રાજકુમારી અમૃત કૌર

ભારતીય રાજનેતા અને સામાજીક કાર્યકર્તા

રાજકુમારી અમૃત કૌર (૨ ફેબ્રુઆરી ૧૮૮૯ – ૬ ફેબ્રુઆરી ૧૯૬૪) ભારતીય રાજનેતા અને સામાજીક કાર્યકર્તા હતા. ભારતીય સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા અને સહયોગ બદલ તેઓ ૧૯૪૭માં ભારતના પ્રથમ આરોગ્ય પ્રધાન તરીકે નિમાયા અને ૧૯૫૭ સુધી આ પદ પર રહ્યા. તેમના કાર્યકાળ દરમિયાન, કૌરે ભારતમાં અનેક આરોગ્ય વિષયક સુધારાની શરૂઆત કરી હતી. આરોગ્યક્ષેત્રમાં તેમના યોગદાન અને મહિલા અધિકારોની હિમાયત માટે તેમને બહોળા પ્રમાણમાં યાદ કરવામાં આવે છે. તેઓ ભારતીય બંધારણ સભાના સભ્ય પણ હતા.

અમૃત કૌર
જન્મની વિગત(1889-02-02)2 February 1889
લખનૌ, બ્રિટીશ ભારત (વર્તમાન ઉત્તર પ્રદેશ, ભારત)
મૃત્યુ6 February 1964(1964-02-06) (ઉંમર 75)
સંસ્થાસેન્ટ જ્હોન એમ્બ્યુલન્સ,
ટી.બી. એસોશિયેશન,
ભારતીય રેડ ક્રોસ,
અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
ચળવળભારતીય સ્વતંત્રતા ચળવળ
સ્વાસ્થ્ય મંત્રી
પદ પર
૧૬ ઓગસ્ટ ૧૯૪૭ – ૧૬ એપ્રિલ ૧૯૫૭
પ્રધાન મંત્રીજવાહરલાલ નહેરુ
પુરોગામીપદ સર્જન
અનુગામીસુશીલા નાયર
અંગત વિગતો
માતા-પિતાહરનામ સિંહ
પ્રિસિલ્લા ગોલકનાથ

પ્રારંભિક જીવન

ફેરફાર કરો

અમૃત કૌરનો જન્મ ૨ ફેબ્રુઆરી ૧૮૮૯ના રોજ લખનૌ, ઉત્તર પ્રદેશ (તે સમયે સંયુક્ત પ્રાંત) માં થયો હતો. તેઓ પંજાબ પ્રાંતના કપૂરથલા રાજ્યના રજવાડા પરિવારના સભ્ય હરનામ સિંહ અને તેમની પત્ની પ્રિસિલ્લા કૌર (ગોલકનાથ)ના આઠ સંતાનો પૈકી એક માત્ર પુત્રી હતા.[] તેમનો પ્રારંભિક શિક્ષણ અભ્યાસ ડોરસેટ, ઇંગ્લેન્ડ ખાતે શેરબોર્ન સ્કૂલ ફોર ગર્લ્સ શાળામાં તથા કોલેજ શિક્ષણ ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયમાં થયું હતું. ઇંગ્લેન્ડમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ ભારત પરત ફર્યાં.

કારકિર્દી

ફેરફાર કરો

ભારતીય સ્વતંત્રતા ચળવળ

ફેરફાર કરો

ઇંગ્લેન્ડથી પરત ફર્યા બાદ કૌર સ્વતંત્રતા ચળવળમાં જોડાઈ ગયાં. તેમના પિતા ગોપાલ કૃષ્ણ ગોખલે સહિતના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી નેતાઓ સાથે પરિચય ધરાવતા હતા. ૧૯૧૯માં મુંબઈ ખાતે મહાત્મા ગાંધી સાથેની મુલાકાત બાદ તેઓ તેમના વિચારોથી પ્રભાવિત થયાં. જલિયાંવાલા બાગ હત્યાકાંડની ઘટના બાદ બ્રિટીશ સૈન્યએ પંજાબના અમૃતસરમાં ૪૦૦ જેટલા શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓની ગોળીઓ મારી હત્યા કરી નાખી. આ ઘટના બાદ તેઓ બ્રિટીશ રાજના પ્રખર આલોચક બન્યાં. તેઓ ઔપચારિક રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઈ ગયા અને ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય યોગદાનની શરૂઆત સાથે સામાજીક સુધારણાના વિષયમાં ધ્યાન કેન્દ્રિત કર્યું.[]

કૌરે ૧૯૨૭માં અખિલ ભારતીય મહિલા પરિષદની સહ-સ્થાપના કરી.[] બાદમાં તેઓ ૧૯૩૦માં તેના સચિવ અને ૧૯૩૩માં અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. ૧૯૩૦માં મહાત્મા ગાંધીની આગેવાની હેઠળની દાંડીકૂચમાં ભાગ લેવા બદલ તેમને બ્રિટીશ સત્તાધિકારીઓ દ્વારા જેલમાં રાખવામાં આવ્યા. ૧૯૩૪થી તેઓ ગાંધીજીના આશ્રમના અંતેવાસી બન્યા અને કુલીન પૃષ્ઠભૂમિ હોવા છતાં કઠોર જીવનશૈલી અપનાવી.[]

૧૯૩૭માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે હાલના ખૈબર-પખ્તુનખામાં સદ્‌ભાવના મિશન પર ગયાં જ્યાં બ્રિટિશ અધિકારીઓએ તેમના પર રાજદ્રોહનો આરોપ લગાવી ધરપકડ કરી. બ્રિટિશ અધિકારીઓએ તેમને શિક્ષણ સલાહકાર મંડળના સભ્ય તરીકે નિયુક્ત કર્યા પરંતુ ૧૯૪૨માં ભારત છોડો આંદોલન સાથે સંકળાયેલા હોવાના પગલે તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું. આંદોલનની તેમની પ્રવૃત્તિઓ માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી.[]

કૌરે અખિલ ભારતીય મહિલા શિક્ષણ નિધિ સંઘના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તે નવી દિલ્હીની લેડી ઇરવિન કોલેજની કાર્યપાલક સમિતિના સભ્ય હતા. તેમને ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે અનુક્રમે ૧૯૪૫ અને ૧૯૪૬માં લંડન અને પેરિસમાં યુનેસ્કો પરિષદોમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે અખિલ ભારતીય સ્પિનર્સ એસોસિએશનના ટ્રસ્ટી મંડળના સભ્ય તરીકે પણ કામ કર્યું હતું.

તેમણે નિરક્ષરતા ઘટાડવાનું, બાળલગ્નના રિવાજ અને સ્ત્રીઓ માટેની પડદા પ્રથાને નાબૂદ કરવાનું કામ કર્યું હતું.

બંધારણ સભાના સભ્ય અને આરોગ્ય પ્રધાન

ફેરફાર કરો
 
૧૭ ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ નવી દિલ્હીના પાલમ હવાઈમથક પર કેનેડિયન રેડ ક્રોસ તરફથી ભેટ મળેલી પેનિસિલિનની ૯૩ પેટીઓ સ્વીકારતા તત્કાલીન આરોગ્ય પ્રધાન અમૃત કૌર, આરોગ્ય સેવા મહાનિર્દેશક જીવરાજ નારાયણ મહેતા (ડાબે) અને સરદાર બળવંતસિંહ પુરી (જમણે).

ઓગસ્ટ ૧૯૪૭માં સંસ્થાનવાદી શાસનથી ભારતની સ્વતંત્રતા બાદ કૌરને ભારતીય બંધારણ સભાના સભ્યપદે નિમવામાં આવ્યા.[] તેઓ મૌલિક અધિકારો અને અલ્પસંખ્યકો સંબંધિત ઉપસમિતિઓના સભ્ય પણ હતાં.[] સ્વતંત્રતા બાદ અમૃત કૌર જવાહરલાલ નહેરુના વડપણ હેઠળના પહેલાં મંત્રીમંડળનો હિસ્સો બન્યા. તેઓ કેબીનેટ કક્ષાના મંત્રી બનનારા પ્રથમ મહિલા હતા. તેમને સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી.[] ૧૯૫૦માં તેઓ વિશ્વ સ્વાસ્થ્ય સભાના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. આ પદ મેળવનારા તેઓ વિશ્વના પ્રથમ મહિલા અને પ્રથમ એશિયન હતા. આ સંગઠનના ઇતિહાસમાં પ્રથમ ૨૫ વર્ષોમાં ફક્ત બે મહિલાઓ જ આ પદ સુધી નિયુક્ત થયાં હતા.

સ્વાસ્થ્ય મંત્રી તરીકે તેમણે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)ની સ્થાપનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ ૧૪ વર્ષ સુધી ભારતીય રેડક્રોસ સોસાયટીના અધ્યક્ષ રહ્યા. તેમના નેતૃત્ત્વમાં રેડક્રોસ સંસ્થાએ ભારતના અંતરિયાળ વિસ્તારોમાં ઘણી મહત્ત્વની કામગીરી કરી. તેમણે ભારતીય ક્ષય રોગ સંઘ અને કેન્દ્રીય કુષ્ઠ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા (મદ્રાસ) જેવી સ્વાસ્થ્ય સંસ્થાઓ ઉપરાંત અમૃત કૌર નર્સિંગ કોલેજ અને નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયાની શરૂઆત કરી.

૧૯૫૭થી ૧૯૬૪માં તેમના મૃત્યુ સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યાં. ૧૯૫૮થી ૧૯૬૩ દરમિયાન દિલ્હી ખાતેના ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યાં. તેમના મૃત્યુ સુધી તેઓ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS), કેન્દ્રીય કુષ્ઠ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા (મદ્રાસ) અને સેન્ટ જ્હોન એમ્બ્યુલન્સ કોર્પોરેશન જેવી સંસ્થાના અધ્યક્ષપદે રહ્યાં.[]

૬ ફેબ્રુઆરી ૧૯૬૪ના રોજ નવી દિલ્હી ખાતે તેમનું અવસાન થયું.[][]

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  1. Illa Vij (18 March 2000) Rajkumari Amrit Kaur. Tribune India. Retrieved on 2018-12-07.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Bhardwaj, Deeksha (2 February 2019). "Rajkumari Amrit Kaur, the princess who was Gandhi's secretary & India's first health minister". The Print. મેળવેલ 18 October 2019.
  3. Srinivas, V (24 September 2016). "RajKumari Amrit Kaur". Press Information Bureau. Ministry of Health and Family Affairs. મેળવેલ 18 October 2019.
  4. CADIndia સંગ્રહિત ૨૦૧૯-૦૫-૨૧ ના રોજ વેબેક મશિન. Cadindia.clpr.org.in. Retrieved on 7 December 2018.
  5. Rajkumari Amrit Kaur સંગ્રહિત ૨૦૧૯-૦૩-૨૩ ના રોજ વેબેક મશિન. Cadindia.clpr.org.in (6 February 1964). Retrieved on 2018-12-07.
  6. "Genealogy". મૂળ માંથી 2018-08-08 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-13.
  7. Verinder Grover (1993). Great Women of Modern India. Vol. 5: Raj Kumari Amrit Kaur. Deep & Deep. ISBN 9788171004591. |volume= has extra text (મદદ)
  8. "Rajkumari Amrit Kaur, 75, Dies". New York Times. 6 February 1964.