ચાર્લ્સ કૂલે
ચાર્લ્સ હોર્ટન કૂલે (૧૭ ઓગસ્ટ ૧૮૬૪ – ૭ મે ૧૯૨૯) અમેરિકન સમાજશાસ્ત્રી હતા. તેમણે પોતાના સિદ્ધાંતોમાં વ્યક્તિ અને સમાજને એકબીજાથી અભિન્ન અને એકબીજાના પૂરક ગણાવ્યા છે, અને સમાજને એક માનસિક એકતા ધરાવતું સાવયવી સંગઠન કહ્યું છે. કૂલેએ જૈવિક નિયતિવાદ (biological determinism)નો વિરોધ કર્યો હતો, અને પ્રતિકાત્મક આંતરક્રિયાવાદના સિદ્ધાંતના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. કૂલેના મુખ્ય પ્રદાનોમાં 'સામાજિક પ્રક્રિયા', 'દર્પણ સ્વ' અને 'પ્રાથમિક જૂથ'ની વિભાવનાઓ અગ્રસ્થાને છે.
ચાર્લ્સ હોર્ટન કૂલે | |
---|---|
કૂલે ૧૯૦૨માં | |
જન્મની વિગત | એન આર્બર, મિશિગન, અમેરિકા | 17 August 1864
મૃત્યુ | 7 May 1929 એન આર્બર, મિશિગન, અમેરિકા | (ઉંમર 65)
શિક્ષણ સંસ્થા | યુનિવર્સિટી ઑફ મિશિગન |
Institutions | યુનિવર્સિટી ઑફ મિશિગન |
Main interests | મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, સામાજિક મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર |
Notable ideas | દર્પણ સ્વ, પ્રાથમિક જૂથ |
Influences
|
જીવન
ફેરફાર કરોકૂલેનો જન્મ ૧૭ ઓગસ્ટ ૧૮૬૪ના રોજ અમેરિકાના મિશિગન રાજ્યના એન આર્બર ખાતે થયો હતો. એમનું જીવન મહદ્અંશે એન આર્બરમાં જ વ્યતીત થયું હતું. ત્યાં જ તેમણે તેમનાં જીવનનાં રચનાત્મક વર્ષો વીતાવ્યા હતા અને ત્યાં જ તેઓ મરણ પામ્યા હતા.[૧]
કૂલે તેમના પિતા થોમસ કૂલેનાં છ સંતાનોમાં ચોથા ક્રમના સંતાન હતા. થોમસ કૂલેએ મિશિગન યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું હતું, અને સામાન્ય સ્થિતિમાંથી આગળ વધીને સામાજિક ક્ષેત્રે અગ્રસ્થાને પહોંચ્યા હતા. ચાર્લ્સ કૂલેના જન્મ સમયે તેઓ મિશિગનની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે ચૂંટાયા હતા. આ સ્થાને તેમજ કાયદાના પ્રાધ્યાપક તરીકે તેઓ વર્ષો સુધી રહ્યા હતા. ચાર્લ્સ કૂલેના જન્મ સમયે તેમનું કુટુંબ સાધન-સંપન્ન હતું અને સમાજમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતું હતું.[૧]
બાલ્યાવસ્થા
ફેરફાર કરોબચપણમાં કૂલેને અનેક પ્રકારની શારીરિક માંદગી ભોગવવી પડી હતી. તેમને થોડી બહેરાશ હતી અને બોલવામાં જીભ થોથવાતી હતી. તેઓ સ્વભાવે શરમાળ, સંકોચશીલ અને અંતરાભિમુખ હોવાથી, બહુ જ ઓછા લોકો સાથે મૈત્રી સંબંધ બાંધી શક્યા હતા. તેમના વિશે રીડ બેઇને લખ્યું છે કે, "તેઓ અતિ સંવેદનશીલ હતા અને તેટલા જ શરમાળ હતા". બાલ્યાવસ્થાની માંદગીના કારણે તેમજ યુરોપના પ્રવાસે જવાના કારણે કૂલેને સ્નાતક થતાં સાત વરસ લાગ્યાં હતાં. ઈ.સ. ૧૮૮૭માં તેમણે મિશિગન યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી, અને ત્યારબાદ આ જ યુનિવર્સિટીમાંથી તેમણે મીકેનીકલ એન્જીનીયરિંગની તાલીમ લીધી. વોશિંગ્ટનમાં તેમજ અમેરિકાના "બે" નામના શહેરમાં થોડો સમય વીતાવી તેઓ પાછા એન આર્બરમાં આવી ગયા અને પછી ત્યાં જ તેમનો કાયમી નિવાસ રહ્યો.[૨]
ડાર્વિન, સ્પેન્સર અને આલ્બર્ટ શેફલના લખાણોથી પ્રેરાઈને તેમણે મિશિગન યુનિવર્સિટીમાં રાજકીય અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે જોડાયા. અભ્યાસ દરમિયાન તેમણે 'પરિવહનનો સિદ્ધાંત' (The Theory of Transportation) એ વિષય ઉપર મહાનિબંધ લખ્યો. આ ગ્રંથ તેમનું માનવ પરિસ્થિતિશાસ્ત્ર (human ecology)નાં ક્ષેત્રમાં મહત્ત્વનું પ્રદાન લેખાય છે.[૩]
કારકિર્દી
ફેરફાર કરોઈ.સ. ૧૮૯૨માં તેઓ મિશિગન યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. ઈ.સ. ૧૮૯૯માં તેઓ ત્યાં મદદનીશ પ્રધ્યાપકના પદે નિયુક્તિ પામ્યા, ઈ.સ. ૧૯૦૪માં સહપ્રાધ્યાપક બન્યા અને ત્રણ વર્ષ પછી પૂર્ણકક્ષાના પ્રાધ્યાપકના પદે નિયુક્તિ પામ્યા. ઈ.સ. ૧૯૦૫માં તેઓ અમેરિકન સોસ્યોલોજિકલ સોસાયટીના સભ્ય બન્યા, અને ઈ.સ. ૧૯૧૮માં તેઓ આ સોસાયટીના પ્રમુખ બન્યા.[૪]
અંગતજીવન
ફેરફાર કરોકૂલેએ ઈ.સ. ૧૮૯૦માં મિશિગન યુનિવર્સિટીના ઔષધશાસ્ત્રના પ્રાધ્યાપકની પુત્રી એલ્સી જોન્સ સાથે લગ્ન કર્યા હતા. તેમની પત્નીનું વ્યક્તિત્વ તેમનાથી ભિન્ન પ્રકારનું હતું.[૫] તેમનાં સંતાનોમાં એક દિકરો અને બે દિકરીઓ હતી.[૬]
ઈ.સ. ૧૯૨૮ પછી કૂલેની તબિયત લથડી હતી. ૭ મે ૧૯૨૯ના રોજ ૬૫ વર્ષની ઉંમરે કેન્સરની બીમારીથી તેમનું અવસાન થયું હતું. રીડ બેઈને તેમને અંજલી આપતા કહ્યું છે કે તેઓ વિદ્વાન અને સાથે સદગૃહસ્થ પણ હતા. તેમનામાં નમ્રતા, સાદાઈ, ભલાઈ અને વિવેકના આગવા ગુણો હતા.[૭]
પ્રદાન
ફેરફાર કરોચાર્લ્સ હોર્ટન કૂલેએ પ્રતિકાત્મક આંતરક્રિયાવાદના[lower-alpha ૧] સિદ્ધાંતમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. કૂલેના પ્રદાનોમાં 'સામાજિક પ્રક્રિયા', 'દર્પણ સ્વ' અને 'પ્રાથમિક જૂથ'ની વિભાવનાઓ અગ્રસ્થાને છે. તેમણે જૈવિક નિયતિવાદ (અથવા જૈવિક નિર્ણાયકવાદ - biological determinism)નો[lower-alpha ૨] વિરોધ કર્યો હતો. તેમના મતે વ્યક્તિ અને સમાજ પરસ્પરાશ્રિત છે, બંને અવિભાજ્ય છે અને એક સિક્કાની બે બાજુ છે. એકને બીજા વિના સમજી શકાય નહિ. "મન સામાજિક છે અને સમાજ માનસિક છે" — એ તેમનું પાયાનું વિધાન છે. તેઓ માનતા હતા કે સમાજ વ્યક્તિઓના પ્રત્યાયન અને આંતરક્રિયાઓનો બનેલો છે.[૯]
ઈ.સ. ૧૮૯૧માં લખાયેલો લેખ 'નગર પરિવહનનું સામાજિક મહત્ત્વ' (The Social Significance of Street Railways) કૂલેનો પ્રથમ લેખ હતો. આ લેખના આધારે કૂલે એ પછીથી 'પરિવહનનો સિદ્ધાંત' એ વિષય ઉપર મહાનિબંધ તૈયાર કર્યો, જેમાં તેમણે આર્થિક-રાજકીય જીવન સાથે માર્ગવ્યવહારનો સંબંધ બતાવ્યો છે, ઉપરાંત માર્ગવ્યવહારનાં વિકાસની સાથે વસ્તીવધારો તેમજ ભૌતિક અને સામાજિક વિકાસ કઈ રીતે સંકળાયેલ છે તે દર્શાવ્યું છે. ત્યારબાદ કૂલેના મહત્ત્વના ત્રણ ગ્રંથો પ્રકાશિત થયા હતા: 'મનુષ્ય સ્વભાવ અને સામાજિક વ્યવસ્થા' (૧૯૦૨; Human Nature and Social Order), 'સામાજિક સંગઠન' (૧૯૦૯; Social Order), 'સામાજિક પ્રક્રિયા' (૧૯૧૮; Social Process). આ ત્રણ ગ્રંથોમાં કૂલેએ રજૂ કરેલ મુખ્ય દલીલ એ છે કે વ્યક્તિ અને સમાજ બન્ને એક જ ઘટનાના બે પાસાં છે. વ્યક્તિ અને સમાજ સાથે જ જન્મે છે અને સાથે જ વિકસે છે.[૧૦]
મનુષ્ય સ્વભાવ અને સામાજિક વ્યવસ્થા (Human Nature and Social Order)
ફેરફાર કરોઆ ગ્રંથમાં કૂલેએ 'વ્યક્તિ અને સમાજ' વિષય પર ચર્ચા કરી છે. તેમની દલીલ છે કે વ્યક્તિ અને સમાજ ઘનિષ્ઠ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. બન્ને એકબીજાના પૂરક તરીકે સહાસ્તિત્વ ધરાવે છે. આ પુસ્તકમાં તેમને સૂચન, પસંદગી, સામાજિકતા, સહાનુભૂતિ, સામાજિક સ્વ, નેતૃત્વ સભાનતા, સ્વતંત્રતા વગેરે વિશે ચર્ચા કરી છે. પાંચમા પ્રકરણમાં 'દર્પણ-સ્વ'નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. દશમા પ્રકરણમાં સભાનતાનાં સામાજિક પાસાની ચર્ચા કરવામાં આવી છે.[૧૧]
સામાજિક સંગઠન (Social Order)
ફેરફાર કરોમનુષ્ય સહચારનું વિસ્તૃતીકરણ થતાં અને વ્યક્તિઓ વચ્ચેની આંતરક્રિયાઓનું વૈવિધ્ય વધતાં સામાજિક સંગઠનો ઉદભવે છે - તેની ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે. આખા પુસ્તકમાં સમગ્ર ધ્યાન સામાજિક વ્યવસ્થા ઉપર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બીજા પ્રકરણમાં સામાજિક મૂલ્યોની સાપેક્ષતાની ચર્ચા કરવામાં આવી છે. કૂલે માને છે કે સુધારણા સહાનુભૂતિપૂર્વક થવી જોઈએ. ગુનેગાર વ્યક્તિ કે વિચલિત વર્તણૂક દાખવનારને તેની વર્તણૂકની સમજ આપવી જોઈએ. ત્રીજા પ્રકરણમાં કૂલનાં ખ્યાલોમાં સૌથી વધારે ઉલ્લેખ પામેલાં 'પ્રાથમિક સમૂહ' વિશે વિષદ ચર્ચા છે. મનુષ્યસ્વભાવનાં લક્ષણોની ચર્ચા કરતી વખતે કૂલેએ માનસિક એકતાનો વિચાર રજૂ કર્યો છે.[૧૧] આ પુસ્તકમાં તેમણે વર્ગ અને જ્ઞાતિની પણ વિષદ ચર્ચા કરી છે. એ ઉપરાંત કુટુંબ, ચર્ચ, આર્થિક વ્યવસ્થા, શિક્ષણ વગેરે વિષયોની આ પુસ્તકમાં ચર્ચા કરવામાં આવી છે. આમ, આખા પુસ્તકમાં સામાજિક સંગઠન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.[૧૨]
સામાજિક પ્રક્રિયા (Social Process)
ફેરફાર કરોઆ પુસ્તકમાં કૂલેએ દર્શાવ્યું છે કે માનવજીવનમાં ઉર્ધ્વગતિશીલતા જોવા મળે છે. તેઓ સમજાવે છે કે સમાજના ભિન્ન ભિન્ન અંગોનો પરસ્પર સાથે વિકાસ થાય છે. જીવનનાં કોઈ એક પાસામાં હલનચલન થાય તો બીજા પાસાંઓમાં પણ અમુક જાતની પ્રક્રિયાઓ શરૂ થાય છે. સમાજ એક સાવયવ છે અને અનેક પ્રક્રિયાઓનો સંકુલ છે. અન્યોન્યની આંતરક્રિયા દ્વારા તે ટકે છે અને વિકસે છે. સામાજિક પ્રક્રિયાના વ્યક્તિગત પાસાંઓ, સમૂહ-સંઘર્ષ, માનવીય મૂલ્યો વગેરે વિશેની ચર્ચા કૂલેએ આ પુસ્તકમાં કરી છે.[૧૩]
જીવન અને વિદ્યાર્થી (Life and Student)
ફેરફાર કરો૧૯૨૭માં પ્રગટ થયેલ કૂલેના આ ગ્રંથમાં તેમનાં જીવનકાળ દરમિયાન તેમને થયેલાં અનુભવોનાં સારરૂપ વિવિધ લેખોનો સંગ્રહ છે. તેમાં તેમણે વ્યક્તિનાં ઘડતરની પ્રક્રિયા તેમજ કૌટુમ્બિક વાતાવરણમાં પોતાનાં બાળકોનું અને યુનિવર્સિટીમાં પોતાનાં વિદ્યાર્થીઓનું નિરીક્ષણ કર્યું હતું તેના ઉપર આધારિત તારણો રજૂ કર્યાં છે. ખાસ કરીને તેમને મનુષ્ય સ્વભાવ અને સમાજ ઉપર જે નોંધો લખી હતી તેનો સમાવેશ આ ગ્રંથમાં થાય છે.[૧૩]
મુખ્ય ખ્યાલો
ફેરફાર કરોપ્રાથમિક સમૂહ
ફેરફાર કરોકૂલેએ પોતાના 'સામાજિક સંગઠન' (Social Organization) નામના ગ્રંથમાં પ્રાથમિક સમૂહનો ખ્યાલ આપ્યો છે. કૂલેના મત મુજબ, જે સમૂહોના સભ્યો વચ્ચે પરસ્પર ગાઢ, પ્રત્યક્ષ (મોઢામોઢના) અને સહાનુભૂતિ તેમજ સહકારપૂર્ણ સંબંધો હોય તે પ્રાથમિક સમૂહ છે. કૂલેએ આવા પ્રાથમિક સમૂહોમાં કુટુંબ, રમત-ગમત માટેનું બાળકોનું જૂથ અથવા ટીમ, પડોશ અથવા પડોશના મોટેરાઓના જૂથ વગેરેનો સમાવેશ કરેલો છે. તેઓ માને છે કે આવા પ્રાથમિક સમૂહો વ્યક્તિના સામાજિક વલણો અને સામાજિક આદર્શોનું નિર્માણ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રાથમિક સમૂહમાં વ્યક્તિનું સામાજીકરણ થાય છે, તેમજ આ સમૂહમાં રહીને તે સમાજજીવનમાં તેને જે ભૂમિકા ભજવવાની છે તેની તાલીમ મેળવે છે.[૧૪]
સમાજનો સાવયવી ખ્યાલ
ફેરફાર કરોકૂલેએ સમાજનો ખ્યાલ માનસિક એકતા ધરાવતી સાવયવી વ્યવસ્થા તરીકે કરેલ છે. તેમણે વ્યક્તિ અને સમાજને એકમેકનાં પૂરક અને અભિન્ન ગણેલ છે.[૧૫] કૂલેએ સમાજથી અલગ વ્યક્તિનાં અસ્તિત્વનો અસ્વિકાર કર્યો છે. સમાજમાંથી વ્યક્તિ જીવન પ્રાપ્ત કરે છે. વ્યક્તિનો વિચાર સમાજના એક ભાગ તરીકે કરી શકાય. ઉત્ક્રાંતિવાદી દ્રષ્ટિકોણથી તપાસતાં પણ વ્યક્તિ અને સમાજ વચ્ચેનો સંબંધ સાવયવી છે એમ કૂલે કહે છે. વ્યક્તિનો વિચાર સમૂહ કે સમાજને કેન્દ્રમાં રાખીને જ કરી શકાય. એ જ રીતે વ્યક્તિઓથી અલગ સમાજનો પણ વિચાર કરી શકાતો નથી. કૂલેએ કહ્યું કે જ્યારે આપણે સમાજનો વિચાર કરીએ છીએ ત્યારે સમાજનાં બધાં લોકોનો સામાન્ય ખ્યાલ કરીએ છીએ, જ્યારે વ્યક્તિનો વિચાર કરીએ છીએ ત્યારે સમાજના લોકોને પૃથક કરીને તેમનાં જ વ્યક્તિગત પાસાંનો વિચાર કરીએ છીએ. આમ કૂલેના મત મુજબ સમાજ એક સાવયવી રચના છે. સમાજના એક ભાગમાં કંઇ બને તો બીજા ભાગ પર તેની અસર થાય છે. સમાજનાં કોઈ ભાગમાં હલનચલન થાય તો તેની અસર સમગ્ર સમાજમાં થાય છે. સમાજનાં એક ભાગમાં પરિવર્તન સમગ્ર સમાજમાં પરિવર્તન લાવે છે.[૧૬]
દર્પણ-સ્વનો સિદ્ધાંત
ફેરફાર કરોકૂલેએ આપેલા મહત્ત્વના ખ્યાલોમાં 'દર્પણ-સ્વ'ના સિદ્ધાંતની ગણના થાય છે, જેમાં તેમણે પ્રતિપાદિત કર્યું છે કે વ્યક્તિનો 'સ્વ' સામાજિક પેદાશ છે.[૧૫] કૂલેએ કહ્યું કે વ્યક્તિનો 'સ્વ' વિશેનો ખ્યાલ સામાજિક વાતાવરણમાંથી ઉદ્ભવે છે અને વિકસે છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ કે વ્યક્તિઓ સાથેની આંતરક્રિયામાંથી પોતાના વિશેના વિચારો ગ્રહણ કરે છે, અને પોતાના વિશે જે ભાવ અનુભવે છે તે તેનો 'સ્વ' છે. કૂલેએ જણાવ્યું કે બીજા સાથેની આંતરક્રિયા વગર સ્વનું અસ્તિત્ત્વ સંભવિત નથી. બીજા લોકો આપણા વિશે શું વિચારે છે તેની આપણે કલ્પના કરીએ છીએ અને એને આધારે આપણે આપણા વિશેનો ખ્યાલ બાંધીએ છીએ. આ પ્રક્રિયાને કૂલેએ 'દર્પણ સ્વ' નામ આપ્યું છે.[૧૭]
આપણા શારીરિક દેખાવ અંગેનો અંદાજ આપણે અરીસામાં જોઈને બાંધીએ છીએ. એ જ રીતે એક સામાજિક વ્યક્તિ તરીકેનો અંદાજ આપણે આપણા આંતરવ્યક્તિગત સંબંધોમાં બીજાના આપણા તરફનાં વલણને આધારે મેળવીએ છીએ. બીજા આપણા વિશે શું વિચારે છે એની જાણકારી મેળવીને અથવા તો એની કલ્પના કરીને આપણે આપણી જાણકારી કે કલ્પના અનુસાર લાગણીઓ અનુભવીએ છીએ. આ લાગણી ગર્વની, આત્મવિશ્વાસની, શરમની કે ક્ષોભની હોઈ શકે છે. આ રીતે કૂલે 'સ્વ'ને વ્યક્તિગત નહિ, પરંતુ સામાજિક ઘટના ગણે છે.[૧૮]
પદ્ધતિશાસ્ત્ર
ફેરફાર કરોકૂલેએ સમાજશાસ્ત્રમાં સહાનુભૂતિપૂર્ણ સમજની પદ્ધતિની અજમાયશ કરી, અને આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. સમાજશાસ્ત્રના અભ્યાસમાં તેમણે સમગ્રતાલક્ષી અભિગમની હિમાયત કરી.[૧૫]
કૂલે સમાજશાસ્ત્રના અભ્યાસને વ્યવસ્થિત આત્મકથાના અભ્યાસ સાથે સરખાવે છે. તેઓ માને છે કે સમાજનો અભ્યાસ પદ્ધતિપૂર્વક થવો જોઈએ, જેથી અભ્યાસમાં સરળતા રહે અને ચોક્કસ નિર્ણય પર આવી શકાય. તેઓ માને છે કે વ્યવસ્થિત રીતે સંશોધન કરવાથી આત્મસૂઝ વધે છે અને અભ્યાસ ઝડપી બને છે. પરંતુ તેના તરફનો વધારે પડતો ઝોક ચિંતન અને કલ્પનાશક્તિને કુંઠિત ન બનાવી દે તે જોવું જોઈએ. કૂલેના મત અનુસાર પદ્ધતિ ઉપયોગી છે અને સંશોધનમાં તેનું મહત્ત્વ છે, પરંતુ કઈ પદ્ધતિ વધારે મહત્ત્વની છે તે વિષે નિર્ણય કરવો મુશ્કેલ છે. દરેક વ્યક્તિ તેના પૂરતો નિર્ણય કરે એ યોગ્ય છે, પરંતુ તે માટે સામાન્ય સિદ્ધાંતો નક્કી કરવા મુશ્કેલ છે. કૂલે પદ્ધતિપૂર્વકના અભ્યાસને સ્વીકારતા હતા, પરંતુ સંશોધનમાં સંશોધકની ક્ષમતા, તેના જ્ઞાન અને આત્મસૂઝને પદ્ધતિ કરતાં વધારે મહત્ત્વ આપતા હતા. તેમને સામાજિક વિષયોના અભ્યાસ માટે 'સહાનુભૂતિપૂર્ણ સમજ'ની પદ્ધતિ પસંદ કરી હતી. તેમની પદ્ધતિ 'સાહજિક આત્મખોજ' (Intuitive introspection)ની પદ્ધતિ પણ કહેવામાં આવે છે. તેઓ માનતા હતા કે સમાજશાસ્ત્રના અભ્યાસમાં વિષયવસ્તુ સાથે ઓતપ્રોત થઈ જવું જોઈએ, પણ સાથે સાથે તેઓ સ્વીકારતા હતા કે તેમની પદ્ધતિ જ ઉત્તમ પદ્ધતિ છે એવું નથી.[૧૯]
નોંધ
ફેરફાર કરો- ↑ સમાજશાસ્ત્રનો એક સિદ્ધાંત જે માને છે કે મનુષ્યનું સામાજિક વર્તન ભાષા અને ચેષ્ટાઓ જેવા પ્રતિકો દ્વારા વિકાસ પામે છે.
- ↑ સમાજશાસ્ત્રની એક વિચારસરણી જે માને છે કે માનવ વ્યવહાર મૂલત: જન્મજાત, વારસાગત, જાતીય અથવા પ્ર-જાતીય લાક્ષણિકતાઓનું પરિણામ હોય છે. તેમની આ વિશેષતાઓ જુદી જુદી વ્યક્તિઓની જુદી જુદી અભિવૃત્તિઓ અને કાર્યક્ષમતાઓ માટે જવાબદાર હોય છે. આ વાદને 'જૈવિક નિર્ણાયકવાદ' પણ કહે છે.[૮]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ વ્હોરા ૧૯૮૪, p. ૧.
- ↑ વ્હોરા ૧૯૮૪, pp. ૧–૨.
- ↑ વ્હોરા ૧૯૮૪, p. ૨.
- ↑ વ્હોરા ૧૯૮૪, p. ૪.
- ↑ વ્હોરા ૧૯૮૪, p. ૩.
- ↑ Fuhrman, E. R. (1999). "Cooley, Charles Horton". American National Biography. New York: Oxford University Press. (લવાજમ જરૂરી)
- ↑ વ્હોરા ૧૯૮૪, p. ૬.
- ↑ જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૫૯. ISBN 978-93-85344-46-6.
- ↑ પરમાર ૨૦૧૧, p. ૧૮૩.
- ↑ વ્હોરા ૧૯૮૪, p. ૧૫.
- ↑ ૧૧.૦ ૧૧.૧ વ્હોરા ૧૯૮૪, p. ૧૬.
- ↑ વ્હોરા ૧૯૮૪, p. ૧૭.
- ↑ ૧૩.૦ ૧૩.૧ વ્હોરા ૧૯૮૪, pp. ૧૭–૧૮.
- ↑ વ્હોરા ૧૯૮૪, p. ૩૨.
- ↑ ૧૫.૦ ૧૫.૧ ૧૫.૨ વ્હોરા, સારા (૧૯૯૯). "ફૂલે, ચાર્લ્સ હૉર્ટન". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૨ (પ્યા–ફ) (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૩૪. OCLC 248968663.
- ↑ વ્હોરા ૧૯૮૪, p. ૫૦–૫૧.
- ↑ વ્હોરા ૧૯૮૪, p. ૫૮–૫૯.
- ↑ વ્હોરા ૧૯૮૪, p. ૬૦.
- ↑ વ્હોરા ૧૯૮૪, pp. ૨૮–૨૯.
સંદર્ભ સૂચિ
ફેરફાર કરો- વ્હોરા, સારાબહેન એચ. (૧૯૮૪). ચાર્લ્સ હોર્ટન કૂલેનું સમાજશાસ્ત્ર (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ.
- પરમાર, વાય. એ. (૨૦૧૧). સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો (ચોથી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૮૩–૧૮૫.
પૂરક વાચન
ફેરફાર કરો- Coser, Lewis A. (1977). "Charles Horton Cooley". Masters of Sociological Thought: Ideas in Historical and Social Context. Harcourt Brace Jovanovich. પૃષ્ઠ 305–330. ISBN 978-0-15-555130-5.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ગુજરાતી વિશ્વકોશમાં ચાર્લ્સ કૂલે.
- ચાર્લ્સ કૂલે - સર્જન અથવા તેમના વિશે વધુ માહિતી ઇન્ટરનેટ અર્કાઇવ પર