લૂઈ ૧૬મો
લૂઈ ૧૬મો (જન્મનું નામ: લૂઈ ઑગસ્ટ) (૨૩ ઑગસ્ટ ૧૭૫૪ – ૨૧ જાન્યુઆરી ૧૭૯૩) ફ્રાન્સના બર્બોન વંશનો છેલ્લો રાજા અને લૂઈ ૧૫માનો પૌત્ર હતો. તેણે ૧૭૭૪થી ૧૭૯૩ સુધી ફ્રાન્સ પર શાસન કર્યું હતું. ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન રાજાશાહી નાબૂદ થઈ હતી, અને લૂઈ પર અદાલતમાં મુકદ્દમો ચલાવીને તેની પર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો, અને દેહાંતદંડની સજા થતા તેનો ગિલોટિન પર ચડાવી શિરચ્છેદ કરવામાં આવ્યો હતો.
લૂઈ ૧૬મો | |||||
---|---|---|---|---|---|
એન્ટૉઇન-ફ્રાન્કોઇસ કૅલેટ દ્વારા બનાવવામાં આવેલ લૂઈ ૧૬માંનું પોટ્રૅઈટ | |||||
કિંગ ઑફ્ ફ્રાન્સ | |||||
શાસન | ૧૦ મે ૧૭૭૪ – ૨૧ સપ્ટેમ્બર ૧૭૯૨ | ||||
ફ્રાન્સ | ૧૧ જૂન ૧૭૭૫ | ||||
પુરોગામી | લૂઈ ૧૫મો | ||||
અનુગામી | લૂઈ ૧૭મો | ||||
જન્મ | વર્સેલ્સ, ફ્રાન્સ | 23 August 1754||||
મૃત્યુ | 21 January 1793 પ્લૅસ દ લા રેવોલ્યુશન, પેરિસ, ફ્રાન્સ | (ઉંમર 38)||||
અંતિમ સંસ્કાર | ૨૧ જાન્યુઆરી ૧૮૧૫ બૅસિલિકા ઑફ્ સેંટ ડેનીસ | ||||
જીવનસાથી | મેરી આન્ત્વાનેત (લ. ૧૭૭૦) | ||||
| |||||
રાજવંશ | બર્બન વંશ | ||||
પિતા | Louis, Dauphin of France | ||||
માતા | Maria Josepha of Saxony | ||||
ધર્મ | રોમન કેથોલિક | ||||
સહી |
જીવન
ફેરફાર કરોલૂઈના જન્મનું નામ લૂઈ-ઑગસ્ટ હતું. તેનો જન્મ ૨૩ ઑગસ્ટ ૧૭૫૪ના રોજ વર્સેલ્સ, ફ્રાન્સમાં થયો હતો. તેણે ધર્મ, સાહિત્ય, વિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, ઇતિહાસ, ચિત્રકામ, સંગીત અને વિદેશી ભાષાઓનું શિક્ષણ લીધું હતું. ૧૭૬૫માં તેના પિતા અવસાન થવાથી તે ફ્રાન્સનો યુવરાજ (પાટવી કુંવર) બન્યો હતો. તેનાં લગ્ન ઑસ્ટ્રિયાના સમ્રાટ ફ્રાન્સિસ પહેલાની રાજકુંવરી મેરી આન્ત્વાનેત સાથે થયાં હતાં. ૧૦ મે ૧૭૭૪ના રોજ તેના દાદા લૂઈ ૧૫માનું અવસાન થવાથી તે લૂઈ ૧૬મા તરીકે ગાદીએ બેઠો હતો.[૧]
તેના શાસન દરમિયાન ફ્રાન્સમાં નાણાકીય મુશ્કેલીઓ પરાકાષ્ઠાએ પહોંચી હતી. તે નબળો અને અસ્થિર વિચારો ધરાવતો હોવાથી કોઈ ર્દઢ નીતિ અનુસરવાને બદલે તેણે એક પછી એક નાણામંત્રીઓ બદલ્યા હતા, પરિણામે નાણાકીય મુશ્કેલીઓમાં વધારો થયો હતો, અને પ્રજા તરફથી ઉદાર સુધારાની માંગણીઓ વધી હતી. મે ૧૭૮૯માં તેણે એસ્ટેટ્સ જનરલની સભા વર્સેલ્સમાં બોલાવી હતી, જે અગાઉ ૧૭૫ વર્ષથી બોલાવવામાં આવી નહોતી. એ સાથે જ ફ્રેન્ચ ક્રાંતિ ગતિમાન થઈ હતી.[૧]
એસ્ટેટ્સ જનરલની સભા દરમિયાન તેણે ત્રીજી એસ્ટેટના પ્રતિનિધિઓ—જેમાં આમજનતાનો સમાવેશ થતો હતો—ની તરફેણ કરી નહોતી, અને રૂઢિચુસ્તો (પહેલી અને બીજી એટેટ્સના પ્રતિનિધિઓ) પ્રત્યે વધુ ધ્યાન આપ્યું હતું, તેમજ સુધારાની ચળવળ કચડી નાખવા માટે લશ્કરનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો.[૧]
મૃત્યુ
ફેરફાર કરો૨૧ સપ્ટેમ્બર ૧૭૯૨ના દિવસે ફ્રાન્સનું નવું બંધારણ ઘડવા માટે બંધારણીયસભાની બેઠક મળી હતી, અને એ જ દિવસે સર્વાનુમતે રાજાશાહીની નાબૂદીની તથા ફ્રાન્સના પ્રજાસત્તક રાજ્યની ધોષણા કરવામાં આવી હતી. રાજાશાહી નાબૂદ કર્યા પછી બંધારણસભામાં જેરેન્ડિસ્ટો અને જેકોબોનો (તે વખતના ફ્રાન્સનાં બે મુખ્ય રાજકીય જૂથો) વચ્ચે રાજાનું શું કરવું - તે વિશે ઉગ્ર મતભેદો પડ્યા હતાં. જેરોન્ડિસ્ટો આ બાબત ઉપર લોકમત લેવાનો આગ્રહ રાખતા હતા, જ્યારે જેકોબિનો રાજા ઉપર મુકદ્દમો ચલાવ્યા વગર તેને સીધો ગિલોટિન પર ચડાવી શિરચ્છેદ કરવાના મતના હતા. આખરે બંધારણસભામાં લૂઈ પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો, તેના ઉપર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો અને છેવટે માત્ર એક મતની બહુમતી (૩૬૧ વિરુદ્ધ ૩૬૦ મત)થી તેને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવી.[૨]
૨૧ જાન્યુઆરી ૧૭૯૩ના રોજ રવિવારની સવારે રાજમહેલના પટાંગણમાં જ ખાસ ગિલોટિન ઊભું કરવામાં આવ્યું હતું અને લૂઈનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો.ગિલોટિન પર ઊભા રહીને તેણે એકઠા થયેલાં ટોળાને ઉદ્દેશીને શબ્દો ઉચ્ચાર્યા હતા: "સદગૃહસ્થો, મારા ઉપર જે આરોપ મૂકવામાં આવ્યો છે તે અંગે હું તદ્દન નિર્દોષ છું. (અહીં વહાવવામાં આવનાર) મારું લોહી ફ્રાન્સના સુખચેનનું કારણ બની રહો". મૃત્યુ સમયે તેની ઉમર ૩૮ વર્ષ, ૫ મહિના અને ૨૮ દિવસ હતી.[૨]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ શુક્લ, જયકુમાર ર. (જાન્યુઆરી ૨૦૦૪). "લૂઈ ૧૬મો". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૮ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૮૨૩. OCLC 552367195.
- ↑ ૨.૦ ૨.૧ ભટ્ટ, દેવેન્દ્ર (૨૦૧૬) [૧૯૭૨]. યુરોપનો ઈતિહાસ (૧૭૮૯–૧૯૫૦) (સાતમી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૪૯–૫૦. ISBN 978-93-81265-89-5.
- શેઠ, સુરેશ ચી. (૨૦૧૪) [૧૯૮૮]. વિશ્વની ક્રાંતિઓ (ઐતિહાસિક દ્રષ્ટિએ) (પાંચમી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. ISBN 978-93-82165-87-1 Check
|isbn=
value: checksum (મદદ). Unknown parameter|ignore-isbn-error=
ignored (|isbn=
suggested) (મદદ)