રમણલાલ સોની
રમણલાલ પીતાંબરદાસ સોની, જેઓ તેમના ઉપનામ સુદામો વડે પણ ઓળખાતા હતા, જાણીતા બાળસાહિત્યકાર, અનુવાદક અને સામાજીક કાર્યકર હતા. તેમણે મુખ્યત્વે ગુજરાતી ભાષામાં સાહિત્ય સર્જન કર્યું હતું.
રમણલાલ સોની | |
---|---|
જન્મ | કોકાપુર, ગુજરાત, ભારત | 25 January 1908
મૃત્યુ | 20 September 2006 અમદાવાદ, ગુજરાત | (ઉંમર 98)
વ્યવસાય | લેખક, સામાજીક કાર્યકર |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નોંધપાત્ર પુરસ્કારો | રણજિતરામ સુવર્ણચંદ્રક |
સંતાનો | ડો. શ્રીરામ સોની, ડો. જયરામ સોની, પ્રતિમા મોદી |
જીવન
ફેરફાર કરોતેમનો જન્મ મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં ૨૫ જાન્યુઆરી ૧૯૦૮ના રોજ થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મોડાસામાં પૂર્ણ કર્યું. ૧૯૪૦માં આગ્રા યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી. ૧૯૪૫માં તેઓ બી.ટી. મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક અને આચાર્ય બન્યા. ૧૯૪૫માં નોકરી છોડીને તેઓ સાહિત્ય અને સમાજહિતનાં કાર્યોમાં વધુ સક્રિય બન્યા. ૧૯૩૨માં સત્યાગ્રહની લડત દરમિયાન તેઓ યરવડા જેલમાં બંગાળી ભાષા શીખ્યા હતા. તેમણે ખેડૂતો તથા હરિજનોના ઉદ્ધાર માટે અનેક પ્રવૃત્તિઓનું સંચાલન કર્યું હતું. ૧૯૫૨ થી ૧૯૫૭ સુધી તેઓ મુંબઈ ધારાસભાના સભ્ય રહ્યા હતા.[૧][૨]
સર્જન
ફેરફાર કરોશિશુકથા (૧૯૩૫), શિશુસંસ્કારમાળા (૧૯૪૬), ગલબા શિયાળનાં પરાક્રમો (૧૯૪૭), શિશુભારતી ગ્રંથમાળા (૧૯૫૦), ખવડાવીને ખાવું-જિવાડીને જીવવું (૧૯૬૨), ખાટી દ્રાક્ષ, પૂંછકટ્ટો, રોહંત અને નંદિય (૧૯૭૨), ધનોતપનોતની ધડાધડ,(૧૯૭૭), ભોળા ભાભા (૧૯૭૭), ચટકચંદ ચટણી (૧૯૭૭) વગેરે મૌલિક અને અનૂદિત-રૂપાંતરિત બાળવાર્તાપુસ્તકો એમણે આપ્યાં છે. રામાયણ કથામંગલ (૧૯૪૬), ઉપનિષદ કથામંગલ (૧૯૪૬), ભાગવત કથામંગલ, રામરાજ્યના મોતી (૧૯૬૨) વગેરે પુસ્તકોમાં પૌરાણિક વાર્તાઓને બાળભોગ્ય શૈલીમાં નિરૂપી છે.
સિંહાસનબત્રીસી (૧૯૪૨), અરેબિયન નાઇટ્સની વાતો (૧૯૪૬), વીર વિક્રમ, ઇસપની બાલવાતો (૧૯૮૨) વગેરેમાં અદ્ભુતરસિક બાળવાર્તામાળાઓ છે. છબીલો લાલ (૧૯૫૯), થાથા ! થેઈ ! થેઈ ! (૧૯૫૯) અમથો કારભારી ને ફૂલો ઠાકર (૧૯૫૯), ભગવો ઝંડો (૧૯૫૯) અને બાલમંદિરનાં નાટકો (૧૯૬૨)માં બાળમાનસમાં ઉચ્ચતર જીવનભાવનાનાં બીજ વાવે તેવી અભિનયક્ષમ નાટિકાઓ છે. આ બધાં નાટકોનું સંપાદન રમણ સોનીનાં બાળનાટકો (૧૯૭૯)માં થયું છે. રમણ સોનીનાં બાળકાવ્યો (૧૯૭૯)માં બાળકોને ગાવાં ગમે તેવા સરળ, પ્રેરક અને પ્રાસાદિક કાવ્યો-ગીતો છે. એમનાં અભિનય-ગીતો બાળકોની કલાભિરુચીને જાગ્રત કરે તેવાં છે. રમણ સોનીનાં બાળજોડકણાં (૧૯૭૯)ના લય-પ્રાસ અને તાલ આકર્ષક છે. કિશોર રહસ્યકથામાળા (૧૯૬૭), ટાગોરની દ્રષ્ટાંતકથાઓ, કુમારકથા (૧૯૭૯) વગેરે કિશોરો માટેના વાર્તાસંગ્રહો છે. જગતના ઇતિહાસની વીરકથાઓ તથા પૂંછડિયાના પ્રદેશમાં (૧૯૩૫)ની વાર્તાઓ બાળકોને શૂરવીર અને સાહસપ્રિય બનવા પ્રેરણારૂપ છે. શંકરાચાર્ય (૧૯૪૮), શ્રી કેશવચંદ્રસેન (૧૯૪૮), શ્રી દાદાભાઈ નવરોજજી (૧૯૪૮), ગુરુદેવ રવીન્દ્રનાથ (૧૯૬૪), આણદાબાવા (૧૯૭૯) વગેરે ચરિત્રકૃતિઓ બાળકોની વૃત્તિઓને સંસ્કારે, કેળવે અને ઉદાત્ત બનાવે તેવી છે. અમૃતકથા (૧૯૭૯)માં પ્રાચીન જાતકકથાઓ સંચિત થઈ છે. વિશ્વની લોકકથાઓ (૧૯૮૨), પ્રબોધક કથાઓ (૧૯૮૨) અને વિશ્વનો લોકકથાભંડાર (૧૯૮૩)માં દેશપરદેશની લોકકથાઓ સંકલિત થઈ છે.
એમના વાર્તાસંગ્રહ ચબૂતરો (૧૯૩૨)માં બાઇબલ-બોધિત પ્રેમ, દયા, ક્ષમા આદિ ગુણોને સ્વતંત્ર વાર્તારૂપે આલેખવાનો પ્રયાસ છે. બ્રહ્મપુરીનો બ્રાહ્મણ (૧૯૬૬) ચરિત્રાત્મક લાંબી વાર્તા છે. ગુજરાતનાં યાત્રાધામો (૧૯૭૧) એમનું પ્રવાસ પુસ્તક છે. ભારતીય કથામંગલ (૧૯૬૪)માં ઉપનિષદો, મહાભારત, રામાયણ, ભાગવત વગેરે સંસ્કૃત ગ્રંથોની પ્રસંગકથાઓનું લોકભોગ્ય શૈલીમાં આલેખન થયું છે.
બંગાળી સાહિત્યની ઉત્તમ કૃતિઓના અનુવાદક તરીકે એમનું આગવું સ્થાન છે. શરદચંદ્ર ચટ્ટોપધ્યાય, રવીન્દ્રનાથ, દેવેશ દાસ, નરેશબાબુ વગેરેની વાર્તા-નવલકથાઓના અનુવાદો એમણે આપ્યા છે. સ્વામી (૧૯૩૪), શ્રીકાંત (૧૯૩૭), કથા ઓ કાહિની (૧૯૪૧), સંન્યાસિની (૧૯૪૩), ચોખેરવાલી (૧૯૪૬), ગોરા - ભા. ૧-૨ (૧૯૪૬), પથેરદાબી (૧૯૫૭), વિરાજવહુ (૧૯૫૭), બડી દીદી (૧૯૫૭) વગેરે એમના સફળ અને સંનિષ્ઠ અનુવાદો છે.
ભારતની કહાણી (૧૯૫૪), ચમત્કારો આજે પણ બને છે (૧૯૭૫), અનંતના યાત્રીઓ (૧૯૭૭), શ્રીકૃષ્ણપ્રેમ વગેરે એમનાં અન્ય અનુવાદપુસ્તકો છે.
પુરસ્કારો
ફેરફાર કરો૧૯૯૬માં તેમને ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૯૯માં તેમને ગુજરાત સરકાર તરફથી ગુજરાત ગૌરવ પુરસ્કાર મળ્યો હતો.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Lal, Mohan (૧૯૯૨). Encyclopaedia of Indian Literature. ૫. Sahitya Akademi. પૃષ્ઠ 4136–4137. ISBN 9788126012213.
- ↑ "Ramanlal Soni". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૪.