સુરેશ જોષી
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
સુરેશ હરિપ્રસાદ જોષી (૩૦ મે ૧૯૨૧-૬ સપ્ટેમ્બર ૧૯૮૬) ગુજરાતી ભાષાના કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, સંપાદક, અનુવાદક હતા. તેમણે ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન ચેતનાનો પ્રારંભ કર્યો હતો.
સુરેશ જોષી | |
---|---|
સુરેશ જોષી (૧૯૫૫), મુંબઈ | |
જન્મનું નામ | સુરેશ હરિપ્રસાદ જોષી |
જન્મ | સુરેશ હરિપ્રસાદ જોષી 30 May 1921 વાલોડ, ગુજરાત |
મૃત્યુ | 6 September 1986 નડીઆદ, ગુજરાત | (ઉંમર 65)
વ્યવસાય | નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, વિવેચક, કવિ, અનુવાદક, નિબંધકાર |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | એમ.એ. |
માતૃ શિક્ષણ સંસ્થા | એલફિન્સ્ટન કોલેજ |
સમયગાળો | આધુનિક ગુજરાતી સાહિત્ય |
નોંધપાત્ર સર્જન |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
સહી |
જીવન
ફેરફાર કરોતેમનો જન્મ દક્ષિણ ગુજરાતના બારડોલી નજીક આવેલા વાલોડ નગરમાં ૩૦ મે ૧૯૨૧ના રોજ થયો હતો. તેમણે શાળાકીય શિક્ષણ સોનગઢ અને ગંગાધારા ખાતે પૂર્ણ કર્યું. ૧૯૩૮માં તેમણે નવસારીમાંથી મેટ્રિક ઉત્તીર્ણ કર્યું. મુંબઈની એલફિન્સ્ટન કોલેજ ખાતેથી તેમણે ૧૯૪૩માં બી.એ. અને ૧૯૪૫માં એમ.એ.ની પદવી મેળવી. તે જ વર્ષમાં તેઓ કરાચીની ડી. જે. સિંગ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા અને પછી ૧૯૪૭માં વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં જોડાયા. ૧૯૫૧થી ૧૯૮૧માં તેમની નિવૃત્તિ સુધી તેઓ વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં લેક્ચરર, પ્રોફેસર અને છેલ્લે ગુજરાતી વિભાગના અધ્યક્ષ રહ્યા.[૧][૨][૩]
સોનગઢમાં ગાળેલા પ્રારંભિક સમયની તેમના જીવન પર અસર રહી હતી. ૮ વર્ષની ઉંમરે છૂપા નામે તેમણે બાલજીવન સામાયિકમાં કવિતા મોકલી હતી, જે તેમાં પ્રગટ થઈ હતી. કોલેજ જીવન દરમિયાન તેમણે ફાલ્ગુની સામાયિકનું સંપાદનકાર્ય કર્યું હતું. ઉપજાતિ (૧૯૫૬) તેમનું પ્રથમ સર્જન હતું. તેમણે મનીષા, ક્ષિતિજ, એતદ્ અને ઉહાપોહ સામાયિકોનું સંપાદન કર્યું હતું.[૧][૨][૩][૪]
૬ સપ્ટેમ્બર,૧૯૮૬ના રોજ કિડનીની બિમારીથી નડીઆદ ખાતે તેમનું અવસાન થયું હતું.[૧][૩][૨]
સર્જન
ફેરફાર કરોસુરેશ જોષી ગુજરાતી સાહિત્યમાં ૧૯૫૫ પછી શરૂ થયેલ ગાંધીયુગ પછીના આધુનિક ચેતનાના અગ્રણી હતા.[૩] તેઓ આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા કહેવાય છે.[૫] ગુજરાતી વિવેચક ભરત મહેતાના કહેવા મુજબ, ૧૯૭૫થી ૨૦૦૦ સુધીનો ગુજરાતી સાહિત્યનો સમય સુરેશ જોષીના પ્રભાવ હેઠળ હતો.[૬]
નિબંધનું લલિત સ્વરૂપ એમણે ‘જનાન્તિકે’(૧૯૬૫)માં સિદ્ધ કર્યું છે. કિલ્લે સોનગઢના સંસ્કારો, શૈશવપરિવેશ, અરણ્યસ્મૃતિ, પ્રકૃતિનાં વિવિધ અંગોપાંગો, નગરસંસ્કૃતિની કૃતકતા, વિશ્વસાહિત્યની રસજ્ઞતાને કલ્પનશ્રેણીઓમાં સમાવતા તેમ જ કાવ્યકલ્પ ગદ્ય ઉપસાવતા આ નિબંધો ગુજરાતી લલિતનિબંધ ક્ષેત્રે કાકા કાલેલકર પછી શકવર્તી લક્ષણોની સ્થાપના કરે છે. આ ઉપરાંત એમના ‘ઈદમ્ સર્વમ્’(૧૯૭૧), ‘અહો બત કિમ્ આશ્ચર્યમ્’(૧૯૭૫) અને ‘ઈતિ મે મતિ’ (૧૯૮૭) નિબંધસંગ્રહોમાં ચિંતનશીલ કલામર્મીની ભાષાભિમુખ ક્રીડાઓની તરેહો જોવાય છે. ગ્રંથસ્થ અને અગ્રંથસ્થ એમના આશરે હજારેક નિબંધોમાંંથી છપ્પન જેટલા નિબંધોને શિરીષ પંચાલે ‘ભાવયામિ’(૧૯૮૪)માં સંકલિત કર્યા છે અને અંતે ‘સુરેશ જોષીના નિબંધો વિશે’ નામે પ્રસ્તાવનાલેખ મૂક્યો છે.
એમના ‘ગૃહપ્રવેશ’(૧૯૫૭), ‘બીજી થોડીક’(૧૯૫૮), ‘અપિ ચ’(૧૯૬૫), ‘ન તત્ર સૂર્યો ભાતિ’(૧૯૬૭), ‘એકદા નૈમિષારણ્યે’(૧૯૮૦) એ વાર્તાસંગ્રહોમાંની બાસઠ જેટલી વાર્તાઓ વિશ્વસાહિત્યની અભિજ્ઞતાની આબોહવામાં રચાયેલી છે. ઘટનાતિરોધાન, નિર્વૈયક્તિક પાત્રાપાર્શ્વભૂ, સંવેદનશીલ પરિસ્થિતિ-પ્રતિક્રિયાઓ, અનેકસ્તરીય વાસ્તવનિરૂપણ અને મહત્તમ રીતે વિનિયોજિત કપોલકલ્પિત તેમ જ કલ્પન-પ્રતીક શ્રેણીઓ દ્વારા આ વાર્તાઓએ ગુજરાતી આધુનિક ટૂંકીવાર્તાને પ્રસ્થાપિત કરી. એમાં કાવ્યની નજીક જતી રૂપરચનાનો અને સંવેદનશીલ ભાષાકર્મનો પુરસ્કાર છે. ‘ગૃહપ્રવેશ’, ‘કુરુક્ષેત્ર’, ‘લોહનગર’, ‘એક મુલાકાત’, ‘વરપ્રાપ્તિ’, ‘પદ્મા તને’ એમના સુપ્રતિષ્ઠ વાર્તાનમૂનાઓ છે. એમની કુલ એકવીસ વાર્તાઓનું સંકલન શિરીષ પંચાલે ‘સુરેશ જોષીની વાર્તાકલા વિશે’ જેવા મહત્વના પ્રાસ્તાવિક સાથે ‘માનીતી અણમાનીતી’(૧૯૮૨)માં આપ્યું છે.
પૂર્વે પ્રકાશિત છિન્નપત્ર, ‘વિદુલા’, ‘કથાચક્ર’ અને ‘મરણોત્તર’ એમ એમની ચારે લઘુનવલો હવે ‘કથાચતુષ્ટય’(૧૯૮૪)માં એકસાથે ઉપલબ્ધ છે. આ સર્વમાં નવલકથાને સતત પ્રયોગ તરફ અને શુદ્ધિ તરફ વાળવાનું એમનું લક્ષ્ય અછતું નથી રહેતું. પ્રેમ, નારી અને મૃત્યુની સંવેદનાઓ ફરતે, ઓછામાં ઓછા કથાનકને લઈને ચાલતી આ લઘુનવલો કલ્પનનિષ્ઠ અને ભાષાનિષ્ઠ છે, તેથી વાસ્તવિકતાના વિવિધ સ્તરોને સ્પર્શનારી અને સમયાનુક્રમને અતિક્રમી જનારી બની છે. લલિતનિબંધનું સ્વરૂપ સમાંતરે ગૂંથાતું ચાલ્યું હોવાથી પણ અહીં પ્રતીતિ થાય છે. એમાંય ‘છિન્નપત્ર’ને તો લેખકે લખવા ધારેલી નવલકથાના મુસદ્દારૂપે જાહેર કરેલી છે.
‘ઉપજાતિ’(૧૯૫૬), ‘પ્રત્યંચા’(૧૯૬૧), ‘ઈતરા’(૧૯૭૩), ‘તથાપિ’(૧૯૮૦) કાવ્યસંગ્રહોમાંની એમની કવિતામાં અછાંદસનું ઊઘડેલું વિશિષ્ટ રૂપ ખાસ આસ્વાદ્ય છે. પ્રેમ અને પ્રકૃતિના અવિભિન્ન સમાગમથી ભાષાની સભાનતા સાથે થયેલી આ રચનાઓ છે. એમાં યુરોપીય કવિતાના સંસ્કારોથી સંપન્ન એવા રોમેન્ટિક સૂરને પ્રજ્ઞા અને સમજનો એક અવશ્ય પુટ મળ્યો છે, જે તદ્દન આગવો છે. એનું ઉત્તમ પરિણામ ‘એક ભૂલા પડેલા રોમેન્ટિકનું દુઃસ્વપ્ન’માં જોઈ શકાય છે. અહીં મૃણાલનું પાત્ર મિથ બનવાની ગુંજાશ ધરાવે છે. એક રીતે જોઈએ તો વાર્તાકાર કવિની આ રચના છે. આ ઉપરાંત ‘કવિનું વસિયતનામું’ કે ‘ડુમ્મસઃસમુદ્રદર્શન’ અને ‘થાક’ એમની મહત્ત્વની રચનાઓ છે.
એમના પહેલા વિવેચનસંગ્રહ ‘કિંચિત્’(૧૯૬૦)થી જ એક જુદા પ્રકારના વિવેચનનો ઉપક્રમ શરૂ થયો. એમાં સાહિત્યના તથા સાહિત્યશિક્ષણના પ્રશ્નોને એમણે તાજગીથી છણ્યા છે; અને ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’(૧૯૬૨)થી તો ગુજરાતી કાવ્યભાવનમાં તદ્દન નવી દિશા ખૂલી છે. શાસ્ત્રીય બન્યા વગર કૃતિના દલેદલને ખોલતો સંવેદનશીલ ભાવકચેતનાનો પ્રવેશ અહીં પસંદ કરાયેલી કૃતિઓમાં સર્વોપરી બન્યો છે. કૃતિની સામગ્રી નહિ પણ કૃતિની રૂપરચનાનું સંવેદન મુખ્ય છે એવો સૂર આ વિવેચનગ્રંથથી પ્રચલિત થયો. ‘કાવ્યચર્ચા’(૧૯૭૧)માં રૂપનિર્માણના આ પ્રાણપ્રદ મુધને આગળ વધાર્યો છે. ‘કથોપથન’(૧૯૬૯) અને ‘શ્રુણ્વન્તુ’(૧૯૭૨)માંના મોટા ભાગનાં લખાણો નવલકથાવિષયક છે. રૂપનિર્મિતને લક્ષમાં રાખી નવલકથાની પ્રત્યક્ષ વિવેચના અહીં સાંપડે છે. અહીં દોસ્તોએવ્સ્કીની, કાફકાની, કામ્યૂની નવલકથાઓની પરિચાયાત્મક ચર્ચા છે, તો ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ અને ‘પૂર્વરાગ’ની ચિકિત્સાત્મક ચર્ચા છે. ગુજરાતી નવલકથા વિશેની લેખકની પ્રતિક્રિયાનું સ્વરૂપ અત્યંત ધ્યાનાર્હ છે. ‘અરણ્યરુદન’(૧૯૭૬)માં અસ્તિત્વવાદ, માર્કસવાદ, સંરચનાવાદ જેવા સાહિત્યપ્રવાહોથી માંડી સાહિત્યરુચિ અને સાહિત્યમૂલ્યો સુધીના વિષયોનો અભ્યાસ છે. ‘ચિન્તયામિ મનસા’(૧૯૮૨) અને ‘અષ્ટમોધ્યાય’(૧૯૮૩) વિવેચનગ્રંથો સાંપ્રત વિવેચનના ભિન્નભિન્ન પ્રવાહોની અભિજ્ઞતા સાથે સાહિત્યસંકુલતાને એક યા બીજી રીતે પુરસ્કારે છે. ‘મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા’(૧૯૭૮) મધ્યકાલીન સાહિત્યના સંશોધનનો ગ્રંથ છે.
‘જાનન્તિ યે કિમપિ’(૧૯૮૪)માં વિવેચનક્ષેત્રે નવી વિચારસરણીઓના પ્રભાવ અંગેના છ લેખોનું સંપાદન છે. ઉપરાંત, એમણે નવી કવિતાના કુંઠિત સાહસને લક્ષમાં રાખી નવી કવિતાઓના ચયન સાથે ‘નવોન્મેષ’(૧૯૭૧)નું સંપાદન કરેલું છે. ‘નરસિંહની જ્ઞાનગીતા’(૧૯૭૮), ‘ગુજરાતી સર્જનાત્મક ગદ્ય : એક સંકલન’(૧૯૮૧), ‘વસ્તાનાં પદો’(૧૯૮૩) એમનાં અન્ય સંપાદનો છે.
ઉત્તમ સાહિત્યના નમૂનાઓ અને એના આસ્વાદો દ્વારા ગુજરાતી સાહિત્યની દિશા બદલવાની નેમ એમણે કરેલા સમર્થ અનુવાદો પાછળ જોઈ શકાય છે. બોદલેર, પાસ્તરનાક, ઉન્ગારેત્તિ, પાબ્લો નેરુદા વગેરે વિશ્વસાહિત્યના મહત્ત્વના કવિઓના અનુવાદ ‘પરકીયા’(૧૯૭૫)માં છે. આ ઉપરાંત પણ સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં એમના માતબર અનુવાદો મળેલા છે. ‘ધીરે વહે છે દોન’-ખંડ(૧૯૬૦) રશિયાના પ્રસિદ્ધ નવલકથાકાર મિખાઈલ શોલોખૉવની ‘ક્વાયેટ ફલોઝ ધ ડૉન’નો અનુવાદ છે, તો ‘ભોંયતળિયાનો આદમી’(૧૯૬૭) એ ફિયોદોર દોસ્તોએવ્સ્કીની મહત્વની રચના ‘નોટ્સ ફ્રોમ ધ અન્ડર ગ્રાઉન્ડ’નો અનુવાદ છે. ‘શિકારી બંદૂક અને હજાર સારસો’(૧૯૭૫) એ જાપાની કથાઓનો અનુવાદ છે. ‘નવી શૈલીની નવલિકા’(૧૯૬૦)નો અનુવાદ અને એની પ્રસ્તાવના બંને મહત્ત્વના છે. વળી રે. બી. વેસ્ટકૃત ‘ધ શોર્ટ સ્ટોરી ઇન અમેરિકા’નો અનુવાદ એમણે ‘અમેરિકી ટૂંકીવાર્તા’(૧૯૬૭) નામે આપ્યો છે. ‘અમેરિકાના સાહિત્યનો ઇતિહાસ’(૧૯૬૫) માર્કસ કલીન્ફકૃત ‘ધ લિટરેચર ઑફ ધ યુનાઈટેડ સ્ટેટ્સ’નો અનુવાદ છે. એમણે કરેલા રવીન્દ્રનાથ ટાગોરના નિબંધોના અનુવાદો ‘પંચામૃત’(૧૯૪૯) અને ‘સંચય’(૧૯૬૩)માં મળે છે.
જનાન્તિકે(૧૯૬૫) સુરેશ જોષીએ ૧૯૫૫થી ૧૯૬૪ સુધીના સમયગાળામાં લખેલા લલિતનિબંધોનો પહેલો સંગ્રહ છે. કાવ્યાત્મક, કથનાત્મક, આત્મકથનાત્મક ને ચિન્તનાત્મક શૈલીઓનો સમન્વય કરીને નિપજાવેલું એક નવા જ પ્રકારનું ‘જનાન્તિક’ નિબંધસ્વરૂપ ગુજરાતી સાહિત્યના નિબંધને કાલેલકર પછી એક નવું પરિમાણ અર્પે છે. રવીન્દ્રનાથ ઠાકુરના નિબંધોનો પ્રભાવ ઝીલતા આ નિબંધોની મુખ્ય લાક્ષણિકતા શિશુસહજ વિસ્મય, સમૃદ્ધ ઈન્દ્રિયજન્ય સંવેદનો, જીવનને અપરોક્ષભાવે માણવાની જિકર તેમ જ શબ્દે શબ્દે પ્રગટ થતી સર્જકના જીવંત વ્યક્તિત્વની અભિવ્યક્તિને ગણાવી શકાય. નિબંધોમાં તર્કને બદલે કલ્પના, અર્થાન્તરન્યાસ કે દૃષ્ટાંતને બદલે ઉત્પ્રેક્ષા અને ઉપમા, વિષયની વ્યવસ્થિત માંડણીને બદલે ચિત્તનો મુગ્ધવિહાર જોવા મળે છે. જડભરત અને યાંત્રિક સંસ્કૃતિ પ્રત્યેનો કટાક્ષ અને આક્રોશ આ નિબંધોની શૈલીને વધુ જીવંત બનાવે છે. નિબંધો ક્યારેક કાવ્ય અને નિબંધની સીમાઓને, ક્યારેક વિવેચન અને નિબંધની સીમાઓને, તો ક્યારેક આત્મકથા અને નિબંધની સીમાઓને ઓગળી નાખે છે. આ નિબંધશૈલીનો પ્રભાવ અનુગામી નિબંધકારો પર પડ્યો છે. સુરેશ જોષીના સર્જનને સમજવામાં આ નિબંધો ખૂબ ઉપયોગી છે.
ગૃહપ્રવેશ(૧૯૫૬) ગુજરાતી ટૂંકી વાર્તામાં સુરેશ જોષીને આધુનિકપ્રણેતાનું માન અપાવનાર એમના આ પ્રથમ વાર્તાસંગ્રહમાં એકવીસ વાર્તાઓ છે. પ્રગટ થતાંની સાથે જ ભારે ઊહાપોહ સર્જનારા આ સંગ્રહમાં કથનરીતિના પ્રયોગોનું નિદર્શન કરાવતી ‘વાતાયન’; પુરાણકથાના ભૂતકાળની સમાન્તરે વર્તમાન સમયનું આલેખન કરતી ‘જન્મોત્સવ’, ‘નળદમયંતી’, માનવચિત્તનાં ગૂઢ સંચલનોને સમર્થ રીતે આલેખતી ‘પાંચમો દાવ’, ‘સાત પાતાળ’, ‘ગૃહપ્રવેશ’ જેવી વાર્તાઓ નોંધપાત્ર છે. સંગ્રહની કેટલીક વાર્તાઓ ભવિષ્યમાં લખાનારી વાર્તાઓની પૂર્વભૂમિકારૂપ છે. લેખક આ વાર્તાઓમાં સ્થૂળ ઘટનાઓ પર ભાર આપવાને બદલે ઘટનાના હાસ કે તિરોધાન પર ભાર આપે છે. અલબત્ત, એમાં સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભનું સંપૂર્ણ નિગરણ કરવામાં આવેલું નથી. પોતાની રચનાપ્રક્રિયાનો પરિચય કરાવતા, સંગ્રહના આરંભે મૂકવામાં આવેલા લેખમાં પ્રગટ થતી, ટૂંકી વાર્તા વિશેની લેખકની સૈદ્ધાન્તિક ભૂમિકાનો મેળ એમના સર્જન સાથે મળે છે. આ વાર્તાઓમાં ટેકનિક ઉપર ભાર આપવામાં આવ્યો હોવાને કારણે અત્યાર સુધી ઉપેક્ષિત રહેલા ગદ્યના માધ્યમનો અહીં સમુચિત ઉપયોગ થયો છે. સુરેશ જોષી વાર્તાઓને જૂથમાં રચતા હોવાથી નીવડેલી વાર્તાઓને સમજવા માટે આ વાર્તાઓ ઉપયોગી ભૂમિકા પૂરી પાડે છે.
છિન્નપત્ર(૧૯૬૫) સુરેશ જોષીની સીમાચિહ્નરૂપ લઘુનવલ છે. લેખકે એને ‘લખવા ધારેલી નવલકથાનો મુસદ્દો’ તરીકે ઓળખાવી છે. અહીં કથાનાયક પોતાનાં સંવેદનોની ઉત્કટતાને કારણે આસપાસની ક્ષયિષ્ણુ સંસ્કૃતિથી અળગો પડી ગયો છે અને ટકી રહેવા પોતાપૂરતું એક વિશ્વ ઉપજાવી લે છે. પચાસ પત્રો અને પરિશિષ્ટ ધરાવતી આ લઘુનવલ લિરિકલ નૉવેલના દષ્ટાંતનો તેમ સર્જનાત્મક ગદ્યનો નમૂનો પૂરો પાડે છે. સમસામયિક વાસ્તવિકતા કે ચોક્કસ સ્થળકાળ સાથે સંબંધ ન ધરાવતી, પાત્રોની આંતરચેતનાને તાગવા મથતી આ કથાનું વિભાગન કાવ્યરૂપે થયું છે.
ઇતરા(૧૯૭૩) ‘પ્રત્યંચા’ પછીનો સુરેશ જોશીનો અઢાર શીર્ષક રહિત કાવ્યોનો સંગ્રહ છે. પહેલું કાવ્ય રવીન્દ્રનાથને અપાયેલી અંજલિ છે, જ્યારે બાકીનાં મોટા ભાગનાં કાવ્યો રોમેન્ટિક ધારાનાં છે. કાવ્યોના કેન્દ્રમાં કૃત્રિમ નગરજીવન, વિફળ પ્રેમ, એકલતા, શૂન્યતા, વિરતિ અને હતાશા છે. સૌથી વધુ જાણીતા થયેલા કાવ્ય ‘એક ભૂલા પડેલા રોમેન્ટિકનું દુઃસ્વપ્ન’નો નાયક સુરેશ જોષીની વાર્તાઓના નાયકના ગોત્રનો છે. આ સર્વ કાવ્યોમાં પ્રયોજાયેલાં ઘણાં કલ્પનો ભયાનકતાની અનુભૂતિ કરાવવામાં ઠીક ઠીક સફળ થયાં છે. ઘણાં કાવ્યોની શૈલી કલ્પનવાદી, પ્રતીકવાદી તો ક્યારેક અતિવાસ્તવવાદી પણ છે. કાવ્યપદાવલિ બહુધા તત્સમ રહી છે.
કિંચિત્(૧૯૬૦) સુરેશ હ. જોષીનો વિવેચનસંગ્રહ. દશેક જેટલા લેખો પરંપરાના વિવેચનથી જુદો ચમકારો બતાવે છે. કાવ્યમીમાંસાના પ્રશ્નોની એમાં ચર્ચા છે અને બૌદ્ધિક જાગૃતિની વાટને સંકોરવાનો પ્રયત્ન છે. પરંતુ આધુનિક ચેતનાના પ્રવેશ સાથે કરેલો ‘કાવ્યનો આસ્વાદ’નો ઉદ્યમ કે ‘પ્રતીકરચના’ને સર્જનપ્રક્રિયાના પ્રકાશમાં વિશદ રીતે ઉકેલવાનો ઉપક્રમ અત્યંત મહત્વનું પ્રદાન છે. ‘વિદ્યાપીઠમાં સાહિત્યનું શિક્ષણ’ પણ દિશા બદલનારો પ્રભાવ દર્શાવે છે. વળી, ‘પથેર પાંચાલી’ જેવી ફિલ્મ પરનું લખાણ પણ આસ્વાદ્ય રીતે વિવરણાત્મક બન્યું છે. ગુજરાતી સાહિત્યમાં આ વિવેચકની ચેતનાથી આવેલા વળાંકની સમર્થન-સામગ્રી આ લેખોમાં પડેલી છે.
કાવ્યચર્ચા(૧૯૭૧) સુરેશ જોષીના આ ચોથા વિવેચનસંગ્રહમાં કાવ્યને લગતા ૨૧ લેખોને ચાર વિભાગમાં અને એક પરિશિષ્ટમાં વહેંચવામાં આવ્યા છે. પહેલા વિભાગમાં કાવ્યને લગતી સિદ્ધાંતચર્ચા; બીજા વિભાગમાં ગુજરાતી કાવ્યવિવેચનના કેટલાક પ્રશ્નો પર વિચારણા; ત્રીજા વિભાગમાં પાશ્ચાત્ય અને ભારતીય કવિતા વિશેના અભ્યાસલેખો; ચોથા વિભાગમાં જીવનાનંદદાસની તથા વિંદા કરંદીકરની કવિતા પરના આસ્વાદલેખો છે; તો પરિશિષ્ટમાં રસમીમાંસાની કેટલીક સમસ્યાઓ રજૂ કરાઈ છે. પ્રભાવવાદી વિવેચનના વર્ચસ્વે અને મર્યાદિત રુચિએ ગુજરાતી કાવ્યવિવેચનને અને ગુજરાતી કવિતાને કેવી રીતે કુંઠીત કર્યાં તેનો સારો આલેખ આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. અહીં સુરેશ જોશીનો અભિગમ રૂપરચનાવાદી છે; એટલું જ નહિ, કાવ્યનો સાચો આસ્વાદ કૃતિને કેન્દ્રમાં રાખવાથી જ થઈ શકે છે, એ અભિગમનું પણ નિદર્શનો સાથે પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
કથોપકથન(૧૯૬૯) સુરેશ જોષીના આ વિવેચનગ્રંથમાં કથાસાહિત્ય વિશેના ૧૮ લેખો પાંચ વિભાગોમાં વહેંચાયેલા છે. પહેલા વિભાગમાં સૈદ્ધાંતિક લેખો છે. એમાંના ‘નવલકથા વિશે’ નિબંધે ગુજરાતી કથાસાહિત્યના વિવેચનના પ્રશ્નોને પહેલી વખત યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપ્યા છે. બીજા વિભાગના ગુજરાતી નવલકથા વિશેના લેખોમાં એમણે ગુજરાતી નવલકથા પ્રત્યેના પોતાના તીવ્ર અસંતોષનાં કારણો વિગતે ચર્ચ્યા છે. ત્રીજા વિભાગમાં પાશ્ચાત્ય નવલકથા વિશેના, ચોથા વિભાગમાં ટૂંકી વાર્તાનો રચનાકાળ તથા ગુજરાતી ટૂંકી વાર્તા વિશેના, તો છેલ્લા વિભાગમાં પાશ્ચત્ય ટૂંકી વાર્તા વિશેના આસ્વાદ્ય લેખો છે.
સુરેશ જોષી નવલકથાને શુદ્ધ સાહિત્યસ્વરુપ બનાવવાના આગ્રહી હોવાથી આ લેખો ઠીકઠીક ચર્ચાસ્પદ બન્યા છે. પાશ્ચાત્ય નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓના પરિશીલને એમની રૂચિને ઘડી છે, એટલે ગુજરાતી કથાસાહિત્યને એ વિશ્વસાહિત્યના સંદર્ભમાં મૂલવે છે. રૂપરચનાવાદી અભિગમ ધરાવતા આ વિવેચનગ્રંથે નવલકથા અને ટૂંકી વાર્તાના પ્રશ્નોને શુદ્ધ સાહિત્યિક સંદર્ભમાં રજૂ કર્યા છે એ તેની મહત્વની સિદ્ધિ છે.
પુરસ્કારો
ફેરફાર કરો- ૧૯૭૧માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.[૧] ૧૯૮૩માં તેમણે તેમના પુસ્તક ચિન્તયામિ મનસા માટે મળેલ સાહિત્ય અકાદમી પુરસ્કારનો અસ્વીકાર કરતાં કહ્યું હતું કે, આ પુસ્તક માત્ર કેટલાક મુસદ્દા જેવા નિબંધો ધરાવે છે. તે માત્ર યુરોપિયન અને અમેરિકન વિવેચન લેખો પર આધારિત છે અને પોતાના મૂળ વિચારો નથી.[૩][૭]
- ૧૯૬૫માં જનાન્તિકે માટે નર્મદ સુવર્ણ ચંદ્રક
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ ૨૨–૩૩. ISBN 978-93-5108-247-7.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ "સુરેશ જોષી". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૧ જાન્યુઆરી ૨૦૧૬.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ પંચાલ, શિરિષ (૨૦૦૪). Makers of Indian Literature: Suresh Joshi. Sahitya Akademi. પૃષ્ઠ ૨–૬૬. ISBN 978-81-260-1922-9.
- ↑ Natarajan, Nalini; Nelson, Emmanuel Sampath (૧૯૯૬). Handbook of Twentieth-century Literatures of India (અંગ્રેજીમાં). Greenwood Publishing Group. ISBN 9780313287787.
- ↑ Sivasankari (૧૯૯૮). Knit India through literature. Eastwest Books. પૃષ્ઠ ૨૭૯.
- ↑ Sahitya Akademi Annual Report 2004 - 2005. Sahitya Akademi. ૨૦૦૪. પૃષ્ઠ ૭૫. મેળવેલ ૨૫ જાન્યુઆરી ૨૦૧૮.
- ↑ G. N. Devy (૧ જાન્યુઆરી ૨૦૦૨). Indian Literary Criticism: Theory and Interpretation. Orient Blackswan. પૃષ્ઠ ૧૮૪. ISBN 978-81-250-2022-6.
પૂરક વાચન
ફેરફાર કરો- શાહ, સુમન (૨૦૦૦). સુરેશ જોષીથી સુરેશ જોષી (૨જી આવૃત્તિ). અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. OCLC 5240570.
- પંચાલ, શિરિષ (૨૦૦૪). Makers of Indian Literature: Suresh Joshi. Sahitya Akademi. ISBN 978-81-260-1922-9.
- Suresh Hariprasad Joshi (૨૦૦૧). J. Birje-Patil (સંપાદક). Ten Short Stories by Suresh Joshi. Sahitya Akademi. ISBN 978-81-260-1159-9.