મારી હકીકત

૧૯મી સદીના ગુજરાતી ભાષાના સાક્ષર નર્મદાશંકર દવેની આત્મકથા

મારી હકીકત એ નર્મદ નામથી જાણીતા ૧૯મી સદીના ગુજરાતી ભાષાના સાક્ષર નર્મદાશંકર દવેની આત્મકથા છે. ગુજરાતી ભાષામાં લખાયેલી એ પહેલી આત્મકથા હતી.[upper-alpha ૧] મૂળ ૧૮૬૬માં લખાયેલી આ આત્મકથા નર્મદની જન્મશતાબ્દી પર ૧૯૩૩માં મરણોપરાંત પ્રકાશિત કરવામાં આવી હતી.[][][upper-alpha ૨]

મારી હકીકત
લેખકનર્મદાશંકર દવે
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારઆત્મકથા
પ્રકાશિત
  • ૧૮૬૬ (મર્યાદિત નકલો)
  • ૧૯૩૩ (પ્રથમ આવૃત્તિ)
  • ૧૯૯૪ (વિવેચનાત્મક આવૃત્તિ)
પ્રકાશકગુજરાતી પ્રેસ (પ્રથમ આવૃત્તિ), કવિ નર્મદ યુગવર્ત ટ્રસ્ટ (વિવેચનાત્મક આવૃત્તિ)
માધ્યમ પ્રકારમુદ્રિત
પાનાં
  • ૭૩ (મર્યાદિત નકલો)
  • ૧૮૪ (વિવેચનાત્મક આવૃત્તિ)

પ્રકાશન ઇતિહાસ

ફેરફાર કરો

નર્મદે ૧૮૬૬માં 'મારી હકીકત' લખી હતી.[][] આત્મકથા લખવા પાછળના ઉદ્દેશને જણાવતાં નર્મદ લખે છે કે:

‘પોતાની હકીકત પોતે લખવી એવો ચાલ આપણામાં નથી તે નવો દાખલ કરવો’ [] એ અને આ હકીકત લખું છ તે કોઈને માટે નહીં, પણ મારે જ માટે- મારે માટે પણ તે ઓળખવાને નહીં (ઓળખાઈ ચુકો છ), દ્રવ્ય પદવિ મેળવવાને નહીં પણ ભૂતનું જોઇ ભવિષ્યમાં ઉત્તેજન મળ્યાં કરે એ માટે…[]

:૬૧

તેમણે ઉમેર્યું હતું કે, તેમનું જીવન લોકોને થોડો સંદેશ આપશે. નર્મદ નિખાલસ અને સ્પષ્ટવક્તા હતા અને તેઓ માનતા હતા કે તેમના વિચારો અને કાર્યો અનુકરણીય છે. પોતાના મન અને તેની આસપાસની દુનિયામાં સમજ આપવા માટે તેમણે પોતાના જીવનની ઘટનાઓ, તે ઘટનાઓ સાથે જોડાયેલા લોકો, તે લોકો સાથેના તેમના સંબંધો અને તે સંબંધોના પરિણામો વિશે શક્ય તેટલું ખુલ્લું લખવાનું પસંદ કર્યું.[]

'મારી હકીકત' દ્વારા નર્મદ તત્કાલીન રાજકીય સ્થિતિ, ધર્મ, સંસ્કૃતિ, સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા, વહેમ, રૂઢિજડતા જેવી બદીઓ અને સામાજિક દુષણો, સ્ત્રીઓની સ્થિતિ, બાળલગ્નો, પુનર્વિવાહ ઉપરાંત શેરસટ્ટા, મુસાફરીની વિગતોનું દસ્તાવેજી ચિત્ર રજૂ કરે છે.[]:૬૧

૧૮૬૫માં નર્મદે નર્મગદ્ય: પુસ્તક ૧ તરીકે તેમના નિબંધોનો સંગ્રહ પ્રકાશિત કર્યો હતો. સુરતની મુખતેસરની હકીકત ૧૮૬૬ માં પૃષ્ઠ ૧ થી પૃષ્ઠ ૫૯ સુધી નર્મગદ્ય : પુસ્તક ૨ : અંક ૧ તરીકે પ્રકાશિત થયું હતું. તેમનો ઇરાદો મારી હકીકતને નર્મગદ્ય: પુસ્તક ૨: અંક ૨ તરીકે પ્રકાશિત કરવાનો હતો, પરંતુ બાદમાં તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો.[]

૧૮૮૬માં તેમના મૃત્યુ પછી તેમના મિત્ર નવલરામ પંડ્યાએ કવિજીવન (૧૮૮૦)નામનું એક જીવનચરિત્ર પ્રકાશિત કર્યું હતું જે નર્મદની આત્મકથા પર આધારિત હતું. તેમણે લખ્યું હતું કે, નર્મદે માત્ર બે થી પાંચ નકલો છપાવી હતી, જે નજીકના મિત્રોને આપવામાં આવી હતી અને તેના મૃત્યુ પછી જ પ્રકાશિત કરવાની વિનંતી કરી હતી. તેમના અન્ય એક નજીકના મિત્ર ઇચ્છારામ દેસાઈના પુત્ર, નંદવરલાલ દેસાઈએ પણ આ વાતનું સમર્થન કર્યું હતું. પરંતુ પાછળથી સંશોધનમાં જાણવા મળ્યું કે નર્મદે આત્મકથાની ૪૦૦ નકલો છાપી હતી; નર્મકવિતા (૧૮૬૬–૬૭)માં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે દરેકની પ્રકાશિત નકલોની સંખ્યા સાથે તેમના તમામ પુસ્તકોની યાદી નો સમાવેશ કર્યો હતો. નર્મદ ભલે થોડી નકલો સિવાય બધાનો નાશ કરી ગયા હોય પરંતુ તેનો કોઈ દૃઢ પુરાવા મળ્યા નથી.[][]

મર્યાદિત નકલમાં રોયલ કદના ૭૩ પૃષ્ઠ હતા. જે યુનિયન પ્રેસ દ્વારા છાપવામાં આવ્યું હતું. આ પ્રેસ નર્મદના મિત્ર નાનાભાઈ રુસ્તમજીની માલિકીનું હતું. ૧૯૧૦માં કોઈ વારસદાર વિના જ નર્મદના એકના એક પુત્ર જયશંકરનું અવસાન થયું હોવાથી તેમણે તેમના પિતાના કાર્યોનું સંચાલન તેમના મિત્રો મૂળચંદ દામોદરદાસ મુકાતી અને ઠાકોરદાસ ત્રિભુવનદાસ તારકાસરને સોંપ્યું હતું. તેઓએ ૧૯૧૧માં આ કામોના કોપીરાઇટ્સ ગુજરાતી પ્રેસને હસ્તાંતરીત કર્યા હતા.[]

૧૯૨૬માં ગુજરાત સામયિકમાં કનૈયાલાલ મુનશીએ કેટલાક પ્રકરણો પ્રકાશિત કર્યા હતા, પરંતુ કોપીરાઇટ ધારક ગુજરાતી પ્રેસે વાંધો ઉઠાવ્યો ત્યારથી તેનું પ્રકાશન અટકાવી દેવામાં આવ્યું હતું. ગુજરાતી પ્રેસે ૧૯૩૦ અને ૧૯૩૧માં ગુજરાતીની દિવાળી આવૃત્તિમાં મારી હકીકતના કેટલાક અંશો પ્રકાશિત કર્યા હતા, આખરે ૧૯૩૩માં નર્મદની જન્મ શતાબ્દી પ્રસંગે સંપૂર્ણ સંસ્કરણ પ્રકાશિત કર્યું હતું.[] પછીથી ૧૯૩૯માં, તેઓએ 'ઉત્તર નર્મદ ચરિત્ર' પણ પ્રકાશિત કર્યું હતું જેમાં આત્મકથાના અનુસરણ તરીકે કેટલીક નોંધો અને પત્રોનો સમાવેશ થાય છે.[]:૧૪૨

આત્મકથા લખવાનો તેમનો મુખ્ય હેતુ સ્વ પ્રોત્સાહન હતો. અન્ય હેતુઓમાં ગુજરાતીમાં આત્મકથાને લોકપ્રિય બનાવવી, તેમના મિત્રોને તેમના જીવનની સમજ આપવી અને તેમના જીવન વિશેના સત્યો સ્પષ્ટ કરવા અને તેમના મૃત્યુ પછી તેનો દસ્તાવેજ છોડવાનો હતો. તેમણે પોતાના જીવન અને તેમના સંબંધીઓ, મિત્રો અને શત્રુઓ વિશે શક્ય તેટલું સત્યતાથી લખવાનું નક્કી કર્યું હતું. તેમણે આત્મકથાને જાહેરમાં પ્રકાશિત ન કરવાનું નક્કી કર્યું હતું કારણ કે તેમનો ઇરાદો કોઈને નુકસાન પહોંચાડવાનો નહોતો પરંતુ માત્ર પોતાના પ્રોત્સાહન માટે જ હતો.

જ્યારે ગુજરાતી પ્રેસે કામગીરી બંધ કરી ત્યારે ૧૮૬૬માં તેમણે છાપેલી એક મર્યાદિત નકલ નર્મદની નોંધો સહિત એમ.ટી.બી. કોલેજ, સુરત ખાતે જમા કરાવી હતી.[]

૧૯૩૩માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિમાં ઘણી ભૂલો હતી. બાદમાં એક આવૃત્તિ ધીરુભાઈ ઠાકર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. કવિ નર્મદ યુગવર્ત ટ્રસ્ટની સ્થાપના થયા પછી તેઓએ નર્મદની સમગ્ર કૃતિઓને ફરીથી પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. તેમણે મૂળ હસ્તપ્રતો, મર્યાદિત નકલો અને અગાઉની આવૃત્તિઓ પર સંશોધન કર્યું હતું, જેમાં નર્મદના તમામ સાહિત્યની પણ તપાસ કરવામાં આવી હતી અને આત્મકથાનક પ્રકારના લખાણો અને પત્રો શોધી કાઢવામાં આવ્યા હતા. આત્મકથા, આત્મકથાત્મક નોંધો અને પત્રોની બનેલી આ વિવેચનાત્મક આવૃત્તિનું સંકલન રમેશ એમ. શુક્લાએ કર્યું હતું અને ૧૯૯૪માં ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું.[]

ચંદ્રકાન્ત ટોપીવાળાએ આત્મકથાના પ્રમુખ તત્ત્વો તરીકે નિખાલસતા, પ્રામાણિકતા અને આત્મનિરીક્ષણના પ્રયાસો પર પ્રકાશ ફેંક્યો છે. તેમણે તેના ગદ્યની પણ પ્રશંસા કરી છે.[] ધીરુભાઈ મોદીએ સુંદરતા વિનાની તેની ભાષાની ટીકા કરી છે પરંતુ તેના સત્યકથન અને પ્રામાણિકતાની પ્રશંસા કરી છે. તેમણે તેની ચોકસાઈ અને તેને લખવાના પ્રયાસો માટે પણ નર્મદની પ્રશંસા કરી છે. ગુલાબદાસ બ્રોકરે તેને 'ખૂબ જ નીડર, નિષ્ઠાવાન અને સુંદર આત્મકથા' તરીકે વર્ણવી હતી.[] જોકે ગુજરાતી વિવેચક વિશ્વનાથ ભટ્ટે નોધ્યું હતું કે, નર્મદની આત્મકથામાં સુસંગતતા, વ્યવસ્થા અને શું લખવું તે અંગે ભેદભાવની ભાવનાનો અભાવ છે.[]

  1. દુર્ગારામ મહેતાએ ૧૮૪૦ના દશકમાં નિત્યનોંધ લખ્યું હતું, પરંતુ અંગ્રેજી શૈલીની ઔપચારિક આત્મકથાના પ્રયાસ કરતાં તે અંગત ડાયરી વધુ હતી. ત્યારબાદ મહીપતરામ રૂપરામ નીલકંઠે આ ડાયરી પર આધારિત જીવનચરિત્ર દુર્ગારામ ચરિત્ર (૧૮૭૯) લખ્યું હતું.[][][]
  2. ૧૮૬૬માં નર્મદે પોતાની આત્મકથા લખી હતી, પરંતુ તેમણે તેને મરણોત્તર પ્રકાશિત કરવાનો અનુરોધ કર્યો હતો. આ આત્મકથા નર્મદની જન્મશતાબ્દી પર ૧૯૩૩માં મરણોપરાંત પ્રકાશિત કરવામાં આવી હતી. તેની પહેલાં નારાયણ હેમચંદ્ર દ્વારા હું પોતે (૧૯૦૦) અને મહાત્મા ગાંધીની સત્યના પ્રયોગો (૧૯૨૫-૧૯૨૯) એમ બે આત્મકથાઓ પ્રકાશિત કરવામાં આવી હતી.[]

પૂરક વાંચન

ફેરફાર કરો
  • Tridip Suhrud. Narrations of a nation explorations through intellectual biographies (Ph.D.). Ahmedabad: School of Social Sciences, Gujarat University. hdl:10603/46631.
  1. Amaresh Datta (1987). Encyclopaedia of Indian Literature: A-Devo. Sahitya Akademi. પૃષ્ઠ 527. ISBN 978-81-260-1803-1.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "નર્મદશંકર દવે". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ 25 October 2016.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ પંડ્યા, કુસુમ એચ. (31 December 1986). ગુજરાતી આત્મકથા અને તેના સ્વરૂપગત પ્રશ્નો. શોધનિબંધ. સરદાર પટેલ વિશ્વવિદ્યાલય, ગુજરાતી વિભાગ. પૃષ્ઠ 200–220. hdl:10603/98617.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ કડીઆ, ડૉ રસીલા (2015). "'મારી હકીકત' : દવે નર્મદાશંકર". આત્મકથા : સ્વરૂપ અને વિકાસ (2 આવૃત્તિ). અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ 138–142.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ૫.૫ ૫.૬ ૫.૭ દવે, નર્મદાશંકર લાભશંકર (1994). "પ્રસ્તાવના". માં રમેશ એમ. શુક્લ (સંપાદક). મારી હકીકત (1 આવૃત્તિ). સુરત: કવિ નર્મદ યુગવર્ત ટ્રસ્ટ. પૃષ્ઠ 5–21, 172. મૂળ માંથી 2016-10-25 પર સંગ્રહિત.
  6. ૬.૦ ૬.૧ વ્યાસ, સતીશ (2005). "'મારી હકીકત' : નર્મદાશંકર લાભશંકર દવે". માં સુમન શાહ (સંપાદક). આત્મકથા (1 આવૃત્તિ). અમદાવાદ: અરુણોદય પ્રકાશન. પૃષ્ઠ 60–67.
  7. Broker, Gulabdas (1977). Narmadashankar. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 46. OCLC 4136864.
  8. Bhikhu C. Parekh (1999). Colonialism, Tradition, and Reform: An Analysis of Gandhi's Political Discourse. New Delhi: Thousand Oaks, Calif. પૃષ્ઠ 346. ISBN 978-0-7619-9383-4. મેળવેલ 27 April 2017.

બાહ્યકડીઓ

ફેરફાર કરો