સુચેતા કૃપલાની
સુચેતા કૃપાલાની (મઝુમદાર, ૨૫ જૂન ૧૯૦૮ - ૧ ડિસેમ્બર ૧૯૭૪ [૨] [૩] ) એક સ્વાતંત્ર્ય સેનાની અને રાજકારણી હતા. તેઓ ભારતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન હતા, તેમણે ૧૯૬૩ થી ૧૯૬૭ દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.
સુચેતા કૃપલાની | |
---|---|
કૃપલાની (ડાબેથી જમણે) ઉલ્લા લિન્ડ્સ્ટ્રોમ, બાર્બરા કેસલ, કેરિન વિલ્સન અને એલેનોર રૂઝવેલ્ટ સાથે (૧૯૪૯ માં). | |
ઉત્તર પ્રદેશના ૪થા મુખ્ય મંત્રી | |
પદ પર ૧ ઑક્ટોબર ૧૯૬૩ – ૧૩ માર્ચ ૧૯૬૭ | |
પુરોગામી | ચંદ્ર ભાનુ ગુપ્તા |
અનુગામી | ચંદ્ર ભાનુ ગુપ્તા |
ભારતની બંધારણ સભાના સભ્ય | |
પદ પર ૧ ડિસેમ્બર ૧૯૪૬ – ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ | |
અંગત વિગતો | |
જન્મ | ૨૫ જૂન ૧૯૦૪ અંબાલા, પંજાબ, બ્રિટિશ ભારત |
મૃત્યુ | ૧ ડિસેમ્બર ૧૯૭૪ (૭૦ વર્ષ) નવી દિલ્હી, ભારત |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | જે.બી.કૃપલાની[૧] |
પ્રારંભિક જીવન
ફેરફાર કરોતેમનો જન્મ પંજાબના (હાલ હરિયાણામાં) અંબાલામાં બ્રહ્મો પરિવારમાં થયો હતો. તેમના પિતા તબીબી અધિકારી તરીકે નોકરી કરતા હતા, તે નોકરીમાં ઘણી બદલી થતી હતી. આને પરિણામે, તેમણે ઘણી શાળાઓમાં અભ્યાસ કર્યો, તેમની અભ્યાસની અંતિમ પદવી દિલ્હીની સેન્ટ સ્ટીફન કૉલેજમાંથી ઇતિહાસ વિષયમાં માસ્ટરની રહી.
આ તે સમય હતો જ્યારે દેશના વાતાવરણમાં રાષ્ટ્રવાદી ભાવનાઓની ચડતી હતી અને સ્વતંત્રતાની લડત વેગ પકડી રહી હતી.[૪]
તેઓ કોઈ કુશળ ઇચ્છાશક્તિ અને અનુકરણીય નેતૃત્વના ગુણો સાથે જન્મ્યા ન હતા, ઉલટાના તેઓ નાનપણમાં એક શરમાળ બાલિકા હતી. તેમની અધૂરી લખેલી આત્મકથા અનુસાર તેઓ પોતાના દેખાવ અને બુદ્ધિ વિશે સ્વ-સભાન હતા. આ ઉંમરમાં જે પરિસ્થિતિઓનો તેમણે સામનો કરવો પડ્યો હતો તેણે તેમના વ્યક્તિત્વને આકાર આપ્યો. સુચેતા જણાવે છે કે, ૧૦ વર્ષની વયે કેવી રીતે તેમણે અને તેમના ભાઇ-બહેનોએ તેમના પિતા અને તેના મિત્રોને જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે વાત કરતા સાંભળ્યા હતા. આનાથી તેઓ એટલા ગુસ્સે થઈ ગયા કે તેઓએ તેઓ સાથે રમતા કેટલાક એંગ્લો-ભારતીય બાળકોને તેમના નામથી ચીડાવી પોતાનો ગુસ્સો ઠાલવ્યો.[૫]
તેમના સ્પષ્ટ શબ્દો આ પ્રમાણે હતા- “હું [જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે સાંભળ્યા પછી] અંગ્રેજો સામે ગુસ્સાનો મનમાં અનુભવ કરી શકું એટલી સમજણી થઈ ગઈ હતી. અમે [સુચેતા અને તેમની બહેન સુલેખા] અમારી સાથે રમનારા કેટલાક એંગ્લો-ઇન્ડિયન બાળકોને તમામ પ્રકારના નામ આપીને અમારો ગુસ્સો ઠાલવ્યો."
સુચેતા અને તેની બહેન સુલેખા બંને ભારતની વિસ્તરતી સ્વતંત્રતા ચળવળમાં જોડાવા માટે ઉત્સુક હતા. જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી પ્રિન્સ ઑફ વેલ્સ દિલ્હીની મુલાકાતે આવ્યા હતા. તેમની શાળાની બાલિકાઓને કુડસિયા ગાર્ડન નજીક ઊભા કરવામાં આવ્યા હતા. વેલ્સના રાજકુમાર સન્માનમાં ઊભા રહેવા માટે બન્ને બહેનો ના પાડવા ઇચ્છતી હોવા છતાં, તેઓ ના પાડી શક્યા નહીં, અને તેનાથી તેમને પોતાની ડરપોકતા પર ગુસ્સો આવ્યો.
“અમારું અંતઃકરણ શરમજનક લાગણીથી મુક્ત થઈ શક્યું નહીં. અમને બન્નેને પોતાની કાયરતાને કારણે ખુબ નિમ્નતાનો અનુભવ થયો." તેઓ લખે છે.[૬]
જ્યારે તેઓ લાહોરની કિન્નર્ડ કોલેજમાં ભણતા હતા, ત્યારે તેમના બાઇબલ વર્ગના શિક્ષકે હિન્દુ ધર્મ વિશે કેટલીક માનહારક બાબતો કહી હતી. ગુસ્સે ભરેલી, સુચેતા અને તેની બહેન ઘરે ગયા અને તેમના પિતાને તેમની મદદ કરવા કહ્યું. તેમણે તેમને કેટલાક ધાર્મિક ઉપદેશો પર પ્રશિક્ષણ આપ્યું, અને બીજા દિવસે, છોકરીઓએ તેમના શિક્ષકનો ભાગવદ્ ગીતાના અવતરણ ટાંકી સામનો કર્યો. શિક્ષકે વર્ગમાં ફરી ક્યારેય હિન્દુ ધર્મનો ઉલ્લેખ ન કર્યો! [૭]
આગળ જતાં તેણીએ ઇન્દ્રપ્રસ્થ કોલેજ [૮] અને પંજાબ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો.[૯] તેઓબનારસ હિંદુ યુનિવર્સિટીમાં બંધારણીય ઇતિહાસના પ્રોફેસર બન્યા. ઈ.સ. ૧૯૩૬માં, તેણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી વ્યક્તિ જે.બી.કૃપલાની સાથે લગ્ન કર્યા, જે તેમનાથી વીસ વર્ષ મોટા હતા. આ લગ્નનો બંને પરિવારો તેમજ ખુદ ગાંધીજી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જોકે આખરે તેમણે તેનો સ્વીકાર કર્યો હતો. [૧૦]
સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા
ફેરફાર કરોતેમના સમકાલીન અરુણા અસફ અલી અને ઉષા મહેતાની જેમ તેઓ ભારત છોડો આંદોલન દરમિયાન આગળ આવ્યા. ત્યાર બાદ તેમણે ભારતના ભાગલા સમયે થયેલા રમખાણો વખતે મહાત્મા ગાંધી સાથે મળીને કામ કર્યું હતું. ઈ.સ. ૧૯૪૬માં તેઓ ગાંધીજી સાથે નોઆખાલી ગયા હતા. તેણી કેટલીક એવી મહિલાઓમાંની એક હતી કે જેઓ બંધારણ સભામાં ચૂંટાયા હતી અને ભારતીય બંધારણના મુસદ્દા તૈયાર કરતી પેટા સમિતિનો ભાગ હતા. તે પેટા સમિતિ ભારતના બંધારણની રૂપરેખા બનાવી. ૧૪ ઑગસ્ટ, ૧૯૪૭ ના દિવસે, જવાહરલાલ નેહરુએ તેમના પ્રખ્યાત "ટાયરેસ્ટ વિથ ડેસ્ટિની" શીર્ષકનું ભાષણ આપ્યાની થોડી મિનિટો પહેલા, તેમણે બંધારણ સભાના સ્વતંત્રતા સત્રમાં વંદે માતરમ્ ગાયું હતું. [૧૧] તેમણે ઈ.સ. ૧૯૪૦માં ઑલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસની સ્થાપના કરી હતી.
સ્વતંત્રતા પછી
ફેરફાર કરોસ્વતંત્રતા પછી તેઓ રાજકારણમાં સામેલ રહ્યા. ઈ.સ. ૧૯૫૨માં પહેલી લોકસભાની ચૂંટણીઓ માટે, તેમણે કે. એમ. પી. પી. ની ટિકિટ પર નવી દિલ્હીથી ચૂંટણી લડી હતી. આ પાર્ટી એક વર્ષ પહેલા જ તેના પતિ દ્વારા સ્થાપાઈ હતી. જો કે તે પાર્ટીની આવરદા ટૂંકી રહી હતી. તે ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર મનમોહિની સહગલને હરાવી હતી. પાંચ વર્ષ પછી, ફરી તેજ જ મત વિસ્તારમાંથી તેઓ ચૂંટાઇ આવ્યા હતા, પરંતુ આ વખતે તેમણે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.[૧૨] ઈ.સ. ૧૯૬૭માં ઉત્તર પ્રદેશના ગોંડા મતવિસ્તારથી તેઓ છેલ્લી વખત લોકસભા માટે ચૂંટાઇ આવ્યા હતા.[૯]
આ દરમિયાન, તેઓ ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય પણ બન્યા ગઈ હતા. ઈ.સ. ૧૯૬૦ થી ૧૯૬૩ સુધી, તેમણે ઉત્તર પ્રદેશ સરકારમાં શ્રમ, સમુદાય વિકાસ અને ઉદ્યોગ પ્રધાન તરીકે સેવા આપી હતી. [૯] ઑક્ટોબર ૧૯૬૩ માં, તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા અને આ સાથે તેઓ ભારતના કોઈપણ રાજ્યમાં આ પદ સંભાળનારી પ્રથમ મહિલા બન્યા. તેમના કાર્યકાળની વિશેષતા એ રાજ્યના કર્મચારીઓની હડતાલનું કડક સંચાલન હતું. રાજ્યના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી આ પ્રથમ હડતાલ ૬૨ દિવસ સુધી ચાલુ રહી. તેમણે ત્યારે જ નમતું આપ્યું જ્યારે કર્મચારીઓના નેતાઓ સમાધાન માટે સંમત થયા હતા. કૃપલાનીએ પગાર વધારાની તેમની માંગને નકારીને એક કડ પ્રબંધક તરીકેની તેમની પ્રતિષ્ઠા જાળવી રાખી હતી.
તેમણે ઈ.સ. ૧૯૭૧ માં રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી અને ઈ.સ. ૧૯૭૪ માં તેમના મૃત્યુ સુધી તેઓ એકાંતમાં રહ્યા હતા.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Sucheta Kripalani: Biography: Sucheta Mazumdar: Famous Sindhi Woman: Politician: Acharya Kripalani | The Sindhu World". thesindhuworld.com. મેળવેલ 1 March 2018.
- ↑ http://www.sandesh.org/Story_detail.asp?pageID=1&id=48
- ↑ "Archived copy". મૂળ માંથી 2 May 2012 પર સંગ્રહિત. મેળવેલ 2012-06-06.CS1 maint: archived copy as title (link)
- ↑ "sucheta-kriplani-crying-freedom". Live History India. મૂળ માંથી 2019-12-03 પર સંગ્રહિત. મેળવેલ 2019-12-03.
- ↑ "Sucheta Kripalani & the Fight for Freedom". Live History India. મૂળ માંથી 2019-12-03 પર સંગ્રહિત. મેળવેલ 2019-12-03.
- ↑ "Meet India's First Woman CM". The Better India.
- ↑ "-". Live History India. મૂળ માંથી 2019-12-03 પર સંગ્રહિત. મેળવેલ 2019-12-03.
- ↑ "Vital statistics of colleges that figure among India's top rankers". India Today. 21 May 2001.
- ↑ ૯.૦ ૯.૧ ૯.૨ "Kripalani, Shrimati Sucheta". Lok Sabha. મૂળ માંથી 2018-12-25 પર સંગ્રહિત. મેળવેલ 2012-06-06.
- ↑ Usha Thakkar, Jayshree Mehta (2011). Understanding Gandhi: Gandhians in Conversation with Fred J Blum. SAGE Publications. પૃષ્ઠ 409–410. ISBN 978-81-321-0557-2.
- ↑ "Constituent Assembly of India - Volume-V". Parliament of India. 14 August 1947. મૂળ માંથી 4 September 2013 પર સંગ્રહિત. મેળવેલ 18 January 2016.
- ↑ David Gilmartin (2014). "Chapter 5: The paradox of patronage and the people's sovereignty". માં Anastasia Pivliavsky (સંપાદક). Patronage as Politics in South Asia. Cambridge University Press. પૃષ્ઠ 151–152. ISBN 978-1-107-05608-4.