આપણા ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાઓ પર (નળ સરોવર, ખીજડીયા અને થોળ જેવાં પક્ષી અભયારણ્યોમાં તથા આવાં પક્ષીઓને આકર્ષિત કરતાં અન્ય સ્થળોએ ખાસ કરીને શિયાળાની ઋતુમાં જગતના અન્ય (ઠંડા, બર્ફિલા) ભાગોમાં રહેતાં પક્ષીઓ હાડ થીજાવી દેતી ઠંડીથી બચવા અને ખોરાકની શોધ માટે (કેમ કે તેમના વતનમાં ઠંડીને લીધે ચારેકોર બરફ છવાઇ જાય છે, આથી ખોરાકનું મળવું મુશ્કેલ બની જાય છે તેથી) હજારો માઇલની સફર કરી દર વર્ષે આવે છે. આ પ્રવાસી પક્ષીઓને યાયાવર પક્ષીઓ કહેવાય છે અને પક્ષીઓના પ્રવાસને ઋતુ-પ્રવાસ કહે છે. ગુજરાતમાં આશરે ૨૦૦ જેટલી જાતી ના યાયાવર પક્ષીઓની આવન-જાવન થતી રહે છે.