મહીપતરામ રૂપરામ નીલકંઠ

ગુજરાતી કેળવણીકાર, સુધારક, નવલકથાકાર અને ચરિત્રકાર

મહીપતરામ રૂપરામ નીલકંઠ ગુજરાતી કેળવણીકાર, સુધારક, નવલકથાકાર અને ચરિત્રકાર હતા.

મહીપતરામ રૂપરામ નીલકંઠ
જન્મ૩ ડિસેમ્બર ૧૮૨૯ Edit this on Wikidata
સુરત Edit this on Wikidata
મૃત્યુ૩૦ મે ૧૮૯૧ Edit this on Wikidata
અમદાવાદ Edit this on Wikidata
વ્યવસાયસર્જક, સમાજ સુધારક, ચરિત્રકાર, નવલકથાકાર, શિક્ષણવિદ્દ Edit this on Wikidata
બાળકોરમણભાઈ નીલકંઠ Edit this on Wikidata

તેમનો જન્મ ૩ ડિસેમ્બર ૧૮૨૯ના રોજ સુરત ખાતે વડનગરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં રૂપરામ નીલકંઠ અને ગિરજાગૌરીને ત્યાં થયો હતો. તેઓ દોઢ વર્ષના હતા ત્યારે તેમની માતાનું નિધન થયું હતું. જ્યારે તેઓ ચાર વર્ષના હતા ત્યારે તેમનું સગપણ ત્રણ વર્ષની કન્યા પાર્વતીકુંવર સાથે થયું. તેમણે પ્રાથમિક શિક્ષણ સ્થાનિક 'ગામઠી શાળા' માં ગોપીપુરા, સુરતમાં પૂર્ણ કર્યું જે પ્રાણશંકર મહેતાની શાળા તરીકે ઓળખાતી હતી. પાછળથી તેઓ સરકારી અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ થયા. તેમના શાળા જીવન દરમિયાન તેઓ તેમના શિક્ષકો અને સુધારકો દુર્ગારામ મહેતા અને દાડોબા પાંડુરંગ, જેઓ પ્રાર્થના સમાજના સ્થાપક આત્મારામ પાંડુરંગના ભાઇ હતા, વગેરેથી પ્રભાવિત થયા હતા. તેમણે તેમના દ્વારા ચલાવવામાં આવતી માનવ ધર્મ સભાની સાપ્તાહિક બેઠકોમાં પણ હાજરી આપી હતી.[][]

૧૮૫૧માં તેઓ તેમની માતૃસંસ્થા સાથે મદદનીશ શિક્ષક તરીકે જોડાયા. ૧૮૫૨માં તેઓ ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુટ, બોમ્બેના માધ્યમિક શિક્ષણ વિભાગમાં જોડાયા અને ૧૮૫૪માં મદદનીશ શિક્ષક તરીકેનો હોદ્દો મેળવ્યા. તેઓ સુધારાવાદી સંસ્થાઓ; જ્ઞાન પ્રસારક સભા અને બુદ્ધિવર્ધક સભા, મુંબઈ સાથે સંકળાયેલા હતા. ૧૮૫૭માં તેમની નિમણૂક કાર્યકારી આચાર્ય તરીકે અમદાવાદ હાઇસ્કૂલ ખાતે થઇ અને પછીથી તેઓ નાયબ શિક્ષણ નિરીક્ષક તરીકે નિમણૂક પામ્યા. ૧૮૫૯માં તેમની નિમણૂક 'હોપ વાચનમાળા' સમિતિમાં શાળા પાઠ્યપુસ્તક સમિતિના સભ્ય તરીકે કરવામાં આવી હતી. તેમને ૨૭ માર્ચ ૧૮૬૦ના રોજ કોલેજના શિક્ષણનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ મોકલવામાં હતા. ૧૩ એપ્રિલ ૧૮૬૦ના રોજ ઇંગ્લેન્ડથી પરત આવ્યા પછી  તેમણે તેમની નિવૃત્તિ સુધી પી. આર. ટ્રેનીંગ કોલેજ, અમદાવાદના પિન્સિપાલ તરીકે સેવા આપી હતી. દરિયો ઓળંગવા માટે નાગર બ્રાહ્મણો દ્વારા તેમને બાર વર્ષ સુધી નાત બહાર મુકવામાં આવ્યા હતા. તેમને તેમના પિતાની અંતિમવિધિ પણ કરવા ન દેવાઇ હતી અને તેઓ સમાધાન કરીને અનેક વિધિઓ કરીને ફરીથી સમાજમાં જોડાયા હતા.[][][][]

૧૮૫૦માં તેમણે પરહેજદાર સામયિકનું સંપાદન કર્યું હતું અને શૈક્ષણિક માસિક ગુજરાત શાળા પત્ર (૧૮૬૨-૭૮, ૧૮૮૭-૯૧)નું પણ સંપાદન કાર્ય કર્યું હતું. ૧૮૫૭માં દસ મહિના માટે તેમણે સુધારાવાદી સાપ્તાહિક સત્યપ્રકાશનું સંપાદન કાર્ય સંભાળ્યું હતું.[] ૧૮૫૫માં તેમને રાવ સાહેબ અને કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર (CIE) ખિતાબ બ્રિટિશ સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ અમદાવાદ પ્રાર્થના સમાજ અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તેમજ અન્ય ઘણી સુધારાવાદી સંસ્થાઓ જે વિધવા પુન:લગ્ન, બાળલગ્ન પ્રતિબંધ વગેરેમાં કામ કરતી હતી તેમની સાથે સંકળાયેલા હતા. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને ચેરમેન પણ રહ્યા હતા.[][]

 
રાયપુર, અમદાવાદ ખાતેનો "મહીપતરામ રૂપરામ આશ્રમ", સ્થાપના: ૧૮૯૨

તેઓ ૩૦ મે ૧૮૯૧ના રોજ અમદાવાદમાં અવસાન પામ્યા.[] તેમના પત્ની પાર્વતીકુંવરે તેમને સામાજીક અને સુધારણા પ્રવૃત્તિઓમાં સાથ આપ્યો હતો.[] તેમના પુત્ર રમણભાઈ નીલકંઠ પણ લેખક હતા અને અમદાવાદના મેયર પદે રહ્યા હતા. ૧૭ ડિસેમ્બર ૧૮૯૨ના મહીપતરામ રૂપરામ આશ્રમ નામના અનાથાશ્રમની સ્થાપના રાયપુર, અમદાવાદમાં તેમની યાદમાં કરવામાં આવી હતી, જે હવે ભારતના સૌથી જૂનાં અને સૌથી મોટાં અનાથાશ્રમોમાંનો એક છે.[][] બ્રિટિશ પ્રવાસ લેખક પિકો ઐયર તેમના પ્રપૌત્ર છે.[]

તેમણે ગુજરાતી સાહિત્યનું પ્રથમ પ્રવાસ વર્ણન ઈંગ્લાંડની મુસાફરીનું વર્ણન (૧૮૬૨) લખ્યું હતું, જેમાં તેમણે ઇંગ્લેન્ડની રાજકીય, સામાજિક, શૈક્ષણિક સ્થિતિનું વર્ણન તેમજ ઇંગ્લેન્ડના કેટલાક લોકપ્રિય સ્થળોનું વર્ણન કર્યું હતું.[] ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર (૧૮૭૭) તેમના મિત્ર અને જાણીતા વ્યક્તિ કરસનદાસ મૂળજીનું જીવનચરિત્ર છે. મહેતાજી દુર્ગારામ મંછારામ ચરિત્ર (૧૮૭૯) દુર્ગારામ મહેતાની રોજનીશી પર આધારિત જીવનચરિત્ર છે. પાર્વતીકુંવર આખ્યાન (૧૮૮૧, બીજી આવૃત્તિ) તેમના પત્નીનું જીવનચરિત્ર છે. અકબરચરિત્ર (૧૮૮૭, બીજી આવૃત્તિ) અકબરનું ઐતહાસિક જીવનચરિત્ર છે, જે મોટે ભાગે અકબરનામાના ગુજરાતી અનુવાદ પર આધારિત છે.[][][]

તેમની પ્રારંભિક, મૂળભૂત અને ઐતિહાસિક મહત્વ ધરાવતી ગુજરાતી સાહિત્યની ત્રણ નવલકથાઓ આ મુજબ છે: સાસુવહુની લડાઇ (૧૮૬૬) કુટુંબ જીવન વિશેની હળવો વિનોદ ધરાવતી નવલકથા છે, જે ગુજરાતી સાહિત્યની પ્રથમ સામાજિક નવલકથા ગણાય છે.[] સધરા જેસંગ (૧૮૮૦) અને વનરાજ ચાવડો (૧૮૮૧) અનુક્રમે સિદ્ધરાજ જયસિંહ અને વનરાજ ચાવડા પર આધારિત ઐતિહાસિક નવલકથાઓ છે. તે મુખ્યત્વે લોકકથાઓ અને સાંસ્કૃતિક ઇતિહાસ પર આધારિત છે.[][][]

તેમણે લોકકલા ભવાઇના ઓગણીસ વેશો અંગેનો પ્રથમ સંગ્રહ ભવાઇ સંગ્રહ તરીકે રજૂ કર્યો હતો. તેમણે તેની પ્રસ્તાવનામાં ભવાઇને ફરીથી પ્રસ્થાપિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે ગરબીઓનો સંગ્રહ તેમજ બોધવચન સંગ્રહ પ્રગટ કર્યો હતો, જે કહેવતોને કાવ્યાત્મક સ્વરૂપમાં રજૂ કરતો હતો.[][]

૧૮૫૬ પછી તેમણે કોલંબસ, ગેલિલિયો ગેલિલી, આઇઝેક ન્યૂટન વગેરેના જીવન વૃત્તાંતો લખ્યા હતા. તેમણે ચેમ્બરના સર્જનનો નાનાભાઇ હરિદાસની સાથે અનુવાદ કર્યો હતો.[કોણ?] તેમણે શાળાના પાઠ્યપુસ્તકો; ગુજરાતી ભાષાનું નવું વ્યાકરણ (૧૮૮૩) અને વ્યુત્પત્તિપ્રકાશ (૧૮૮૯) લખ્યા હતા. તેમણે શિક્ષણ, ભૂગોળ, ભૂસ્ત્રવિજ્ઞાન, વિજ્ઞાન, વૈદકશાસ્ત્ર વગેરે વિષયો પર પણ પુસ્તકો લખ્યા હતા, જે મોટે ભાગે વિદ્યાર્થીઓ માટેના અનુવાદ હતા.[]

પૂરક વાચન

ફેરફાર કરો
  • Parikh, Sukumar; Parikh, Shailaja Kalelkar (૨૦૧૩). Marching to a Different Beat: The Nilkanths of Gujarat. ISBN 978-93-82255-35-2.
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ ૧.૮ R. L. Raval (૨૦૦૨). Mahipatram. Sahitya Akademi. પૃષ્ઠ 1–70. ISBN 978-81-260-1265-7.[હંમેશ માટે મૃત કડી]
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ "મહીપતરામ નીલકંઠ (Mahipatram Nilkanth)". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૭.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ John, Paul (૨૫ નવેમ્બર ૨૦૧૩). "Mahipatram crossed the seas and paid the price". The Times of India. મેળવેલ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૭.
  4. ૪.૦ ૪.૧ John, Paul (૮ ડિસેમ્બર ૨૦૧૩). "The itchy feet gene". The Times of India. મેળવેલ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૭.
  5. "About Us". Mahipatram Rupram Ashram. ૧૮ જાન્યુઆરી ૨૦૧૭. મૂળ માંથી 2017-02-21 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૭.
  6. કનૈયાલાલ મુનશી (૧૯૩૫). Gujarāta and Its Literature: A Survey from the Earliest Times. Longmans, Green & Company, Limited. પૃષ્ઠ ૨૪૮.[હંમેશ માટે મૃત કડી]