રણમલ્લ છંદ
રણમલ્લ છંદ એ કવિ શ્રીધર વ્યાસ કૃત જૂની ગુજરાતી ભાષા સાહિત્યનું એક ઐતિહાસિક કાવ્ય છે. ઇડરના રાવ રણમલ્લની વીરતા દર્શાવતું અને સિત્તેર કડીઓ ધરાવતું આ કાવ્ય જૂની ગુજરાતી ભાષાની નોંધપાત્ર કૃતિ ગણાય છે. કેશવ હ. ધ્રુવે આ કાવ્યને ખંડકાવ્ય કહ્યું છે.[૧]
પાર્શ્વભૂમિ
ફેરફાર કરોઆ કાવ્ય બ્રાહ્મણ કવિ શ્રીધર વ્યાસ દ્વારા રચવામાં આવ્યું છે. આ કાવ્ય તૈમુર લંગના આક્રમણ પછી વિ.સં. ૧૩૯૮ (ઈ. સ. ૧૩૪૨)માં એટલેકે ચૌદમા સૈકામાં રચાયેલું છે, જેની એકમાત્ર હસ્તપ્રત ઉપલબ્ધ થઈ છે, જે સોળમા સૈકાની છે. કાવ્ય પરથી જણાય છે કે શ્રીધર વ્યાસ રાવ રણમલ્લનો આશ્રિત કવિ છે અને તે કાવ્યમાં વર્ણિત ઘટનાનો સાક્ષી છે. એ સંસ્કૃત ભાષાનો પણ જાણકાર છે એવું કાવ્યની પ્રથમ દસ સંસ્કૃત ભાષાની કડીઓ પરથી જણાય છે.[૧]
કાવ્યનો સંક્ષેપ
ફેરફાર કરોઆ કાવ્ય ડિંગળ શૈલીમાં લખાયેલું છે. ડિંગળનો ઉપયોગ ચારણ કે ભાટ કરે છે, જેમાં રાજવી કે વીરપુરષના પરાક્રમની ગાથા ગાવાનો ઉદ્દેશ રહેલો હોય છે. 'રણમલ્લ છંદ'માં પણ ઈડરના રાવ રણમલ્લની વીરતાની ગાથા રજૂ કરવામાં આવી છે. ગુજરાતના સુલતાન સામે ઇડરના રાજા રણમલ્લના યુદ્ધની ગાથા એ આ કાવ્યનું કથાવસ્તુ છે. કાવ્યની સંસ્કૃત ભાષામાં રચાયેલી પ્રથમ દસ કડીમાં આર્યા છંદનો ઉપયોગ થયો છે.[૧]
રણમલ્લે ખાનનો ખજાનો લુંટ્યો છે અને તે પાછો આપવાનું સુલતાને કહેવડાવ્યું. પણ રણમલ્લ એના પ્રત્યે ધ્યાન નથી આપતો. એ યુદ્ધનો શોખીન અને એ શક્તિશાળી છે. સુલતાન ફરમાન મોકલીને ઇડર પર ચડાઈ કરે છે. રણમલ્લ યુદ્ધનો પ્રતિભાવ આપવા તૈયાર થાય છે. ઇડર પહોંચી ખાન દૂત મોકલીને ખજાનો પાછો મેળવવા પ્રયત્ન કરે છે; પરન્તુ રણમલ્લ ખાનની માંગ અસ્વિકૃત કરે છે અને લડવાનું આહ્વાન આપે છે. દૂતનો જવાબ સાંભળીને ખાન ઇડરના કિલ્લા પર કૂચ કરે છે ત્યાં રણમલ્લના બાર સરદાર છે. એ સહુનું નામ પણ રણમલ્લ જ છે. મુસ્લિમ સૈનિકો બ્રાહ્મણ, સ્ત્રીઓ અને બાળકોને લઈ જાય છે. ત્યારે રણમલ્લ ગુસ્સે થઈને ઝનૂનથી લડે છે. ખાન કિલ્લા તરફ આગેકૂચ કરે છે. રણમલ્લને તક મળતા એ ખાનના સૈન્ય પર ત્રાટકે છે. 'રણમેદાનમાં લોહીથી એ ઊગતા સૂરજ જેવો લાલચોળ થઈ ગયો છે' — એવું કવિએ કહ્યું છે. છેવટે રણમલ્લ વિજયી થાય છે.[૧]
આ કાવ્યનું સાહિત્યિક સ્વરૂપ 'છંદ'નું છે.[lower-alpha ૧] રણમલ્લ છંદમાં આર્યા, ભુજંગપ્રયાત અને પંચચામર (અથવા નારાચ) જેવાં સંસ્કૃત વૃત્તો તેમજ ચોપાઈ, સિંહવિલોકિત, હરિગીત (સારસી), દુમિલા, દુહા, કવિત અથવા છપ્પય જેવા માત્રામેળ છંદો કવિએ પ્રયોજ્યા છે. કેશવ હ. ધ્રુવે આ કાવ્યને ખંડકાવ્ય કહ્યું છે.[૧]
નોંધ
ફેરફાર કરો- ↑ છંદ એ એક સાહિત્યસ્વરૂપ છે. જૂની ગુજરાતી ભાષામાં આ પ્રકારના કાવ્યસ્વરૂપની એક પરંપરા હતી. આ સ્વરૂપમાં મયણ છંદ, અંબિકા છંદ, ભારતી છંદ, અડયલ્લ છંદ, રાવ જેતસીરો છંદ જેવા કાવ્યો મળી આવે છે. આ કાવ્યોમાં અલગ અલગ છંદોનો વિનિયોગ થતો જોવા મળે છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ રાવલ, પ્રફુલ્લ (April 2003). "રણમલ્લ છંદ". ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૭ (ય – રાં). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૭૬. OCLC 551875907.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- રણમલ્લ છંદ ઇન્ટરનેટ અર્કાઇવ પર