આરઝી હકૂમત

જૂનાગઢની સમાંતર સરકાર

આરઝી હકૂમત એ એક સંગઠન હતું જેણે જૂનાગઢને નવાબનાં શાસનથી મુક્ત કરાવ્યું હતું.[]

૧૯૪૭માં ભારત તો આઝાદ ઘોષીત થઇ ગયું હતું, પણ હજુ ભારતમાંના કેટલાક રજવાડાઓ રાજા તથા નવાબોના હાથમાં હતા. આવા દેશી રજવાડાઓને આઝાદ કરવાના બાકી હતા. આવા સમયે જૂનાગઢમાં નવાબ મહોબતખાનનું રાજ હતું. શાહનવાઝ ભુટ્ટોએ જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કરવાનો ખ્યાલ નવાબ મહોબતખાનના દિમાગમાં ઠસાવી દીધો. નવાબે દિલ્લી સરકારને જાણ કર્યા વગર જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કરી દીધું. આ દરમિયાન, જૂનાગઢના કેટલાક આગેવાનો પોતાના બળે નવાબી હકૂમતનો છેડો લાવવા મેદાનમાં આવ્યા અને આરઝી હકૂમત સ્થાપવાનું નક્કી કર્યું. ૨૫ સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ કેટલાક લોકો મુંબઈના માધવબાગમાં ભેગા થયા, જેમનું નેતૃત્વ શામળદાસ ગાંધી તથા અમૃતલાલ શેઠે લીધું. ત્યાં આરઝી હકૂમતના પ્રધાન મંડળની રચના કરવામાં આવી.[]

આરઝી હકૂમત સરકારની ફાળવણી

ફેરફાર કરો
  • શામળદાસ ગાંધી - વડાપ્રધાન અને વિદેશમંત્રી
  • દુર્લભજી ખેતાણી - નાયબ વડાપ્રધાન અને વ્યાપારમંત્રી
  • નરેન્દ્ર નથવાણી - કાયદો અને વ્યવસ્થા
  • ભવાનીશંકર ઓઝા - નિરાશ્રીતોનું ખાતું
  • મણીલાલ દોશી - ગૃહપ્રધાન
  • સુરગભાઈ વરૂ - સંરક્ષણપ્રધાન
  • રતુભાઈ અદાણી - સરસેનાપતિ

હકૂમતની લોકસેના માટે શસ્ત્રસરંજામ મેળવવાની જવાબદારી રસિકલાલ ૫રિખે સંભાળી, જ્યારે સનત મહેતા અને જશવંત મહેતા જેવા કાર્યકરોને વિવિધ લશ્કરી ટુકડીઓને દોરવણી આપવાનું કામ સોંપવામાં આવ્યું. નવાબના શાહી સૈન્યમાં ૧૭૭ અશ્વારોહી સૈનિકો, ઇન્ફન્ટ્રીના ૨૪ સૈનિકો અને ૧૦૭૧ હથિયાર બંધ પુલિસમેન હતા. આરઝી હકૂમતનું પ્રધાન મંડળ લડતનો કાર્યભાર સંભાળવા માટે ટ્રેન દ્વારા રાજકોટ પહોંચ્યું અને ૩૦ સપ્ટેમ્બર,૧૯૪૭ ના રોજ તેના સશસ્ત્ર યુવાનોએ ત્યાંનાં જૂનાગઢ હાઉસ પર છાપો મારી તે આલીશાન મકાનને કબજે કર્યું અને ત્યાં આરઝી હકૂમતની કચેરી સ્થાપી. દરમિયાન રતુભાઈ અદાણી યુવાનોને શસ્ત્રો ચલાવવાની તાલિમ આપી રહ્યા હતા. (આરઝી હકૂમત પાસે પોતાની ફોજ હતી જેનું નામ હતું "આઝાદ જૂનાગઢ ફોજ". જેમાં આશરે ૪૦૦૦ જેટલા સૈનિકો હતા.)

આરઝી હકૂમત દ્વારા "આઝાદ જૂનાગઢ રેડીયો" નામના ગુપ્ત સ્ટેશનેથી "ચલો જૂનાગઢ એકસાથ" અને "આરઝી હકૂમત ઝીંદાબાદ" રેકર્ડ વગાડવામાં આવતી. ૨૪ ઓક્ટોબર, ૧૯૪૭ની તારીખે તેઓ જૂનાગઢ રાજ્યના પૂર્વ સીમાડામાં પ્રવેશ્યા. તેજ દિવસે આરઝી હકૂમતે જૂનાગઢના ૧૧ ગામો પર અંકુશ મેળવ્યો અને ત્યારબાદ લગભગ ૩૬ ગામો પર અંકુશ પ્રાપ્ત કર્યો. માંગરોળ, બાંટવા અને માણાવદર પણ મુક્ત થયા પછી જૂનાગઢ રાજ્યનું કુતિયાણા અલગ પડ્યું. એ વખતે કુતિયાણામાં ૧૩૦૦૦ મુસ્લિમો અને ૧૦૦૦ હિન્દુ લોકો હતા. મુસ્લિમ લીગના આગેવાનો કાઝી તાજુદ્દીન અને હાસમ ખોખરે "આઝાદ કુતિયાણા સરકાર"ની ત્યાં સ્થાપના કરી હતી. હેન્ડ ગ્રેનેડ, બ્રેનગન, રાયફલો અને તમંચા વડે કુતિયાણાનો જંગ કલાકો સુધી ચાલ્યો, જેમાં તાજુદ્દીન અને ખોખર બન્ને માર્યા ગયા. થોડા જ કલાકોમાં ભારતીય લશ્કરના જવાનો આવી પહોંચ્યા અને કુતિયાણાનો હવાલો તેમણે સંભાળી લીધો.[સંદર્ભ આપો]

આરઝી હકૂમતની જીત

ફેરફાર કરો

હવે જૂનાગઢ ચોતરફથી ઘેરાયેલું હતું. બહારનો સંપર્ક કપાતાં અનાજની કારમી તંગી, વેપારધંધા ભાંગી પડ્યા હતા.[] હવે માત્ર હિંદુ જ નહિ, મુસ્લિમ જનતામાં પણ નવાબ સામે આક્રોશ હતો. આ દરમિયાન દીવાન શાહનવાઝ ભુટ્ટોએ ૪ નવેમ્બર, ૧૯૪૭ ના રોજ પુલિસ કમિશ્નર કે.એમ. નક્વીને લેખીત પત્ર સાથે પાકિસ્તાની લશ્કરની સહાય માંગવા કરાચી મોકલ્યો.[] પણ એ પાછા આવ્યા જ નહિ. આથી જૂનાગઢના નવાબ મહાબતખાન જૂનાગઢનું ઉંબાડીયું દીવાન શાહનવાઝ ભુટ્ટો ઉપર નાખી પાકિસ્તાન ભાગી ગયા. તે રૂ. ૧,૨૯,૩૪,૭૦૦ ની ચલણી નોટો, ઝવેરાત, પાંચ બેગમો, અઢાર સંતાનો તથા માનીતા કૂતરા અને બે ડોક્ટરો લઇને પાકિસ્તાન જતો રહ્યો, જ્યાં કરાંચીમાં તેનું "જૂનાગઢ હાઉસ" નામનું મહેલાત જેવું મકાન હતું. ત્યારબાદ ભુટ્ટો પણ પાકિસ્તાન જતા રહ્યા.[સંદર્ભ આપો]

  1. ૧.૦ ૧.૧ Bangash, A Princely Affair 2015, p. 112: "The second tactic was the Arzi Hukumat (provisional government), which was set up under the leadership of Samaldas Gandhi, a nephew of Mahatma Gandhi, under the auspices of the Government of India in Bombay [sic]."
  2. Mcleod, John. Junagadh. Historical Dictionary of the British Empire, Volume 1. પૃષ્ઠ ૬૧૪. In order to compel Mahabatkhanji to reverse his accession, India sent troops to the surrounding states and imposed a blockade
  3. Raghavan, War and Peace in Modern India ૨૦૧૦, p. ૩૨.

પૂરક વાચન

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો