શ્રીમદ્ ભગવદ્ ગીતા
શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે.[૧] ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાંં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. હિંદુ ધર્મનાં ઘણા ધર્મગ્રંથો છે, પરંતુ ગીતાનું મહત્ત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે.[૨]
મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે, જેમાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકો છે. પૂરી ગીતા, થોડા શ્લોકોના અપવાદ સિવાય, અનુષ્ટુપ છંદમાં છે. ગીતાનો સમયકાળ આશરે ઇ.સ. પૂર્વે ૩૦૬૬નો માનવામાં આવે છે.
પૃષ્ઠભૂમિફેરફાર કરો
ભારતના બે આદિગ્રંથો પૈકીનું મહાભારત મહર્ષિ વેદવ્યાસે રચેલું છે. મહાભારત પાંડવો અને કૌરવો વચ્ચેના રાજકીય કાવાદાવા, સ્પર્ધા, અને અંતે યુદ્ધની કથા છે. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક, અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બન્ને સેના વચ્ચે લેવાનું કહે છે. બન્ને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો. યુદ્ધના પરિણામોથી તે ભયભીત થઈ, યુદ્ધ ન કરવાના વિચારો કરવા લાગ્યો. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે અને કોઈ માર્ગ ન સૂઝતાં કૃષ્ણને માર્ગદર્શન માટે પૂછે છે. અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે. તે અઢાર અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત છે.
ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. ગીતા મુજબ માનવ-જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે. યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે.
ગીતા કોઈ સામાન્ય ધર્મગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે.
અધ્યાયફેરફાર કરો
ગીતાના અધ્યાયોનાં નામ મહાભારતમાં આપ્યા નથી પરંતુ પાછળથી કદાચ શંકરાચાર્યએ અધ્યાયોને નામ આપ્યા. અમુક ભાષ્યકારોએ ગીતાને ત્રણ ભાગમાં વહેંચી છે, જે છે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. ગીતાના અધ્યાયો અને વિભાગોના પ્રચલિત નામો નીચે મુજબ છે.
- અર્જુનવિષાદ યોગ (કર્મયોગમાં)
- સાંખ્ય યોગ (કર્મયોગમાં)
- કર્મ યોગ (કર્મયોગમાં)
- જ્ઞાનકર્મસંન્યાસ યોગ (કર્મયોગમાં)
- કર્મસંન્યાસ યોગ (કર્મયોગમાં)
- આત્મસંયમ યોગ (કર્મયોગમાં)
- જ્ઞાનવિજ્ઞાન યોગ (ભક્તિયોગમાં)
- અક્ષરબ્રહ્મ યોગ (ભક્તિયોગમાં)
- રાજવિધ્યારાજગુહ્ય યોગ (ભક્તિયોગમાં)
- વિભૂતિ યોગ (ભક્તિયોગમાં)
- વિશ્વરૂપદર્શન યોગ (ભક્તિયોગમાં)
- ભક્તિ યોગ (ભક્તિયોગમાં)
- ક્ષેત્રક્ષેત્રજ્ઞ યોગ (જ્ઞાનયોગમાં)
- ગુણત્રયવિભાગ યોગ (જ્ઞાનયોગમાં)
- પુરુષોત્તમ યોગ (જ્ઞાનયોગમાં)
- દેવાસુરસંપદ્વિભાગ યોગ (જ્ઞાનયોગમાં)
- શ્રદ્ધાત્રયવિભાગ યોગ (જ્ઞાનયોગમાં)
- મોક્ષસંન્યાસ યોગ (જ્ઞાનયોગમાં)
ભાષાંતરો અને વિવેચનોફેરફાર કરો
- શાંકરભાષ્ય શંકરાચાર્ય સંસ્કૃતભાષા
- ૧૩મી સદીમાં સંત જ્ઞાનેશ્વરે મરાઠીમાં બધાને સમજાય તેવી ભાષામાં જ્ઞાનેશ્વરી ગીતા લખી.
- લોકમાન્ય તિલકે ગીતારહસ્ય લખ્યું.
- સ્વામી વિવેકાનંદે ભક્તિયોગ, જ્ઞાનયોગ અને રાજયોગ પર પ્રવચન આપેલા છે. રાજયોગમાં પતંજલિ યોગસૂત્ર પરના પ્રવચનો છે.
- મહાત્મા ગાંધીએ અનાસક્તિયોગ - ગીતાનો ગુજરાતીમાં અનુવાદ લખ્યો.
- ૧૮મી સદીમાં વોરન હેસ્ટીંગ્સે ચાર્લ્સ વિલ્કિન્સ પાસે ભગવદ્ ગીતાનો અનુવાદ અંગ્રેજીમાં કરાવ્યો અને ૧૭૮૫માં પ્રકાશિત કર્યો. આ અનુવાદ અંગ્રેજીમાં પ્રથમ ગણાય છે.
- સરળ ગીતા - શ્રી યોગેશ્વરજી દ્વારા ભગવદ્ ગીતાનો ગુજરાતી પદ્યાનુવાદ.
- સાધક સંજીવની - શ્રી રામસુખદાસજી દ્વારા ભગવદ્ ગીતા ટીકા
- હિન્દી પદ્યાનુવાદ - શ્રી મુક્તાનંદ સ્વામી ભગવદ્ ગીતા ભાષા ટીકા
- ગીતામૃતં - શ્રી પાંડુરંગ વૈજનાથ આઠવલે દ્વારા ગીતા તેના સાચા અર્થમાં
- ભગવદ્દ ગીતા તેના મૂળ રૂપે - ISKCON સંસ્થાપક શ્રી એ. સી. ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ એ રચેલું ભક્તિપૂર્ણ ભાષાંતર
- ઍડવીન આર્નોલ્ડે પણ ગીતાનો અનુવાદ અંગ્રેજીમાં કર્યો તેનુંં નામ છે - ધ સોંગ સેલેશીયલ
- સ્કલેગેલે ગીતાનો લેટીનમાં અનુવાદ ૧૮૨૩માં કર્યો.
- વૉન હમબોલ્ટે ગીતાનો જર્મનમાં અનુવાદ ૧૮૨૬માં કર્યો.
- લેસેન્સે ગીતાનો અનુવાદ ફ્રેન્ચમાં ૧૮૪૬માં કર્યો.
- ગાલાનોસે ગીતાનો અનુવાદ ગ્રીકમાં ૧૮૪૮માં કર્યો.
સંદર્ભફેરફાર કરો
બાહ્ય કડીઓફેરફાર કરો
વિકિસ્રોતમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા સંબંધિત સાહિત્ય ઉપલબ્ધ છે. |
- ગુજરાતી-ગીતા-ઓપન પ્રોજેક્ટ.ગુજરાતી-શ્લોક-ગુજરતી અર્થ-વર્ડ અને પી.ડી.એફ ફાઈલ માં
- ભગવદ્ ગીતા વિષે પાયનાં પ્રષ્નો અને ઉત્તરો
- સરળ ગીતા - શ્રી યોગેશ્વરજી કૃત ભગવદ્ ગીતાનો ગુજરાતી પદ્યાનુવાદ સંગ્રહિત ૨૦૦૯-૦૩-૨૨ ના રોજ વેબેક મશિન
- ગુજરાતીમાં પીડીએફ ફૉર્મેટમાં ભગવદ્ ગીતા સંગ્રહિત ૨૦૦૮-૦૯-૧૬ ના રોજ વેબેક મશિન
- અન્ય એક સંસ્કરણ સંગ્રહિત ૨૦૧૦-૦૯-૦૪ ના રોજ વેબેક મશિન
- ગીતા સાર અને જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય -ગુજરાતીમાં