પટેલિયા

મધ્ય-પ્રદેશ અને ગુજરાતમાં વસતિ આદિવાસી જાતિ

પટેલિયામધ્ય પ્રદેશ અને ગુજરાતની એક આદિવાસી જાતિ છે. ગુજરાતના આદિવાસીઓમાં પટેલિયા શિક્ષિત અને આગળ પડતી આદિવાસી જાતી ગણાય છે. આ જાતી મુખ્યત્વે પંચમહાલ જિલ્લામાં દાહોદ અને લીમખેડા તાલુકાઓમાં મુખત્વે વસે છે.[]

ઉત્પત્તિ

ફેરફાર કરો

પટેલીયા લોકોની ઉત્પત્તિ અંગે કોઈ ચોક્કસ પુરાવા મળતા નથી; પરંતુ ગામમાં વહીવટકર્તા તરીકે કામગીરી બજાવતા હોઈ 'પટેલ' અને તેમાંથી 'પટેલિયા' કહેવાયા હશે એવું અનુમાન કરવામાં આવે છે. પોતે ચાંપાનેરના મૂળ રાજપૂતો હતા અને મુસલમાન રાજાના ત્રાસથી નાસી જંગલમાં ભરાઈ ગયેલા અને તેથી આદિવાસી જેવા થઈ ગયેલા એમ તેઓની માન્યતા છે. દાહોદ તાલુકામાં તેમની વસ્તી ૫૬ જેટલા ગામોમાં છે. તેમનામાં વિવિધ અટકો, કુળદેવીઓ, ગોત્રો અને પૂજાપાત્ર વૃક્ષો વગેરે જોવા મળે છે જે નીચે મુજબ છે:[]

ક્રમ અટક કુળદેવી ગોત્ર પૂજા
પરમાર હરિસિદ્ધ ભવાની વસિષ્ઠ ખાંડાની ધાર
રાઠોડ નાગણી ભવાની ભારદ્વાજ ચમણીની પૂજા
જાદવ મહાકાળી વાલ્મીકિ કમળની પૂજા
ચૌહાણ આશાપુરી વેણુક આસોપાલવની પૂજા
સોલંકી બ્રાહ્મણી વર્ષકેતુ સીમળાની પૂજા
ગોહિલ ચામુંડા ભવાની ગૌતમ ખાખરાની પૂજા

ઉપર પ્રમાણેની છ મુખ્ય અટકો ઉપરાંત બીજી ૭૨ જેટલી અટકો તેમનામાં જોવા મળે છે.[]

તેઓ પૂર્ણ પોશાક પહેરે છે. પુરુષો માથે આંટાવાળી પાઘડી, ખમીસ અને કચ્છો મારી ધોતિયું પહેરે છે. હાથે ચાંદીનું ભોરિયું અને કમરે ચાંદીનો કંદોરો પહેરે છે. આજના સમયમાં તેમનામાં ચડ્ડી, લેંઘો, પૅન્ટ, બુશર્ટ વગેરે પણ પહેરાય છે. સ્ત્રિઓ મોટી ઘેરનો કચ્છો વાળીને ઘાઘરો, લૂગડું, કબજો વગેરે પહેરે છે. પગે, ગળામાં, હાથમાં કોણી સુધી રૂપાનાં ઘરેણાં પહેરે છે. સ્ત્રીઓ હવે ગુજરાતી ઢબની સાડી, મંગળસૂત્ર પહેરતી થઈ છે.[]

તેઓ વ્યવસાયમાં મુખત્વે ખેતી, ખેત-મજૂરી તથા છૂટક મજૂરી કરે છે. શિક્ષણનો વિકાસ થતાં તેમનામાં સરકારની નોકરીઓ કરવાનું વલણ વધ્યું છે. તેઓ પરંપરાગત રીતે વન્ય જીવનવાળા હોવાથી વન્યધર્મ પાળે છે. પરંતુ પાછળથી પ્રણામી, સ્વામીનારાયણ, કબીરપંથી જેવા સંપ્રદાયોના વિકાસથી તેઓ હિંદુ દેવ-દેવીઓને પૂજે છે.[]

સમાજવ્યવસ્થા

ફેરફાર કરો

તેઓ પિતૃસત્તાક, પિતૃસ્થાની અને પિતૃવંશીય સમાજવ્યવસ્થા ધરાવે છે. તેમનામાં સગોત્રીય લગ્નનો વિરોધ જોવા મળે છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ભટ્ટ, અરવિંદ (૧૯૯૮). "પટેલિયા". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૦ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૯૦. OCLC 313334903.