ખારદુંગ લા
ખારદુંગ લા અથવા ખારદુંગ ઘાટ એ ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેહ જિલ્લામાં આવેલો ઘાટ છે.
આ ઘાટ લેહની ઉત્તરે લદ્દાખ પર્વતમાળા પર આવેલો છે અને સિંધુ નદીની ખીણ અને શ્યોક નદીની ખીણને જોડે છે. તે નુબ્રા ખીણનું પ્રવેશદ્વાર પણ બનાવે છે , જેની આગળ સિયાચીન હિમનદી આવેલી છે. આ ઘાટમાંથી પસાર થવા માટે વાહન ચલાવવા યોગ્ય માર્ગ ૧૯૭૬માં બનાવવામાં આવ્યો હતો અને ૧૯૮૮માં તેને જાહેર વાહન ચલાવવા માટે ખોલવામાં આવ્યો હતો. સીમા સડક સંગઠન (BRO) દ્વારા જાળવવામાં આવતો આ ઘાટ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે કારણ કે તેનો ઉપયોગ સિયાચીન ગ્લેશિયર સુધી પુરવઠો પહોંચાડવા માટે થાય છે. આ માર્ગ વિશ્વના સૌથી ઊંચા વાહન ચલાવવા યોગ્ય માર્ગોમાંનો એક છે.[૧]
ખારદુંગ લાની ઊંચાઈ ૫,૩૫૯ મીટર (૧૭,૫૮૨ ફીટ) છે. [૨] લેહમાં વસ્ત્રો વેચતા સ્થાનિક લોકો અને દુકાનો ખોટી રીતે દાવો કરે છે કે તેની ઊંચાઈ ૫,૬૦૨ મીટર (૧૮,૩૭૯ ફીટ) ની નજીક છે અને તે વિશ્વનો બીજો સૌથી ઊંચો વાહન ચલાવવા યોગ્ય ઘાટ છે.