સિદ્ધાન્તસાર
સિદ્ધાંતસાર (ગુજરાતી ઉચ્ચાર: [sɪd'ðantsar]) એ ગુજરાતી લેખક અને તત્વચિંતક મણિલાલ દ્વિવેદી દ્વારા તત્ત્વજ્ઞાનના ઇતિહાસ પર લખાયેલ પુસ્તક છે, જે ૧૮૮૯માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં વિશ્વની ધર્મમૂલક તત્ત્વજ્ઞાનની પ્રણાલિઓની ઐતિહાસિક આલોચના કરવામાં આવી છે, અને અદ્વૈત દર્શનની શ્રેષ્ઠતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પ્રથમ આવૃત્તિનું મુખપૃષ્ઠ; ૧૮૮૯ | |
લેખક | મણિલાલ દ્વિવેદી |
---|---|
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
પ્રકાર | તત્ત્વજ્ઞાનનો ઈતિહાસ |
પ્રકાશક | નિર્ણય સાગર પ્રેસ |
પ્રકાશન તારીખ | ૧૮૮૯ |
OCLC | 20231887 |
લેખન અને પ્રકાશન
ફેરફાર કરો'સિદ્ધાંતસાર'ની પ્રસ્તાવનામાં મણિલાલે આ પુસ્તક લખવા પાછળનો હેતુ સ્પષ્ટ કરે છે:
"વિશ્વમાં અનેક વિચારસંગતિઓ — ધર્મ, તત્ત્વવિચાર, ઈત્યાદિ — ચાલે છે, પણ તે બધી એક અનાદિ પરમ રહસ્યનું રૂપાંતર છે એમ હું માનું છું; અને એ મૂલ પરમરહસ્યને સમજવાનો સીધામા સીધો રસ્તો આર્ય અદ્વૈતદર્શન જ છે એમ પણ સિદ્ધ ગણુ છુ. અર્થાત્ આ વાત પ્રતિપાદન કરવા માટેજ મારો ઉપક્રમ છે..."
— મણિલાલ દ્વિવેદી, ૧૮૮૯[૧]
પુસ્તકનો સાર
ફેરફાર કરોપ્રથમ પ્રકરણમાં મણિલાલ સર્વસામાન્ય એક ધર્મભાવના નક્કી કરવાની આવાશ્યકતા પર ભાર મૂક્યો છે. છેલ્લા બે પ્રકરણોમાં ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનની તુલના કરીને જગતની સર્વમાન્ય ધર્મભાવના થવાને લાયક કોઈ પણ ધર્મ હોય તો તે અદ્વૈતમૂલક આર્યધર્મ જ છે એમ સિદ્ધ કરવાનો તેમણે પ્રયાસ કર્યો છે. વચ્ચેના પ્રકરણોમાં મણિલાલે વેદ, ઉપનિષદ્, સૂત્ર, સ્મૃતિ, ષડ્દર્શનો, બૌદ્ધ જૈન અને ચાર્વાક મતો, પુરાણો, તંત્રો અને વિવિધ પંથ–સંપ્રદાયોનો તુલનાત્મક પરિચય આપ્યો છે.[૨]
કાર્યપ્રણાલી
ફેરફાર કરોમણિલાલ એ દર્શાવવા માગે છે કે, તમામ ધર્મોના મૂળ સ્વરૂપમાં અદ્વૈત ફિલસૂફીના પાસાઓ છે. આ માટે તેઓ વિશ્વના ધર્મોનો ઇતિહાસ રજૂ કરે છે અને દરેકની લાક્ષણિકતાઓની શોધ કરે છે. તેઓ જૂના રીતિરિવાજોનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરે છે, અને સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે પુરાણોની દંતકથાઓ અને અતિશયોક્તિઓ હેતુપૂર્ણ છે. મેક્સ મુલરની પુરાણની ટીકાના જવાબમાં તેમણે પુરાણોમાં વિષ્ણુના દશાવતારનું વિસ્તૃત અર્થઘટન રજૂ કર્યું છે, જે ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતને નકારી કાઢે છે. વેદ, પુરાણ અને ઉપનિષદ વચ્ચેના સંબંધોની પ્રતીકાત્મક વ્યાખ્યા કરતાં તેઓ લખે છે: "વેદ દાર્શનિક વિચારોના ઇતિહાસનો પટારો છે; ઉપનિષદ એ સામગ્રી મેળવવા માટે તેને ખોલવાની ચાવી છે, અને પુરાણ એ દીવો છે જે આપણને તે સામગ્રીને સંપૂર્ણપણે જોવા માટે સક્ષમ બનાવે છે."[૩]
મણિલાલના જીવનચરિત્રકાર ધીરુભાઈ ઠાકરે શરૂઆતમાં મણિલાલની પદ્ધતિને તર્કસંગત હોવાનું દર્શાવ્યું હતું, જે પછીથી, વ્યક્તિગત પ્રતીતિને સ્વ-સ્પષ્ટ પ્રસ્તાવ[upper-alpha ૧] માની લેવાની તરફેણમાં આગળ વધતાં તેને ત્યજી દેવામાં આવે છે. તેઓ લખે છે કે "મણિલાલની શૈલીમાં પ્રતીતિનું એક બળ છે જે એટલું જોરદાર છે કે સરેરાશ વાચક આ નાટ્યાત્મકતાને શોધી શકતો નથી, પરંતુ તે ભાગ્યે જ કોઈ વિવેચનાત્મક વાચકની નજરથી બચી શકે છે".[૪]
આવકાર અને ટીકા
ફેરફાર કરોસિદ્ધાંતસારને મણિલાલનું સૌથી મહત્ત્વનું કામ માનવામાં આવે છે.[૫][૬] તેના પ્રકાશન સાથે મણિલાલને તેમના સમયના મુખ્ય દાર્શનિક અને ધાર્મિક વિચારકોમાંના એક તરીકે માન્યતા આપવામાં આવી હતી.[૫] આ કાર્યથી લેખકની દલીલોમાં તાર્કિક ક્ષતિઓ અને વિસંગતતાઓ અંગે બુદ્ધિજીવીઓમાં લાંબા સમય સુધી વિવાદ પણ પેદા થયો હતો.[૭] મોટા ભાગના વિવેચકો દલીલ કરે છે કે, થિસિસ સાબિત કરવાના તેમના અતિ ઉત્સાહમાં, મણિલાલ અમુક તથ્યોને સ્વ-સ્પષ્ટ તરીકે લે છે, તેમને તેના હેતુને અનુરૂપ વળાંક આપે છે, અસ્પષ્ટ સ્રોતોમાંથી પુરાવા રજૂ કરે છે અથવા પુરાવાની ગેરહાજરીમાં, સોફિસ્ટ્રીનો આશરો લે છે.[૪]
ઇતિહાસકાર વિજયસિંહ ચાવડા જણાવે છે કે: "આ કાર્ય મણિલાલના સનાતન હિન્દુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતોના લાંબા અને વિચારશીલ અભ્યાસનું પરિણામ હતું અને તેમણે તેને તેમના યોગ્ય ઐતિહાસિક સંદર્ભમાં મૂક્યા હતા."[૫] ઠાકર સિદ્ધાંતસારના પ્રકાશનને ગુજરાતમાં એક ઘટના તરીકે જુએ છે અને કહે છે કે તેનાથી શિક્ષિત વર્ગમાં એવી છાપ સુધારી છે કે પુરાણો માત્ર કાલ્પનિક વાર્તાઓ છે. સાંસ્કૃતિક ઇતિહાસકાર ત્રિદીપ સુહરુદ સિદ્ધાંતસારને "સંસ્થાનવાદી સાંસ્કૃતિક એજન્ડા અને સુધારા ચળવળો બંને માટે રસપ્રદ પ્રતિસાદ" તરીકે જુએ છે.[૮]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ દ્વિવેદી, મણિલાલ (૧૯૧૯). સિદ્ધાંતસાર (તૃતીય આવૃત્તિ). પૃષ્ઠ ૪–૫.
- ↑ ઠાકર, ધીરુભાઈ (૧૯૮૦). મણિલાલ નભુભાઈ. ગુજરાતી ગ્રંથકાર શ્રેણી (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: કુમકુમ પ્રકાશન. પૃષ્ઠ ૩૦–૩૧. OCLC 8430309.
- ↑ Thaker 1983, pp. 45–46.
- ↑ ૪.૦ ૪.૧ Thaker 1983, p. 47.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ Chavda 1982, p. 165.
- ↑ Suhrud 2009, p. 155.
- ↑ Thaker 1983, pp. 46–47.
- ↑ Suhrud 2009, p. 167.
નોંધ
ફેરફાર કરો- ↑ જ્ઞાનના સિદ્ધાંતમાં સ્વસ્પષ્ટ પ્રસ્તાવ એક એવો પ્રસ્તાવ છે કે જે કોઈ પણ પ્રમાણ વિના તેનો અર્થ સમજીને સ્વીકારી લેવામાં આવે છે.
સંદર્ભ સૂચિ
ફેરફાર કરો- Chavda, V. K. (1982). Modern Gujarat. Ahmedabad: New Order Book Company. પૃષ્ઠ 165. OCLC 9477811.
- Thaker, Dhirubhai (1983). Manilal Dwivedi. Makers of Indian Literature. New Delhi: Sahitya Akademi. OCLC 10532609.
- Suhrud, Tridip (2009). "Love, Desire and Moksha: Manibhai Nabhubhai and the Loss of Svadharma". Writing Life: Three Gujarati Thinkers. Hyderabad: Orient Blackswan. ISBN 978-81-250-3043-0.
- ઠાકર, ધીરુભાઈ (1957). મણિલાલ નભુભાઈ: જીવનરંગ. પૃષ્ઠ 150. OCLC 81126946.