ખીમસાહેબ રવિભાણ સંપ્રદાયના તેજસ્વી સંતકવિ છે. તેઓ આ સંપ્રદાયના આદ્યપુરુષ ભાણસાહેબના બુંદશિષ્ય એટલે કે પુત્ર અને શિષ્ય હતા.તેમની માતાનું નામ ભાણબાઈ અને તેઓ જ્ઞાતિએ લોહાણા (ઠક્કર) હતા. જન્મ અને વતન : વારાહી (તા.સાંતલપુર‚ જિ.બનાસકાંઠા), ભક્તિસ્થળ અને ગુરુગાદી : દરિયાસ્થાન-રાપર (તા.રાપર, જિ.કચ્છ). આ પ્રદેશના ખારવાઓ (માછીમાર સમાજ)માં એમણે ‘રવિ-ભાણ સંપ્રદાય’નો પ્રચાર-પ્રસાર કર્યો હતો.આથી તેઓ ખલક દરિયા ખીમ અને દરિયાપીર નામોથી પણ લોકસમુહમાં પ્રખ્યાત છે.તેમનું સૌથી મોટુ અને મહત્વનું પ્રદાન તો મેઘવાળ ગરવા બ્રાહ્મણ જ્ઞાતિના ત્રિકમ સાહેબને દીક્ષા આપીને રવિ-ભાણ સંપ્રદાયમાં વાડીના સાધુઓની તેજસ્વી સંત કવિઓની આખી પરંપરાના બીજ રોપવાનું કરેલું કાર્ય છે. જેમાંથી ત્રિકમ સાહેબભીમ સાહેબદાસી જીવણ, નથુરામ, બાલક સાહેબ, પીઠો ભગત, અક્કલ સાહેબ, દાસ વાઘો, લક્ષ્મી સાહેબ જેવાં એકએક્થી ચડિયાતાં અનેક સંત રત્નો આપણને મળ્યાં છે.

તેમણે નાની મોટી અનેક રચનાઓ આપી છે. જેમાં ‘ચિંતામણી’ અને ખીમદાસ કૃત ‘ચેતામણી’ (હિન્દીમાં) નામની દીર્ઘ રચના ઉપરાંત કાફી‚ ગરબી‚ આરતી શિર્ષકો તળેની રચનાઓની સાથે હિન્દી‚ ગુજરાતી તથા કચ્છી બોલીમાં વિવિધ પ્રકારનાં અનેક ભજનો સમાવિષ્ટ છે. તેમણે ઇ.સ. ૧૭૭૧ માં બાંધેલી દરિયાસ્થાન-રાપર (તા.રાપર, જિ.કચ્છ) નામની જગ્યામાં ઇ.સ. ૧૮૦૧ માં જીવતાં સમાધિ લીધી.

આ પણ જુઓ

ફેરફાર કરો

વિકિસ્રોત પર ખીમ સાહેબની અમુક કૃતિઓ