જમનાલાલ બજાજ

ભારતીય ઉદ્યોગપતિ અને સ્વાતંત્ર્ય સેનાની

જમનાલાલ બજાજ (૪ નવેમ્બર ૧૮૮૯ – ૧૧ ફેબ્રુઆરી ૧૯૪૨) ભારતીય ઉદ્યોગપતિ[૧] અને મહાત્મા ગાંધીના નિકટના સહયોગી હતા. તેમણે ૧૯૨૦ના દાયકામાં બજાજ ઉદ્યોગજૂથની સ્થાપના કરી હતી.

જમનાલાલ બજાજ
૧૯૭૦ની ભારતીય ટપાલ ટિકિટ પર જમનાલાલ બજાજ
જન્મની વિગત(1889-11-04)4 November 1889
સિકર, રાજપૂતાના (વર્તમાન રાજસ્થાન), બ્રિટીશ ભારત
મૃત્યુ11 February 1942 (aged 52)
વર્ધા, કેન્દ્રીય પ્રાંત અને બેરર, ભારત
વ્યવસાયરાજનેતા, ઉદ્યોગપતિ, બજાજ જૂથના સ્થાપક (સ્થા. ૧૯૨૬)
જીવનસાથીજાનકી દેવી બજાજ
સંતાનો

પૃષ્ઠભૂમિ અને પ્રારંભિક જીવન ફેરફાર કરો

જમનાલાલ બજાજનો જન્મ ૧૮૮૯માં રાજસ્થાનના સિકર નજીક 'કાશી કા બાસ' નામના ગામમાં કનિરામ અને બિરધીબાઈના ત્રીજા પુત્ર તરીકે એક મારવાડી પરિવારમાં થયો હતો. બાદમાં તેમને શેઠ બચરાજ (બજાજ) અને તેમની પત્ની સાદીબાઈ બચરાજ (બજાજ) દ્વારા પૌત્ર તરીકે દત્તક લેવામાં આવ્યા હતા, જે મૂળ રાજસ્થાનના વતની હતા પરંતુ મહારાષ્ટ્રના વર્ધામાં સ્થાયી થયા હતા. શેઠ બચરાજ (બજાજ) તેમના પિતાના પક્ષે દૂરના સંબંધી હતા, અને બ્રિટિશ રાજના જાણીતા અને આદરણીય વેપારી હતા.[૨]

યુવાન જમનાલાલ, શેઠ બચરાજની છત્રછાયા હેઠળ તેમના દત્તક પરિવારના પારિવારિક વ્યવસાયમાં સામેલ થયા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે વેપાર, રોજમેળ અને ચીજવસ્તુઓ ખરીદવા અને વેચવાની કુશળતા પ્રાપ્ત કરી હતી. શેઠ બચરાજનું અવસાન થયું ત્યાં સુધીમાં તેમણે તેમના કામમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. ૧૯૨૬માં જમનાલાલે બજાજ જૂથ ઉદ્યોગોની સ્થાપના કરી હતી.

માનદ ન્યાયાધીશ ફેરફાર કરો

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારે દેશી ઉદ્યોગપતિઓને ખુશ કર્યા હતા અને સન્માન આપ્યું હતું અને ભંડોળની માંગ કરી હતી. તેઓએ જમનાલાલને માનદ મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કર્યા. જ્યારે તેમણે યુદ્ધ ભંડોળ માટે પૈસા પૂરા પાડ્યા ત્યારે બ્રિટિશ સરકારે તેમને રાય બહાદુરની ઉપાધિથી નવાજ્યા હતા. જોકે આ સન્માન તેમણે ૧૯૨૧ની અસહકારની ચળવળ દરમિયાન પરત કર્યું હતું.

ગાંધીજીના અનુયાયી ફેરફાર કરો

મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા ત્યારથી જમનાલાલે ગાંધીજીની જીવનશૈલી, અહિંસા જેવા તેમના સિદ્ધાંતો અને ગરીબો પ્રત્યેના તેમના સમર્પણમાં રસ લીધો હતો. તેઓ ગાંધીજીની દૂરંદેશીતાને સમજી શક્યા કે ઘરેલું માલ ભારતની ગરીબીનો જવાબ છે. તેમણે વિચાર્યું કે કેટલીક બ્રિટિશ કંપનીઓ ભારતમાંથી સસ્તા, કાચા કપાસની આયાત કરી રહી છે અને તૈયાર કપડું પાછું મોકલી રહી છે. ગાંધીજી સાબરમતી આશ્રમમાં જે સરળ જીવન જીવી રહ્યા હતા તેનાથી તેઓ પ્રભાવિત થયા હતા. આશ્રમની પ્રાર્થના અને શારીરિક કાર્યની દિનચર્યાથી તેઓ પ્રભાવિત થયા. તેઓ તેમની પત્ની જાનકીદેવી અને તેમના બાળકોને આશ્રમમાં રહેવા લાવ્યા. જો કે, ગાંધીજી સાથેના ગાઢ સંબંધ અને સ્વતંત્રતા ચળવળમાં તેમની સહભાગીતાને કારણે જમનાલાલ બજાજને તેમના નવા શરૂ થયેલા વ્યાવસાયિક સાહસ પર વધુ ધ્યાન આપી શક્યા નહી.[૩]

સ્વતંત્રતા ચળવળ ફેરફાર કરો

૧૯૨૦માં જમનાલાલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નાગપુર સત્ર માટે સ્વાગત સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેમણે બ્રિટિશ સરકાર દ્વારા તેમને આપવામાં આવેલા રાય બહાદુરનું બિરુદ છોડી દીધું હતું અને ૧૯૨૧માં અસહયોગ આંદોલનમાં જોડાયા હતા. બાદમાં, ૧૯૨૩માં, તેમણે નાગપુરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા પરના પ્રતિબંધને અવગણીને ધ્વજ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો, અને બ્રિટિશ દળોએ તેમની અટકાયત કરી હતી. આનાથી તેમની રાષ્ટ્રીય પ્રતિષ્ઠામાં વધારો થયો હતો.

તેઓ ઇચ્છતા હતા કે ગાંધીજી વર્ધા જાય અને તેને તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવે. એપ્રિલ ૧૯૩૦માં દાંડી કૂચ બાદ ગાંધીજી ગ્રામીણ લોકોની નજીક રહેવા માંગતા હોવાથી વર્ધા નજીકના એક નાનકડા ગામ સેવાગ્રામ ગયા અને આઝાદી ન મળે ત્યાં સુધી સાબરમતી આશ્રમમાં પાછા નહીં ફરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

જમનાલાલને કામદારોના એક જૂથ ગાંધી સેવા સંઘના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. બાદમાં તેઓ કોંગ્રેસ કાર્યકારિણી સમિતિના સભ્ય અને ૧૯૩૩ માં કોંગ્રેસના ખજાનચી તરીકે ચૂંટાયા હતા.

સમાજસેવા ફેરફાર કરો

જમનાલાલ બજાજને અસ્પૃશ્યતા દૂર કરવી, હિન્દીને પ્રોત્સાહન આપવું અને ખાદી અને ગ્રામોદ્યોગ જેવી પહેલમાં રસ હતો. ખાદીને પ્રોત્સાહન આપવા માટે તેમણે દેશભરમાં પ્રવાસ કર્યો હતો. ૧૯૨૫માં તેમને અખિલ ભારતીય વણાટ સંઘના કોષાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ અખિલ ભારતીય હિન્દી સાહિત્ય સંમેલનના પ્રમુખ પણ રહ્યા હતા. તેમણે તમામ ભારતીયોને એકજૂથ કરવા માટે હિન્દીને રાષ્ટ્ર ભાષા તરીકે પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે હિન્દી સામયિકો અને પુસ્તકો પ્રકાશિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે મુંબઈમાં 'ગાંધી હિન્દી પુસ્તક ભંડાર' અને 'સસ્તા સાહિત્ય મંડળ' (પ્રકાશન ગૃહ) ની શરૂઆત કરી હતી.

તેમણે દેશભરમાં હિન્દીનું ચલણ વધારવાની આશાથી સી. રાજગોપાલાચારી સાથે 'દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભા'ની સ્થાપના કરી હતી.

૧૯૨૮થી તેમણે નવી દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા વિશ્વવિદ્યાલયની પ્રબંધક સમિતિના મુખ્ય ખજાનચી તરીકે સેવા આપી હતી. ૧૯૨૮થી તેઓ વિશ્વવિદ્યાલયના આજીવન સભ્ય બન્યા હતા.

તેમના સમર્પણને કારણે તેઓ ૧૯૩૮માં જયપુર રાજ્ય પ્રજા મંડળના વડા તરીકે ચૂંટાયા હતા. આ દરમિયાન તેમણે સિકર અને જયપુરના મહારાજાઓ વચ્ચે યુદ્ધવિરામની વાટાઘાટો કરી હતી.

તેમની સામાજિક પહેલના માનમાં બજાજ ફાઉન્ડેશન દ્વારા 'જમનાલાલ બજાજ પુરસ્કાર'ની સ્થાપના કરવામાં આવી છે.[૪]

સન્માન ફેરફાર કરો

'જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ' સહિત અનેક સંસ્થાઓનું નામકરણ તેમના નામ પરથી કરવામાં આવ્યું છે. મુંબઈના અંધેરીમાં આવેલા જે.બી. નગર નામના એક વિસ્તારનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. ગાંધીમૂલ્યો, સામુદાયિક સેવા અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી ૧૯૭૮ માં જમનાલાલ બજાજ ફાઉન્ડેશન દ્વારા જમનાલાલ બજાજ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી અને દર વર્ષે તેમની જન્મજયંતિ પર આ પુરસ્કાર આપવામાં આવે છે.[૫]

સંદર્ભ ફેરફાર કરો

  1. "The Gandhian spirit". The Financial Express (India). 2 January 2000. મૂળ માંથી 19 December 2013 પર સંગ્રહિત.
  2. D, Avantika (31 December 2018). "Life before success of these Indian industrialists of humble beginnings will inspire every ambitious mind". Yahoo!.
  3. "History of Bajaj Auto".
  4. "Archived copy". મૂળ માંથી 6 May 2009 પર સંગ્રહિત. મેળવેલ 23 April 2009.CS1 maint: archived copy as title (link) સંગ્રહિત ૨૦૦૯-૦૫-૦૬ ના રોજ વેબેક મશિન
  5. "Jamnalal Bajaj Award". Jamnalal Bajaj Foundation. મૂળ માંથી 29 March 2012 પર સંગ્રહિત. સંગ્રહિત ૨૦૧૨-૦૩-૨૯ ના રોજ વેબેક મશિન