રાજગઢી ટીંબો

ગુજરાતમાં આવેલું ઐતહાસિક સ્થળ

રાજગઢી ટીંબો એ ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ગામે આવેલું મધ્યકાલીન જૈન મંદિરનું ઐતહાસિક સ્થાન છે. આ સ્થળ ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત ‍(S-GJ-295) જાહેર કરવામાં આવ્યું છે.

રાજગઢી ટીંબો
રાજગઢી ટીંબો is located in ગુજરાત
રાજગઢી ટીંબો
રાજગઢી ટીંબો
ગુજરાતમાં સ્થાન
અન્ય નામોજૈન મંદિરના અવશેષો, ઉમતા
સામાન્ય માહિતી
સ્થિતિખંડેર
પ્રકારમંદિર
સ્થાપત્ય શૈલીસોલંકી સ્થાપત્ય
સ્થાનઉમતા, વિસનગર તાલુકો, મહેસાણા જિલ્લો, ગુજરાત
દેશભારત
અક્ષાંશ-રેખાંશ23°46′51.4178″N 72°33′17.2030″E / 23.780949389°N 72.554778611°E / 23.780949389; 72.554778611
તોડી પડાયેલઆશરે ઇસ. ૧૨૯૮
DesignationsASI રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-295)

ઇતિહાસ ફેરફાર કરો

રાજગઢી ટીંબાનું સ્થળ ૫૦ ફીટ ઉંચાઇ ધરાવે છે અને ગામની વચ્ચે આશરે ૧૦૦ ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલું છે.[૧][૨]

આ સ્થળે ભવ્ય જૈન મંદિર હતું. તે શક્યત: અલાઉદ્દિન ખીલજીના સરદારો ઉલુગ ખાન અને નુસરત ખાન દ્વારા ઇ.સ. ૧૨૯૮માં ખંડિત થયું હતું. પ્રથમ આક્રમણ સમયે મંદિરનો ઉપલો ભાગ નાશ પામ્યો હતો અને તેનો નીચલો હિસ્સો આક્રમણખોરોથી બચાવવા માટે માટીના ટીંબાની નીચે ઢાંકી દેવામાં આવ્યો હતો. ૨૫૦ વર્ષ પછી દરબાર ઉમ્મતસિંહ રાણાએ આ ટીંબા પર રાજગઢી (મહેલ) બંધાવી હોવાનું મનાય છે. ઇ.સ. ૧૭૨૬માં મરાઠા કુંતાજી બાંડે દ્વારા રાજગઢીનો નાશ કરવામાં આવ્યો હતો. ૧૮૯૦માં સયાજીરાવ ગાયકવાડે આ ટીંબા પર શાળા બંધાવી હતી. ૧૯૮૫માં શાળાના બાંધકામને તોડતી વખતે મંદિરનો નીચલો હિસ્સો મળી આવ્યો હતો.[૧][૨]

પુરાતત્વીય સંશોધન ફેરફાર કરો

૧૯૦૩માં રાજગઢી ટીંબા નજીક ત્રણ જૈન મૂર્તિઓ મળી આવી હતી. ૧૯૬૩માં એક ખેડૂતને વધુ બે મૂર્તિઓ મળી હતી. ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ ૧૯૮૪-૮૫માં પ્રાથમિક ખોદકામ શરૂ કર્યું હતું અને કેટલીક વસ્તુઓ ભેગી કરી હતી પરંતુ નાણાંના અભાવે ખાતાએ કામ પડતું મૂક્યું હતું. ૧૯૯૩માં જૈન ધર્મના શ્વેતાંબર અને દિગંબર પંથોએ જિલ્લા કલેક્ટરની પરવાનગીથી અહીં સ્વતંત્ર ખોદકામ આગળ ધપાવ્યું પરંતુ મૂર્તિઓ બાબતે વિવાદ થતા કામ અટકી ગયું હતું. ૧૯૯૯માં આ મતભેદનો ઉકેલ લવાયો હતો અને ૨૦૦૧માં કામ ફરી આગળ વધ્યું હતું.[૧][૨]

૩૦ ફીટના ખોદકામ પછી જૈન મંદિર મળી આવ્યું હતું. મંદિરનું સંકુલ ૧૦૦ ચોરસ મીટરમાં પથરાયેલું હતું. તેના પથ્થરો સોલંકી યુગની શૈલીના છે. મંદિરના શિખર અને મંડપ કાટમાળમાં લગભગ અકબંધ સ્થિતિમાં મળ્યા હતા. જૈન તેમજ હિંદુ ધર્મની કેટલીક મૂર્તિઓ આ દરમિયાન મળી આવી હતી.[૧][૨]

મંદિરના બાંધકામનો ચોક્કસ સમય જાણવા મળ્યો નથી પરંતુ મૂર્તિઓ પરથી મળેલા પ્રાકૃત લખાણ મુજબ આ મૂર્તિઓ રાજા જયસિંહ ઉમતના ફરમાન મુજબ વિક્રમ સંવત ૧૨૪૦માં બનાવવામાં આવી હતી. તે ૧૧મી થી ૧૩મી સદી દરમિયાન નિર્માણ પામી હતી. તે બે તબક્કાઓમાં બનાવવામાં આવી હતી એવું મનાય છે; નીચલો હિસ્સો ૧૧મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. મંદિરના પાયાની નજીક રેતીમાં બંને પંથોની ૭૦થી વધુ મૂર્તિઓ મળી આવી હતી, જે મૂર્તિઓ છુપાવવા માટે સંતાડી હોય તે દર્શાવે છે. મંદિરની દિવાલો અને સ્થંભો પર કોતરણીઓ જોવા મળી છે.[૧][૨][૩]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "Medieval Hindu-Jain temple unearthed in Gujarat but GSAD avoids excavation work". India Today. ૧૮ જૂન ૨૦૦૧. મેળવેલ ૨૪ જુલાઇ ૨૦૧૬.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "Umta residents seek custody of Jain temple". The Times of India. ૨૬ જુલાઇ ૨૦૦૧. મેળવેલ ૨૪ જુલાઇ ૨૦૧૬.
  3. "This beautiful 1500-year old idol is stolen, inside job suspected". DeshGujarat. ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૨. મેળવેલ ૨૪ જુલાઇ ૨૦૧૬.