ગુજરાતી સાહિત્ય
ગુજરાતી સાહિત્ય એટલે ગુજરાતમાં વસતા અને ગુજરાતી મૂળના લોકો દ્વારા ગુજરાતી ભાષામાં રચવામાં આવેલું સાહિત્ય. ગુજરાતી ભાષાનો ઈતિહાસ આશરે ઈ.સ. ૧૦૦૦ની સાલ સુધી આંકી શકાય છે. ગુજરાતી ભાષા સમગ્ર ભારતમાં વિવિધ બોલીમાં બોલાતી અપભ્રંશ ભાષામાંથી વિકાસ પામી. તેની ખાસિયત એ છે કે સાહિત્યને તેના રચયિતા સિવાય કોઈપણ શાસકનો આશ્રય નહોતો તેમ છતાં તેનો વિકાસ થયો. ગુજરાતમાં વાણિજ્ય અને વ્યાપારના વિકાસને કારણે, હિંદુ અને જૈન ધર્મનું પ્રભુત્વ હોવાને કારણે અને મહારાજ સિદ્ધરાજ જયસિંહ, ચાલુક્ય વંશ (સોલંકી વંશ) અને વાઘેલા રાજપૂતો જેવા શાસકો દ્વારા સલામત સમાજની રચના થવાને કારણે ૧૧મી સદીમાં સાહિત્યનું સર્જન મોટા પ્રમાણમાં થયું. કાળક્રમે તે સાહિત્ય મુખ્ય ધારામાં આવ્યું અને સમગ્ર ગુજરાતની પ્રજામાં સ્વીકૃતિ પામ્યું તથા લોકપ્રિય બન્યું.
કાળક્રમે ગુજરાતી સાહિત્યમાં સર્જનો અને સાહિત્યપ્રકારોને લગતા સામાન્ય નિયમો ઘડાતા ગયા અને સર્જન થતુ ગયું. આજની તારીખમાં સ્થાપિત સાહિત્યનો ગુજરાત વિદ્યા સભા, ગુજરાતી સાહિત્ય સભા, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સાહિત્યિક સંસ્થાઓ દ્વારા પ્રચાર પ્રસાર થાય છે.
ઈતિહાસ
ફેરફાર કરોકોઈપણ સાહિત્યના પ્રસાર અને પ્રચાર માટે શાસકોની નીતિ, લોકોની રહેણીકરણીની શૈલી અને સમાજનો વિશ્વવ્યાપી પ્રભાવ મહત્ત્વનો છે. બોલાતી ભાષા અને તેના પરથી રચાતા સાહિત્યમાં કાળક્રમે પરિવર્તન આવતું હોય છે. ગુજરાત અને સમગ્ર ઉત્તર ભારતમાં આશરે હજાર વર્ષ પહેલાં અપભ્રંશ ભાષાની વિવિધ બોલીઓ પ્રચલિત હતી.[૧] તે મૂળ પ્રાકૃત ભાષાનું સામાન્ય લોકો દ્વારા બોલવામાં વપરાતું રુપ હતું. લોકબોલી અને સ્થાપિત સાહિત્યની ભાષામાં થતા ફેરફારમાં સમયગાળાનું અંતર હોય છે.[૧] તેને ધ્યાનમાં લેતાં આશરે ઈ.સ. ૭૦૦ની આસપાસ લોકબોલી અપભ્રંશથી પ્રાથમિક ગુજરાતી તરફ આવી હતી. જ્યારે સાહિત્યને ત્યાં સુધી પહોંચતા આશરે બસો વર્ષ જેટલો સમય લાગ્યો.[૨]
- ગુજરાતી સાહિત્ય
- પ્રાચીન સાહિત્ય (ઇ.સ. ૧૪૫૦ સુધી)
- પ્રાગ-નરસિંહ યુગ (ઇ.સ. ૧૦૦૦ થી ઇ.સ. ૧૪૫૦)
- રાસ યુગ
- પ્રાગ-નરસિંહ યુગ (ઇ.સ. ૧૦૦૦ થી ઇ.સ. ૧૪૫૦)
- મધ્યકાલીન સાહિત્ય (ઇ.સ. ૧૪૫૦ – ઇ.સ. ૧૮૫૦)
- નરસિંહ યુગ (ઇ.સ. ૧૪૫૦ થી ઇ.સ. ૧૮૫૦)
- ભક્તિ યુગ
- સગુણ ભક્તિ યુગ
- નિર્ગુણ ભક્તિ યુગ
- ભક્તિ યુગ
- નરસિંહ યુગ (ઇ.સ. ૧૪૫૦ થી ઇ.સ. ૧૮૫૦)
- અર્વાચીન સાહિત્ય (ઇ.સ. ૧૮૫૦થી હાલ સુધી)
- સુધારક યુગ અથવા નર્મદ યુગ (ઇ.સ. ૧૮૫૦-૧૮૮૫)
- પંડિત યુગ અથવા ગોવર્ધન યુગ (ઇ.સ. ૧૮૮૫–૧૯૧૫)
- ગાંધી યુગ (ઇ.સ. ૧૯૧૫–૧૯૪૫)
- અનુ-ગાંધી યુગ (ઇ.સ. ૧૯૪૦-૧૯૫૫)
- આધુનિક યુગ (ઇ.સ. ૧૯૫૫-૧૯૮૫)
- અનુ-આધુનિક યુગ (ઇ.સ. ૧૯૮૫ – હાલ સુધી)
- પ્રાચીન સાહિત્ય (ઇ.સ. ૧૪૫૦ સુધી)
ગુજરાતી સાહિત્યને મુખ્યત્ત્વે બે વિસ્તૃત શ્રેણીઓમાં વહેચવામાં આવે છે જે ગદ્ય અને પદ્ય છે. જેમાં પદ્યનો ઈતિહાસ આશરે ૬ઠ્ઠી સદી સુધીનો માનવામાં આવે છે. પદ્ય ધાર્મિક માન્યતાઓ અને ચૂકાદાઓ માટેનું મધ્યકાલીન ભારતમાં માધ્યમ હતું. તેના આધારે ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ મુખ્યત્ત્વે ત્રણ વિભાગમાં વહેચાયેલ છે; પ્રાચીન (ઈ.સ. ૧૪૫૦ સુધી), મધ્યકાલીન (ઈ.સ. ૧૪૫૦ થી ૧૮૫૦) અને અર્વાચીન (ઈ.સ. ૧૮૫૦ પછીનો). જોકે ગુજરાતી સાહિત્યનો જે ગુજરાતી સંસ્કૃતિ પરનો મહત્તમ પ્રભાવ છે તે મુઝ્ઝફર વંશના સમયમાં થયો એમ માનવામાં આવે છે. પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યને પ્રાગ નરસિંહ અને અનુ નરસિંહ એમ સમયકાળમાં વહેંચવામાં આવ્યું છે. કેટલાક નિષ્ણાતો આ સમયગાળાને રસયુગ, સગુણ ભક્તિ યુગ અને નિર્ગુણ ભક્તિ યુગમાં પણ વહેચે છે. આધુનિક સાહિત્યને સુધારક યુગ અથવા નર્મદ યુગ, પંડિત યુગ અથવા ગોવર્ધન યુગ, ગાંધી યુગ, અનુ ગાંધી યુગ, આધુનિક યુગ અને અનુ આધુનિક યુગમાં વહેચવામાં આવે છે. આ યુગો સમયકાળ અનુસાર વહેચવામાં આવ્યા છે પરંતુ યુગની શરુઆત અને અંત જે તે વર્ષથી જ થાય છે એવું ન ધારી શકાય. દરેક યુગના આગમન અને અંત આગામી અને પુરોગામી યુગ સાથે કેટલોક સમયકાળ સુધી સહાસ્તિત્વ ધરાવે છે.
પ્રાચીન સાહિત્ય
ફેરફાર કરોપ્રાગ નરસિંહ યુગ (ઈ.સ. ૧૦૦૦ થી ૧૪૫૦)
ફેરફાર કરોજૈન સાધુ અને વિદ્વાન હેમચંદ્રાચાર્યસુરિ એ પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના વ્યાકરણના શરુઆતના નિષ્ણાતોમાંના એક હતા. અણહિલવાડ પાટણના ચાલુક્ય વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના કાળમાં તેમણે ગુજરાતી ભાષાના પાયાના સિદ્ધાંતો ગણાતા વ્યાકરણના નિયમોનું સર્જન કર્યું. આ નિયમોએ સંસ્કૃત અને અર્ધમાગધીના વિકૃત સ્વરુપમાંથી ગુજરાતી ભાષાના અપ્રભંશ વ્યાકરણનો પાયો રચ્યો. તેમણે પદ્ય માટે કાવ્યાનુશાસન, પ્રાકૃત અને અપભ્રંશ વ્યાકરણ માટે સિદ્ધહૈમ શબ્દાનુશાસન[૨] અને સ્થાનિક ઉદ્ભવ ધરાવતા શબ્દો માટે દેશીનામમાલા નામના પુસ્તકો લખ્યાં.
ઈતિહાસકારો અને સંશોધકો સર્વાનુમતે એમ માને છે કે ગુજરાતી સાહિત્યમાં શરુઆતનું સર્જન જૈન લેખકો દ્વારા કરવામાં આવ્યું.[૩] તે રાસ, ફાગુ અને વિલાસના સ્વરુપમાં લાંબા પદ્યલેખો તરીકે હતું જેમાં શૌર્ય, શૃંગાર અને કુદરતના વિષયો કેન્દ્રમાં હતા. શાલિભદ્રસુરિનું ભરતેશ્વર બાહુબલિ રાસ (ઈ.સ. ૧૧૮૫),[૩] વિજયસેનનું રેવંતગિરિ રાસ (ઈ.સ. ૧૨૩૫), અંબાદેવનું સમરારાસ (ઈ.સ. ૧૩૧૫) અને વિનયપ્રભાનું ગૌતમ સ્વામિરાસ (ઈ.સ. ૧૩૫૬) એ આ પ્રકારના સાહિત્યના શ્રેષ્ઠ ઉદાહરણ છે. આમ, જૈન સાધુઓએ બસો વર્ષના સમયગાળામાં સેંકડો રાસ અથવા રાસાઓનું સર્જન કરેલું છે. રાસાઓમાં મુખ્ય વિષયો પ્રકૃતિવર્ણન, શૃંગારરસિક ઋતુચિત્રો, જૈન આચાર્યો અને તીર્થંકરો, ઐતિહાસિક પાત્રોનાં ચરિત્રો હતા. રાસાઓનો મોટો સંગ્રહ આજની તારીખમાં જૈન ભંડારોમાં પાટણ, જેસલમેર, અમદાવાદ અને ખંભાત ખાતે હસ્તલિખિત સ્વરુપમાં ઉપલબ્ધ છે.[૩]
ફાગુ એ ઉત્સાહ અને ઉલ્લાસભર્યા વસંતના સમયનું ચિત્રણ કરતું પદ્ય સાહિત્ય છે. તે જૈન સાધુઓની રચનાઓનો જ ભાગ છે પરંતુ તેમાં ધર્મને કેન્દ્રમાં નથી રખાયો. રાજશેખરનું નેમિનાથ ફાગુ (ઈ.સ. ૧૩૪૪) અને અજ્ઞાત સર્જકનું વસંત વિલાસ (ઈ.સ. ૧૩૫૦) આ પ્રકારના શ્રેષ્ઠ ઉદાહરણ છે. વસંત વિલાસ ચોર્યાસી કડી ધરાવે છે અને આ જ પ્રકારની શૈલી ધરાવતી ફાગુ નામની રચના છે. આમ, બંને સર્જનોની મળતી આવતી શૈલીને કારણે તે એક જ સર્જકનું કાર્ય હોવાની સંભાવના છે.[૪]
જૈનેત્તર કવિઓમાં અસાઇત ઠાકર સર્વોપરી સર્જક માનવામાં આવે છે. તેની મુખ્ય રચના ભવાઈ છે અને આશરે ૩૬૦ વેશોનું સર્જન કર્યું છે. તેને નાટ્યશાસ્ત્રને ગુજરાતી સાહિત્યમાં લાવવાનું શ્રેય અપાય છે. પ્રબંધન કાવ્યો જેમાં શ્રીધરનું રણમલ્લ છંદ (ઈ.સ. ૧૩૯૮), મેરુતુંગનું પ્રબંધચિંતામણિ, પદ્મનાભનું કાન્હડદે પ્રબંધ (ઈ.સ. ૧૪૫૬) અને ભીમનું સદયવત્સચરિત (ઈ.સ. ૧૪૧૦) મુખ્ય છે. સંદેશકરાશના સર્જક અબ્દુર રહેમાનને ગુજરાતી સાહિત્યના પ્રથમ મુસ્લિમ સર્જક ગણવામાં આવે છે. બારમાસી પ્રકારના પદ્યનું સૌથી પ્રાચીન ઉદાહરણ વિનયચંદ્રનું નેમિનાથ ચતુષ્પાદિકા (ઈ.સ. ૧૧૪૦) છે.[૫]
આ યુગમાં કેટલાક ગદ્યરચનાનું પણ સર્જન કરાયેલ છે. આ સર્જનોમાં મુખ્ય વિષયો વ્યાકરણ, ભાષ્ય અને ધર્મ હતા. તેમાં તરુણપ્રભસૂરિનું બાલવબોધ (ઈ.સ. ૧૩૫૫) એ સૌથી પ્રાચીન ઉદાહરણ માનવામાં આવે છે જેમાં ધર્મોપદેશને કેન્દ્રિય વિષય રખાયો છે. માણિક્યસુંદરનું ધાર્મિક શૃંગારને વિષય રાખીને કરાયેલ ગદ્યસર્જન પૃથ્વીચંદ્ર ચરિત પ્રાચીન ગુજરાતીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને તેની શૈલી બાણભટ્ટના કાદંબરીને મળતી આવે છે. તે સિવાય સોમસુંદર (૧૩૭૪) અને મુગ્ધાવબોધ ઔક્તિક (૧૩૯૪) નોંધપાત્ર સર્જનો છે.[૬]
અમદાવાદ અને ખંભાતમાં ફલિત થયેલા વાણિજ્ય અને વ્યાપારને કારણે મનોરંજનની પ્રવૃત્તિની શરુઆત આ કેન્દ્રોમાં થઈ અને જૈન સાધુઓ, વાર્તાકારો, ભવાઈ અને કઠપૂતળીના ખેલોને કારણે સાહિત્યને નવું બળ મળ્યું.
મધ્યકાલીન સાહિત્ય
ફેરફાર કરોગુજરાતી સાહિત્યના આ સમયખંડમાં પદ્યમાં સાહિત્ય સર્જન પ્રભુત્વ ધરાવે છે. પદ્યને વિવિધ સાહિત્યપ્રકારોમાં સર્જવામાં આવ્યું છે. જૈન સાધુઓએ રાસ અથવા રાસાઓની રચના કરી જે એક વર્ણનાત્મક કાવ્યસ્વરુપ હતું. આ રાસાઓને આખ્યાન સાહિત્યપ્રકારના પુરોગામી માનવામાં આવે છે. તે રીતે આખ્યાન પણ પૂર્ણ રીતે આ જ કાળમાં ખીલ્યું. નૃત્ય પ્રકારે પ્રયોગ માટે પ્રચલિત કાવ્યપ્રકાર ગરબો અથવા ગરબી પણ આ જ યુગની ઉપજ છે. વસંત ઋતુનું ઉલ્લાસભર્યું વર્ણન કરતા અને શૃંગાર તેમજ પ્રેમરસથી ભરેલા ફાગુનો પણ વિકાસ થયો. ફાગુ પ્રકારનું જ દરેક ઋતુ અને માસનું વર્ણન કરતું કાવ્યસર્જન બારમાસી તરીકે પૂર્ણ વિકાસ પામ્યું. પદના જ પ્રકારો તરીકે પ્રભાતિયાં, ધોળ, કાફી અને ચાબખાનું સર્જન થયું. આમ, મધ્યકાલીન સાહિત્ય સુગેય પદ્યમાં પ્રાધાન્યરૂપે સર્જન પામ્યું અને તે મોટાભાગે અપભ્રંશ પાસેથી મળેલ વારસા તરીકે વિકાસ પામ્યું.[૭]
નરસિંહ યુગ (ઈ.સ. ૧૪૫૦ થી ૧૮૫૦)
ફેરફાર કરો૧૫મી સદી દરમિયાન ગુજરાતી સાહિત્ય સ્થાપિત ધાર્મિક માન્યતાઓ સામે લોકપ્રિય થયેલ ભક્તિ સંપ્રદાયના પ્રભુત્વ હેઠળ આવ્યું. નરસિંહ મહેતા (૧૪૧૫-૧૪૮૧) આ સમયકાળના સર્વોચ્ચ કવિ ગણાયા. તેમની કવિતાઓમાં અદ્વેતવાદની ફિલસુફી, રહસ્યવાદની ઝલક મળે છે. તેમનું ગોવિંદ ગમન, સુરત સંગ્રામ, સુદામાચરિત્ર અને શૃંગારમાળા ભક્તિરસથી પ્રચુર કાવ્યશૈલીની પ્રતીતિ કરાવે છે. નરસિંહ મહેતાની કાવ્યશૈલીને કારણે તેમના સમકાલીન અને પ્રાચીન ગુજરાતી સાહિત્યના સર્જકો પશ્ચાદભૂમિમાં જતા રહ્યા.[૮]
ભક્તિ યુગ
ફેરફાર કરોઆ ગાળામાં જૈન અને હિંદુ કવિઓએ પ્રચુર માત્રામાં ગુજરાતી સાહિત્યનું સર્જન કર્યું. ગદ્ય અને પદ્ય બંને ધર્મ અને ભક્તિને પ્રોત્સાહન આપવા માટે સર્જવામાં આવ્યા. હિંદુ ધાર્મિક સાહિત્યના ભાગ એવા ગીતા, મહાભારત, વેદો અને ભાગવત લોકપ્રિય બન્યા. પ્રાર્થનાઓ અને જૈન ઈતિહાસને લગતા સર્જનો પણ કરવામાં આવ્યા. રામાયણ, ભગવદ ગીતા, યોગવશિષ્ઠ અને પંચતંત્રનું ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવ્યો. આ ગાળામાં મોટાપ્રમાણમાં પૌરાણિક પુનરુત્થાન થયું જેને કારણે ગુજરાતી સાહિત્યમાં ભક્તિરસના પદ્યનો ખૂબ જ ગતિથી વિકાસ થયો. આ ગાળાને બે વિભાગમાં વહેંચવામાં આવ્યો છે, સગુણ ભક્તિ ધારા અને નિર્ગુણ ભક્તિ ધારા.[૯]
- સગુણ ભક્તિ ધારા
આ ધારામાં ઇશ્વરને ભૌતિક સ્વરુપમાં પૂજવામાં આવે છે અને તેને રામ અને કૃષ્ણ જેવા સ્વરુપ નિરુપવામાં આવે છે.
આ ધારામાં નરસિંહ મહેતા, મીરાંબાઈ અને દયારામને મુખ્ય યોગદાનકર્તા કવિઓ ગણવામાં આવે છે. ભાલણ (ઈ.સ. ૧૪૩૪-૧૫૧૪) એ બાણભટ્ટના કાદંબરીનું ગુજરાતીમાં શ્રેષ્ઠ રુપાંતર કર્યું છે. ભાલણે આ સિવાય દસમસ્કંદ, નળાખ્યાન, રામબાલ ચરિત્ર અને ચંડી આખ્યાન સહિત ચૌદ અથવા પંદર જેવા નોંધપાત્ર અને અજોડ સર્જનો કર્યા છે.[૧૦] ભાલણને તેની આખ્યાનશૈલી માટે ઓળખવામાં આવે છે અને ગુજરાતીમાં આ સાહિત્યપ્રકારની ઓળખ કરાવનાર પણ માનવામાં આવે છે.[૧૧]
પ્રેમાનંદ ભટ્ટને પણ આ શાખાના કવિ ગણવામાં આવે છે જેણે પ્રચુર માત્રામાં અનેકવિધ કૃતિઓનું સર્જન કર્યું છે. તેમના નામે અનેક કિંવદન્તીઓ છે અને તેમને આશરે ૪૭ કૃતિઓના સર્જક માનવામાં આવે છે પરંતુ તેમાંથી ૨૭ કૃતિઓ જ તેમના દ્વારા રચવામાં આવી હતી તેમ નિષ્ણાતો મત ધરાવે છે. તેઓએ મુખ્યત્વે નરસિંહ મહેતા, ભાગવત અને મહાભારતના વિષયો પર સર્જન કર્યાં છે. તેમના સર્જનો ઓખાહરણ, નળાખ્યાન, અભિમન્યુ આખ્યાન, દસમ સ્કંદ અને સુદામા ચરિત્ર અમૂલ્ય છે.[૧૨]
શામળ ભટ્ટને કલાની દૃષ્ટિએ અજોડ ગણવામાં આવ્યા છે અને તેમને આખ્યાન પ્રકારના સાહિત્યમાં શ્રેષ્ઠ સર્જક માનવામાં આવે છે. તેમણે માત્ર ધાર્મિક વિષયોના સ્થાને ધર્મ, નીતિ અને વ્યવહારને વણી લેતી રસિક વાર્તાઓ પર સર્જન કર્યા જેવાં કે પદ્માવતી, બત્રીસ પુતળી, નંદ બત્રીસી, સિંહાસન બત્રીસી અને મદન મોહન જેવા શ્રેષ્ઠ સર્જનો કર્યા છે. વધુમાં, તેમના સર્જનોમાં ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ વખત સ્ત્રીપાત્રો સમકાલીન સમાજની દૃષ્ટિએ સશક્ત બતાવાયા છે.[૧૩] દયારામ (૧૭૬૭-૧૮૫૨) એ ગરબી તરીકે ઓળખાતા ધાર્મિક, નૈતિક અને રસવાળા કાવ્યોની રચના કરી છે. તેમના મુખ્ય સર્જનોમાં ભક્તિ પોષણ, રસિકવલ્લભ અને અજામેળ આખ્યાન છે. દયારામના મૃત્યુ સાથે ગુજરાતી સાહિત્યકાળના મધ્યકાલીન યુગનો અંત ગણવામાં આવે છે.[૧૪] ૧૯મી સદીની મધ્યમાં ગિરિધરએ રામાયણનું ગુજરાતીમાં સર્જન કર્યું. પરમાનંદ, બ્રહ્માનંદ, વલ્લભ, હરિદાસ, રણછોડ અને દિવાળી બાઈ એ સમયગાળાના સંતકવિઓ ગણાય છે અને તેમની કવિતાઓ ગુજરાતી સાહિત્યમાં પ્રભુત્વ ધરાવે છે.
- નિર્ગુણ ભક્તિ ધારા
આ ધારા અનુસાર ઈશ્વરને ભૌતિક સ્વરુપ નથી.
આ ધારાના મુખ્ય સર્જકોમાં નરસિંહ મહેતા અને અખો ગણાય છે. અખા ભગતને જ્ઞાની કવિ તરીકે ઓળખવામાં આવે છે. તેના સર્જનોમાં સમકાલીન સમાજસ્થિતિ, તત્ત્વજ્ઞાન, વ્યવહાર, હાસ્યરસ વગેરે લક્ષણો મુખ્યત્ત્વે જોવા મળે છે. અખેગીતા, ચિત્તવિચાર સંવાદ અને અનુભવબિંદુ એ વેદાંતના ભારપૂર્વક ચિત્રણ કરતા સર્જનો ગણવામાં આવે છે.[૧૫] મંદનાએ પ્રબોધ બત્રીસી, રામાયણ અને રુપમંગળ કથા નામક સર્જનો આ ધારા હેઠળ કર્યા છે. આ ધારાના અન્ય યોગદાનકર્તાઓ કબીર પંથી કવિઓ, ધીરા ભગત, ભોજા ભગત, બાપુસાહેબ ગાયકવાડ અને પ્રીતમ છે.[૧૬]
અન્ય કવિઓ
ફેરફાર કરોઆ જ ગાળામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પણ નોંધપાત્ર યોગદાનો કર્યા છે. જેમાં સહજાનંદ સ્વામી, બ્રહ્માનંદ, પ્રેમાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી મુખ્ય છે. તેમના સર્જનો નીતિશુદ્ધિ, ભક્તિ અને વૈરાગ્યના લક્ષણો ધરાવે છે.[૧૭] આ સિવાય પારસી કવિઓનો ગુજરાતીમાં પ્રવેશ આ જ ગાળામાં થયો છે. તેમાં નોંધપાત્ર સર્જનોમાં પારસી ધર્મગ્રંથોનું પહેલવી અને ઝંદ ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ છે. સૌપ્રથમ પારસી કવિ એરવદ રૂસ્તમ પેશોત ગણાય છે જેમણે ઝરથોસ્તનામેહ, સિયાવક્ષનામેહ, વિરાફનામેહ અને અસ્પંદીઆરનામેહ નામનાં જીવનચરિત્રોનું સર્જન કર્યું છે.[૧૮]
અર્વાચીન સાહિત્ય (૧૮૫૦-હાલ સુધી)
ફેરફાર કરોઅંગ્રેજોના ભારત પર કબ્જા સાથે અંગ્રેજી અભ્યાસક્રમ, છાપકામની નવી તકનિકોનો વિકાસ થયો.[૧૯] તે જ સમયે સમાચારપત્રો અને સામયિકો પ્રકાશિત થવાના શરુ થયાં અને તેને કારણે સમાજમાં જાગૃતિ આવવાની શરુઆત થઈ.[૧૯] આ બધા કારણોથી સાહિત્યના સર્જનમાં વધારો થયો અને તેમાં પ્રાચીન કાવ્યશૈલીથી દૂર જતાં વિવિધતા આવી. તે સમયના સર્જનોમાં સામાજિક કલ્યાણ, ટીકા, નાટકો, વૈચારિતા, દેશભક્તિ, જીવનનાં મૂલ્યો જેવા વિષયો દેખાવા લાગ્યા. સાહિત્યના મુખ્ય વાહન ગણતા પદ્યએ ગદ્યસાહિત્યના સર્જન માટે પણ જગ્યા કરી આપી. આ સમયગાળાને સુધારક યુગ અથવા નર્મદ યુગ, પંડિત યુગ અથવા ગોવર્ધન યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ અને અનુઆધુનિક યુગ એમ વિવિધ કાળખંડોમાં વહેચવામાં આવ્યો છે.
સુધારક યુગ અથવા નર્મદ યુગ (૧૮૫૦-૧૮૮૫)
ફેરફાર કરો૧૯મી સદીની મધ્યમાં અંગ્રેજોના સંપર્કમાં વધારો થતાં અન્ય પ્રાદેશિક ભાષાઓની જેમ જ ગુજરાતી ભાષા પશ્ચિમી અસરો હેઠળ આવી. વધુમાં, પાશ્ચાત્ય ભણતર, સંસ્કૃતિ વગેરેના પ્રભાવથી સ્થાનિક સંસ્કૃતિમાં પણ પરિવર્તન આવવા લાગ્યું અને હિંદુ સમાજની પ્રાચીન વિકૃતિઓ પ્રત્યે સમાજમાં જાગૃતિ આવવા લાગી. સમાજમાં બે વર્ગો સામે આવ્યા જેમાં એક રુઢિગત વ્યવહારને જ સંસ્કૃતિનું પાલન ગણતો હતો અને એક સમાજની વિકૃતિઓ અને અન્યાયો દૂર કરવાને જરૂરી સમજતો હતો.[૨૦] તેને કારણે પ્રાર્થના સમાજ, આર્ય સમાજ, થિયોસૉફિકલ સોસાયટીની એક તરફ સ્થાપના થઈ જે ધર્મબળથી સુધારો ઈચ્છતિ હતી તો બીજી તરફ સુધારકો હતા જે ઉચ્છેદક સુધારામાં માનતા હતા. આમ, આ સમયકાળમાં ગુજરાતી સાહિત્યમાં સમાજજીવનમાં સુધારો મુખ્ય વિષય હતો અને તેમાં નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી અને પ્રજ્ઞાચક્ષુ પંડિત ગટુલાલ હતા જેઓ આર્યધર્મ અથવા સનાતનધર્મમાં સંશોધન કરી અને સુધારો સૂચવતા હતા જ્યારે તેમના વિરોધિઓ રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા અને કાન્ત હતા જે ઉચ્છેદક સુધારો સૂચવતા હતા.[૨૦]
દલપતરામ (૧૮૨૦-૧૮૯૮) અને નર્મદ (૧૮૩૩-૧૮૮૬) આધુનિક ગુજરાતી સાહિત્યનો ચીલો ચાતરનાર સર્જકો છે.[૨૧] દલપતરામનું વીણાચરિત્ર તેમની આનંદી અને વિનોદી ભાષાના પ્રયોગ પરની પકડને દર્શાવે છે. તેઓ આધુનિક ગુજરાતી સાહિત્યના પ્રથમ સાહિત્યકાર ગણવામાં આવે છે. તેમના સર્જનમાં ગદ્ય અને પદ્ય બંનેનો સમાવેશ થાય છે. ગદ્યમાં તેમણે નાટક, નિબંધ અને પ્રકીર્ણ વિષયો પર સર્જન કર્યા છે જેમાં લક્ષ્મીનાટક, મિથ્યાભિમાન, સ્ત્રીસંભાષણ, તાર્કિકબોધ, દૈવજ્ઞદર્પણ અને ભૂતનિંબધ સામેલ છે. પદ્યમાં તેમણે ઋતુવર્ણન, ધર્મ, ઈશ્વર, સંસ્થાન સુધારા અને દેશોદ્ધાર પર સર્જનો કર્યા છે જેમાં ફાર્બસવિલાસ, ફાર્બસવિરહ, દલપતપિંગળ અને હોપ વાચનમાળા સામેલ છે.[૨૨] ગુજરાતી ભાષાનો આધુનિક અભ્યાસ અંગ્રેજોએ ગુજરાત પર કબ્જો કર્યાના થોડા સમય બાદ અંગ્રેજ વહીવટકર્તા એલેકઝાન્ડર કિન્લોક ફૉર્બસ દ્વારા શરુ કરવામાં આવ્યો હતો જેમાં તેમણે દલપતરામની સહાય લીધી હતી. તેમણે છેલ્લાં એક હજાર વર્ષના ગુજરાતી સંસ્કૃતિ અને સાહિત્યનો અભ્યાસ કર્યો અને મોટી સંખ્યામાં હસ્તપ્રતો એકઠી કરી. ગુજરાતી સાહિત્યના સંવર્ધનમાં પ્રવૃત્ત મુંબઈ ખાતે મુખ્યાલય ધરાવતી એક સંસ્થા ફાર્બસ ગુજરાતી સભાનું નામ આ અંગ્રેજ વહીવટકર્તાના નામ પરથી લેવાયું છે.[૨૨]
નર્મદ દ્વારા સર્વપ્રથમ ગુજરાતી શબ્દકોષ નર્મકોષનું સંપાદન કરવામાં આવ્યું. તે મુખ્યત્વે વિશ્વ ઈતિહાસ અને ગદ્યલેખનની કળા પરની ટીકા છે.[૨૩] નર્મદે અનેક વિવિધતા ધરાવતી કાવ્યશૈલીઓના પ્રયોગ કર્યા અને અંગ્રેજી કડીઓને ગુજરાતીમાં સફળતાપૂર્વક વણી લીધી. તેમણે મધ્યકાલીન સાહિત્યના વિષયોથી દૂર જઈ અને સમાજસુધારા, સ્વતંત્રતા, દેશાભિમાન, પ્રકૃતિ અને પ્રણયના વિષયોને કેન્દ્રમાં રાખી સર્જનો કર્યાં. ગુજરાતીમાં પદ્ધતિસરનું સૌપ્રથમ આત્મચરિત્ર નર્મદે મારી હકીકત સ્વરુપે આપ્યું. તેમણે નિબંધ અને નાટકોનું સર્જન પણ કર્યું છે. પદ્યમાં તેઓએ મહાકાવ્યોના પ્રયોગો કર્યા અને તેમના રુક્મિણીહરણ અને વીરસિંહએ સારકાવ્યોનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.[૨૪]
નવલરામ પંડ્યાને સૌપ્રથમ ગુજરાતી વિવેચક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમને ગુજરાતીમાં સુઘડ અને શાસ્ત્રીય વિવેચનપ્રવૃત્તિની સ્થાપનાનું શ્રેય આપવામાં આવે છે.[૨૫] આ કાળના અન્ય નોંધપાત્ર સર્જનોમાં ભોળાનાથ સારાભાઈનું ઈશ્વર પ્રાર્થનામાળા (૧૮૭૨), નવલરામ પંડ્યાનું ભટ્ટનું ભોપાળું (૧૮૬૭) અને વીરમતી (૧૮૬૯) અને નંદશંકર મહેતાનું કરણ ઘેલો જે ગુજરાતી સાહિત્યની પહેલી મૌલિક નવલકથા છે જેનું મરાઠી ભાષામાં પણ અનુવાદ થયેલો છે.[૧૯]
રણછોડલાલ ઉદયરામ દવે (ઈ.સ. ૧૮૩૭-૧૯૨૩) ને ગુજરાતી સાહિત્યમાં નાટ્યલેખનમાં ચીલો ચાતરનાર ગણવામાં આવે છે. તેમનું લલિતા દુઃખદર્શક નામનું નાટક તેમાં સર્વોપરી છે. અન્ય નોંધપાત્ર નાટ્યલેખકો દલપતરામ, નર્મદ અને નવલરામ ગણાય છે. આ સિવાય બહેરામજી મલબારી પ્રથમ પારસી કવિ છે જેમણે શિષ્ટ ગુજરાતી ભાષામાં મૌલિક સર્જનો કર્યાં છે. પારસી સર્જકોએ પ્રચુર માત્રામાં ગુજરાતી અને પારસી બોલી ધરાવતી ગુજરાતીમાં સર્જન કર્યું છે અને તેમણે અંગ્રેજી અને ફ્રેન્ચ નવલકથાઓના અનુવાદ પણ કર્યા છે. તેમને ગુજરાતી રંગભૂમિનો પાયો નાખવાનું પણ શ્રેય આપવામાં આવે છે. મધ્યકાલીન સાહિત્યથી અર્વાચીન સાહિત્યમાં પારસી લેખકોએ નોંધપાત્ર પ્રગતિ શાસ્ત્રીય અને ગુણવત્તાની દૃષ્ટિએ કરી છે.[૨૬]
પંડિત યુગ અથવા ગોવર્ધન યુગ (૧૮૮૫-૧૯૧૫)
ફેરફાર કરોગુજરાતી સાહિત્યના સુવર્ણકાળ તરીકે ઓળખાતા આ યુગમાં કવિતા, નાટક, નવલકથા, નિબંધ અને ચરિત્ર સાહિત્યપ્રકારો સંપૂર્ણ રીતે ખીલી ઉઠ્યા. આ યુગના સાહિત્યકારો સુધારક યુગમાં કેટલાક અંશે થયેલા પશ્ચિમના આંધળા અનુકરણ અને સમાજની શેષ રહેલી વિકૃતિઓ વચ્ચે રહી અને સર્જન કરી રહ્યા હતા. રાજકીય પટલ પર અંગ્રેજો સામે ચળવળની શરુઆત, પાશ્ચાત્ય કેળવણી સુવ્યવસ્થિત રીતે સ્થાપન અને તેના આધારે પ્રાચીન વૈદિક ગ્રંથોનું અધ્યયન અને સાંસ્કૃતિક પુનરુત્થાનના વિવિધ હેતૂઓ માટે પ્રયત્નો થઈ રહ્યા હતા. વિવિધ વિદેશી સાહિત્યની અસર પણ ભારત પર પ્રબળ થવા લાગી હતી. આ બધા પરિબળોને કારણે ગુજરાતમાં પણ વિવિધ સંસ્કૃતિઓ વિષે જાણકારી ધરાવતો વર્ગ ઉભો થયો હતો અને તેથી તે પ્રકારનું સાહિત્ય સર્જન થવા લાગ્યું.[૨૭]
આ યુગના મુખ્ય સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠી ગણાય છે. તેમના સર્જનોમાં તત્ત્વજ્ઞાન અને બુદ્ધપ્રધાનતા રહેલ છે. ગોવર્ધનરામ ત્રિપાઠી એ ગુજરાતી સાહિત્યના મંત્રમુગ્ધ કરી દેનાર નવલકથાકાર છે અને તેમની નવલકથા સરસ્વતીચંદ્ર સમગ્ર ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સર્જનોમાંની એક છે. સરસ્વતીચંદ્ર ચાર ભાગમાં વહેંચાયેલ મહાકથા છે જેમાં પ્રેમકથા, કુટુંબ અને પરિવાર મૂલ્યો, સમકાલીન રાજકીય પરિસ્થિતિ, તત્ત્વજ્ઞાન અને લોકકલ્યાણ જેવા વૈવિધ્યતા સભર મૂલ્યો વણેલા છે. તે અગાઉના સમયગાળાઓની જેમ ઐતિહાસિક અથવા ધાર્મિક વિષયના સ્થાને કેન્દ્રમાં વાસ્તવિક જીવનનું નિરુપણ કરતી પ્રથમ નવલકથા છે. તેમણે સંસ્કૃત ભાષામાં પણ સર્જનો કર્યાં છે. તેમના અન્ય નોંધપાત્ર સર્જનોમાં સ્નેહમુદ્રા, સાક્ષરજીવન, અધ્યાત્મજીવન અને તેમની પોતાની રોજનીશી છે.[૨૮]
આ ગાળામાં જ્યારે ગોવર્ધનરામ અને મણિલાલ નભુભાઈ દ્વિવેદી આર્યસંસ્કૃતિના ઉજળા પ્રકરણો તરફ લોકોનું ધ્યાન દોરતા હતા ત્યારે નરસિંહરાવ દિવેટીયા અને રમણભાઈ નીલકંઠ પાશ્ચાત્ય સંસ્કૃતિનો આધાર લઈ અને સમાજની ગંભીર ટીકાઓ વડે સુધારા તરફ લોકોને લઈ જતા હતા. નરસિંહરાવ દિવેટીયાએ કવિતા, વિવેચન, ભાષાશાસ્ત્ર અને સ્મૃતિચિત્રો જેવા સાહિત્યપ્રકારો ખેડ્યા. સ્મરણ સંહિતા, કુસુમમાળા, હ્રદયવીણા, નૂપુરઝંકાર અને બુદ્ધ ચરિત જેવા સર્જનો આપ્યાં. તેમણે અંગ્રેજી ભાષામાં પણ વિવિધ સર્જનો કર્યાં.[૨૯] રમણભાઈ નીલકંઠ તર્કભર્યા અને લાગણીમિશ્રિત સર્જનો માટે જાણીતા છે. તેમણે નાટકો, નવલકથા અને વિવેચનના ક્ષેત્રોનું ખેડાણ કર્યું છે. તેમની કૃતિ ભદ્રંભદ્ર ગુજરાતી સાહિત્યની પ્રથમ હાસ્યરસપ્રધાન નવલકથા છે. તેમણે રાઇનો પર્વત, હાસ્યમંદિર અને ધર્મ અને સમાજ નામક સર્જનો આપ્યાં છે.[૩૦]
મણિશંકર રત્નજી ભટ્ટ અથવા કવિ કાન્તએ મુખ્યત્ત્વે કાવ્યોનું સર્જન કર્યું હતું જેમાં ઉર્મિકાવ્યો અને ખંડકાવ્યો મુખ્ય છે. તેમના ગદ્યસર્જનમાં સમકાલીન કવિ કલાપી સાથેનો પત્રવ્યવહાર, નિબંધ, નાટકો અને ભાષાંતરોનું સર્જન મુખ્ય છે. મુખ્ય સર્જનોમાં પૂર્વાલાપ, દેવયાની, અતિજ્ઞાન, વસંત વિજય અને ચાક્રવક મિથુન ગણાય છે.[૩૧] સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ અથવા કલાપી એ ગુજરાતી સાહિત્યના સૌથી સંવેદનશીલ કવિ તરીકે ઓળખાય છે. તેમની પ્રકૃતિની સંવેદનશીલતા તેમની કૃતિઓમાં સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. તેમના અંગત જીવનના પ્રસંગો તેમના સર્જનો પર પ્રભાવી અસર જન્માવે છે અને તેઓના સર્જનમાં રંગદર્શીતા, કૌતુકપ્રિયતા, કરુણતા અને પ્રેમભાવના મૂલ્યો પ્રમુખ છે. કલાપીએ ઉર્મિકાવ્યો, ખંડકાવ્યો, ગઝલો અને મહાકાવ્યનું સર્જન કર્યું છે, તેમણે કાશ્મીરનો પ્રવાસ, માલા અને મુદ્રિકા અને નારીહ્રદય જેવી ગદ્યકૃતિઓનું સર્જન કર્યું છે. ફારસી ભાષાની લઢણ અને પ્રવાહિતા ગુજરાતીમાં દાખલ કરી અને ગઝલ સાહિત્યપ્રકારને લોકપ્રિય બનાવવાનું શ્રેય તેમને આપવામાં આવે છે.[૩૨]
ગુજરાતી સાહિત્યના આ સમયગાળાના ન્હાનાલાલ એક મુખ્ય કવિ ગણાય છે. તેમણે લઘુ ઉર્મિકાવ્યો, ખંડકાવ્યો, ચિત્રકાવ્યો, મહાકાવ્યો, રાસ, ભજન, પદ અને છંદોબદ્ધ તેમજ અછાંદાસ સર્જનો કર્યા છે. તેમના કાવ્યોમાં પ્રેમ, પ્રકૃતિ, પ્રભુભક્તિ, રાજભક્તિ, રાષ્ટ્રભક્તિ, પિતૃ અને રાષ્ટ્રપૂજા મુખ્ય વિષયો છે. તેમની અપદ્ય ગદ્યની શૈલી અનોખી છે. ન્હાનાલાલે ગદ્યમાં નાટકો, નવલકથા, વાર્તાસંગ્રહ અને ચરિત્રોનું સર્જન કર્યું છે. તેમના મુખ્ય સર્જનો વસંતોત્સવ, ચિત્રદર્શન નામના કાવ્યસંગ્રહ, કુરુક્ષેત્ર નામક મહાકાવ્ય અને ઇન્દુકુમાર, જયાજયન્ત, વિશ્વ ગીતા, સંઘમિત્રા અને જગતપ્રેરણા જેવા નાટકો છે.[૩૩]
આ સિવાય આ યુગમાં ખુશાલદાસ બોટાદકર, આનંદશંકર ધ્રુવ, મણિલાલ દ્વિવેદી જેવા સર્જકોનું નોંધપાત્ર યોગદાન છે. દરેક યુગમાં પ્રગતિ પામી રહેલા પારસી લેખકોની શ્રેણીઓમાં વધુ એક સોપાન ઉમેરતા અરદેશર ખબરદાર પંડિત યુગમાં સ્થાન પામતા કવિ છે.[૩૪] સાહિત્ય ક્ષેત્રમાં વિવિધ યોગદાનોમાં સાહિત્યનો ઈતિહાસ આપનાર ડાહ્યાભાઈ દેરાસરી, તત્ત્વ ચિંતન અને ધર્મને સાંકળતા સર્જનો આપનાર સંતકવિ શ્રીમદ્ રાજચંદ્ર અને વિજ્ઞાનક્ષેત્રને લોકપ્રિય બનાવવા ગ્રંથમાળા શ્રી સયાજી જ્ઞાનમંજૂષાનું સર્જન કરનાર ત્રિભુવનદાસ ગજ્જર અને યુવા લેખકો માટે માસિકની સ્થાપના કરનાર હાજી મહમ્મદ અલારખિયા આ યુગને સ્થાપિત સર્જકો દ્વારા અપાયેલ ઊંડાણને સાથે સાથે વ્યાપમાં પણ વધારો કરે છે.[૩૫]
ગાંધી યુગ (૧૯૧૫-૧૯૪૦)
ફેરફાર કરોઆ સમયગાળામાં મહાત્મા ગાંધી અને ગુજરાત વિદ્યાપીઠ તમામ સાહિત્યિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યા. તે ગાળામાં ગાંધીવાદી વિચારધારાનો જન્મ થયો અને સાહિત્યમાં ભારતીયકરણ અને સાદગી જેવા મૂલ્યોનો ઉમેરો થયો. નવલકથા, નવલિકા, રોજનીશી, પત્રલેખન, નાટક, નિબંધલેખન, ટીકા, જીવનચરિત્ર, પ્રવાસવર્ણન અને અન્ય તમામ પ્રકારના પદ્યનું ગુજરાતી ભાષામાં પ્રચુર માત્રામાં સર્જન થયું.[૩૬]
આધુનિક ગુજરાતી ગદ્યને મુખ્યધારામાં લાવનાર નર્મદ હતા પરંતુ કનૈયાલાલ મુનશી અને મહાત્મા ગાંધીએ તેમને નવા યુગમાં ટોચ પર પહોંચાડી દીધું. ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો અથવા આત્મકથા, દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ, હિંદ સ્વરાજ અને સર્વોદય તેમના શ્રેષ્ઠ સર્જનો માનવામાં આવે છે.[૩૭] સર્વોદયમાં તેમણે નિબંધ સ્વરુપે પોતાના અર્થશાસ્ત્ર પરના વિચારને વ્યક્ત કર્યો. તેમણે શાકાહાર, ભોજન અને સ્વાસ્થ્ય, ધર્મ, સામાજિક સુધાર વગેરે વિષયો પર મોટા પ્રમાણમાં સર્જન કર્યું છે. તેઓ લેખન સાહિત્યિક દૃષ્ટિથી નહી પરંતુ લોકશિક્ષણ અર્થે કરતા હતા અને તેમની ભાષા સામાન્ય માનવી આસાનીથી સમજી શકે તે પ્રકારની હતી.[૩૮] ગાંધીજીના સાહિત્યક્ષેત્રના યોગદાનો પહેલાં ગુજરાતી નવલકથાઓમાં કેન્દ્રીય વિષય ઉપલા અને મધ્યમ વર્ગના પરિવારો, નાયકપદ પર સમાજના આગેવાન પ્રકારના પાત્રો, સંયુક્ત હિંદુ કુટુંબના પ્રશ્નો, દેશી રાજ્યનું રાજકારણ, સાક્ષર યુવાનો પ્રેમવ્યવહાર અને તત્ત્વજ્ઞાન હતા, જ્યારે કાવ્યોમાં પ્રકૃતિ, પ્રણય, પ્રભુભક્તિ, દાંપત્ય અને દેશભક્તિ મુખ્ય લક્ષણો હતાં. ગાંધીજીએ સૌપ્રથમ વખત દલિત, પતિત, ગ્રામીણ, શ્રમજીવી, અસ્પૃશ્યનો ભોગ બનેલા સમાજવર્ગને કેન્દ્રિત વિષયો ગુજરાતી સાહિત્યમાં આગળ લાવ્યા.[૩૯]
ગાંધીએ પ્રચુર માત્રામાં અનેકવિધ સર્જનો કરેલાં છે. તેઓએ દાયકાઓ સુધી અનેક સમાચારપત્રો અને સામયિકોનું સંપાદન એક કરતાં વધુ ભાષામાં કરેલું છે જેમાં હરિજન, ઈન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા અને નવજીવન મુખ્ય છે.[૪૦] સાહિત્યસર્જન તેમના જીવનનું પ્રાથમિક સર્જનક્ષેત્ર ન હોવા છતાં તેમણે કરેલા સર્જનોની સંખ્યા, તેમની ગુણવત્તાને અને તેમનામાંથી પ્રેરણા મેળવી અને સાહિત્યસર્જન કરનાર સર્જકોને કારણે આ યુગ ગાંધી યુગ બની રહ્યો.[૪૧]
આ જ યુગના એક અનોખા ગુજરાતી સાહિત્યના સર્જક કાકા કાલેલકર છે જેમની માતૃભાષા મરાઠી હોવા છતાં ગુજરાતી પરના તેમના કાબૂને કારણે ગાંધીજી એમને 'સવાઈ ગુજરાતી' કહેતા.[૪૨] તેમણે નિબંધલેખનમાં અનેકવિધ વિષયો પર મોટાપ્રમાણમાં સર્જન કર્યું છે. આ સિવાય તેમણે પત્રલેખન, પ્રવાસવર્ણન, જીવનચરિત્ર, અનુવાદ અને સંપાદન જેવા સાહિત્યપ્રકારોમાં સર્જન કર્યાં છે. કિશોરલાલ મશરૂવાળા, સ્વામી આનંદ, નારાયણ દેસાઈ અને મહાદેવભાઈ દેસાઈ પર ગાંધીજીના સાહિત્યસર્જનનો મોટો પ્રભાવ હતો અને તેમણે પણ આ પ્રકારના જ વિષયો અને સાહિત્યપ્રકારો પર એકબીજાથી અનોખું અને ચડિયાતું યોગદાન આપ્યું.[૪૩]
આ ગાળામાં કનૈયાલાલ મુનશી સૌથી પ્રતિભાશાળી સર્જક ગણાય અને સમકાલીન સાહિત્યના સૌથી લવચીક લેખક ગણાય છે. તેમના દળદાર સર્જનોમાં નાટકો, નિંબધલેખન, નવલિકા, નવલકથા અને અનુવાદ મુખ્ય છે. તેમની વિખ્યાત નવલકથાઓમાં પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, જય સોમનાથ, પૃથવીવલ્લભ, ભગવાન પરશુરામ અને તપસ્વીની છે.[૪૪] ધૂમકેતુ ઉપનામ ધારણ કરીને ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીએ નવલિકા લેખનને સર્વોચ્ચ સ્તર પર પહોંચાડ્યું એમ ગણી શકાય. તેમની નવલિકાઓ હિંદી અને અંગ્રેજીમાં અનુવાદ પામી અને પ્રકાશિત થઈ છે.[સંદર્ભ આપો]
૧૯૪૦ના દાયકામાં સમગ્ર દેશમાં સામ્યવાદી વિચારો વાળા ગદ્યનો ઉદભવ થયો અને તેમાં ગુજરાતી સાહિત્ય પણ સામેલ હતું. મેઘાણી, ભોગીલાલ ગાંધી, સ્વપ્તસ્થએ જ્ઞાતિવાદ અને ધાર્મિક ટકરાવો પર સર્જનો કર્યાં. ગુજરાતી સાહિત્યના સૌથી અનોખા સર્જક તરીકે ઝવેરચંદ મેઘાણીએ આ સમયગાળામાં લોકસાહિત્યને મુખ્ય સાહિત્યધારામાં તેમના સર્જનો વડે લાવી દીધું હતું. તેમણે માત્ર સર્જન જ નહિ પરંતુ લોકસાહિત્યમાં સંશોધન કરેલું છે અને મોટાપ્રમાણમાં વિલુપ્ત થઈ રહેલા આ સાહિત્યને લેખિત રીતે નોંધ્યુ છે. આ સિવાય તેમણે કવિતાઓનું પણ મોટા પ્રમાણમાં સર્જન કર્યું છે જેમાં દેશભક્તિ, શૌર્યરસ અને સામ્યવાદી વિચારો મુખ્ય છે.[૪૫]
સમય સાથે પ્રબળ બનતી જતી સ્વતંત્રતાની ચળવળ અને સામાજિક ન્યાયની ભાવનાને ઉમાશંકર જોષી, સુંદરમ્, સ્નેહરશ્મિ અને સુંદરજી બેટાઇની કવિતાઓમાં જોઈ શકાય છે. તેમાં તત્કાલીન સામાજિક સંરચના, સ્વતંત્રની ચળવળ અને મહાત્મા ગાંધી જેવા વિષયો કેન્દ્રમાં છે. ઉમાશંકર જોશીએ રવિન્દ્રનાથ ટાગોરના સર્જનોમાંથી પ્રેરણા લઈ અને તેમના સર્જનો તે શૈલીથી રચ્યા અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. તેમની બે કવિતાઓ પ્રાચીન અને મહાપ્રસ્થાન આ શૈલીના શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમની કવિતા નિશિત પણ નોંધપાત્ર છે.[૪૬] આ સિવાય પદ્યક્ષેત્રે કૃષ્ણલાલ શ્રીધરાણી, હરિશ્ચન્દ્ર ભટ્ટ અને મનસુખલાલ ઝવેરી જેવા કવિઓએ નોંધપાત્ર યોગદાનો કર્યાં. આ ગાળામાં જ જાપાની કાવ્યપ્રકાર હાઈકુ અને સોનેટ જેવા કાવ્યપ્રકારો પ્રથમ વખત ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ્યા.[૪૭] નવલકથા ક્ષેત્રે રમણલાલ દેસાઈ, પન્નાલાલ પટેલ, મનુભાઈ પંચોળી અને ઇશ્વર પેટલીકર મુખ્ય સર્જનકર્તાઓ છે જેમણે આ યુગના મૂલ્યો આ સાહિત્યપ્રકારમાં પ્રચલિત કર્યાં.[૪૮] વિવેચનક્ષેત્રે રામનારાયણ પાઠક, નવલરામ ત્રિવેદી અને રસિકલાલ પરીખને મુખ્ય યોગદાન કર્તા માનવામાં આવે છે.[૪૯]
સમય સાથે સમાજમાં સ્ત્રીઓનું સ્તર ઉચું આવતાં, આ ગાળામાં સ્ત્રીલેખકો પ્રથમ વખત ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર સર્જન કરે છે. વિદ્યાગૌરી નીલકંઠ, શારદાગૌરી મહેતા, હંસાબહેન મહેતા અને લીલાવતી મુનશી તેમાં મુખ્ય છે. તેઓએ મુખ્યત્ત્વે નાટકો, રેખાચિત્રો, બાલસાહિત્ય, ભાષાંતર અને પદ્યાનુવાદ ક્ષેત્રોમાં ધર્મ, સમાજજીવન અને ઐતિહાસિક વિષયોને કેન્દ્રમાં રાખીને સર્જન કર્યાં.[૫૦]
અનુગાંધી યુગ (૧૯૪૦-૧૯૫૫)
ફેરફાર કરોઆ સમયગાળો પદ્યના પ્રભુત્વનો રહ્યો. પરંતુ જેમ સામાન્યતઃ સાહિત્યમાં તત્કાલીન ઘટનાઓના પડઘા જોઈ શકાતા હોય છે તેમ આ ગાળામાં ન બન્યું.[૫૧] સર્જનોમાં સ્વાતંત્ર્ય સંગ્રામ, સામૂહિક જીવના પ્રશ્નો, યુદ્ધો અને અન્ય બાહ્ય મુદ્દાઓના સ્થાને માનવહ્રદયની લાગણીઓ પ્રમુખ રહી. આ યુગમાં સોનેટ, મુક્તક, ઊર્મિકાવ્ય પ્રકારની રચનાઓ મુખ્ય છે.[૫૨]
નિરંજન ભગત, રાજેન્દ્ર શાહ, વેણીભાઈ પુરોહિત, પ્રહલાદ પારેખ અને બાલમુકુન્દ દવે એ કાવ્યલેખનમાં શ્રેષ્ઠ સર્જનો કર્યાં. રાજેન્દ્ર શાહને ભારત સરકારનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તેમને અપાયેલ પ્રશસ્તિપત્ર અનુસાર "તેમની કવિતાઓમાં લાગણીઓની તીવ્રતા, સર્જનની અનોખી શૈલી અને અભિવ્યક્તિ તેમને બાકી કવિઓથી ઉપર લઈ જાય છે. સંત કબીર, નરસિંહ મહેતા જેવા મધ્યકાલીન સાહિત્યના મહાન સર્જકો માફક તેમના સર્જનોમાં ગૂઢતા છે." તેમણે કુદરતની સુંદરતાથી લઈ અને લોકોના રોજબરોજના જીવન પર અનેક કાવ્યો લખ્યાં. તેમના સર્જનમાં રવિન્દ્રનાથ ટાગોરનો પ્રભાવ છે.[૫૩]
આ સિવાય ગઝલ સાહિત્યપ્રકાર તેના ઉર્દુ મૂળથી દૂર થતો ગયો અને તેમાં ગુજરાતી તત્ત્વો ઉમેરાતાં ગયાં.[૫૪] નિરંજન ભગત સમકાલીન મુંબઈ અને અન્ય નગરોના વિષયોને કેન્દ્રમાં રાખીને કાવ્યરચનાઓ કરી છે જે આ યુગમાં અન્ય સર્જનો કરતાં અનોખી છે.[૫૫]
આધુનિક યુગ (૧૯૫૫-૧૯૮૫)
ફેરફાર કરોઆ યુગમાં કવિતાઓએ જૂના ઢાળ અને ચિહ્નોને દૂર કર્યા અને તેના સ્થાને નવા વિચારોને સ્થાન આપ્યું. આ માટે જ યુગને આધુનિક યુગ ગણવામાં આવ્યો અને તેનો અર્થ સમકાલીન સાહિત્ય નહોતો પણ પાયાનો ફેરફાર સૂચવતો હતો. ગુજરાતી સાહિત્યના નિરૂપ્ય, સ્વરૂપ, રચનારીતિ અને સંરચના પ્રત્યે નવો અભિગમ ૧૯૫૫માં શરુ થયો. અંગ્રેજી સાહિત્યમાં આ ગાળો ૧૮૮૦માં આવ્યો માટે તે સમયને અંગ્રેજી સાહિત્યનો આધુનિક યુગ ગણી શકાય.[૫૬] આ અગાઉના સાહિત્યમાં જીવનનાં મૂલ્યો, નિરૂપ્ય, સંવાદિતા, સમાજાભિમૂખ અભિગમ, વાસ્તવિકતા અને આનંદ-ઉત્સાહ પ્રેરતું હતું જ્યારે આધુનિક સાહિત્ય મૂલ્યનિરપેક્ષ, સ્વરૂપ, વિસંવાદ, સમાજથી વિમુખ, પરાવાસ્તવ અને વિષાદ-વિરક્તી પર ભાર મૂકતું હતું.[૫૬]
સુરેશ જોષીને આ યુગના પ્રથમ સર્જક ગણી શકાય.[૫૭] તેમણે મુખ્યત્ત્વે નિબંધ, વિવેચન અને પદ્યલેખન દ્વારા યોગદાન આપ્યું છે. તેમણે વિવિધ સાહિત્યપ્રકારને આધુનિક યુગના લક્ષણો સાથે મૂલવતાં વિવેચનો અને સંપાદનો પ્રગટ કર્યાં હતાં.[૫૭] સાહિત્યપ્રકારોમાં આ યુગનો પ્રવેશ કવિતા દ્વારા થયો છે. તેમાં તત્વચિંતન અને વ્યક્તિલક્ષીતા જોવા મળે છે. લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચન્દ્ર, ચંદ્રકાન્ત શેઠ, રમેશ પારેખ, અનિલ જોશી, ચિનુ મોદી, રાજેન્દ્ર શુક્લ અને આદિલ મન્સુરી આ યુગના મુખ્ય કવિઓ છે.[૫૮] નવલકથામાં રચનાની દૃષ્ટિએ પ્રગતી થઈ પરંતુ સામાન્ય વાચકવર્ગની સમજ બહારના વિષયો કેન્દ્રમાં રહેતાં તેની લોકપ્રિયતામાં ઘટાડો થયો. ગદ્યલેખનમાં બે મુખ્ય ફાંટાઓ સામે આવ્યા જે પરંપરાગત અને આધુનિક હતા. પરંપરાગત ગદ્યલેખનમાં નૈતિકતા પર વધુ ભાર હતો અને તેના મુખ્ય સર્જકો ગુલાબદાસ બ્રોકર, મનસુખલાલ ઝવેરી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી હતા. જ્યારે આધુનિક ગદ્યમાં અસ્તિત્વવાદ, અતિવાસ્તવવાદ અને પ્રતીકવાદ મુખ્ય હતા. આ પ્રકારનું સર્જન કરનાર લેખકો નૈતિકતા અને ધાર્મિક મૂલ્યોથી પણ દૂર રહેતા હતા. તેમાં મુખ્ય સર્જકો નિરંજન ભગત, ચંદ્રકાંત બક્ષી, સુરેશ જોશી, મધુ રાય, રઘુવીર ચૌધરી, ધીરુબેન પટેલ, સરોજ પાઠક સામેલ હતા. તેઓના સર્જનો નવલકથા, નવલિકાઓ અને ઍબ્સર્ડ નાટક જેવા સાહિત્યપ્રકારોમાં હતા.[૫૯]
આ ગાળામાં જ લલિત નિબંધનો વિકાસ થયો. જેમાં સર્જકો પોતાના અનુભવ, કલ્પનાશીલ પ્રકૃતિ, ભાવમયતા, સૂક્ષ્મગ્રાહી બુદ્ધિ અને માનવીય ગુણોનો આધાર લઈ અને નમ્રતા, મર્મ, વ્યંગ, કટાક્ષ અને ઉપહાસના ભાવો જન્માવતા હોય છે. આ સાહિત્યપ્રકારમાં શ્રેષ્ઠ સર્જન સુરેશ જોષીનું જનાન્તિકેને ગણી શકાય.[૬૦]
અનુ-આધુનિક યુગ (૧૯૮૫-હાલ સુધી)
ફેરફાર કરોઆધુનિક યુગની માનવીના આંતરમન પરની સાહિત્યરચનાઓ સામે આ યુગમાં બાહ્ય પરિબળો સર્જન પર મોટા પ્રમાણમાં અસર કરે છે. ૮૦ અને ૯૦ના દાયકામાં ભારત અને વિશ્વમાં દરેક ક્ષેત્રમાં મોટા પાયે ફેરફારો થયા અને સુદૃઢ થયેલા સંચાર માધ્યમોને કારણે તે દરેક ઘટનાઓની અસરો તમામ લોકો પર મોટા પ્રમાણમાં થવા લાગી. વધુમાં, આધુનિક યુગનું સાહિત્ય બહુ ઓછા સર્જકો ઊંડાણપૂર્વક સર્જી શક્યા હતા અને મોટાભાગના સર્જકો ઉપરછલ્લી રીતે આધુનિકવાદનું સાહિત્ય સર્જન કરતા હતા. આ તમામ પરિબળોને કારણે અનુ-આધુનિક યુગની શરુઆત થઈ.[૬૧] અનુ-આધુનિક યુગમાં સાહિત્યની સાથે સાથે સર્જકોમાં પણ નવો પ્રવાહ જોવા મળે છે જેમાં નારીજાગૃતિ, દલિત સાહિત્ય, માનવતાવાદ મુખ્ય છે.
કવિતાના સાહિત્યક્ષેત્રમાં મુખ્ય સર્જન ગીત, ગઝલ અને હાઈકુનું સર્જન મુખ્ય છે. તેમાં મુખ્યત્વે હકારાત્મક અભિગમ સાથેના સર્જનો પ્રમુખ છે. રાજેશ વ્યાસ મિસ્કિન, અંકિત ત્રિવેદી, અનિલ ચાવડા અને અન્ય ઘણા કવિઓ આ ગાળાના સર્જકો છે. દલિત સાહિત્યની કવિતાઓમાં સમાજમાં અન્યાય પ્રત્યેનો રોષ, વેદના અને વિદ્રોહ જેવા વિષયો મુખ્ય છે. દલિત સર્જકોમાં હરીશ મંગલમ્, દલપત ચૌહાણ અને મંગળ રાઠોડ મુખ્ય ગણી શકાય.[૬૨] નાટકોમાં ઈતિહાસ અને ચરિત્ર પ્રમુખ વિષયો છે. પરંતુ, મુંબઈ ખાતે કેન્દ્રિત ગુજરાતી નાટકોની રંગભૂમિ બહોળા પ્રમાણમાં હળવાં અને હાસ્ય પ્રેરતાં નાટકો ભજવતી હોવાને કારણે સામાન્ય લોકોમાં તે વધુ લોકપ્રિય છે.[૬૩] નવલકથાઓમાં વાસ્તવિકતા સાથે સામાજિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સમકાલીન ઘટનાક્રમ મુખ્ય વિષયો છે. વધુમાં, સર્જકો વાચકોને ધ્યાનમાં રાખીને વધુ સર્જન કરે છે. જૉસેફ મેકવાન આ યુગના પ્રમુખ નવલકથાકાર હોવા સાથે દલિતોનું પણ આ સાહિત્યપ્રકારમાં પ્રતિનિધિત્વ કરે છે. દલિત સાહિત્યની નવલકથાઓ સામાજિક અન્યાય અને શોષણની વાત કરે છે. નવલકથા લેખનમાં વિનેશ અંતાણી, ધ્રુવ ભટ્ટ, યોગેશ જોષી જેવા લેખકો મુખ્ય છે.[૬૪] નવલિકાઓ સમકાલીન સામાજિક પ્રશ્નો, દલિત સમાજ અને સ્ત્રી-પુરુષ સંબંધો નારીવાદી સંદર્ભમાં મુખ્ય છે. આ સિવાય ચરિત્ર, નિબંધ, અનુવાદ અને વિવેચનનો પણ લગભગ આ જ દિશામાં વિકાસ થયો છે. નિબંધલેખનમાં અનિલ જોશી અને મણિલાલ હ. પટેલ સર્વોપરી સર્જક બનીને સામે આવ્યા.[૬૫]
સમય સાથે ગુજરાતી પ્રજા સમગ્ર વિશ્વમાં વસી છે અને તેણે વિદેશમાં ગુજરાતી સાહિત્યસર્જનમાં વિશેષ યોગદાન આપ્યું છે. આ સર્જકોએ ગુજરાતી સાહિત્યના સમકાલીન પ્રવાહ સાથેના સર્જનો ઉપરાંત જે તે સ્થળના સમકાલીન પ્રવાહો આધારિત સાહિત્ય રચીને અનોખું વૈવિધ્ય ઉભું કર્યું છે. અમેરિકા સ્થિત ગુજરાતી સાહિત્યકારો પ્રમુખ રીતે ત્યાંના પ્રવાહો અને લક્ષણોને અનુસરીને સર્જન કરે છે. પાકિસ્તાન સ્થિત ગુજરાતી સર્જકો સમકાલીન મુસ્લિમ સમાજ પર સર્જન કરે છે.[૬૬] બ્રિટનમાં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના ૧૯૭૭માં કરવામાં આવી જે ત્યાં ગુજરાતી સાહિત્ય સાથે ગુજરાતી ભાષાના પ્રચાર-પ્રસારનું કાર્ય કરે છે.[૬૭]
પૂરક વાચન
ફેરફાર કરો- ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩ એ). ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૧. અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. Check date values in:
|year=
(મદદ) - ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩ બી). ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૨. અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. Check date values in:
|year=
(મદદ) - ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩ સી). ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૩. અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. Check date values in:
|year=
(મદદ) - ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩ ડી). ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૪. અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. Check date values in:
|year=
(મદદ) - ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩ ઇ). ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૫. અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. Check date values in:
|year=
(મદદ) - Jhaveri, Mansukhlal Maganlal (૧૯૭૮). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. મૂળ માંથી 2016-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-06.
- Milestones in Gujarati Literature by K M Jhaveri.
- બ્રહ્મભટ્ટ, પ્રસાદ. (૨૦૦૪) કાવ્યસરિતા. અમદાવાદ: પાશ્વ પ્રકાશન.
- ત્રિવેદી, રમેશ. એમ. (૧૯૯૪) અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. અમદાવાદ: આદર્શ પ્રકાશન.
- ત્રિવેદી, રમેશ. એમ. (૨૦૦૫) ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. અમદાવાદ: આદર્શ પ્રકાશન.
- જાની, નુતન. (૨૦૦૫) વિશ્વકવિતા: કવિતા-તુલના. મુંબઈ
- જોશી, વિદ્યુત. (૨૦૦૪) સાહિત્ય અને સમાજ, અમદાવાદ: પાશ્વ પ્રકાશન
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). ગુજરાતી ભાષા-ઉદ્ભવ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૧. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૭.
- ↑ ૨.૦ ૨.૧ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). ગુજરાતી સાહિત્ય-ઉદ્ભવ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૧. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૮.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). પ્રાચીન ગુજરાતી સાહિત્ય-પ્રાગ નરસિંહ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૧. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૧૫.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). પ્રાચીન ગુજરાતી સાહિત્ય-ફાગુ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૧. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૧૭.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). પ્રાચીન ગુજરાતી સાહિત્ય-જૈનેત્તર કવિઓ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૧. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૨૧.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). પ્રાચીન ગુજરાતી સાહિત્ય-ગદ્ય. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૧. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૧૮.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). મધ્યકાલીન સાહિત્ય-સાહિત્યપ્રકાર. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૧. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૮૨.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). મધ્યકાલીન સાહિત્ય-નરસિંહ મહેતા. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૧. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૨૨.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). મધ્યકાલીન સાહિત્ય-ભક્તિ સંપ્રદાય. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૧. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૨૩.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). મધ્યકાલીન સાહિત્ય-ભાલણ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૧. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૩૩.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). મધ્યકાલીન સાહિત્ય-ભાલણ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૧. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૩૫.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). મધ્યકાલીન સાહિત્ય-પ્રેમાનંદ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૧. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૪૮.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). મધ્યકાલીન સાહિત્ય-શામળ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૧. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૫૭.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). મધ્યકાલીન સાહિત્ય-દયારામ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૧. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૮૧.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). મધ્યકાલીન સાહિત્ય-અખો. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૧. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૪૨.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). મધ્યકાલીન સાહિત્ય-પ્રીતમ, ધીરો, ભોજો અને બાપુસાહેબ ગાયકવાડ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૧. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૬૭.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). મધ્યકાલીન સાહિત્ય-સ્વામિનારાયણ સંત કવિઓ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૧. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૭૨.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). મધ્યકાલીન સાહિત્ય-પારસી કવિઓ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૧. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૬૩.
- ↑ ૧૯.૦ ૧૯.૧ ૧૯.૨ Rita Kothari (૮ એપ્રિલ ૨૦૧૪). Translating India. Routledge. પૃષ્ઠ 73–74. ISBN 978-1-317-64216-9. મેળવેલ ઓગષ્ટ ૫, ૨૦૧૪. Check date values in:
|access-date=
(મદદ) - ↑ ૨૦.૦ ૨૦.૧ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). ગુજરાતી ભાષા-સુધારક યુગ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૨. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૧-૨૨.
- ↑ K. M. George (૧૯૯૨). Modern Indian Literature, an Anthology: Surveys and poems. Sahitya Akademi. પૃષ્ઠ 122. ISBN 978-81-7201-324-0.
- ↑ ૨૨.૦ ૨૨.૧ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). સુધારક યુગ-દલપતરામ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૨. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૩૨.
- ↑ Dave, Narmadashanker Lalshanker (૧૯૯૪). "Apendix XII (Timeline of Life)". માં Ramesh M. Shukla (સંપાદક). Mari Hakikat (1 આવૃત્તિ). Surat: Kavi Narmad Yugavart Trust. પૃષ્ઠ 183–184. મૂળ માંથી 2016-10-25 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-06.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). સુધારક યુગ-નર્મદ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૨. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૫૪.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). સુધારક યુગ-નવલરામ પંડ્યા. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૨. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૬૮.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). સુધારક યુગ-પારસી લેખકો. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૨. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૯૪.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). પંડિત યુગ-ઉદ્ભવ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૩. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૫.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). પંડિત યુગ-ગોવર્ધનરામ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૩. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૬.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). પંડિત યુગ-નરસિંહરાવ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૩. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૫૩.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). પંડિત યુગ-રમણભાઈ નીલકંઠ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૩. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૭૩.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). પંડિત યુગ-કાન્ત. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૩. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૯૨.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). પંડિત યુગ-કલાપી. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૩. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૧૦૫.
- ↑ Sisir Kumar Das (૧૯૯૧). History of Indian Literature. ૧. Sahitya Akademi. પૃષ્ઠ ૪૭૯. ISBN 978-81-7201-006-5.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). પંડિત યુગ-અન્ય સર્જકો. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૩. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૧૮૧.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). પંડિત યુગ-અન્ય. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૩. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૨૧૬.
- ↑ Amaresh Datta (૧૯૮૭). Encyclopaedia of Indian Literature: A-Devo. Sahitya Akademi. પૃષ્ઠ 527. ISBN 978-81-260-1803-1.
- ↑ Gandhi, M. K. Unto the Last: A paraphrase (અંગ્રેજીમાં). Ahmedabad: Navajivan Publishing House. ISBN 81-7229-076-4. મૂળ (PDF) માંથી 2018-12-26 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-06.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). ગાંધી યુગ-ગાંધી. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૪. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૮.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). ગાંધી યુગ-અસરો. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૪. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૨૨.
- ↑ Peerless Communicator સંગ્રહિત ૨૦૦૭-૦૮-૦૪ ના રોજ વેબેક મશિન by V.N. Narayanan. Life Positive Plus, October–December 2002
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). ગાંધી યુગ-મહાત્મા ગાંધી. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૪. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૬.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). ગાંધી યુગ-કાલેલકર. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૪. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૨૮.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). ગાંધી યુગ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૪. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૫૫.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). ગાંધી યુગ-મુનશી. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૪. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૭૭.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). ગાંધી યુગ-મેઘાણી. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૪. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૧૩૦.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). ગાંધી યુગ-જોશી અને સુન્દરમ્. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૪. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૧૪૩.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). ગાંધી યુગ-અન્ય કવિઓ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૪. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૨૩૩.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). ગાંધી યુગ-અન્ય નવલકથાકારો. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૪. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૨૬૭.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). ગાંધી યુગ-વિવેચકો. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૪. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૩૧૯.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). ગાંધી યુગ-સ્ત્રી લેખકો. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૪. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૧૪૧.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). અનુ ગાંધીયુગ-લક્ષણ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૪. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૩૩૧.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). અનુ ગાંધીયુગ-સાહિત્યપ્રકાર. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૪. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૩૩૩.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). અનુ ગાંધીયુગ-રાજેન્દ્ર શાહ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૪. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૩૩૫.
- ↑ અનુ ગાંધીયુગ-ગઝલ. ગુજરાતી સાહિત્યકોષ-૩. ગુજરાતી સાહિત્ય પરિષદ. ૧૯૯૬. પૃષ્ઠ ૨૬૯.
- ↑ અનુ ગાંધીયુગ-નિરંજન ભગત. ગુજરાતી સાહિત્યકોષ-૩. ગુજરાતી સાહિત્ય પરિષદ. ૧૯૯૬. પૃષ્ઠ ૨૭૦.
- ↑ ૫૬.૦ ૫૬.૧ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). આધુનિક-ઉદ્ભવ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૫. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૫૯.
- ↑ ૫૭.૦ ૫૭.૧ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). આધુનિક-શરુઆત. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૫. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૬૬.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). આધુનિક-કાવ્ય. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૫. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૭૬.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). આધુનિક-ગદ્ય. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૫. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૧૫૨.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). આધુનિક-લલિત નિબંધ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૫. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૨૦૦.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). અનુ-આધુનિક-શરુઆત. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૫. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૨૨૨.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). અનુ-આધુનિક-કાવ્ય. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૫. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૨૩૪.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). અનુ-આધુનિક-નાટક. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૫. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૨૪૫.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). અનુ-આધુનિક-નવલકથા. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૫. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૨૫૫.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). અનુ-આધુનિક-અન્ય. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૫. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૨૯૬.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૯૩). અનુ-આધુનિક-વિદેશી. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૫. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૩૪૩.
- ↑ અનુ-આધુનિક-બ્રિટન. ગુજરાતી સાહિત્યકોષ. ગુજરાતી સાહિત્ય પરિષદ. ૧૯૯૬. પૃષ્ઠ ૨૭૬.