પહેલાં શરૂ કરેલા કામને આગળ ધપાવ્યું. થોડા સમય પછી, લેન્ડસ્ટેઇનર અને તેના સહયોગી ફિલિપ લેવિને આ કામ પ્રકાશિત કર્યું અને તે જ વર્ષના અંતમાં, આ સંશોધનનો ઉપયોગ પિતૃત્ત્વ પરીક્ષણ [upper-alpha ૨] નક્કી કરવામાં થવા લાગ્યો.

પુરસ્કાર અને સન્માન

ફેરફાર કરો

૧૯૩૦માં લેન્ડસ્ટેઇનરને ચિકિત્સાવિજ્ઞાન ક્ષેત્રે તેમના યોગદાન બદલ નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૩૨માં તેઓ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસમાં ચૂંટાયા હતા[] અને ૧૯૩૭માં એડિનબર્ગ યુનિવર્સિટીના ચિકિત્સાવિજ્ઞાન માટેનો કેમરૂન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ ૧૯૪૧માં રોયલ સોસાયટીના વિદેશી સભ્ય તરીકે ચૂંટાયા હતા. ૧૯૪૬માં મરણોપરાંત લાસ્કર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

લેન્ડસ્ટેઇનરનો જન્મદિવસ તેમની યાદમાં વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી ની પહેલ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરવામાં આવી હતી જે અંતર્ગત વિશ્વ સમુદાયને રક્તદાનનું મહત્વ સમજાવવા પ્રયાસ કરવામાં આવે છે.

અંગત જીવન

ફેરફાર કરો

લેન્ડસ્ટેઇનરે ૧૮૯૦માં યહૂદી ધર્મમાંથી રોમન કેથોલિક ધર્મ સ્વીકાર્યો હતો.[૧૧] ૧૯૧૬માં તેમણે લિયોપોલ્ડીન હેલેન વ્લાસ્ટો સાથે લગ્ન કર્યા હતા. ૧૯૩૭માં લેન્ડસ્ટેઇનરે એક અમેરિકન પ્રકાશક સામે નિષ્ફળ કાનૂની કાર્યવાહી કરી હતી,[૧૨] જેણે તેમને અમેરિકન યહૂદીઓમાં હૂઝ હૂ પુસ્તકમાં સામેલ કર્યા હતા, તેમણે જણાવ્યું હતું કે “મારા પૂર્વજોના ધર્મ પર સાર્વજનિક રીતે ભાર મૂકવો મારા માટે હાનિકારક રહેશે.”[૧૩]

નોંધો અને સંદર્ભો

ફેરફાર કરો
  1. ટ્રાન્સફ્યુઝન મેડિસિન (અથવા ટ્રાન્સફ્યુઝિલોજી) એ ઔષધવિજ્ઞાનની એક શાખા છે જેમાં લોહી કે લોહીના ઘટકો ચડાવવાના પાસાઓને આવરી લેવામાં આવે છે.
  2. ડીએનએ પિતૃત્વ પરીક્ષણ એ ડીએનએ પ્રોફાઇલ્સના ઉપયોગ દ્વારા કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિના જૈવિક માતાપિતા છે કે નહીં તે નક્કી કરવામાં માટે ઉપયોગમાં લેવાતું એક પરીક્ષણ છે. જ્યારે પિતાના અધિકારો અને ફરજો મુદ્દામાં હોય અને બાળકના પિતૃત્વ પર શંકા હોય ત્યારે પિતૃત્વ પરીક્ષણ ખાસ કરીને મહત્વપૂર્ણ હોઈ શકે છે. આ પ્રકારના પરીક્ષણોથી જૈવિક દાદા-દાદી હોવાની સંભાવના પણ નક્કી કરી શકાય છે.
  1. ૧.૦ ૧.૧ Rous, P. (1947). "Karl Landsteiner. 1868–1943". Obituary Notices of Fellows of the Royal Society. 5 (15): 294–324. doi:10.1098/rsbm.1947.0002. JSTOR 769085. S2CID 161789667.
  2. "Karl Landsteiner", Jewish Virtual Library
  3. Speiser, Paul; Smekal, Ferdinand G. (1990). Karl Landsteiner: Entdecker der Blutgruppen und Pionier der Immunologie (3rd આવૃત્તિ). Berlin. ISBN 9783894120849.[પાનાં ક્રમાંક જરૂરી છે]
  4. ૪.૦ ૪.૧ "Karl Landsteiner". Nobel Lectures, Physiology or Medicine 1922–1941. Amsterdam: Elsevier Publishing Company. 1965. મેળવેલ 12 June 2018.
  5. Speiser & Smekal 1990, p. 33.
  6. Landsteiner, K.; Popper, E. (1909). "Übertragung der Poliomyelitis acuta auf Affen". Zeitschrift für Immunitätsforschung und experimentelle Therapie (જર્મનમાં). 2: 377–390.
  7. Landsteiner, Karl (1900). "Zur Kenntnis der antifermentativen, lytischen und agglutinierenden Wirkungen des Blutserums und der Lymphe". Centralblatt F. Bakteriologie, Parasitenkunde U. Infektionskrankheiten. 27: 357–362.
  8. "Homage to scientist on Blood Donor's Day". The Tribune (Chandigarh). 15 June 2006. મેળવેલ 14 January 2012.
  9. "Wie was Karl Landsteiner?" [Who was Karl Landsteiner?]. Landsteiner Instituut (ડચમાં). મેળવેલ 13 December 2018.
  10. Speiser & Smekal 1990, p. 63.
  11. Staudacher, Anna L. (2009) "... meldet den Austritt aus dem mosaischen Glauben". 18000 Austritte aus dem Judentum in Wien, 1868–1914: Namen – Quellen – Daten. Peter Lang, Frankfurt, ISBN 978-3-631-55832-4, p. 349
  12. "Concise Dictionary of American Jewish Biography". The Jacob Rader Marcus Center of the American Jewish Archives. મૂળ માંથી 2017-12-24 પર સંગ્રહિત. મેળવેલ 2021-06-26.
  13. "Dr. Landsteiner Sues to Escape Being Labelled Jew". Jewish Telegraphic Agency. 6 April 1937.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો