મોહમ્મદ મહાબતખાન બાબી

મોહમ્મદ મહાબતખાન રસુલખાન બાબી[૧] અથવા મોહમ્મદ મહાબતખાનજી (ત્રીજા) (ઓગસ્ટ ૨, ૧૯૦૦ - નવેમ્બર ૭, ૧૯૫૯) બ્રિટિશ રાજ હેઠળના ભારતમાં જૂનાગઢ રજવાડાના છેલ્લા નવાબ અને શાસક હતા. તેમના પિતાનું નામ રસુલ ખાન હતું. રજવાડાના અધિકૃત પત્રોમાં તેમનું નામ વાલી એ સોરઠ નવાબ સાહેબ શ્રી ૭ મોહમ્મદ મહાબતખાનજી રસુલખાનજી બાબી બહાદુર રયાસ એમ લખાતું. ઇતિહાસમાં તેઓ તેમની ઝાકઝમાળભરી જીવનશૈલી અને તેમના શ્વાનપ્રેમ માટે તેઓ જાણીતા છે. ભારતની આઝાદી પછી તેમણે જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનો જે નિર્ણય લીધો હતો તેને કારણે ભારતીય સૈન્યએ જુનાગઢ સામે પગલાં ભરવા પડ્યાં હતાં. વિશ્વમાં છેલ્લા બચેલા ગણ્યાંગાંઠ્યા એશિયાઇ સિંહના સંરક્ષણની પહેલ કરીને એ જાતિને બચાવવાનું શ્રેય પણ તેમને જાય છે.[૨]

નવાબ સાહેબ શ્રી મોહમ્મદ મહાબતખાનજી રસુલખાનજી બાબીના લગ્નની સર પ્રભાશંકર પટ્ટણીને લખેલી કંકોત્રી

જન્મ, બાળપણ અને શિક્ષણ ફેરફાર કરો

મહાબતખાનજીના પિતા રસુલખાનજીને ત્રણ બેગમો હતી, બધાં મળી છ સંતાનો હતા, જેમાં મહાબતખાનજી તેમનું ચોથું સંતાન હતા. મહાબતખાનજીનો જન્મ ૨ ઓગસ્ટ, ૧૯૦૦ના રોજ જૂનાગઢમાં થયેલો. તેઓ ૧૧ વર્ષના થયા ત્યારે તેમના પિતા રસુલખાનજીનું અવસાન થયેલું. મહાબતખાનજીએ પ્રારંભિક શિક્ષણ કેળવણી ટ્યુટર અને ગાર્શીયનની દેખરેખ હેઠળ જૂનાગઢમાં જ મેળવેલું. એ પછી વધુ શિક્ષણ માટે તેઓ ઈંગ્લેંડ ગયા જ્યાં તેમણે માર્ચ ૧૯૧૩થી એપ્રિલ ૧૯૧૪, ૧૪ માસ શિક્ષણ મેળવ્યું પરંતુ એ દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ થતા તેઓને ભારત પરત બોલાવી લેવાયા. ત્યાર બાદ તેમને રાજસ્થાનના અજમેર ખાતે આવેલી લોર્ડ મેયો કોલેજમાં દાખલ કરાયા જ્યાં તેમણે ઈ.સ.૧૯૧૬ સુધી અંગ્રેજી માધ્યમમાં ત્યારનાં ૫/૬ ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો. મહાબતખાનજી ત્રીજાએ આ ઉપરાંત ઉર્દૂ ભાષા અને ધાર્મિક શિક્ષણ રાજ્યના સેશન્સ જજ ફકીહની પાસેથી મેળવેલું.

દેશનિકાલ અને મૃત્યુ ફેરફાર કરો

૧૯૪૭માં ભારતના ભાગલા પછી બધાં રજવાડાંને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવાનો વિકલ્પ હતો. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ સુધી ભારતની અંદર આવેલા મોટાભાગના રજવાડાઓ ભારતમાં જોડાઇ ગયા હતા. મહાબતખાને જોકે ૧૯૪૭નો ઉનાળો યુરોપમાં રજા તરીકે ગાળ્યો હતો.[૩] તેમની ગેરહાજરીમાં તેમના દિવાન શાહ નવાઝ ભટ્ટોએ કારભાર સંભાવ્યો અને મહંમદ અલી ઝીણા સાથે પાકિસ્તાનમાં જોડાવાની મંત્રણા ચલાવી. ૧૧ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ રજાઓમાંથી પાછા ફરી નવાબે પાકિસ્તાનમાં જોડાવાનું નક્કી કર્યું અને ઝીણા પાસે લશ્કરી સહાય માંગી.[૪]

જૂનાગઢ રજવાડાના પતન પછી મહાબતખાન તેમના કુટુંબ સાથે પાકિસ્તાન ભાગી ગયા અને કરાંચીમાં સ્થાયી થયા જ્યાં ૧૭ નવેમ્બર ૧૯૫૯ના રોજ હડકવાના કારણે તેમનું મૃત્યુ થયું.

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ખાચર, પ્રદ્યુમન (૨૦૧૨). સોરઠ સરકાર-નવાબ મહાબતખાનજી. પ્રદ્યુમન ખાચર. ISBN 978-81-924026-0-4.
  2. Kinnear, N. B. (1920). "The past and present distribution of the lion in south eastern Asia". Journal of the Bombay Natural History Society. ૨૭: ૩૪–૩૯.
  3. Raghavan, War and Peace in Modern India ૨૦૧૦, p. ૩૧.
  4. Raghavan, War and Peace in Modern India ૨૦૧૦, p. ૩૨.

પુસ્તકો ફેરફાર કરો